વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૩

  March 2, 2020

એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. અતિશે ઠંડીના કારણે તેમની ચામડી ફાટી તેમાંથી લોહી નીકળતું હતું. તેમ છતાં તેઓ ઘેલાના ઠંડા પાણીમાં ગળાડૂબ બેસી દસ વાગ્યા સુધી ભજન કરી આકરું તપ કરતા.
અંતર્યામી મહારાજથી આ કાંઈ અજાણ્યું ન હતું. તેમ છતાં તેઓ કશું જાણતા ન હોય તેમ જ વર્તતા હતા. શ્રીજીમહારાજ અતિ દયાળુ હતા. કોઈ ભક્તને સેવા કરતા, આકરું તપ-જપ-ભજન કરતા જુએ તો અતિશે રાજી થઈ જતા. તેમની પ્રશંસા કરી પ્રસાદીનો હાર, થાળ આપતા; ક્યારેક ભેટતા પણ ખરા.
અલૈયા ભક્ત અને નાજા જોગિયા બે મહિનાથી આવું આકરું તપ કરતા હતા. તેથી મનમાં સંકલ્પ રહેતો કે મહારાજ આપણી ઉપર પણ રાજી થશે, થાળની પ્રસાદી આપશે. પણ મહારાજ તો આ વાતને ક્યારેય યાદ પણ કરતા ન હતા.
આ અરસામાં દાદાખાચરની તાજણ ઘોડીની વછેરી સાચવનાર રખવાળ બીમાર હતા. તેથી મહારાજે પૂછ્યું કે, “અમારી અને દાદાખાચરની ઘોડી સાચવે એવા કોઈ છે ?” ત્યારે બધાએ કહ્યું, “એવા તો નાજા જોગિયા છે પણ તેઓ તો અત્યારે ઘેલામાં તપ કરે છે.” મહારાજે નાજા જોગિયાને બોલાવી ઘોડી સાચવવાની સેવા સોંપી. તેમણે રાજી થકા સેવા સ્વીકારી તેથી મહારાજ અતિશે રાજી થયા. જમાડવાનો સમય થયો ત્યારે મહારાજે નાજા જોગિયાને બોલાવી થાળની પ્રસાદી આપી. એ જ વખતે અલૈયા ભક્ત પણ ત્યાં પહોંચ્યા.
અલૈયા ભક્તને મહારાજને પ્રસાદી આપતા જોઈ અંદરથી ઇચ્છા થઈ કે મહારાજ મારું આકરું તપ જોઈ રાજી થશે અને પ્રશંસા કરી રાજીપા રૂપે થાળની પ્રસાદી આપશે. તેમણે બે-ત્રણ દિવસ થાળની પ્રસાદીની રાહ જોઈ. મહારાજે ન તો અલૈયા ભક્તના તપની પ્રશંસા કરી કે ન તો તેની નોધ લીધી. તેમને થાળની પ્રસાદી પણ ન આપી.
પ્રશંસાના પ્યાસી અલૈયા ભક્તની ઇચ્છા પૂર્ણ ન થતાં તેમને ખૂબ દુ:ખ લાગ્યું. મહારાજને વિષે પણ મનુષ્યભાવના સંકલ્પ થયા કે, “ઓલા નાજાને મહારાજે એક ટાયડું સાચવવામાં થાળની પ્રસાદી આપી અને મારા તપ સામું તો જોતા જ નથી.” આવા સંકલ્પો જ અલૈયા ભક્તના દેહાભિમાનની વધુ ને વધુ પુષ્ટિ કરતા ગયા. તે મહારાજ, સંતો-ભક્તોને વિષે અભાવ-અવગુણ લેવડાવતા ગયા. છેવટે તેઓ સત્સંગમાંથી વિમુખ થયા.
વખાણના ઇચ્છુક હોય તેને વારે વારે મહારાજ અને મોટાને વિષે મનુષ્યભાવના સંકલ્પ થાય. દિવ્યભાવની ઘેડ્ય જ ન પડે. શ્રીજીમહારાજે લોયાના ૧૮મા વચનામૃતમાં અલૈયા ભક્તની જેમ મનુષ્યભાવ હોય તેને કેવા ઘાટ થાય તે દર્શાવતાં કહ્યું છે, “એને વાતે વાતે ધોખો થાય ને ગુણ-અવગુણ લીધા કરે છે જે, આની કોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા ને આની ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી. એવી રીતે ગુણ-અવગુણ પરઠ્યા કરે છે તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે વિમુખ થાય છે.” અલૈયા ભક્ત ઠંડીમાં તપ અને ભજન કરતા હતા પણ તેમના ઇશકમાં ફેર પડી ગયો હતો.
