વાલી તરીકેની ફરજો - 1

  May 12, 2014

વાલી તરીકેની એક ફરજ છે કે બાળકને સાંભળવા અને સમજવા. વાસ્તવિકતાએ બાળકોને સાંભળ્યા અને સમજ્યા ક્યારે કહેવાય ? તે આવો સમજીએ આ લેખમાં.

(1) બાળકોને સાંભળો અને સમજો :

21મી સદીના આધુનિક સમયમાં વિશ્વ જ્યારે તમામ ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ઘણાં બધાં પાસાંઓમાંથી મુખ્યત્વે ત્રણ પાસાંઓ આપણા જીવન ઉપર પ્રભાવ પાડે છે :

1.  ઝડપી પરિવર્તન (Transience)

2.  વિવિધતા (Variety)

3.  નવીનતા (Novelty)

આ પરિબળો એવાં છે કે જે વ્યક્તિની પોતાની આગવી ઓળખ, વૈચારિક શક્તિ, કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે. જીવનનાં શરુઆતનાં વર્ષોમાં બાળક જિજ્ઞાસુ, બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસુ હોય છે. આ એવો મૂલ્યવાન સમય છે કે જેના પાયા ઉપર બાળકના જીવનની ભાવિ ઇમારતનું નિર્માણ કરી શકાય. હવે પ્રશ્ન એ થાય કે, બાળકોને સાંભળવાં અને સમજવાં એટલે શું ?

સંતાનોને સારી-સારી સુવિધા-સવલતો પૂરી પાડવી; તેમના મોજશોખને પૂરા કરવા; સ્કૂલો-કૉલેજોમાં સારામાં સારા ગુણો સાથે ઉત્તીર્ણ થાય તે જોવું એ માતાપિતા તરીકેની જાગૃતિ હોઈ શકે, પરંતુ વાલી તરીકેની નહીં. આપણા જીવનકાળમાં આપણે કેટલું જોયું ? કેવું જોયું ? કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા ? એ બાળક માટે અગત્યનું નથી. પણ જીવનમમાં આવનારી અણધારી કે અનિશ્ચિત પરિસ્થિતિઓમાં જીવન કેવી રીતે જીવાય એ આપસૂઝ કેળવાય તો બાળકોને ખરા અર્થમાં સાંભળ્યાં અને સમજ્યાં કહેવાય.

અત્યારના સ્પર્ધાત્મક યુગમાં વકીલ તરીકે ક્લાયન્ટને, શિક્ષક તરીકે વિદ્યાર્થીને, ડૉક્ટર તરીકે દર્દીને, શેઠ તરીકે નોકરને સાંભળવામાં આવે પરંતુ ક્યારેય વાલી તરીકે આપણે બાળકોને સાંભળવાનો પ્રયાસ કર્યો છે ખરો ? બાળકને ક્યારેય મુક્તકંઠે બોલવામાં સહકાર આપ્યો ? મોટે ભાગે આપણે માતાપિતા તરીકે બાળકોને વચ્ચેથી જ બોલતાં અટકાવી દઈએ. આપણું બાળક આપણી આગળ નહિ બોલે તો કોની આગળ બોલશે ? આપણી આવી ગેરવર્તણૂક બાળકોને નકારાત્મક અભિગમ ઉપર લઈ જઈ શકે છે.

ખરેખર, આપણી પાસે સમય નથી એવું નથી. મોટા ભાગના વાલીઓ ધંધા-વ્યવહારનાં કામ પૂરાં કર્યાં પછી ટી.વી. જોવામાં, સહસાથી સાથે ગપ્પાં મારવામાં, સંબંધીઓના ઘરે જવા-આવવામાં સમય વ્યતીત કરતા હોય છે. ક્યારેય બાળક પાસે બેસીને બાળકને પૂછ્યું કે,“બેટા, તારે કોઈ મુશ્કેલી છે ? તકલીફ છે ?” આમ કરવાથી બાળક અને માતાપિતા વચ્ચેનું અંતર ઘટશે. પરંતુ બાળક સાથે વાત કરવી આપણને માથાકૂટ લાગે છે. પછી પોતાના કર્તવ્યમાંથી છૂટવા,‘મારી પાસે સમય નથી. મારે ઓફિસે જવાનું હોય છે, સામાજિક પ્રસંગોમાં જવાનું હોય છે, વ્યવહારિક તથા પારિવારિક સંબંધો સાચવવાના હોય છે.’– આવા બધા તર્ક કરીને બાળકોને પૂરતો સંતોષ અપાતો નથી.

