વાંચન - 2
November 28, 2015
વાંચન : સાચા લીડર ઘડનારું :
“કોઈ પણ મહાન ગ્રંથ તેના વાચકને તે જેવો હતો તેવો રેહવા દેતો જ નથી. એ ગ્રંથવાંચનને પરિણામે હંમેશા વધુ ઉન્નત માનવી બને છે.” આન્દ્રે મોર્વાનું વિધાન વાચકને મહામાનવ કહેતાં લીડર બનાવવાની દિશા તરફ લઇ જાય છે. માનવને પોતાની આંતરિક શક્તિઓ ઉજાગર કરવા વાંચન કરવું જ રહ્યું. આ વાતને વર્તમાન-ઇતિહાસ સ્વયં પ્રમાણિત કરે છે.
લી-કા-શિંગ હોંગકોંગના અબજપતિ છે. તેઓ બાર વર્ષની નાની ઉંમરે ચીનથી નિરાશ્રિત થઇ હોંગકોંગ આવેલા. તેમના પિતા ક્ષયરોગથી મૃત્યુ પામ્યા. નાની ઉંમરે કોઈને સહકાર તેઓને નહીં. ત્યાંથી જે કાર્ય હાથ લાગે એ કરવા માંડ્યા.
જીવનની ભયાનક હાડમારીઓથી લડવા વાંચનપ્રવૃત્તિ સ્વીકારી. આ સમયમાં તેઓ ફિલ્મો જોવાને બદલે પુસ્તકવાંચન કરતા. વાંચન એમનો અત્યંત શોખનો વિષય. વાંચનશોખને સતત નીતરતો રાખવા સારુ તેઓ મૂંડન કરાવી દેતા. કોઈએ તેમને પૂછ્યું, “આ મૂંડન કેમ કરાવો છો?”. ત્યારે તેમણે કહ્યું, “વાળ કપાવવામાં સમય બગડે, વળી એકાદ માસે પાછા વાળ મોટા થઇ જાય ને ફરી કપાવવા જવું પડે. આથી મૂંડન કરાવવાથી ત્રણ-ચાર માસની નિરાંત થઇ જાય ને સુખેથી વાંચનરસના અમી-ઘૂંટડા પી શકાય.” તેઓ રસ્તા પરથી જૂનાં પુસ્તકો ખરીદતા ને નિરંતર-નિયમિત વાંચન કરતા.
વાંચનવૃતિએ તેઓને આકાર આપ્યો. તેઓ આજે વિશ્વમાં ૫૬ દેશોમાં ફાર્માસ્યુટીકલ અને ટેલીકોમ કંપનીના વડા છે. તેઓને જાન્યુઆરી ૨૦૦૭ના ‘ફૉબર્સ’ નામના સામયિકમાં જીવનસાર આપતાં કહ્યું છે કે, “હું વાંચન થકી અબજપતિ બન્યો છું.” વાચક તરીકે તેઓની ઉત્કૃષ્ઠ પ્રતિભાએ ૫૬ દેશોમાં રહેલી કંપનીઓનું નેતૃત્વ પ્રદાન કર્યું. વાચક તરીકે આ ઘટના કોઈ સામાન્ય ઘટના ન લખતાં ચાનક ચઢાવીને આપણે પણ સજ્જ વાચક થઈએ.
“સાચો રીડર જ લીડર બની શકે છે” એવું કહી આ વિધાન આપણને વિચારતા કરી મૂકે છે. જીવનના દરેક ક્ષેત્રમાં આપણી નિષ્ફળતા પાછળની નબળાઈઓ ને ઊણપો રહી છે. આપણી ઊણપો પાછળનું કારણ એક જ છે કે અપણે રીડર નથી. તો પછી સાચા રીડરની વાત જ ક્યાં કરવી. હા, આપણે બે-ત્રણ બાબતોમાં સાચા રીડર છીએ. એમાં તો ચેકબુક, પાસબુક ને વ્યવહારિક પત્રો કે પરિપત્રોનો જ સમાવેશ થાય છે. હવે ઉપયુર્ક્ત પ્રસંગ સાંભળ્યા પછી બે=ત્રણ બાબતોના વાંચનવર્તુળમાંથી નીકળીને કંઈક વિચારીએ... ‘અપણે કેટલું વાંચીએ છીએ?’