તપ, જપ, વ્રત આદિક સાધનો મૂર્તિના સુખમાં જોડાવા માટે જ છે તેમ છતાં સત્સંગમાં તે કરનારમાં ભેદ પડે છે. અલૈયા ભક્ત તપ કરતા હતા પણ તેમની ઇચ્છા અવરભાવની લૌકિક નામના, પ્રશંસા ને વખાણની હતી. ભજન કરીને મહારાજને રાજી કરી અલૌકિક આનંદ પામવાને બદલે તેમની દ્રષ્ટિ લૌકિક આનંદ તરફ હતી.
આજે પણ સત્સંગમાં બહુધા વર્ગની દ્રષ્ટિ આવા લૌકિક આનંદ તરફની હોય છે તેથી તે તરફ જ દોટ મૂકે છે. તેના માટેના જ પ્રયત્ન કરે છે. તે માટે જ દાન, સેવા, ભજન-ભક્તિ કરે છે. પાંચ દિવસના નકોરડા ઉપવાસ કર્યા, ચાંદ્રાયણ કરી અને ચાલતા વાસણા પૂનમ ભરવા આવ્યા, ધારણાં-પારણાં કર્યા કે નાની-મોટી સેવા કર્યા પછી જાહેરમાં નામ બોલાય તથા પૂજન થાય તેવા પ્રયત્ન થાય. જો નામ ન બોલાય તો નકોરડાની અશક્તિ લાગે અને ચાલવાનો થાક લાગી જાય. જો નામ બોલાય તો શરીરમાં સ્ફૂર્તિ આવી જાય કે જાણે કશું કર્યું જ નથી. આ સ્ફૂર્તિ અને આનંદ વખાણની ઇચ્છા પૂર્ણ થયાનાં છે.
માત્ર સત્સંગમાં જ નહિ પણ સંસાર-વ્યવહારમાં પણ અવરભાવની યશ-કીર્તિ, માન-મોટપ, વખાણ-પ્રશંસાની ઇચ્છા સતત રહેતી હોય છે તેથી રાત્રિ-દિવસ તે તરફની દોટ હોય છે.
સમૂહચર્ચામાં સાંભળ્યું છે કે, ‘ફલાણા ભાઈએ અફલાતૂન બંગલો બનાવ્યો; વટ પડે એવો છે.’ બસ આટલા જ શબ્દો આપણને ચટકી લગાડી જાય કે મારે પણ આવો બંગલો બનાવી વાહવાહ કરાવડાવવી છે. વાહવાહ કરાવવાના આવા અભરખા લગ્નના, વાસ્તુના કે નાના-મોટા સંસારના પ્રસંગો કે કાર્યમાં રહે છે. અને તે માટેની દોટ નિરંતર ચાલતી રહે છે.
વખાણ ને વાહવાહ દરેકને સારાં લાગે છે. પરંતુ તે દેહભાવના પડળને વધુ ને વધુ મજબૂત બનાવે છે અને આશા-અપેક્ષાને વિસ્તારે છે. મુમુક્ષુતા પ્રગટાવવા દેહભાવને તોડવો ફરજિયાત છે. અવરભાવની લૌકિક સત્તા-સંપત્તિ, પ્રતિષ્ઠા કે નામનાની વાહવાહ ને તેના આનંદને છોડે તો જ અલૌકિક આનંદને પામવાની ભૂખ જાગે.
વખાણ એ દોષનું ઉપરાણું લઈ ઢાંકપિછોડો કરે છે. તેથી દિન-પ્રતિદિન દોષો ટળવાને બદલે તેનો વધારો થાય છે. એમાંય માનરૂપ દોષનો અતિશે વધારો થાય છે. દેહભાવને યોગે થતી ભૂલો સુધરવાને બદલે વધતી જાય છે. વખાણ સાંભળી પોતાને વિષે હોઉં તો હોઉં થઈ જાય અને બીજાને વિષે ન્યૂનભાવ આવી જાય. તેના કારણે પ્રગતિ અટકી જાય.
એક સોનીનો દીકરો સોનાના દાગીના ઘડવામાં આગવું કૌશલ્ય ધરાવે. બાલ્યાવસ્થાથી જ તેને દાગીના ઘડવામાં ખૂબ રસ હતો. તેથી નવી નવી ડિઝાઇન તથા પદ્ધતિઓ શોધે. ખૂબ લગનથી તે દાગીના ઘડતો. ધીરે ધીરે તેના દાગીના વિશ્વપ્રસિદ્ધ બની ગયા. દુનિયામાં તેની એક શ્રેષ્ઠ દાગીના ઘડનારમાં ગણના થવા લાગી. દેશ-વિદેશમાંથી મોટા મોટા દાગીના ઘડવાના ઑર્ડર મળવા લાગ્યા.
