વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-10

  April 20, 2020

મોટાપુરુષ તો રોકટોકરૂપી વચનના ડંખ મારી આપણા અનાદિકાળના સ્વભાવ, દેહાદિકભાવો, કુટેવો, મનના ઠરાવો મુકાવવા જ મથી રહ્યા છે. ન ગમે તોપણ પરાણે ઓળખાવી રહ્યા છે. પરંતુ આ પરિસ્થિતિ બહુ લાંબો સમય ન ટકે.
વ્યવહારમાં પણ જોઈએ તો બાપ દીકરાનું સારું કરવા બે-ચાર-પાંચ વાર એક બાબત માટે ટોકે છતાં દીકરો સ્વીકાર ન કરે અને અવળો જ ચાલે, કહ્યું કરે નહિ તો બાપ નિરાશ થઈ રોકટોક કરવી મૂકી દે અને એમ કહે, “મરવા દો એ જ લાગનો છે.” તેમ મોટાપુરુષ આપણને રોકટોક કરે છે પરંતુ તેઓ કાયમ માટે રોકટોક કરી આપણું જીવન સુધારી શકે તે માટે એમની રોકટોકનો સહર્ષ સ્વીકાર કરવો. કદાચ ઉપલક દ્રષ્ટિએે આપણને આપણી કસર ન દેખાતી હોય તોપણ દલીલ કર્યા વગર તેનો સ્વીકાર કરી લેવો તો મોટાપુરુષ આપણને નિધડકપણે રોકીટોકી શકે અને એની ઉપર જ હેત થાય છે. પણ જે અવળું લે તે ઉપર હેત થાતું નથી.
તથા ગઢડા છેલ્લાના ૨૩મા વચનામૃતમાં પણ સવળું લેવાની રીત શિખવાડી છે કે, “ભગવાન ને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું જે મારાં મોટાં ભાગ્ય જે મારી ઉપર ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થયા, અને શિક્ષાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્ત વઢે ત્યારે પણ એમ વિચારવું જે મારાં મોટાં ભાગ્ય જે મુને ભગવાન ને ભગવાનના ભક્ત વઢ્યા, જેણે કરીને મારામાં અવગુણ હશે તે જાશે એવી રીતે વઢે તોપણ રાજી થવું. પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો ને કચવાવવું નહિ, ને પોતાના જીવને અતિ પાપી ન માનવો.”
અમદાવાદના દામોદરભાઈને સંતો ક્યારેક વગર વાંકે વઢતા. આ જોઈ શ્રીજીમહારાજ તેમનું ઉપરાણું લેતા ત્યારે દામોદરભાઈ સવળો વિચાર કરી કહેતા કે, “મહારાજ, સંતો તો બહુ દયાળુ હોય, મારો આ જન્મનો વાંક નહિ હોય તો ગયા જન્મનો વાંક હશે. તેઓ વગર વાંકે વઢે જ નહીં.” એક વખત તો ચર્ચા દરમ્યાન એક સંતે તેમને તમાચો મારી દીધો છતાં તેમને પિતાતુલ્ય ગણ્યા. જરાય કચવાયા નહિ, તો શ્રીજીમહારાજ તેમની ઉપર અત્યંત રાજી થયા.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે, “જેને રોકનાર-ટોકનાર નથી મળ્યા તેના કરમ ફૂટ્યાં છે.” ન મળે તેના તો કરમ ફૂટ્યા કહેવાય પણ મળ્યા છતાં રોકટોક ન કરી શકે તો તે જીવનની ટ્રેજડી અર્થાત્ દુખદ ઘટના કહેવાય. આપણને તો મોટાપુરુષ મળ્યા જ છે માટે તેમની રોકટોકને ગમાડવી.
મોટાપુરુષ આપણને રોકટોક કરે ત્યારે સવળું લીધા પછી પણ તે મારી કસર છે જ તેવો તેમના વચનમાં વિશ્વાસ રાખવો. મોટાપુરુષને વિષે પોતાપણાનો ભાવ રાખવો અને આપણે એમના થઈને રહીએ તો આપણને વઢી શકે, રોકીટોકીને પાછા વાળી શકે.
શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૬૩મા વચનામૃતમાં કહ્યું છે કે, “જેમ પોતાના દેહના કુટુંબી હોય ને તેને હિતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ.”
