વાલી જાગૃતિ - 1

  March 20, 2013

કૃતાર્થના બાળપણથી જ તેને એરોનૉટિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરાવવાની તેના પિતાની તીવ્ર ઝંખના હતી. પોતાની ઝંખનાઓને સંતોષવા માટે તેઓ કૃતાર્થને વારંવાર અનુસંધાન અપાવી જાગ્રત કર્યા કરતા. સમયના વહેણની સાથે કૃતાર્થે ધોરણ ૧૨ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ કૃતાર્થની અનિચ્છા હોવા છતાં પિતાએ પરાણે એરોનૉટિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવડાવ્યો. પરંતુ કૃતાર્થની આકાંક્ષાઓ-અપેક્ષાઓ કંઈક જુદી જ હતી. આ બાબતે તે વારંવાર પોતાનાં માતાપિતાને ફરિયાદ કરતો રહ્યો, આજીજી કરતો રહ્યો, અપેક્ષા સેવતો રહ્યો પરંતુ દરેક સમયે તેની દરેક અપેક્ષાઓની ઉપેક્ષા જ થતી રહી.

તેથી તે વારંવાર પોતાની જાતને પ્રશ્નો પૂછ્યા કરતો : “આવું શા માટે ? દરેક પોતાની ઈચ્છા મુજબ જ મને આગળ વધારવા પ્રયત્ન કરે છે. મારી પરિસ્થિતિને સમજનાર કોઈ નહીં ? મારી કલ્પનાઓને ખીલવનાર કોઈ નહીં ? મારી કોઈ દુનિયા જ નહીં ? મારે બધું મૂંગા મોઢે સહન જ કરવાનું ? ” આવા અનેકાનેક પ્રશ્નો સાથે તે જીવતો રહ્યો. માબાપની અપેક્ષાઓને સંતોષવા માટે તે પોતાની અપેક્ષાઓની ઉપેક્ષા કરી અભ્યાસમાં આગળ વધતો ગયો. અને સારું પરિણામ મેળવતો રહ્યો; પરંતુ એક વાર પરીક્ષાનું પરિણામ ઓછું આવ્યું. તેના પિતા તેને વઢ્યા : “કેમ આટલું ઓછું પરિણામ આવ્યું ? હવે શું ડોબા ચારીશ ? તું જીવનમાં કશું જ નહિ કરી શકે. તારી કાંઈ જ પ્રગતિ નહિ થાય. તું સમાજમાં મારું નામ જ બોળવાનો. પૈસા અધ્ધરથી નથી પડતા. આખો દિવસ પરસેવો પાડીને સુકાઈ જઈએ છીએ. હવે પછીની પરીક્ષામાં સારું પરિણામ લાવી આપજે, નહિતર... મારા જેવો કોઈ ભૂંડો નથી.” એમ કડક ભાષામાં તોછડાઈભર્યા વર્તન સાથે ન કહેવાના શબ્દો તેના પિતાએ તેને કહ્યા.

આ ઘટનાથી કૃતાર્થના માનસ ઉપર બહુ ઊંડી અને ગહેરી અસર પડી. આ ઘટનાથી તે ચિંતાતુર બની ગયો. દિવસે દિવસે તે એકલવાયો બનતો ગયો અને અભ્યાસમાંથી તેનું મન પાછું પડવા લાગ્યું. કોઈની સાથે હસવું-બોલવું, હરવું-ફરવું આ બધું જ એના જીવનમાંથી જાણે છીનવાઈ જ ગયું હોય એવું બની ગયું. દિવસે  દિવસે તે સંકુચિતતા, ઓશિયાળાપણું અનુભવવા લાગ્યો. કૃતાર્થના મિત્રોને આ વાતની ખબર પડી. તેઓ કૃતાર્થને મનોચિકિત્સક પાસે લઈ ગયા. ડૉક્ટરે તપાસ કરી તરત જ નિદાન કર્યું કે કૃતાર્થને લઘુતાગ્રંથિનો માનસિક રોગ લાગુ પડ્યો છે. મિત્રોએ તેનાં માતાપિતાને પણ આ વિશે જાણ કરી. પરંતુ માતાપિતાને આ લઘુતાગ્રંથિ કઈ બલા છે ? તેની પળોજણમાં ઊતરવાની જરૂર જ ન લાગી. સમય વીતતો ગયો. સેમેસ્ટર પરીક્ષાના છેલ્લા દિવસે કૃતાર્થના ઘરની નજીક આવેલા રેલવે ક્રોસિંગ પાસેથી એક ચિઠ્ઠી સાથે તેનો મૃતદેહ મળી આવ્યો. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે,

