વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૫

  March 16, 2020

જિરાફ ચોપગા પ્રાણીમાં સૌથી ઊંચું પ્રાણી છે. માદા જિરાફ બચ્ચાને જન્મ આપે ત્યારે બચ્ચું તેના કોમળ ઉદરમાંથી સરી સીધું જમીન પર પટકાય છે.
બાળ જિરાફ હજુ આ પછડાટની તમ્મરમાંથી બહાર આવે તે પહેલાં તેની મા તેને લાત મારે છે. હજુ તે ઘૂંટણભર ઊભું થાય તે પહેલાં બીજી જોરથી લાત મારે છે. જન્મતાંની સાથે જ માદા જિરાફ બાળ જિરાફ પર આવો કપરો અત્યાચાર કરે છે. માત્ર એક-બે લાત નહિ, જ્યાં સુધી બચ્ચું ઊભું થઈ જાતે ચાલવા ન માંડે ત્યાં સુધી તેને થોડી થોડી વારે લાત મારે છે.
માદા જિરાફની એ લાતમાં પણ બચ્ચાને જલદી ઊભું કરવાનો પ્રેમ છે. કારણ, જો બચ્ચું જલદી ચાલતાં ન શીખે તો કોઈ હિંસક પ્રાણી તેનો કોળિયો કરી જાય.
બચ્ચાંને આવનાર સ્થિતિ-પરિસ્થિતિમાંથી બચાવવા માટે માદા જિરાફ નિર્દય બની લાત મારે છે. તેમ માદા જિરાફને ઠેકાણે સત્પુરુષ છે અને બચ્ચાંને ઠેકાણે મોક્ષ માર્ગે ચાલનાર મુમુક્ષુ છે. મુમુક્ષુને મોક્ષ માર્ગમાં કોઈ દેશકાળાદિકના વિઘ્ન ન આવી જાય તે માટે સત્પુરુષ રોકટોકરૂપી લાત મારી આત્માને સબળ અને પગભર કરે છે કે જેથી તે કોઈના સહારા વગર પણ ગમે તેવા દેશકાળાદિકમાં પડેય નહિ કે આખડેય નહીં. સમગ્ર જીવન દરમ્યાન તો મોટાપુરુષ આપણી પડખે ઊભા રહે છે પરંતુ ગમે તેવા કપરા સંજોગ આવે તોપણ સંત એ વેળાએ આપણી સહાય કરે છે. ગમે તેટલાં દેહનાં સગાં હોય પણ સત્પુરુષ જ એકમાત્ર જીવને ભવસાગરમાંથી તારી સદાય રક્ષા કરે છે. તેથી જ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ વચનવિધિ : કડવા-૨૮માં કહ્યું છે,
“સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાંય;
ભવસાગરમાં ડૂબતાં, સાચા સંત કરે છે સા’ય.
વા’રુ છે વસમી વેળા તણા, જ્યારે આવે પળ વળી આકરી;
તે સમે સાચા સંત સગાં, કાં તો સગાં છે શ્રીહરિ.
તેહ વિના ત્રિલોકમાં, નથી જીવને ઠરવા ઠામ;
આદ્યે અંત્યે મધ્યે માનજો, સર્યા સહુનાં એથી કામ.”
શ્રીજીમહારાજે પોતાના સંતોને ૧૧૪ પ્રકરણ ફેરવી કસોટીની એરણે તાવ્યા હતા. મહારાજ સંતોનું ઘડતર કરવામાં લગારેય કસર ચલાવી ન લેતા. તરત રોકતા, ટોકતા ને વઢતા. એટલું જ નહિ, ક્યારેક વગર વાંકે પણ વઢતા.
એક વખત શ્રીજીમહારાજ સંતો-હરિભક્તો સાથે મેઘપુર પધાર્યા હતા. સંતોને તુંબડાંની જરૂર હોવાથી રાધેશ્વરાનંદ સ્વામી એક સંતને લઈ વાડીએ તુંબડાં લેવા ગયા. સંતોએ કોસ ચલાવનાર કોસિયાને પૂછ્યું, “ભાઈ, તમારી વાડીમાં તુંબડાં થયાં છે ?” ત્યારે કોસિયાએ કહ્યું, “આ વાડમાં જોઈ લો; હોય તો લઈ જાવ.” સંતોએ વાડમાં ચારેબાજુ જોયું પણ ક્યાંય તુંબડાં હતાં નહીં. તેથી સંતો ખાલી હાથે પાછા ફર્યા.