ચારેબાજુ તેની સ્કિલની વાહવાહ થાય, પ્રશંસાનાં પુષ્પો વેરાય પરંતુ તેના પિતા કોઈ પણ દાગીનો જુએ તો તેમાં ભૂલ જ બતાવે. દીકરાને પિતાની બતાવેલી ભૂલ ખૂબ ખૂંચતી. એક દિવસ આ યુવકને થયું : ‘દુનિયા આખી મારી સ્કિલના વખાણ કરે છે જ્યારે મારા પિતાને જ મારી સ્કિલની કદર નથી. તેઓ મારી ભૂલ જ શોધ શોધ કરે છે માટે હવે હું એમને જ પતાવી દઉં તો મારી ભૂલ તો ન શોધે.’
કિશોરે આ વિચારથી આવેશમાં આવી એક દિવસ પિતાને મારી નાખવા યોજના ઘડી કે ઘરની ઉપરનાં નળિયાં કાઢી નીચે ઊતરી પિતા સૂતા હોય ત્યાં જ તેમને મારી નાખીશ. બધાને એમ થશે કે ચોર આવ્યા અને મારી નાખ્યા. મારી ઉપર આરોપ પણ ન આવે.
રાત્રિના બાર-એક વાગ્યે આ યુવક ઘરનાં નળિયાં ઉપર ચડ્યો. નળિયાં ખસેડી, નીચે જોયું તો માતાપિતા વચ્ચે વાર્તાલાપ ચાલુ હતો. તેનાં માતુશ્રી તેના પિતાશ્રીને પૂછતાં હતાં કે, “આપણો દીકરો સારામાં સારો દાગીના ઘડવાનો કારીગર છે. દુનિયા આખી તેના દાગીનાને વખાણે છે જ્યારે તમે તેમાં ભૂલ જ કાઢો છો; કદી દીકરાના કામની કદર કરતા નથી. તમને તમારો દીકરો વ્હાલો નથી ?” ત્યારે પિતાશ્રીએ કહ્યું, “સાંભળો, હું પણ જાણું છું કે દુનિયાભરમાં મારા દીકરા જેવો કોઈ કારીગર નથી. ગમે તેટલા દાગીનાના ઘડવૈયા ભેગા થાય તોય તેની તોલે ન આવે. મને મારો દીકરો ખૂબ વ્હાલો છે તેથી હું તેના દરેક દાગીનામાં રહી જતી નાનામાં નાની કસરને બતાવી સારામાં સારો દાગીનો ઘડવાની પ્રેરણા આપું છું. હું મારા દીકરાના કાર્યની ભારોભાર કદર કરું છું પણ એને ખબર પડવા દેતો નથી.”
માતાપિતાનો વાર્તાલાપ સાંભળી કિશોર નીચે ઊતરી ગયો. બીજા દિવસે તેણે પિતાશ્રીની માફી માગી પોતાની ભૂલની કબૂલાત કરી. એ વખતે તેના પિતાએ કહ્યું, “દીકરા, હવે તારી દાગીના ઘડવાની કારીગરીમાં પ્રગતિ અટકી ગઈ; હવે તું નવું અને આથી વધુ સારું કંઈ નહિ કરી શકે. એટલું જ નહિ, તારી ભૂલને ઓળખી પણ શકીશ નહીં. તારી પ્રગતિ આજથી અટકી ગઈ. કારણ, તું તારાં વખાણ સાંભળવા ઇચ્છતો હતો તે મળી ગયાં. માટે હવે તારી પ્રગતિ અટકી ગઈ.”
કિશોરને પિતાનાં વખાણ સાંભળી પોતાનામાં પૂર્ણતા મનાઈ ગઈ. પરિણામે તેની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિ મરી પરવારી, જીવનનો ઉચ્ચ ધ્યેય સંકુચિત બની ગયો. ત્યારપછી તેના જીવનમાં કોઈ પોતાની ભૂલો ઓળખાઈ નહિ તેથી આગળ પ્રગતિ થઈ જ નહીં.
મોક્ષ માર્ગે આગળ વધવા માટે મુમુક્ષુએ દેહના દોષો-સ્વભાવો, તેની સાથેનાં અવરભાવનાં બધાં જ વળગણોને ફરજિયાતપણે ટાળવાં જ પડે. અવરભાવમાં જીવનનું ઘડતર કરી પરભાવના સુખ તરફ આગળ વધવાનું છે ત્યારે વખાણથી દૂર રહેવું જોઈએ. કારણ, વખાણ જ આપણી ભૂલને ઓળખવા ન દે તો તેને ટાળવાનો આગ્રહ તો જાગે જ ક્યાંથી ?

વ્યવહાર માર્ગ હોય કે અધ્યાત્મ માર્ગ હોય પરંતુ પ્રગતિ ઇચ્છનાર મુમુક્ષુએ વખાણની ઇચ્છા છોડી રોકટોક અને વઢવું ગમાડવું ફરજિયાત છે. આપણે સૌ પણ એ મુમુક્ષુની પંક્તિમાં આવીએ.