વાચક તરીકે આપણે વાંચનની મહત્તા લોકિક દ્રષ્ટિએ નીરખી, પણ હવે અધ્યાત્મમાર્ગમાં વાંચનની મહત્તા સમજીએ. શ્રીજીમહારાજ પણ વાંચનપ્રવૃત્તિ વિષે વિશેષ રસ દાખવતા. મહારાજ નિજ સમયના સાહિત્યિક ગ્રંથોનું પારાયણ પૂ.સંતો પાસે કરાવતા ને હરિભક્ત સમાજ સદાકાળ આ પ્રવૃતિમાં જોડાયેલો રહે એ માટે નવ્ય ગ્રંથોનું સર્જન કરાવતા. આ પછી આ પરંપરા જીવનપ્રાણ બાપાશ્રીએ ચાલુ રાખી ને એ વારસો સદગુરુ ઈશ્વરબાપા, વૃંદાવનબાપા ને મુનિબાપાએ પણ જાળવ્યો છે. ને વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ.બાપજી ને પ.પૂ.સ્વામીશ્રી પણ આ જ પરંપરા મુજબ આગળ વધી રહ્યા છે. વાંચનપ્રવૃતિનું આટલું મહત્ત્વ મહારાજથી લઇ વર્તમાન સમય સુધી જોવા મળે છે તો આપણે શીદને આ વાંચનકળાથી અળગા રહીએ ? વહાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી વાંચન પર ભાર આપતાં જણાવે છે, “કે’દી એક ક્ષણ નવરા ન પડવું; ધ્યાન, ભજન ને વાંચન કરવું. વાંચવાથી જીવન દિવ્ય બનશે.” આ વાક્ય ચરિતાર્થ કરતા બાપજીનું અવરભાવ ચરિત્ર નિહાળવા ને પ્રેરણા લેવા જેવું છે. બાપજી જયારે મોટામંદિરે બિરાજતા ત્યારે સવારના ૪:૩૦ થી લઇ રાત્રિના ૧૧:૩૦ સુધી સત્સંગપ્રવૃતિમાં વ્યસ્ત રહેતા. ૧૧:૩૦ પછી બાપજી સવારના ૩:૩૦ વાગ્યા સુધી વચનામૃત ને બાપની વાતોનું વાંચન કરતા. આમ બાપજી આખા દિવસમાં માંડ એકાદ કલાક પોઢતા. બાપજીનો આ નિત્યક્રમ જોઈ એક હરિભક્તે પૂછ્યું, “બાપજી, આ તમે સવારે ૪:૩૦ થી લઇ ૧૧:૩૦ સુધી મહારાજની સેવા કરો છતાય ૧૧:૩૦ પછી ૩:૩૦ વાગ્યા સુધી વાંચન શા માટે કરો છો ? દયાળુ, થોડો આરામ કરો ને !” બાપજીએ ઉત્તર વાળતાં કહ્યું, “ દયાળુ, અપણે આપણી મૂડી તો કરવી જ પડે. મહારાજ, બાપા ને સદગુરુઓએ રચેલા ગ્રંથો વાંચીએ તો મૂર્તિના અનન્ય સુખનો અહેસાસ થાય, આ દિવ્ય અહેસાસ બહુધા વાંચનથી જ મળે છે.” ગુરુવર્ય પ.પૂ.બાપજી આજે પણ, અવરભાવમાં ૭૮ વર્ષની ઉંમરે પણ, નિત્ય પ્રત્યે ત્રણ કલાક અચૂક વાંચન માટે સમય ફાળવે છે.
ગુરુવર્ય પ.પૂ.બાપજી કહે છે, “અમે કોઈને નવરાશની પળમાં વચનામૃત, બાપાશ્રીની વાતો કે ઘનશ્યામ સામયિકનું વાંચન કરતા જોઈએ તો અત્યંત રાજી થઈએ છીએ.” વાંચને કરીને આ લોકમાં લીડર થવાતું હોય ને પરલોકમાં મુર્તિસુખભોક્તા કહેતાં મુક્ત થવાતું હોય તો શા માટે આપણે વાંચનથી દૂર રહીએ છીએ?
વાંચન : જેવું વાંચો તેવું જ ફળ આપનારું:
ગુજરાતી ભાષાસાહિત્યમાં એક કહેવત છે : અન્ન એવો ઓડકાર.” જેને વાંચન સંદર્ભે બદલીએ તો, ‘વાંચન એવા વિચારો’. વાંચનથી વિચારો ઉદ્ભવે છે. પણ આપણી નવું જાણવા-જોવાની ને વાંચવાની જિજ્ઞાસાવૃત્તિના કારણે સાર-અસારનો આપણે વિવેક રાખી શકતા નથી. અંતે આપણને ખરાબ વાંચનની ટેવ પડી જાય છે જે આપણને તહસનહસ કે છિન્નભિન્ન કરી વિખેરી નાંખે છે. આ માટે વાંચનવિવેક જરૂરી છે.
