વજાભાઈ પટેલિયા - થાંભા ગામ

  January 12, 2017

વ્યસનોમાં અથડાતી, અંધશ્રદ્ધામાં અટવાતી, પશુ-સમજીવન જીવતી એ આદિવાસી પ્રજા ને ઉગારવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એમનો હાથ ઝાલ્યો. આદિવાસીમાંથી અનાદિમુક્તની સ્થિતિ પમાડી આમૂલ પરિવર્તન કર્યું. આવા જ એક આદિવાસીમાંથી અનાદિમુક્તની પદવી પામેલ મુક્તની જીવન પરિવર્તન ગાથાને માણીએ...

“દેશ-વિદેશે બાપજી પરાણે જાતા,

અમ ગરીબોને ઘેર ગુરુ, સામે ચાલી આવતા,

અમને પોતાના જાણી, ડુંગરાઓ ચડતા.”

વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીનો રાજીપો પંચમહાલી સત્સંગીઓ પર સદાય વરસતો જોવા મળે છે. પંચમહાલના આદિવાસી વિસ્તારના પ્રજાજનને દિવ્યજીવનનો ઘાટ આપવા ગુરુવર્ય પ.પૂ. બાપજી પૂર્વે ને આજે પણ (વર્તમાન સમયે) નિરંતર વિચરણ કરે છે, જેના પરિપાક રૂપે વર્તમાનકાળે એ દિવ્યપુરુષની કૃપાથી અનેક આદિવાસી બંધુઓનાં જીવન સત્સંગના રંગથી રંગાયાં છે. વાતોથી વર્તન અને પરિવર્તન સુધી ડગ માંડ્યા છે. આવો ત્યારે, સત્સંગના રંગથી રંગાયેલ એક આદિવાસી બંધુના જીવનના સત્સંગ રંગને માણીએ...

આ પરિવર્તન ગાથા છે પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકાના થાંભા ગામના રહેવાસી વજાભાઈ પટેલિયાની. જ્યારે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની ઓળખાણ નહોતી થઈ, દિવ્ય કારણ સત્સંગનો યોગ પણ પ્રાપ્ત નહોતો થયો, ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુુરુષોની પ્રાપ્તિય થઈ નહોતી તે પહેલાંનું તેઓનું જીવન સાવ જાનવર કક્ષાનું હતું. તે વિષે જણાવતાં તેઓ કહે છે કે, “મારા જીવનની વાત કરું તો બીડી, તમાકુ ને હોકા-હોકલી આદિ વ્યસન ભાળ્યું મૂકતા નહિ; માટલા દારૂ ઢીંચતા; તીર-કામઠાં રાખીને શિકાર કરતા; અમારી માથાભારે જાત હતી; ભલાં કૂકડાં ને બકરાં મારતા ને એ પાપે અમે ને અમારો ઘર-પરિવાર ખૂબ જ રિબાતા. પણ જ્યારથી ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી અમને મળ્યા ત્યારથી મને અને મારા પરિવારના સર્વે સભ્યોને નવો જન્મ મળ્યો. મારું તો પરિવર્તન થયું પણ સાથે સાથે મારા પરિવારનું પણ પરિવર્તન થયું. અરે ! મારા પરિવારના સભ્યો તો મારાથી પણ સવાયા થયા. એક સમયની મારી ને મારા પરિવારની અમાનવીય ને અભક્ષ્ય જીવનશૈલી સાવ ધરમૂળથી બદલાઈ ગઈ. આજે મારું ને મારા પરિવારનું જીવન ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીની મરજી મુજબનું થયું છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીના સમાગમે અમારા પરિવારમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા દૃઢ થઈ છે તો પ.પૂ. સ્વામીશ્રીના સંગે અમારા સર્વેનું જીવન આજ્ઞામય-વર્તનમય બન્યું છે. અરે ! આ દિવ્ય સત્પુરુષોએ મારી મેલી મંથરાવટી બદલીને મને ‘મુક્ત’ કર્યો છે...” આમ, એમના જીવનપરિવર્તનની અનુભૂતિ આપતા કીર્તનમાં તેમનો રજમો (ખુમારી) તો જુઓ !!

“એવા ગુરુના ચેલા થઈ ફરતા રે, શું ફરે જાનવર ?

પણ દા’ડો અમારો પલટ્યો રે, હવે નથી જાનવર.”

