વાલી તરીકેની ફરજો - 2

  May 19, 2014

21મી સદીના બાળકો ધારે તે કરવા સક્ષમ છે. તેમનામાં રહેલી આ ક્ષમતાને બહાર લાવવા વાલી તરીકે બાળકો સાથેનું કેવું વર્તન જરુરી છે તે જાણીએ આ લેખના માધ્યમથી.

 ​​વાલીતરીકેબાળકોસાથેનુંવર્તનકેળવો:

(1) બાળકથી નાનીમોટી કંઈક ભૂલ થાય, દૂધ-ઘી-તેલ ઢોળાઈ જાય, હાથમાંથી વસ્તુ પડી જાય ત્યારે તેને બધાની વચ્ચે ઉતારી ના પાડીએ. ઝાંખા ના પાડી દઈએ. એ સમયે તો ... “હશે, કંઈ નહિ, ભૂલ તો થાય,” એમ કહીને તેને નિર્ભય કરી દઈએ. પછી પાછળથી તેને પ્રેમથી સમજાવી બીજી વખત ભૂલ ન કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

પરંતુ ઘણા વાલીની ખાસિયત હોય કે બાળકોને બધાંની વચ્ચે ઘણાં ઉપનામો આપી તેનું પ્રદર્શન વધારે. એક વાલી તરીકે કેટલાંક અશોભનીય વાક્યો પણ નીકળી જતાં હોય છે કે જે વાલી હોવાના નાતે ઉચ્ચારવા ઉચિત નથી, જેવાં કે,

“સાલા, ખબર નથી પડતી ? આટલી ભાન નથી પડતી ?”

“આવો ને આવો જ રહ્યો, અક્કલ વગરનો જ રહ્યો.”

“સાલા, મૂરખના જામ, બૂડથલ જેવો છે. આટલુંય આવડતું નથી ?”

“બુધ્ધિનો બારદાન જ છે, ઢબુનો ‘ઢ’ જ રહેવાનો.”

“પેલો જો આગ”ળ વધી ગયો તારા કરતાં. તું ડોબાં ચારજે.”

આવું બોલવાથી બાળકની છાપ ખરાબ નથી પડતી પણ આપણી જ છાપ ખરાબ પડે છે. આવી વાણીથી ક્યારેય બાળકને બધાની વચ્ચે શરમાવી ન દેવો. બાળકની ભૂલને બધાની વચ્ચે પ્રકાશિત ન કરવી.

(2) બાળકોને પ્રોત્સાહિત કરો :

બાળમનોચિકિત્સક એવું કહે છે, “પૂર્વની સદી કરતાં 21મી સદીમાં જન્મેલો બાળક 10 ગણી બુધ્ધિપ્રતિભા ધરાવે છે અને તે ધારે તેવું કરવા માટે સક્ષમ છે.” બસ. માત્ર જરૂર છે તેને પ્રેરણા આપવાની, તેનામાં ઉત્સાહ જગાવવાની ; અને બાળકોને પ્રોત્સાહન એના પોતાના વાલી પાસેથી જ મળે છે.

એક 10 વર્ષનો નાનો બાળક હતો. તેને ક્રિકેટમાં રસ હતો. તે જોઈને તેના પિતાશ્રીએ તેનામાં ક્રિકેટ પ્રત્યેનો અનેરો ઉત્સાહ જગાવ્યો. તે ક્રિકેટમાં આગળ વધી શકે તેવું ફિલ્ડ ઊભું કરી આપ્યું. જરૂરી સાધન-સામગ્રી લાવી આપી. આગળ જતાં તે વિશ્વવિખ્યાત ક્રિકેટર તરીકે પ્રસિદ્ધિ પામ્યા... તે છે નવજોત સિધુ.

