વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૪

  March 9, 2020

ઢોરને ખાણ ભાવે જ્યારે માણસને વખાણ ભાવે છે. પણ મુમુક્ષુ તો વખાણથી લાખો ગાઉ દૂર રહે છે.
‘પપલાવ્યા છોકરા ન જીવે, ધવરાવ્યા જીવે’ એ ઉક્તિ અનુસાર વખાણ એ પપલાવવા જેવું છે. તેનાથી મોક્ષ માર્ગે આગળ વધી ન શકાય જ્યારે રોકટોક એ ધવરાવ્યા બરાબર છે; જે મોક્ષ માર્ગમાં છેક સુધી આગળ લઈ જાય છે.
શ્રીજીમહારાજે પણ મુમુક્ષુએ મોક્ષ માર્ગમાં કેવા સાધુનો સંગ કરવો તેનો વિવેક શીખવતાં લોયાના ૬ઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે, “કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, વર્તમાન પણ સૂધાં સારા પાળતો હોય ને નિશ્ચય સૂધો હોય ને પાસે આપણે રહેતા હોઈએ ને આપણને ટોકે નહિ ને પંપોળીને રાખે ને જાપરો રાખે તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોકવ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોચપો રાખે નહિ ને તે લોકવ્યવહારે મોટો ન કહેવાતો હોય તોપણ તેનો સંગ કરવો.”
સદ્. ગુણાતીતાનંદ સ્વામી પણ મુમુક્ષુએ કેવી રીતે મોક્ષ માર્ગમાં આગળ વધવું ? તે અંગે પોતાના જીવનના પ્રસંગ દ્વારા અવારનવાર કહેતાં કે, “હું સદ્. મુક્તાનંદ સ્વામીના મંડળમાં રહ્યો, સદ્. બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં રહ્યો પણ ખરું ઘડતર તો સદ્. આત્માનંદ સ્વામીના મંડળમાં રહ્યો ત્યારે થયું.” કારણ, સદ્. આત્માનંદ સ્વામી કોઈ લલોચપો રાખતા નહીં. વાંક આવે તો વઢતા અને રોકણી-ટોકણી કર્યા કરતા.
જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૧ની ૪૭મી વાતમાં કહ્યું છે, “વખાણ છે તે તાવમાં સાકર પાયા જેવું છે. આ જીવમાં લાખ, કરોડ દોષ હોય ને સાજા દોષનું જ ઝાડ હોય ને એક પણ ગુણ ન હોય તોપણ પોતાને સવાશેર માને એવો અવળો છે. સત્સંગમાં નભ્યો જાય છે તેનું કારણ એ છે જે એને કોઈએ ટોક્યો નથી માટે નભે છે; જો ટોકે તો જતો રહે.”
બાપાશ્રીએ જીવના સ્વભાવની વાત કરી છે કે પોતામાં ગમે તેટલા દોષ હોય, એક પણ ગુણ ન હોય તોપણ પોતાને અધિક માને અને પોતાનાં વખાણ થાય તેમ ઇચ્છે. પરંતુ વખાણ તાવમાં સાકર પાવા જેવું છે. કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય અને જો તેને સાકરનું પાણી પિવડાવવામાં આવે તો તાવ ઊતરવાને બદલે વધી જાય છે. તેમ જીવમાં અનેક દોષ-સ્વભાવ તો છે જ અને તેને છાવરીને વખાણ કરવામાં આવે તો દોષ-સ્વભાવ ઘટવાને બદલે વધતા જાય છે, ઇચ્છા-અપેક્ષાઓ વધતી જાય છે. એમાંય જો કોઈ રોકેટોકે તો સત્સંગમાંથી પડી જાય. ગુણહીન હોવા છતાં સૌને વખાણ ગમે છે પરંતુ રોકટોક કોઈને ગમતી નથી.
રોકટોક એટલે બિનજરૂરી ટકટક નહિ પરંતુ વ્યવહારિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનું યોગ્ય માર્ગદર્શન અને દિશાસૂચન છે. અવરભાવમાં દેહભાવના યોગે કરીને જીવનમાં કોઈ નાની-મોટી ભૂલો થતી રહેતી હોય છે. ક્યાંક ધ્યેય ફંટાઈ પણ જતો હોય છે.
જેમ ગાલ પરનું કાજળ ખુદને દેખાતું નથી; એ તો બીજા કોઈ કહે તો જ ખબર પડે. તેમ દેહભાવના યોગે કરી વ્યવહારમાં કે આધ્યાત્મિક માર્ગમાં થતી ભૂલો, કસરો પોતાની મેળે ઓળખાતી નથી. એ તો કોઈ રોકટોક કરી ઓળખાવે તો જ ઓળખાય અને પાછા વળી શકાય.