દેહનાં સગાંસંબંધી વઢે એટલું જ નહિ પણ કદાચ મારે, અપશબ્દ બોલે તોપણ તેમનો અભાવ આવતો નથી. કારણ, તેઓ મારા પોતાના છે, હું એમનો છું એવું દ્રઢપણે મનાઈ ગયું છે. તેમ જો આપણે મોટાપુરુષના પોતાના થઈને રહીએ તો તેઓ આપણા આત્માના રોગ ટાળવા કડવાં વેણ કહી રોકટોક કરી શકે, વઢી શકે. તેથી જ શ્રીજીમહારાજની આજ્ઞાથી સદ્. મુક્તાનંદ સ્વામીએ ગંગામાને આપેલા ઉપદેશરૂપી કીર્તનમાં લખ્યું છે કે,
“કડવાં વેણ કહે પોતાના દાસને,
ઔષધ સમ આપે ઉત્તમ ઉપદેશ જો.”
જેમ કોઈ રોગી વૈદ્ય પાસે જાય તો તેનો રોગ ટાળવા વૈદ્ય રોગીને ન ગમે તોપણ કડવું ઔષધ આપે છે. કારણ, તેને નિરોગી કરવો છે. તેમ મોટાપુરુષ જીવને નિરોગી કરવા વૈદ્ય બને છે. કડવાં ઔષધ પાઈ દેહભાવ ટળાવી મુક્ત બનાવે છે. માટે મોટાપુરુષને આપણા હિતેચ્છુ માની કડવા ઔષધને જડીબુટ્ટી માની પીવા; તો જ મુક્તભાવ પ્રગટે.
“સંત ધન્વન્તર વૈદ્ય સમ જૈસો રોગી જેહું,
મુક્ત બનાવત તાહુ કો, તૈસો ઔષધ તેહું.”
મોટાપુરુષ જ વૈદ્ય બની આપણા દોષ અને ભવરોગ ટળાવી આત્યંતિક કલ્યાણ કરે છે. માટે તેમની પાસે પોતાના કલ્યાણનો સ્વાર્થ રાખવાથી તેમનાં ગમે તેવાં આકરાં વેણને પણ સહી શકાય.
સ્થિતિના માર્ગમાં જ્યાં સુધી સિદ્ધદશાને કહેતાં સ્થિતિને ન પમાય ત્યાં સુધી મોટાપુરુષની રોકટોકની જરૂર દરેક સાધકને પડે જ. એમની રોકટોક જ જીવનધ્યેયને સ્પષ્ટ અને દ્રઢ રખાવે છે. ભૂલ ઓળખાવી આગળ વધવા માટે નવી દિશા આપે છે. માટે મુમુક્ષુતા કેળવવા વખાણને ત્યજી રોકટોકને વધુ ને વધુ ગમાડવી. જે પોતાનું ધાર્યું ન થાય અને રોકટોક સતત મળે તેવી ઇચ્છા રાખે તે મુમુક્ષુતાના માર્ગમાં કામ કાઢી જાય.
મોટાપુરુષ થકી થતી રોકટોક અને વઢવું એ મુમુક્ષુતાના માર્ગની સંજીવની છે. પરંતુ કાયમ માટે મોટાપુરુષની જ રોકટોક મળે, તેમનું નિરંતર સાંનિધ્ય મળે તેવું દરેક માટે બનવાનું નથી. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી કહેતા હોય છે કે, “માત્ર મોટાપુરુષની જ નહિ, વડીલ સંતની, ઉપરીની રોકટોકને ગમાડવી. એટલું જ નહિ, આપણા સમોવડિયા કે આપણાથી નાના હોય તેની રોકટોક ને વઢવાને પણ ગમાડવું. તેઓ આપણી કસર ઓળખાવે તોપણ રાજી થવું. મોટાપુરુષની રોકટોક તો કદાચ મહિમાએ કરીને સ્વીકારાય. ક્યાંક સત્તા અને બીકે કરીને અથવા આપણું ચાલતું ન હોય એટલે સ્વીકારીએ પરંતુ ઉપરી અને નાનાની રોકટોકનો સ્વીકાર થાય તે સાચી મુમુક્ષુતા છે.
મોટાપુરુષની રોકટોક સ્વીકારાય તો ૨૦% મુમુક્ષુતા પ્રગટે, વડીલ સંતની રોકટોક સ્વીકારાય તો ૪૦% મુમુક્ષુતા પ્રગટે, ઉપરીની રોકટોક સ્વીકારાય તો ૬૦% મુમુક્ષુતા પ્રગટે, સહસાથીની રોકટોક સ્વીકારાય તો ૮૦% મુમુક્ષુતા પ્રગટે, અને આપણાથી નાનાની પણ રોકટોકનો સ્વીકાર થાય તો ૧૦૦% મુમુક્ષુતા પ્રગટે.” અર્થાત્ મુમુક્ષુતા પ્રગટાવવા માટે માત્ર મોટાપુરુષની જ નહિ, સૌની રોકટોકનો અને વઢવાનો સ્વીકાર કરવો.

  સ્વજીવનમાં તપાસ કરીએ કે સ્વજીવનમાં કેટલા ટકા મુમુક્ષુતા પ્રગટી છે ? એ તપાસ્યા બાદ બસ, ત્યાં અટકી ન જતાં આગળ પ્રગતિ કરીએ.