વાલી તરીકેની ફરજો - 3
May 28, 2014
વધુ પડતી અપેક્ષા બાળકો સાથે રાખવાથી બાળકોને ન સમજવાથી ભયંકર પરિણામ મળતા હોય છે વળી 15 થી 17 વર્ષ પછી બાળકને કયા ભાવથી સ્વીકારવા જોઈએ અને તેમની સાથે કેવું વર્તન કરવું જોઈએ તે આ લેખ દ્વારા સમજીશું.
ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરનાર ચિંતન માટે આજે અતિશે આનંદનો દિવસ હતો કારણ કે આજે ધોરણ 13 સાયન્સની આપેલી પરીક્ષાનું રિઝલ્ટ હતું. ચિંતન સવારમાં ભગવાનને પ્રાર્થના કરી, માતાપિતાને પગે લાગી શાળાએ પરિણામ લેવા માટે ગયો. શાળાએ મિત્રોને મળ્યો, આનંદ કર્યો. પરંતુ જ્યાં ધોરણ 12નું પરિણામ એના હાથમાં આવ્યું ત્યાં એના મુખના ભાવો કરમાઈ ગયા. આનંદ ઓસરી ગયો. આંખમાંથી આંસુ વહી ગયાં. ગમગીન બની મૌન થઈ ગયો. અંતરમાં ધ્રાસકો પડ્યો કે મારા પિતાએ મારા પરિણામની જેવી ધારણા રાખી છે એના કરતાં ઘણું ઓછું પરિણામ આવ્યું. હવે હું શું કરું ? ચિંતનને ઓછા ટકા આવ્યા એનું દુ:ખ નહોતું પરંતુ એના પિતા એની શું વલે કરશે એનો ભય મોટો હતો.
ચિંતન ધોરણ 12નું પરિણામ લઈ ઘરે ગયો. એને એમ હતું કે પિતા ધંધા ઉપર જવા નીકળી ગયા હશે એટલે વાંધો નહિ આવે, થોડું શાંતિથી કાર્ય પૂર્ણ થશે. પરંતુ ઘરમાં પ્રવેશતાં જ એના પિતાને સામે બેઠેલા જોયા. પિતામો જોતાં જ હૈયામાં ફાળ પડી ને પગ ધ્રૂજવા લાગ્યા. પિતાનો આક્રોશ ચિંતન માટે અસહ્ય હતો ; અને એની જ એને બીક હતી. પિતાએ ચિંતનને કહ્યું, “ચિંતન, 12મા ધોરણનું પરિણામ લઈ આવ્યો ? લાવ તો મને બતાવ.” ચિંતને બીતાં બીતાં પરિણામ એના પિતાના હાથમાં મૂક્યું. જ્યાં પરિણામ જોયું ત્યાં એના પિતાનો પિત્તો ગયો અને આક્રોશ સાથે એક થપ્પડ ચિંતનના મોં ઉપર મારી અને પોતાનો ઉકળાટ કાઢવા લાગ્યા : “આખું વર્ષ તારી પાછળ ખર્ચા કરી કરીને તૂટી ગયો અને અંતે સાલા આવું ભોપાળું જ વાળ્યું... !! ખબરદાર આજ પછી જો હવે ઘરની બહાર પગ મૂક્યો છે તો ? જો મને પૂછ્યા વગર ઘરની બહાર પગ મૂક્યો છે તો તારા માટે મારાથી ભૂંડો બીજો કોઈ નહિ હોય...” આવા આક્રોશભર્યા શબ્દોથી ચિંતનનું હૈયું છિન્નભિન્ન થઈ ગયું. તેને ડૂમો ભરાઈ આવ્યો.