“મારાં નિષ્ઠુર માતાપિતાને મારો એક પ્રશ્ન એ છે કે તમે દુનિયા જોઈ છે ? તમારો ઉત્તર ‘હા’ જ આવવાનો છે કે અમે દુનિયા જોઈ છે ને દુનિયા સાથે જ કદમ મિલાવીને ચાલીએ છીએ. પરંતુ હવે હું તમને કહું છું કે, આ જ પ્રશ્ન તમે મને પૂછો કે તેં દુનિયા જોઈ છે ? તો મારો ઉત્તર છે ‘ના’. ૨૦ વર્ષની ઉંમરે દુનિયા જ નથી જોઈ આવું આશ્ચર્ય બધાને થાય જ... અરે મારી જાતને પણ થાય છે ને ! પરંતુ કોઈ મને એ તો પૂછો કે મેં કેમ દુનિયા જોઈ નથી ? એનું કારણ તમે મારાં માબાપ જ છો. તમે મને તમારી દુનિયામાંથી બહાર આવવા દીધો હોય તો હું મારી દુનિયાને જોઈ શકું ને ? મારા જન્મ ઉપર તમારો અધિકાર હતો. મને ભણાવવા ઉપર, મને મોટો કરવા તથા જીવન જિવાડવા ઉપર પણ તમારો અધિકાર હતો. તે અધિકારનો તમે નિજસ્વાર્થ અને સ્વઆકાંક્ષાઓ માટે નિર્દયતાથી ઉપયોગ કર્યો છે એટલે જ મેં તમને નિષ્ઠુર માબાપનું બિરુદ આપ્યું છે. ખેર, એ બધા ઉપર તો તમારો અધિકાર હતો તેનો તમે ઉપયોગ કર્યો, પરંતુ મૃત્યુ ઉપર તો મારો અધિકાર છે. માટે બીજાની જ દુનિયામાં જીવવા કરતાં મારા અધીકારનો ઉપયોગ કરી હું મૃત્યુને સ્વીકરી રહ્યો છું. જો માબાપનું પોતાનાં બાળકો સાથે આવું જ વર્તન રહ્યું તો હું નહિ, મારા જેવા હજારો યુવાનો પોતાના આવા અધીકારનો ઉપયોગ કરશે જેના ગુનેગાર અને કારણભૂત માબાપ જ ગણાશે.”

ઝડપી પરિવર્તનશીલ પામતા આ યુગમાં બૃહદ્ વિશ્વે આધુનિકીકરણમાં હરણફાળ ભરી છે. દિન-પ્રતિદિન નવ્ય ટેક્નૉલોજી વિકસી રહી છે. સાથે સાથે ભૌતિક સુખસગવડો તથા મનોરંજનનાં સાધનોનું પ્રમાણ પણ એટલું જ વધ્યું છે. આ બધું હોવા છતાં સમાજમાં માનસિક તનાવ, ટેન્શન, લઘુતાગ્રંથિથી પીડાતા તથા આત્મહત્યા કરતા કિશોરોનું પ્રમાણ સરેરાશ વધતું જ ગયું છે.

બાળક બાર વર્ષનું થાય કે તેના ભવિષ્ય માટે આપણે સૌએ સજાગ થવાની જરૂર છે. આ ઉંમરે બાળક પોતાના અસ્તિત્વને તથા વિચારોને સમજવા માંગે છે. પૂ.સ્વામીશ્રી કહે છે કે, “બાળક જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશ કરે ત્યારે તેને તુંકારે ન બોલાવતાં ‘બેટા’ અથવા ‘ભાઈ’ કહીને બોલાવો. બાળકને જાહેરમાં વઢશો નહીં. બાળકની ભૂલને અંગત બેસી સમજાવો. અન્ય સાથે બાળકની સરખામણી પણ ન કરો. હા... તેને ઉચ્ચ આદર્શોનો અને ઉચ્ચ સિદ્ધાંતોનો ધ્યેય જરૂરથી દૃઢ કરાવો.”

અત્યારે સમાજમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થઈ રહ્યું છે. સમાજમાં નવા નવા બદલાવ આવી રહ્યા છે. આ સમયમાં બાળકોની ઉચ્ચતમ કેળવણી માટે જાગ્રત થવું એ આપણી વાલી તરીકેની ફરજ છે. બાળકની કેળવણી ખરેખર આપણા હાથમાં જ છે. વાલી તરીકેની આપણી ભૂમિકા જરા વિચારીએ તો...

આપણા બાળક માટે આપણે જ સૌથી મહત્ત્વની વ્યક્તિ છીએ. બાળકમાં શ્રેષ્ઠતમ સંસ્કારોનું સિંચન કરવા માટે બાળકના મનને ; એની ભાવના, લાગણીઓ તથા  મનોવ્યથાને સમજવી એ પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ કોણ જાણે કેમ ? શું કારણ છે ? આજના વાલીઓમાં બાળકને સમજવા કરતાં સમજાવવાની પરિસ્થિતિએ જોર પકડ્યું છે.