રોકટોક અને વઢવું એ જીવનનું સુયોગ્ય ઘડતર કરવાનું શ્રેષ્ઠ સાધન છે. પરંતુ આજની વર્તમાન પરિસ્થિતિમાં રોકટોક અંગત જીવનમાં દખલગીરી અને વઢવું ઘોર અપમાન લાગે છે.
આજના બાળકને વાલી ભણવાની, હરવા-ફરવાની, ખાવા-પીવાની, જોવા-જાણવાની કે સંસ્કારની બાબતમાં ક્યાંક રોકટોક કરે કે વઢે તો તરત માઠું લાગી જાય છે. કેટલાંક બાળકો તો વાલીને ધમકી આપે કે, જો તમે રોકશો-ટોકશો તો ઘર છોડીને જતો રહીશ, આત્મહત્યા કરી લઈશ. આવી અનેક પ્રકારની ધમકી આપે છે. અથવા તો ઘરમાં કોઈ વસ્તુની તોડફોડ કરે, કાં તો બેફામ બોલી ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે. ઘર ઘરમાં સાસુ-વહુના પ્રશ્નોની વણઝાર ચાલે છે.
આવી પરિસ્થિતિ સર્જાવાનું એક કારણ : દરેક વ્યક્તિ સ્વતંત્રતા ઇચ્છે છે. પોતાની ઉપર અંકુશ હોય તે કોઈને ગમતું નથી. પરિણામે જીવન જ સ્વચ્છંદી બની જાય છે. બીજું કારણ : સહનશીલતાનો આંક ઘટ્યો છે. કોઈના બે શબ્દો સાંભળીને ખમી જવાની તૈયારી જ નથી. પરિણામે રોકટોક વિનાના અણઘડ જીવનમાં કોઈ નક્કરતા જ હોતી નથી.
અવરભાવમાં વ્યવહારિક જીવનમાં કોઈ નિશ્ચિત દિશામાં આગળ વધવા, ધ્યેયને હાંસલ કરવા અને સુખી થવા રોકટોક અત્યંત જરૂરી છે પરંતુ અધ્યાત્મ માર્ગમાં પ્રભુ તરફની પ્રગતિ કરવા રોકટોક માત્ર જરૂરી જ નહિ, ફરજિયાત છે. વ્યવહારિક માર્ગ તો પાણીના રેલા જેવો છે. જે બાજુ ઢાળ હશે તે બાજુ વહી જશે. પરંતુ અધ્યાત્મ માર્ગમાં મોક્ષપ્રાપ્તિના શાશ્વત સુખના નિશાનને પામવાનો માર્ગ હિમાલયના કપરા ચઢાણ જેવો છે. તેમાં કોઈ માર્ગદર્શક અને ઘડવૈયાની રોકટોકથી જ જીવન ઘડાય અને આગળ વધી શકાય.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૩ની ૩૭મી વાતમાં કહ્યું છે કે, “મુમુક્ષુને તો નિરંતર હોંકારા (ટોકનારા) કરનારા જોઈએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકર તો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય.” અર્થાત ઇન્દ્રિયો-અંત:કરણરૂપી વાઘ બધું સાફ કરી નાખે.
શિલ્પી પથ્થરની શિલામાંથી ટાંકણું અને હથોડીથી બિનજરૂરી ભાગ દૂર કરી ઘાટ આપે છે ત્યારે સુંદર મૂર્તિ તૈયાર થાય છે. ટાંકણા અને હથોડીના ઘા ખમ્યા પછી જ પાંચ હજારના પથ્થરમાંથી અગિયાર લાખની મૂલ્યવાન મૂર્તિ તૈયાર થાય છે. તેમ મોટાપુરુષ આપણા શિલ્પી છે. તેઓ રોકટોકરૂપી ટાંકણું અને વઢવારૂપી હથોડીથી આપણી અંદર રહેલી અશુદ્ધિ ટાળી ઘાટ આપી પુરુષોત્તમરૂપ પાત્ર કરે છે, જીવમાંથી શિવ કરે છે પરંતુ જે ઘડાવા તત્પર હોય તેને. તેથી જ મોટાપુરુષને પ્રાર્થના કરી છે,
“શિલ્પી આપ જ છો મારા, દિવ્યજીવનના દેનારા;
પ્રતિકૃતિ તવ કરનારા, આપને ગમે એવું પાત્ર કરજો.”
શ્રીજીમહારાજ આપણા બાપ છે અને સત્પુરુષ આપણી મા છે. બાળકના નામની પાછળ પિતાનું નામ હોય છે તેમ છતાં ‘મા’નું કર્તવ્ય છે કે બાળકનું એવું ઘડતર કરવું જેથી પિતાના નામની આગળ બાળકનું નામ શોભે. તેમ આધ્યાત્મિક ‘મા’ સમાન સત્પુરુષ રોકીટોકી આપણું ઘડતર કરી મહારાજનું શોભાડે એવું દિવ્યજીવન બનાવે છે, દેશકાળ થકી રક્ષા કરે છે. એમની રોકટોક ખમાય એટલું આપણું જીવન ઘડાય અને મોક્ષ માર્ગમાં સલામત થતું જવાય.

આમ, અધ્યાત્મ માર્ગ નિર્વિઘ્ને પાર પાડવા મોટાપુરુષ અને સૌની રોકટોક ગમાડીએ.