સાંજે જમવાનો સમય થયો. પરિવારના સૌ સભ્યો જમવા માટે ભેગા થયા, પણ ચિંતન જમવા ન આવ્યો. ઘરમાં જોયું, તપાસ કરી, પરંતુ ચિંતન નજરે ન આવ્યો. સગાં-સંબંધી ને મિત્રોને ફોન કર્યા, પરંતુ ચિંતન ન મળે. આજુબાજુ સોસાયટીમાં તપાસ ચાલુ કરી, પરંતુ ચિંતન ક્યાંય ન મળ્યો. છેવટે સોસાયટીમાં એક છેવાડાના અવાવરા બંધ મકાનમાં કોઈકનું ધ્યાન ગયું ને ત્યાં તપાસ કરતાં ચિંતનનો મૃતદેહ મળી આવ્યો. તેના એક હાથમાં ઝેરની બૉટલ હતી અને બીજા હાથમાં એક લેટર લખેલો હતો. લેટરમાં લખ્યું હતું કે, “Last day, last result & last enjoyment.” આટલું લખી નીચે ચિંતને પોતાના અંતરની એક વાત રજૂ કરી હતી જે અનેક માતાપિતાઓને ચેતવી દે એવી હતી.
“પિતાજી ! હું આજ દિન સુધી એ પ્રશ્નનો ઉત્તર મેળવવા મથ્યા કરતો હતો કે મારાં માતાપિતાએ મને શા માટે જન્મ આપ્યો છે ? નાનપણથી મરતા દમ સુધી મારા ઉપર કેવળ તેમની જ અપેક્ષાઓ પૂરી કરવાનો મારો રખાયો ? પિતાજી, આપને હું એ પ્રશ્ન પૂછું છું કે આપની 12મા ધોરણની એક સારા પરિણામની અપેક્ષાને હું ન સંતોષી શક્યો તે બદલ આપે મને કેવા શબ્દો ને સજા આપી ? પરંતુ કદી આપે મારી અપેક્ષાઓને સમજવા પ્રયત્ન કર્યો હતો ? આપે કોઈ દિવસ મને એટલું પણ પૂછ્યું હતું કે તને શેમાં રસ છે ? બસ, એક જ બળજબરી કરી હતી કે તારે સાયન્સમાં સારામાં સારા ટકા લાવી ડૉક્ટર બનવાનું છે. પરંતુ મને ડૉક્ટર બનવાની નહિ, બીજું કંઈક પામવાની અપેક્ષા હતી. મારી અપેક્ષાઓનું શું ???”
આ પ્રશ્ન માત્ર ચિંતનનો નથી. ચિંતન જેવાં અનેક સંતાનોનો છે કે જે માબાપની વધુ પડતી અપેક્ષાઓને સંતોષવામાં પીડાયા કરે છે. જો ચિંતનના પિતાએ તેના ઓછા પરિણામ બદલ તેને સાંત્વના આપી હોત તો ચિંતને આ પગલું ભર્યું ન હોત.
(1) 15-17 વર્ષ પછી બાળકને મિત્ર તરીકે સ્વીકારો :
બાળક એ કાયમ માટે બાળકઅવસ્થામાં નથી રહેતો. જેમ જેમ સમય જાય છે તેમ તેમ બાળકની બુધ્ધિમાં, સમજણમાં, આવડતમાં, વ્યવહારકુશળતામાં વિકાસ થતો જાય છે. આપસૂઝ વધતી જાય છે. પછી તેને પણ તેનાં માન-સન્માનની, મર્યાદાની ગણતરી હોય છે.
જેમ મિત્રની માન-મર્યાદા સાચવીએ છીએ તેમ પુત્રની પણ મિત્રની જેમ માન-મર્યાદા સાચવવી. કારણ કે હવે તે પણ વ્યવહારો કરતો થઈ ગયો છે. તે પણ કોઈકનો ઉપરી છે. તેને તમારા ઘરની પરિસ્થિતિથી અજાણ ન રાખો. દરેક કાર્યમાં ભેગો ભેળવો. તે પણ જીવનમાં અમુક બાબતે સ્વતંત્રતાને ઇચ્છે છે. તેને અમુક પ્રસંગે સમયોચિત જાતે નિર્ણયો લેવા દો, નહિતર તેની અંદર રહેલા ગુણોને તે બહાર નહિ લાવી શકે, વિકાસ નહિ કરી શકે. તેના નજીકના મિત્ર બનીને રહો.
