વાણીમાં વિવેકનું મહત્ત્વ
June 12, 2019
આપને કાગડાની વાણી ગમે કે કોયલની ? સ્વાભાવિક જ છે કોયલની વાણી જ ગમે. કારણ કે, કોયલની વાણી મીઠી મધુરી છે. જ્યારે કાગડાની વાણી કર્કશ છે. એવું જ કાંઈક આપણા જીવનમાં પણ છે. જેમ ફૂલમાં સુગંધ ભળે તો જ એ ફૂલનું મૂલ્ય વધે, તેમ આપણી વાણીમાં વિવેક ભળે તો આપણું પણ મૂલ્ય વધે. તેથી જ કહ્યું છે કે, “જેવી વાણી તેવી કમાણી”.
અરસપરસ આત્મીયતાનું સર્જન કરવા માટે મહત્ત્વનો ભાગ ભજવતું પરિબળ એટલે વાણીમાં વિવેક. આજે સમાજમાં, દુનિયામાં, રાજકારણમાં, ઘરમાં, કુટુંબમાં વગેરે તમામ ક્ષેત્રોમાં ઝઘડા, કંકાસ અને અવિવેક. તેથી કહેવાય છે કે શસ્ત્રના ઘા રુઝાય છે પરંતુ મનુષ્ય વેણના ઘા મારે છે, તે ઘા જીવનભર રુઝાતા નથી. આથી જ ઘણાંય કુટુંબમાં વાણીના અવિવેકથી તે પાયમાલ થઈ જાય છે.
વાણી એ કાતિલ ઝેરનું કામ કરે છે. ક્યારેક અમૃત અને સંજીવનીનું કામ પણ કરે છે. અંગ્રેજીમાં કહેવત છે કે “A tongue is a fire” (વાણી એક અગ્નિ છે.) તેની વિરુદ્ધ “A kind tongue is better than a big pie.” એટલે કે મીઠી વાણી એ મિષ્ટાન્ન કરતાં પણ મધુર છે.
સ્વયં શ્રીજીમહારાજે પણ વાણીમાં વિવેકનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે.
ગઢપુરમાં કોઈક દ્વેષીએ સોમબા ફોઈબાના ઓરડા પર પત્થર નાખ્યા. તેથી સોમબા ફોઈબા ગુસ્સે થઈ પત્થર મારનારને ગાળો બોલવા લાગ્યા. શ્રીજીમહારાજ આ સાંભળી ગયા. તેથી તેઓ નારાજ થયા ને દરબાર છોડીને ચાલ્યા ગયા. પછી તો બધાએ ખૂબ જ પ્રાર્થના કરી, વિનંતી કરી, આજીજી કરી કે હવે કોઈ દરબારમાં ગાળો કે અપશબ્દો નહીં બોલે ત્યારે મહારાજ પાછા પધાર્યા. કેવો મહારાજનો આગ્રહ ?
મહારાજ જ્યારે મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન દેતાં તે સમયે કાઠી દરબારો ખાચરો વગેરેના લગ્ન પ્રસંગમાં ફટાણાં ગવાતા. પરંતુ જ્યારે આ ફટાણા મહારાજે સાંભળ્યા ત્યારે તેમણે ખૂબ જ નારાજગી બતાવી કે, “શું સત્સંગીને વળી આવું શોભે ખરું ?” ના ના કદીએ ન શોભે મહારાજે તુરત જ સદ્.મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે લગ્નનાં કીર્તનો બનાવો. સ્વામીએ લગ્નના ઢાળમાં કીર્તનો બનાવ્યાં ને મહારાજને રાજી કર્યા. ત્યારથી મહારાજે આજ્ઞા કરી કે, અમારા સર્વે સત્સંગીએ લગ્નમાં ફટાણાં બંધ કરવા અને તેના બદલે આ કીર્તનો ગાવાં.
એક તત્ત્વચિંતકે કહેવતમાં સાચે જ કહ્યું છે કે, “A tongue without bone has power to break the bones.” એટલે કે હાડકાં વિનાની જીભ અનેકનાં હાડકાં ભાંગવા સમર્થ છે. તેથી બોલતાં પહેલાં બે વખત વિચાર કરવો. “Think twice before you speak.” તેથી મહારાજે આપણને કાન ને આંખ બે બે આપ્યા છે પણ જીભ એક જ આપી છે. તેનો અર્થ એ જ છે કે ઓછું બોલો પણ સારું જ બોલો. આપણી વાણીમાં સત્યતા હોવી જ જોઈએ. પરંતુ એ વાણીમાં દંભ કે છેતરપિંડી ન હોવી જોઈએ.
