વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૧

  February 17, 2020

એક ન્યાયપ્રિય રાજાના નગરમાં એક ખેડૂત ખેતી કરી આનંદથી જીવનનિર્વાહ ચલાવતો હતો. ખેડૂત કોઈ કારણોસર રાજ્યના વાંકમાં આવતાં રાજાએ હદપાર કર્યો અને રાતોરાત નગર છોડીને ચાલ્યા જવાનો હુકમ કર્યો.
રાજાનો હુકમ સાંભળી ખેડૂત વિમાસણમાં પડી ગયો કે, ‘હવે શું કરું ? ક્યાં જઈશ ?’ આ ચિંતામાં રાત્રે તેને ઊંઘ આવતી ન હતી. અચાનક વિચાર સ્ફુર્યો. ખેડૂત નચિંત થઈ સૂઈ ગયો. ખેડૂત વહેલી સવારે કરિયાણાની દુકાનેથી નાળિયેર અને સાકરનો પડો લઈ દરબારમાં ગયો.
દરબારીઓ સાથે રાજદરબારમાં રાજા બેઠા હતા. એ વખતે ખેડૂત પ્રવેશ્યો. ખેડૂતને જોઈ રાજા અકળાઈ ઊઠ્યો કે, “તને કાલે નગર છોડી જવાનું કહ્યું હતું તો હજુ કેમ ગયો નથી ? શું કામ મને મોં બતાવવા આવ્યો છે ? જતો રહે અહીંથી.”
ઠાવકાઈથી ખેડૂતે કહ્યું, “રાજન્ ! આપના હુકમને ઉલ્લંઘનાર હું કોણ ? હું તો રાત્રે બધી ઘરવખરી ગાડામાં ભરી પરિવાર સાથે જઈ રહ્યો હતો. અંધારી રાતમાં અચાનક તેજ દેખાયું. એ તેજમાં મને આપનાં ભગવાન રૂપે દર્શન થયાં. કૃપાનાથ ! મને થયું કે મારા રાજા તો સાક્ષાત્ ભગવાન છે. આજ સુધી મેં ઓળખ્યા જ નહિ, મારાથી આપનો બહુ મોટો અપરાધ થઈ ગયો છે. તેથી મેં માનતા માની કે સવારે રાજારૂપ ભગવાનનાં દર્શન કરી, ભેટ ધરી પછી જઉં. માટે મારી માનતા પૂરી કરવા આવ્યો છું. બસ હવે જઉં જ છું.”
દીવાનજી ખેડૂતની વાત આશ્ચર્યભરી શંકા સાથે સાંભળતા હતા તેથી તેમણે રાજાને પૂછ્યું, “રાજન્, આ ખેડૂત કહે છે તેમ તમે સાચે જ ભગવાન છો ?” રાજાએ કહ્યું, “દીવાનજી, ખેડૂત કહે છે તો હું ભગવાન હોઉં તો હોઉં.”
ખેડૂતના યુક્તિભર્યા વખાણના શબ્દો સાંભળી રાજાએ તેને હદપાર કરવાને બદલે ભેટ-સોગાદો ધરી દીધી. વખાણના બે શબ્દોએ માત્ર રાજાના હુકમને જ નહિ, માનસને પણ ફેરવી નાખ્યું.
વખાણ એ મૈસુબ અને પેંડા કરતાં પણ અતિ સ્વાદિષ્ટ છે. તેનો સ્વાદ દરેકને ગમે છે. તેથી જ મોટા રાજા-મહારાજાઓ તેમની પાસે બધું જ હોવા છતાં વખાણના ભૂખ્યા હતા. પોતાનાં વખાણ થાય તે માટે રાજદરબારમાં ભાટ-ચારણો રાખતા. આ ભાટ-ચારણો રાજાનાં વખાણ કરે, તેમના ગુણની પ્રશંસા કરતા છંદો, શ્લોકો રચીને ગાય. તેથી રાજા ખુશ ખુશ થઈ તેમને ભેટ-સોગાદોનો ઢગલો કરી આપતા કે એક-બે ગામ ભેટમાં પણ આપી દેતાં.
વખાણ એ હિમાલય જેવા અડગને પણ પિગાળી નાખે છે. એમાંય માનની ભૂખવાળા તરત જ વખાણથી ફુલાઈ જાય અને સામેવાળાને નમી દે છે. તેના અવગુણમાં પણ ગુણ દેખાય છે અને જો કોઈ કુવખાણે કે નિંદા-ટીકા કરે કે રોકટોક કરે તો તેના સારા ગુણ પણ અવગુણરૂપ થઈ જાય છે.
શ્રીજીમહારાજે લોયાના ૧૬મા વચનામૃતમાં માનીના આ સ્વભાવનું નિદર્શન કરતાં કહ્યું છે કે, “જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે, જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય તે સર્વેને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને ને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં સો ગુણ હોય તે સર્વેને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માને.”