કોસિયો સત્સંગનો દ્વેષી હતો. તેથી તેણે પોતાના વાઢમાંથી ખૂબ શેરડી ખાધી અને એના કૂચાની ફાંટ ભરી મહારાજ પાસે લઈ ગયા. મોટા અવાજે બૂમ પાડતા બોલ્યા, “સ્વામિનારાયણ, આ તમારા સાધુ મારા વાઢમાં પૂછ્યા વગર ઘૂસી ગયા અને ખૂબ શેરડી ખાધી. જો આ તેનાં છોતરાં છે.”
ફરી આંખો તાણી કહ્યું, “તમારા સાધુઓને કબજામાં રાખજો; નહિ તો ઠીક નહિ આવે.” મહારાજે કહ્યું, “માફ કરજો. હવે અમે ધ્યાન રાખશું. અમારા સાધુની ફરિયાદ ન આવે તેમ કરીશું.”
કોસિયો ગયો પછી શ્રીજીમહારાજ સંતોને ખૂબ વઢ્યા અને આકરો નિયમ આપ્યો કે, “આજથી સંતોએ શેરડીમાંથી અને દૂધમાંથી જે કાંઈ બને તે કાંઈ જ જમવું નહીં.” તેમ છતાં સંતોએ એક હરફ શ્રીહરિ સામે ન તો ઉચ્ચાર્યો કે ન તો પોતાનો બચાવ કર્યો. શ્રીહરિના પુણ્યપ્રકોપમય વઢવાને અમૃત ગણી પોતે હસતા મુખે ખટરસના નિયમ ગ્રહણ કર્યા.
સંતોએ શ્રીહરિની રોકણી-ટોકણીના પ્રખર પ્રહારોને સહ્યા હતા. તેથી તેમની સાધુતાના ઓજસથી ભલભલા માંધાતાઓ ઝૂકી જાય એવી સાધુતા પ્રદીપ્ત થઈ હતી. સંતોના દિવ્યતાસભર જીવન બન્યાં હતાં. સાધના માર્ગમાં સફળ બન્યા હતા.
પ્રાય: પ્રત્યેક જીવ મોક્ષ માર્ગની સાધનામાં કામ-ક્રોધાદિક અંત:શત્રુના સ્વભાવ-પ્રકૃતિરૂપી રોગથી પીડાતો જ હોય છે. ચાહે મોટા જ્ઞાની, વિદ્વાન કે પંડિત હોય પરંતુ કોઈ આ રોગથી મુક્ત હોતું નથી. આત્મા સાથે જડાઈ ગયેલા મહારોગને ટાળવાની એકમાત્ર દવા : રોકટોક અને વઢવું.
રોકટોક એ આત્માના રોગની દવા છે પણ કોની રોકટોક ? આપણા સહસાથીની ? સગાંસંબંધીની ? એમની રોકટોક તો વ્યવહાર માર્ગમાં ચાલે પરંતુ આત્માના રોગ જીવ સાથે સંલગ્ન થઈ ગયા છે માટે તે સત્પુરુષની રોકટોકથી જ ટળે.
‘એક માતા સો શિક્ષકની ગરજ સારે’ અર્થાત બાળકના સર્વાગી વિકાસમાં સો શિક્ષક કરતાં એક માતા અધિક છે. અહીં તો સો શિક્ષક બરાબર એક માતા એવી તુલના થઈ શકે. જ્યારે આધ્યાત્મિક માર્ગમાં અનંત બુદ્ધિશાળી, તજજ્ઞ, સલાહકાર, હિતેચ્છુ, સગાંસંબંધી, મિત્રોની રોકટોક કરતાં એક સાચા સત્પુરુષની રોકટોક અનંતગણી અધિક છે. તેથી કહ્યું છે ને, એક સત્પુરુષ અનંત જનનીની ગરજ સારે. સત્પુરુષની રોકટોકથી જીવનું સ્વરૂપાંતર થાય છે. અનાદિકાળના દૃઢ થઈ ગયેલાં સ્વભાવ-પ્રકૃતિ ટળે છે, ઢાળ બદલાય છે.

મોટાપુરુષ ને આપણા પરમહિતેચ્છુમાંની રોકટોકના પ્રખર પ્રહારો સહન કરીએ.