વાંચનના બે પ્રકાર છે : ૧.હકારાત્મક વાંચન, ૨. નકારાત્મક વાંચન. હકારાત્મક વાંચનથી પ્રગતિ કહેતાં ઊર્ધ્વગતિ પ્રાપ્ત થઇ છે. જીવન હકારાત્મકતાથી ખીલી ઉઠે છે. હકારાત્મક વાંચન માટે હેનરી ડેવિડ થોરો કહે છે, “ઉત્તમ પુસ્તકના વાંચનથી નવા યુગનો પ્રારંભ થાય છે.” હકારાત્મક વાંચનની અસર કેવી થાય છે તે માટે ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ પલટાવીએ.
ભારત દેશ ત્રણસો-ત્રણસો વર્ષ સુધી બ્રિટીશ સલ્તનતનો ગુલામ રહ્યો. આ ગુલામીના કારમાં ઘામાંથી મુક્ત થવા ‘સત્યાગ્રહ’ થયો. પણ સત્યાગ્રહનો વિચાર મૂળે ક્યાંથી આવ્યો? એ જાણવું આપણે માટે અત્યંત જરૂરી છે.
આ હકારાત્મકવિચાર મોહનદાસ ગાંધીને ઈ.સ.૧૮૪૯માં પ્રકાશિત થયેલ હેનરી ડેવિડ થોરોના ‘Civil Disobedience’ (સામાજિક બહિષ્કાર) નામના પુસ્તકમાંથી આવ્યો. આ પુસ્તક તેઓને ઈ.સ. 1906માં વાંચવામાં આવ્યું. આ પુસ્તકે તેમને અસહકારના આંદોલન માટે પ્રેરણા કરી. અસહકાર આંદોલનમાંથી સત્યાગ્રહનો જન્મ થયો. આમ, સત્યાગ્રહે ભારતને ત્રણસો વર્ષની ગુલામીમાંથી મુક્ત કરી સ્વતંત્રતા આપી ને નવા યુગનો પ્રારંભ કર્યો. આ શક્ય બનવાનું કારણ કેવળ હકારાત્મક વાંચન જ હતું. હકારાત્મક વાંચનમાં રહસ્યાર્થ વચનામૃત, બાપાશ્રીની વાતો, સંસ્થામાંથી પ્રકાશિત થતા પુસ્તકો, ઘનશ્યામ સામયિક અને પ્રરણાત્મક ચરિત્રો ને સાહિત્યલેખોનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. આવા શાસ્ત્રો ને પુસ્તકો વાંચવાથી જ જીવન ઊર્ધ્વ ગતિને પામે છે.
નકારાત્મક વાંચન એટલે ગ્રામ્ય, હલકા ને અસામાજિક વિચારોનું પ્રતિપાદન કરતાં પુસ્તકો. નકારાત્મક વાંચન એટલે અધોગતિ તરફ લઈ જનાર મહાખાડી. નકારાત્મક વાંચનમાં વર્તમાનપત્રોમાં આવતી બીભત્સ પૂર્તિઓ, ગ્રામ્ય લેખો-પુસ્તકો ને રજોગુણી સાહિત્યનો સમાવેશ થાય છે.
નકારાત્મક વાંચન વિષે કોઈક ભારતીય મીમાંસક યથાયોગ્ય વિવેચન કરતા જણાવે છે, “નકારાત્મક વાંચનથી માનસમાં આસુરી તત્ત્વો જન્મે છે, જે માનવને મહાદાનવ કરી નાંખે છે. આ મહાદાનવ સમસ્ત માનવસમાજ માટે વિનાશક-વિસ્ફોટક છે.” આ વાત ને ટેકો આપતાં ઇતિહાસના કાળાં પાનાં અક્ષિ (આંખ) સમક્ષ ખડાં થઇ જાય છે.
વાત છે જર્મનીના આપખુદ એડોલ્ફ હિટલરની. હિટલરે મનસ્વીપણે ને એક સામાજિક વર્ગ વિષે નકારાત્મક વલણ દાખવતું જલદ લખાણ પોતાના આત્મવૃતાંતમાં કર્યું હતું. આ વૃતાંતના વાંચનથી સમાજમાં કાળી ક્રાંતિનો સૂરજ વકરી ઉઠ્યો. આ સૂરજે લાખો લોકોને પોતાના ભરડામાં લઇ લીધા ને પોતાના કાળા પ્રકાશે ઇતિહાસ રચી નાખ્યો. આ વાતનું વર્ણન કરતાં અમેરિકન લેખક નોર્મન કઝિન્સે કહ્યું છે, “For every word of ‘Mein kamp’ 125 lives were lost, for every page 4, 700 lives and for every chapter more than 1,200,000 lives” ‘મેન કેમ્ફ’ ના એક એક શબ્દે ૧૨૫ લોકોનું જીવન ખુવાર થયું , તેને પ્રત્યેક પૃષ્ઠે પૃષ્ઠે ૪૭૦૦ લોકો અને પ્રત્યેક પ્રકરણે પ્રકરણે ૧૨ લાખ લોકોએ પ્રાણ ગુમાવ્યા.