ઝડપી પરિવર્તનશીલ યુગમાં બાળકોને ઉત્કૃષ્ટ જીવન જીવવાની કળા શીખવીએ. બાળકો માટેની જાગૃતિમાં બાળકનું આત્મસન્માન (Self esteem) કહેતાં પોતાની જાત માટે આદરમાન ખીલવવું એ બહુ મહત્વનું પાસું છે. વ્યક્તિગત જીવનમાં આત્મસન્માન એ મહત્વનું પાસું છે. બાળકની સફળતા અને નિષ્ફળતા મહદ્અંશે તેના પર આધારિત છે. ઘણી વખત કેટલાક શિસ્તના આગ્રહી વાલીઓ બાળકો ઉપર આકરા નિયમો લાદી દે છે કે તારે આ કરવાનું જ અને આમ નહિ જ કરવાનું. આ જમવાનું જ અને આ નહિ જ જમવાનું ! પરંતુ બાળકને મુક્ત રીત વિકસવા દો. આવા આકરા નિયમોને કારણે બાળક મૂંઝવણમાં મુકાઈ જતો હોય છે. પછી તેનાથી બાળકના જીવનમાં ઘણી બધી વિપરીત અસરો પડે છે. ઘણી વખત બાળકો માતાપિતાના કડક સ્વભાવને કારણે બોલી નથી શકતાં, પરંતુ તેની અસર તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે. એક સમાજસુધારકે ખૂબ સરસ વાત કરી છે કે,“બાળકોની આગળ ચાલી બાળકોને હંફાવશો નહિ, બાળકોની પાછળ ચાલી તેને ચકાસશો નહિ; પણ બાળકની સાથે ચાલી બાળકને સમજો.”

બાળઅવસ્થા પૂરી થયા પછી કિશોરાવસ્થાનો 13થી 19 વર્ષની ઉંમરનો ગાળો એટલે સંતાનો માટે મૂંઝવણ, દ્વિઘા, સંઘર્ષ વચ્ચે પોતાના અસ્તિત્વ (Self Identity)ને સાબિત કરવાનો ગાળો. આ સમયમાં સંતાનને પોતાની આગવી ઓળખ, છાપ ઊભી કરવાનો એક અનોખો તલસાટ હોય છે. ભારતમાં ગઈ સદીના યુવાનો કરતાં 21મી સદીના યુવાનો વધુ સુખ-સગવડો, આધુનિક સવલતો વચ્ચે જીવે છે. સહજતાથી મળતાં વસ્ત્રો, મોબાઇલ ફોન, વાહનો જેવાં અનેક મનોરંજનનાં માધ્યમોની વચ્ચે જીવે છે. આટલી બધી સુવિધા હોવા છતાં મૂંઝવણ, પ્રશ્નો, મુશ્કેલીઓ, સંઘર્ષો વધ્યાં છે. આ બધાંને કારણે યુવાનોમાં આત્મહત્યા તથા માનસિક રોગોનું પ્રમાણ વધ્યું છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના આંકડાઓ તથા સર્વેક્ષણો ચોંકાવી દે તેવાં છે. યુવા આત્મહત્યામાં ભારત વિશ્વમાં સર્વપ્રથમ છે. ભારતમાં છેલ્લા ત્રણ દાયકામાં યુવા આત્મહત્યાના આંકમાં 300 ટકાનો વધારો થયો છે. ભારતમાં દર 90 મિનિટે એક યુવાન આત્મહત્યાનો પ્રયાસ કરે છે. તેમાંના ઘણા પ્રયાસો માત્ર લોકોની સહાનુભૂતિ મેળવવા થાય છે. પરંતુ દર છ કલાકે આત્મહત્યાનો એક પ્રયાસ સફળ થઈ જાય છે. સર્વેક્ષણો એવું કહે છે કે, 95% લોકો ગ્રેજ્યુએશન પહેલાં ગુટકા, તમાકુનો ઉપયોગ ચાલુ કરે છે.

આવું બધું ન બને તે માટે આપણે શું કરવું ?

સંતાનોને માત્ર સુવિધાઓ નહિ પરંતુ માતાપિતાનો સહવાસ જોઈએ છે. આજના વાલીઓને સવાલ ! ક્યારેય આપણાં સંતાનોને સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ ? સમય નથી. એનું કારણ આપણે આપણાં બાળકોને જેવાં છે તેવાં ઓળખ્યાં નથી પરંતુ આપણે જેવા હોઈએ છીએ તે રીતે જોઈએ છીએ.

આપણે પેઢીઓની પેઢીઓ ઊભી કરશું. પરંતુ એ પેઢીઓનું, સંપત્તિનું ભાવિ સુકાન જેના હાથમાં છે એવાં સંતાનો જ સત્વહીન હશે તો શું ? આપણી જિંદગીની કરેલી મહેનત ઉપર પાણી ફરતાં વાર નહિ લાગે.