ઈ.સ. ૧૯૯૨માં સત્સંગના રંગે રંગાયા બાદ તેઓ ગોધર મંદિરે પૂ. સંતોની સાથે સેવામાં જોડાયા. છ વર્ષ સુધી નિરંતર સંતોની સેવાને લીધે તેમને ૧૯૯૮-૯૯માં ગુજરાત એસ.ટી. બસની સરકારી નોકરી મળતાં તેઓ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રહેવા ગયા. ત્યાં પણ એમને ચડેલો શ્રીહરિ ને ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવાનો રંગ અલ્પમાત્ર ઓછો ન થયો. એ સમયે મહારાજની ઇચ્છાથી એમના જીવનમાં ઘણા પ્રસંગો બન્યા. તેઓ ડ્રાઇવર એટલે એમની બદલી હાલતાં-ચાલતાં થઈ જાય. આમ તેઓને ૨-૫-૧૦-૧૫ દિવસ ઘરથી દૂર રહેવાનું થતું. ત્યારે તેઓ નિરંતર મહારાજની આજ્ઞાને સરાધાર પાળવા પૂજા સાથે જ રાખતા. એવા સમયે બહારનું ગાળ્યા-ચાળ્યા વિનાનું અભક્ષ્ય ન જમતાં તેટલા દિવસ સાથે લઈ ગયેલ ભોજન જમતા. એવામાં એક દિન તેમને અચાનક ચૂંટણીને લીધે ઑર્ડર થતાં કચ્છના માંડવી ખાતે જવાનું થયું. ઑર્ડર થયો ત્યારે કેટલા દિવસ રહેવાનું છે તે નક્કી નહોતું. વળી, આમ અચાનક જવાનું થયું હોવાથી પૂજા ને નાસ્તો લઈ જવાનાં રહી ગયાં. તેઓ કચ્છના માંડવી ખાતે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે અહીં પાંચ દિવસ રહેવાનું છે. ત્યારે તેઓથી આ પાંચ દિવસ પૂજાએ થઈ શકી નહીં. શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ પૂજા કર્યા વગર પાણી પણ ન પિવાય. તેથી તેમણે પાંચ દિવસ ખાધા-પીધા વગર કાઢ્યા. ક્યારેય એમને મહારાજે આપેલ આજ્ઞા લોપવાનો મોળો સંકલ્પ સુધ્ધાં પણ ન થયો. વળી, આ સમય દરમ્યાન એમના સહસાથી કર્મચારીઓને આ ખબર પડતાં તેઓને ઘણું સમજાવ્યા પણ તોય તેઓ કોઈની મહોબતમાં ન લેવાયાં. ને છઠ્ઠા દિવસે ઘરે આવી પૂજા કરી પાણી પીધું ને ઠાકોરજી જમાડ્યા.

રૂપાભાઈની જેમ વજાભાઈની આજ્ઞામાં સરાધાર રહેવાની અજબ ને અડગ ટેકે આપણને વર્તમાનકાળે ઘોર કળિયુગમાં પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીએ સર્જેલી ‘સહજાનંદી સિંહ’ સેનાની પ્રતીતિ કરાવે છે. તેથી આ સહજાનંદી સિંહની રીત વર્ણવતાં કહ્યું છે ને,

“વહેલા ઊઠીને નિત્ય સ્નાન પૂજા કરીએ,

પાણીનું ટીપું પણ પછી મુખે ધરીએ,

રૂડો તિલક-ચાંદલો કરી, શ્રીજીને વરીએ.”

વજાભાઈ જેવા નિયમ-ધર્મમાં ખબડદાર તેવા ને તેવા મહારાજ, મોટા તથા સંતોનો પક્ષ રાખવાની બાબતમાં પણ શૂરા-પૂરા છે. એક દિવસ એમના સંબંધીજને મહારાજ, બાપજી, સ્વામીશ્રી તથા પૂ. સંતો વિષે જરા હીણું બોલવાનું શરૂ કર્યું. એ બોલતા હતા ત્યારે તેઓએ તેમને ખુમારીથી હાકોટો મારી ચૂપ કરી દીધા. અને તેમને સણસણતો ઉત્તર આપી દીધો : “તમને મારા મહારાજ, મારા ગુરુ ને સંતો વિષે કોઈ દિવ્યભાવ ન હોય તો મારે ને તમારે શું લેવા-દેવા !? આજથી તમારું મોં પણ નહિ જોઉં...” એમ કહી ઝીણાભાઈ જેવો પક્ષ એમણે રાખી, પોતાનું ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી પ્રત્યેનું શિષ્યત્વ દાખવ્યું હતું.

વજાભાઈએ મહારાજના સંકલ્પ માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીના શરણે એક દીકરાનું પણ સમર્પણ કર્યું છે. આ પુત્રને નાનપણથી ‘આપણો જન્મ મહારાજ, બાપજી ને સ્વામીશ્રી માટે છે’ એવા સત્સંગનાં પીયૂષ પાયાં હતાં. સંકલ્પ પ્રાર્થનાના શબ્દોને તેમણે સાકાર કર્યા હતા :

“દીકરા-દીકરી ઘરનાં સભ્યો અનાદિમુક્ત મનાવજો,

મારા છે એ ભાવ ભૂલીને તવ અર્થે જિવાડજો.”

જ્યારે તેમણે દીકરાને અર્પણ કર્યાના સમાચાર તેમના સંબંધીઓને મળ્યા તો તે સંબંધીઓએ તેમનો ખૂબ જ વિરોધ કર્યો ને એમના સમાજમાં ખોટો પ્રચાર ચાલુ કરી તેમને ખૂબ જ નામોશી અપાવી. વળી, આ નામોશી દિન-પ્રતિદિન વધારવામાં તેમના સંબંધીઓએ કોઈ રીતે બાકી રાખ્યું નહોતું. છતાં આ બધાની સામે તેઓ ટસના મસ ન થયા. ને બધાને ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીના મમત્વભાવે એક જ ઉત્તર આપતા : “ઘનશ્યામ (પૂ. દર્શન ભગત) ઘનશ્યામ મહારાજ, બાપજી ને સ્વામીશ્રીનો છે. એમનો છે, એમનો જ રહેશે...” આ પરિસ્થિતિ તેમણે બે-ત્રણ વર્ષ સુધી વેઠી પણ પોતાનો બાપજી-સ્વામીશ્રી પરત્વેનો નાતો અલ્પમાત્ર ઓછો ન થવા દીધો.

ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીની કૃપાએ વજાભાઈના જીવનમાં થયેલ પરિવર્તનને લીધે તેઓ ખૂબ જ કૃતાર્થપણું અનુભવતાં કહે છે, “ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી માટે સો સો માથાં અર્પણ કરીએ તોય આ દિવ્ય સત્પુરુષોના ઋણમાંથી મુક્ત થવાય એમ નથી... ત્યારે એ દિવ્યપુરુષોનું ઋણ શી રીતે ચૂકવવું... હું તો એમનો ઋણદાર છું...”