બાળક ક્યારેય આપણો તથા આપણી વાતનો વિરોધ નથી કરતો, પરંતુ આપણી કહેવાની પદ્ધતિનો વિરોધ કરે છે. છતાંય દુઃખની વાત એ છે કે, આપણે પોતાના બાળકની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરતા જ નથી. પરિણામ સ્વરૂપે બાળક આપણી લાગણીઓને પણ સમજી શક્તું નથી. આ પરિસ્થિતિને કારણે જ સમાજમાં માબાપ અને બાળકો વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધતું જાય છે. આપણે ક્યારેય બાળકને જાણી-જોઈને આધ્યાત્મિક, નૈતિક કે માનસિક રીતે કુંઠિત કરવા નથી માંગતા. પરંતુ અજાણતાં ક્યારેક એવું જ કરી બેસીએ છીએ. આપણે બાળકને આપણા વિચારોથી, સમજણથી માપવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે આપણાં ચશ્માંથી તેમને તેમની દુનિયા જોવા પર મજબૂર કરીએ છીએ. એક વાલી તરીકે બાળઉછેર માટે આપણે બાળક જેવા બનવું હોય તો જરૂરથી બનો. પણ બાળકને આપણા જેવા બનાવવાનું છોડી દો.

પાંચ વર્ષનો ચિન્ટુ મમ્મની આંગળી પકડી પ્રથમ વાર બાલવાડીએ ગયો. બાલવાડીના પગથિયે પગ મૂક્યો. પગ મૂક્તાં જ દીવાલ પર ટીંગાડેલું ચિત્ર જોયું. પછી તેણે મમ્મીને પ્રશ્ન પૂછ્યો, “આવું ગંદુ ચિત્ર કોણે બનાવ્યું ?” ત્યારે મમ્મીએ ચહેરા પણ અણગમાનો ભાવ લાવી તેને જવાબ આપ્યો, “કોઈ પણ સુંદર ચિત્રને આ રીતે ગંદું ન કહેવાય.” શિક્ષક ચિન્ટુના પ્રશ્નનો ભાવાર્થ સમજી ગયા. તેમણે ખૂબ જ નરમાશથી જવાબ આપ્યો, “તું અહીંયાં સુંદર ચિત્રો નહિ બનાવે તો ચાલશે. તને ગમે તેવાં ચિત્રો બનાવજે બસ...?” ચિન્ટુના ચહેરા પર આનંદ છવાઈ ગયો. આગળ જતાં ચિન્ટુએ તૂટેલું રમકડું જોયું. તેણે ફરીથી પ્રશ્ન પૂછ્યો, “આ કોણે તોડ્યું ?” મમ્મીએ ફરીથી એ જ રીતે જવાબ આપ્યો, “તારે શું પંચાત ? જેણે તોડ્યું હશે તેણે તોડ્યું હશે.” શિક્ષકે ફરીથી ચિન્ટુના પ્રશ્નનો જવાબ આપ્યો, “રમકડાં રમવા માટે હોય છે. ક્યારેક તે તૂટી પણ જાય. એવું ઘણી વાર બને છે.”

ચિન્ટુને તેના બધા જ પ્રશ્નોનો ઉત્તર મળતાં રાહત થઈ. “આ સાહેબ બહુ સારા લાગે છે. કોઈ ગંદું ચિત્ર દોરે કે રમકડું તોડે તોપણ તેમને ગુસ્સો નથી આવતો. મારે હવે ડરવાની જરૂર નથી.” ચિન્ટુએ તરત જ હાથ હલાવી મમ્મીને ટાટા કહ્યું અને શિક્ષકની આંગળી પકડી લીધી.

બાળકના આ વિચારોએ કદાચ આપણને ચોંકાવી દીધા હશે. આપણાં મોટાભાગના દુઃખો વ્યક્તિના વર્તનને કારણે હોય છે. આપણી અપેક્ષાઓથી વિરુધ્ધનું વર્તન આપણા માટે દુઃખ ઉત્પન્ન કરે છે. એમ અનેક વખત આપણું વર્તન પણ બાળકની અપેક્ષાઓથી વિરુધ્ધનું હોય છે. જેના કારણે પણ બાળક દુઃખી થાય છે. બાળકના વર્તનથી આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે એમ બાળકના મનમાં પણ આપણા વર્તનને કારણે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. પરંતુ બાળક કોઈને કહી શક્તું નથી. મનમાં જ દાબી રાખે છે. અને વાલી તરીકે આપણે તેને પ્રશ્નો વ્યક્ત કરવાની એક તક પણ આપતા નથી. બાળકના વિચારોને સમજવા એ બહુ મહત્ત્વની બાબત છે.

બાળમાનસ એ ગુલાબની પાંખડી જેવું કોમળ હોય છે. ગુલાબની પાંખડીઓ સહજ રીતે ખરી પડે છે એવી જ રીતે બાળકની લાગણીને પણ સહજમાં ઠેસ પહોંચી જાય છે. આપણે ક્યારેક એવું સમજતા હોઈએ છીએ કે બાળક કશું સમજતું નથી. પરંતુ આ જ આપણી ગેરસમજ છે. તો આવી આપણી ગેરસમજને દૂર કરી બાળક સાથે સહજતાથી સરળતાથી વર્તતા થઈએ. વધુ આવતી લેખમાળામાં નિહાળીશું....