બાળકને જે ક્ષેત્રમાં રસ છે તેમાં પ્રોત્સાહન આપી આગળ વધારવામાં આવે તો જરૂર સફળતા પ્રાપ્ત કરે છે. એક નાનો બાળક કાગળનું વિમાન બનાવી ઉડાડતો હતો. એ જોઈ તેના પિતાશ્રીએ તેનામાં ઉત્સાહ સ્ફુરાવ્યો કે, “બેટા, તું વિમાન ઉડાડજે ; તને જરૂર સફળતા મળશે.” અને પોતે પણ તેની જોડે ભળી જઈને મદદ કરી. આગળ જતાં તે પાઇલટ બન્યો ને તેણે ખરેખર વિમાન ઉડાડ્યું.

બાળક બધું જ કરી શકે તેમ છે, પરંતુ તેને જરૂર છે માત્ર પ્રોત્સાહિત કરવાની. ઘણી વખત બાળકોની નિષ્ફળતા જોઈને વાલીઓ પોતાની જવાબદારી સ્વીકારવામાં હિચકિચાટનો અનુભવ કરે છે અને બાળકોને ધમકાવે છે. આ સમયે વાલીઓ પોતાની જાતને નીચેના પ્રશ્નો પૂછે તો તે ખરેખર બાળકના માનસને સમજી શકે :

1. બાળકે જે કાંઈ કરવાનું હતું તે કરવા માટે એનામાં જરૂરી આવડત હતી ખરી ? આવડતનો વિચાર કર્યા વિના બાળકને આપવામાં આવેલી પ્રવૃત્તિમાં બાળકને નિષ્ફળતા મળે તો વાંક કોનો ? બાળકનો કે માવતરનો ?

2. માવતરે પોતાની જાતને બીજો પ્રશ્ન પૂછવાનો કે, બાળકે જે કાંઈ કરવાનું છે તેની સૂચના એને તમે ચોખ્ખી અને સમજી શકાય એવી ભાષામાં આપી હતી ?

3. ત્રીજો પ્રશ્ન પૂછવાનો કે, બાળકને જે કામ કરવાનું હતું એ કરવા માટે મેં જરૂરી મદદ આપી હતી ?

4. બાળકોને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહનના બે શબ્દો મેં કહ્યા હતા ?

5. બાળકને એની પ્રવૃત્તિમાં મદદ મળે, રસ પડે એવું વાતાવરણ મેં બનાવ્યું હતું ?

આ રીતે બાળકના માનસને સમજવામાં આવે તો જરૂર બાળકમાં ઉત્સાહ જન્મે છે અને સફળતા પ્રાપ્ત કરે છે.

(3) બાળકો પાસે વધુ પડતી અપેક્ષા ન રાખો :

બાળકો પાસે એ જ વાલી અપેક્ષા રાખી શકે કે જેણે નાનપણથી જ બાળક પાછળ સમયનો ભોગ આપી આદર્શતાના પાઠો શીખવ્યા હોય, સુસંસ્કારો તેના જીવનમાં રેડ્યા હોય, તેની સાથે પ્રેમભર્યું વર્તન કર્યું હોય.

બાળકોના અભ્યાસ પાછળ પૂરતો સમય ન કાઢે, ધ્યાન ન આપે અને અપેક્ષા રાખે કે તે ડૉક્ટર થાય. તો તે તદ્દન ખોટી અપેક્ષા છે.

બાળકની બુધ્ધિનો-આવડતનો અને ભવિષ્યનો માપદંડ કાઢી તેના ભવિષ્યની કલ્પના કરવી જોઈએ.

ઘણા વાલીઓ બાળકોની કેપેસિટી જોયા વગર તેની આગળ ઠરાવો પસાર કરી દેતા હોય છે : તારે ધોરણ-10 પછી સાયન્સ જ લેવું પડશે. ના કેમ આવડે ? આ બાજુ બાળક સાયન્સમાં માંડ-માંડ 35 માર્કસ લાવી પાસ થતો હોય છે પરંતુ વાલીના દબાણથી, વારંવાર થતા ટૉર્ચરિંગથી બાળક મૂંઝાય છે. મારે આગળ શું પગલું ભરવું તેનો નિર્ણય તે નથી લઈ શકતો. અંતે બાળક દુ:ખી રહ્યા કરે છે ને સાથે સાથે તેના વાલી પણ દુ:ખી થાય છે.