કોઈ વ્યક્તિને વિચારપૂર્વક વખાણની ઇચ્છા રાખવી પડતી નથી. આંતરજીવનમાં આપમેળે તેની સ્ફુરણા થાય છે. વખાણની ઇચ્છા માત્ર જાગ્રતમાં નહિ પણ સ્વપ્નમાંય રહે છે. ક્યારેક તો વખાણનાં દીવાસ્વપ્ન પણ આવવા માંડે છે. જાગ્રતમાં કોઈ વખાણ કરે તો ખુશ થઈ જવાય પણ સ્વપ્નમાંય જો કોઈએ વખાણ કર્યા હોય તો ખુશ ખુશ થઈ જવાય છે. સૂક્ષ્મ અવલોકન કરીએ તો આપણા જીવનમાં માંહીથી જે આનંદ-ખુશી આવતાં હોય છે તે ક્યારેક વખાણની ઇચ્છા સંતોષાઈ હોય તેનાં પણ હોય છે.
દિવસ દરમ્યાન આપણે ઘણી વ્યક્તિઓની સાથે વાતચીત કરવાની થતી હોય છે તથા અન્યનો વાર્તાલાપ પણ સાંભળવાનો થતો હોય છે. એમાં જેટલાં આપણાં વખાણ થાય કે વખાણની ઇચ્છા સંતોષાય એટલા આપણે ખુશ થતા હોઈએ છીએ, કામ કરવાનો મૂડ આવી જતો હોય છે, કાર્યક્ષમતા વધી જતી હોય છે.
વખાણની આવી ઇચ્છા વ્યક્તિમાં મોટા થયા પછી જ રહેતી હોય છે એવું નથી. બાલ્યાવસ્થાથી જ દરેકમાં તેનાં બીજ રોપાયેલાં હોય છે. જો ક્યારેક ધ્યાન દઈને ચકાસીએ તો નાના બાળકમાં પણ વખાણની અપેક્ષા સમજણા થાય તે પહેલાંથી હોય છે.
 જો કોઈ બે વાલી તેમના દોઢ-બે વર્ષના સંતાન અંગે ચર્ચા કરતા હોય કે, “મારો દીકરો મોન્ટુ બહુ હોશિયાર છે, તે સરસ ઢોલક વગાડે છે, તેને મોબાઇલ પણ ચાલુ કરતા આવડે છે.” આવા દોઢ વર્ષના મોન્ટુનાં વખાણ તેના વાલી બીજા પાસે કરતા હોય તો તરત જ મોન્ટુનું મોં મલકાય છે, ખુશ થાય છે. તરત જ તેને ખબર પડે છે કે આ મારાં વખાણ થાય છે. પરંતુ એ જ જગ્યાએ જો બાળકના તોફાનીપણાની કે જિદ્દીપણાની ટીકા કરતા હોય કે તેને વઢીને બે શબ્દો કહેવામાં આવે ત્યારે તરત મોં પર અણગમો પ્રદર્શિત કરે છે અથવા તો રડવા માંડે છે. આ જ સ્પષ્ટ કરે છે કે નાના બાળકથી માંડી બધાને વખાણ ગમે છે; વઢવું કે રોકટોક કોઈને ગમતાં નથી.
દરેક વ્યક્તિ વખાણની પ્યાસી હોય છે. જો કોઈ વખાણ કરતું હોય તો દાદા હોય તોપણ તેના દાસ થઈ જાય. ઘણી વાર કોઈ મીઠી વાક્ છટા ધરાવનાર ‘પોલ્સન મારી’ (ખોટા વખાણવા) કોઈ વ્યક્તિનાં વખાણ કરતા હોય કે, “અહોહો ! તમારી વાત ન થાય. તમારી કેવી આવડત ! કેવી તમારામાં આપસૂઝ છે ! વાહ, તમારી તો અલગ જ પર્સનાલિટી પડે ! ખરેખર તમારી તોલે બીજું કોઈ ન આવે !” આવાં જે વ્યક્તિનાં વખાણ થતાં હોય તેને પણ ખબર હોય કે આ વ્યક્તિ ખાલી પોલ્સન મારે છે. મારી આગળ બોલે છે જુદું અને એના મનમાં કંઈક જુદું છે. તેમ છતાં અંદર રહેલી વખાણ સાંભળવાની ભૂખને કારણે તે ગમે છે, ગળ્યું લાગે છે.
દુનિયાભરમાં નાની કે મોટી, અમીર કે ગરીબ, સત્તાધારી કે ગુલામ, સંસારી કે સંન્યાસી કોઈ પણ વ્યક્તિ હોય પણ દરેકને વખાણની ઇચ્છા તો રહે જ છે.

મહારાજની અનહદ કરુણાથી આપણને કારણ સત્સંગનો યોગ થયો છે ત્યારે સત્સંગમાં આવી વખાણની ઇચ્છાનો ત્યાગ કરી રાજીપાના પાત્ર બની શકીએ.