અસદ્વાંચનથી દ્રષ્ટિ, વલણ ને વિચાર નકારાત્મક થઈ જાય છે. આમ, વાંચન માટે વિવેક કેળવીએ ને વાંચતા થઈએ તો વાંચન સદા સુખકર છે.
વાંચન વિશ્વની વિશિષ્ઠ ફળદ્રુપતા હોવા છતાંય વાચકોની ઉદાસીનતા પર મર્મ વ્યક્ત કરતા એલ્વિન ટોફલરે કહ્યું છે કે, ‘૨૧મી સદીમાં એ લોકો અભણ નહિ કેહવાય કે જેમને વાંચતા-લખતા નહિ આવડતું હોય ! પરંતુ એ લોકો અભણ ગણાશે, જેઓ હકારાત્મક સદ્વાંચન કરીને જીવનનો કોઈક નવો પાઠ નહિ શીખે, જીવનની અવળી વાતો નહિ ભૂલે અને જીવનમાં વારંવાર ઘુંટવા જેવું ફરીથી નહિ શીખે.”
નહિ વારંવાર વ્યક્તિ કે સમાજને ૨૧મી સદીમાં ‘અભણ’ નું મહાબિરુદ ઝળહળતી રીતે એલ્વિને એનાયત કરી દીધું છે. ફર્ક એટલો જ કે આ વાત માટે પદવીદાન સમારંભ યોજાયો નથી. ૨૧મી સદીની માનવસમસ્યાનું એકમાત્ર ઓસડ ‘વાંચન’ છે. પ.પૂ. સ્વામીશ્રી પણ વાંચન અંગે શુષ્ક રહેનારા વર્ગ વિષે કહે છે, “આજના જમાનામાં લોકોને હરવું-ફરવું, નવું નવું જોવું ને જાણવું તથા રમતગમત ને મનોરંજન ગમે છે. પરંતુ જયારે આજનો સમાજ સદ્વાંચનનું અંગ કેળવશે ત્યારે જ દેશ અને સમાજની જે સાચી મૂડી છે તેવા - નીતિમત્તા, પ્રામાણિકતા, પવિત્રતા, માન-મર્યાદા, પુજ્યતા આદિ - ગુણો ખીલી ઊઠશે ને એક નવતર મુલ્યવાન સમાજની રચના થશે.”
સદ્વાંચન-જાગૃતિ માટે સમૂહ-અભિયાનો ઉપાડવાની જરૂર નથી. ‘પોતાનું આંગણું વાળતાં વિશ્વ ચોખ્ખું થાય’ એ ન્યાયે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનમાં સદ્વાંચનનું મૂલ્ય સમજી વાંચનનું અંગ કેળવશે તો આપમેળે સમગ્ર સમાજ ને દેશ વાંચનની મહેકતી જીવનપરિવર્તનની ગાથાને અનુભવશે.
“તમારી જાતને ગમે તેટલા વ્યસ્ત-બિઝી ગણતા હો તોપણ, તમારે વાંચન માટે વખત કાઢવો જ જોઈએ. અથવા તમારી જાતને અજ્ઞાનને હવાલે કરી દો.” - કન્ફયુશિયસ
“જૂનાં કપડાં પહેરીને પણ નવાં પુસ્તકો ખરીદો.” – પ્રસ્ટિન ફિલ્ટસ
“પુસ્તકોનો સાચો ઉપયોગ કરવો એટલે તેમની પાસે મદદ માંગવા જવું. જ્યારે આપણું જ્ઞાન અને આપણી શક્તિ નિષ્ફળ જાય ત્યારે પુસ્તકોના શરણે જાઓ.” – જ્હૉન રસ્કિન
“સદ્વાંચન એટલે ઉન્નતિનો માર્ગ.” – રાજ ગોપાલાચાર્યજી
“વાંચન પા કલાક કરો અને તેનું મનન પોણો કલાક કરો.” – રીચાર્ડ ડી. ગેલિયન
“જીવંત માણસને બાદ કરતાં આ જગતમાં સારા પુસ્તકોની તોલે આવે એવું વન્ડરફૂલ કાંઈ જ નથી.” – ચાર્લ્સ કિંગ્સલી
“વાંચન એ માનવીનો ધર્મ છે. વાંચવું એ તમારું પ્રાઇવેટ કમિટમેન્ટ છે.” – આલ્બર્ટ મેંગુલે