(2) બીજાનો ગુસ્સો બાળક પર ન કાઢો :
ઘણાં કુટુંબ-પરિવારોમાં વાલીઓ નોકરી-ધંધેથી થાકીને કંટાળીને આવ્યા હોય, સાથે શેઠનો કે કોકનો ગુસ્સો લઈને ઘેર આવ્યા હોય. શેઠ સામે ગુસ્સો કરાય નહિ એટલે શું કરે ? ઘેર લાવે. ઘેર આવી ગુસ્સો ઉતારે પત્ની પર, પત્ની બીક-મર્યાદાને કારણે સામે બોલી ના શકે એટલે તે ગુસ્સો ઉતારે છોકરાંઓ પર. બિચારા બાળકોનો શો વાંક ? કયો ગુનો ? બાળક બિચારું પછી રડ્યા કરે. માબાપથી ગભરાયા કરે. ભયભીત થઈ જાય. પછી ભયના માર્યા માબાપથી છટકવાના પ્રયત્નો કરે, યુક્તિ-પ્રયુક્તિ કરતાં શીખે. ખોટું બોલતાં શીખે, ભૂલો છુપાવવાના પ્રયત્નો કરે વગેરે દૂષણો બાળકોમાં દોડતા આવે.
કદાચ, બાળકની ભૂલ થાય, તોફાન કરે તોપણ ક્યારેય ગુસ્સો ના કરવો. તેને પ્રેમથી સમજાવવું, શિખવાડવું; બાળકની સાથે ગુસ્સાથી નહિ પણ પ્રેમથી કામ લેતાં શીખવું. બાળકને પ્રેમથી જીતો.
(3) બાળકોમાં પક્ષપાત ન કરવો :
બાળકો સાથે ક્યારેય પક્ષપાત ન કરવો. કેટલાંક માબાપ બાળકો સાથે પારકા-પરાયા જેવું વર્તન કરે. સ્વાભાવિક છે કે જે બાળક આપણું કહ્યું કરે તે ગમે. અથવા તો મોટા કરતાં નાનું બાળક વહાલું લાગે. પરંતુ તેની અસર જે બાળક ઉપર અન્યાય થતો હોય તેના પર પડે છે. તેના મગજમાં નાનપણથી ગ્રંથિ બંધાઈ જાય છે : “મારાં મમ્મી-પપ્પાને તો એ જ વહાલો છે. એને જ બધું આપે. એના માટે જ બધું લાવે. એનું જ કહ્યું કરે.” સમયાંતરે આવી ગ્રંથિઓ દૃઢ થયા પછી તેને ભૂંસાતાં ઘણી વાર લાગે છે.
માબાપ સાથે વેર લેવાની ભાવના ઊપજે હું મોટો થઈશ પછી ખબર પડશે. હું મમ્મી-પપ્પાને મારી સાથે નહિ રાખું. બાળક ભલે નાનું હોય કે મોટું હોય તે બાળક કોનું છે ? બાળ-અવસ્થામાં વેરોવંચો ના રાખો. તેના માનસપટ પર આવી ગ્રંથિઓ કદી ન પડવા દેવી. નહિ તો એ જ બાળક કાલે પરિવારમાં કુસંપનો કીડો સરવળતો કરી મૂકશે.
કદાચ બાળક પ્રભુઇચ્છાથી કોઈ ખોડ-ખાંપળ હોય, તોપણ તેના પ્રત્યે ક્યારેય નફરત ન કરો. પ્રભુએ આપેલી પ્રસાદી સમજી બાળકનું જતન કરવું.
• વિશેષ દૃઢતા માટે :
આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :
1. યુવાનની અજબ તાકાત ભાગ – 1,2
2. કિશોરો મારું હ્યદય છે.
3. વાલીઓ જાગો
4. વાલી તરીકેની ફરજો