વાણી વિસર્જનનું કાર્ય પણ કરે છે અને સર્જનનું પણ કાર્ય કરે છે. વ્યક્તિ પાસે જ્યારે સત્તા, બળ, હોદ્દો, ઐશ્વર્ય અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે, ત્યારે તેના કેફમાં. દેહાભિમાનમાં પોતાની વાણીમાં અવિવેક આવે છે તેથી તેનું વિસર્જન યા નાશ થાય છે.
એક વણકરભાઈ ખૂબ જ સુંદર કાપડ વણે. એક વાર તેમણે સુંદર સફેદ કપડું બનાવ્યું. જોગાનુજોગ રાજાનો જન્મદિન નજીક આવતો હતો. તેથી વણકરભાઈ સુંદર સફેદ કાપડ લઈને રાજાજીને જન્મદિનની ભેટ આપવા ગયા. વણકરભાઈ કહે, “લો રાજાજી આ જન્મદિન નિમિત્તે આપને મારા તરફથી ભેટ.”
ત્યારે રાજાજી કહે, અરે વણકર તે કાપડ ખૂબ જ સુંદર બનાવ્યા છે. પણ મારે શું કામમાં આવશે ? ત્યારે વણકરભાઈ બોલ્યા, “તમે મરો ત્યારે કબર પર ઢાંકવાના કામમાં તો લાગશે જ ને ? રાજાજી વણકરભાઈની આવી વાણી સાંભળી નારાજ થયા ને રાજાજીનો પિતો ગયો ને તેમણે વણકરભાઈને તોપના ભડ઼ાકે ઊડાડી દીધો. વણકરભાઈની વાણીએ જ તેમનો નાશ કરાવ્યો.
સંસ્કૃતના એક શ્લોકમાં કહ્યું છે કે, “હીરા, મોતીનાં આભૂષણો એ મનુષ્યની શોભા નથી, મીઠી વાણી એ મનુષ્યનું ખરું આભૂષણ છે. એક વાળંદ સૌરાષ્ટ્રના એક ગામના દરબારના વાળ કાપતા હતા. એવામાં કોઈ વાળંદને બોલાવવા આવ્યું. વાળંદ બાપુના વાળ કાપીને આવું છું. એવું ન બોલ્યા પણ જાઓ હમણાં હું બાપુના ફૂલ ઉતારીને આવું છું. એવું બોલ્યા તેથી બાપુ રાજી થઈ ગયા ને તેમણે વાળંદને મોટું ઇનામ આપ્યું.
એક મોટું નગર હતું. નગરના માર્ગો પરથી એક વાર રાજાની સવારી નીકળી હતી. રસ્તામાં એક સૂરદાસ (આંખે અંધ વ્યક્તિ) બેઠા હતા. સવારી રોકાઈ ગઈ. એક સિપાહી આવ્યા ને સૂરદાસને કહેવા લાગ્યા, “એ આંધળા, ઊઠ ને, ભાન નથી પડતું ? રસ્તા વચ્ચે શું બેઠો છું ? ચાલ ઊઠ ઊઠ, રાજાની સવારી આવે છે, દેખાતું નથી.” સૂરદાસ કહે, “હા સિપાઈ, ઊઠું છું આવા દો રાજાજીને.”
સૂરદાસ ન ઊઠ્યા એટલે દિવાનજી આવ્યા, “ઓ ભાઈ, જરા બાજુ પર ખસી જાઓ ને, રાજાની સવારી આવે છે.” સૂરદાસ કહે, “હા દિવાનજી.”
એટલામાં રાજાજી આવ્યા. હાથ જોડી કહે, “સુરદાસજી, આપ જરા ઊભા થશો ? તમને તકલીફ આપી એ બદલ માફ કરજો” સૂરદાસ કહે, “પ્રણામ રાજાજી, હમણાં ઊઠી જવું.”
બધાને આ દૃશ્ય જોઈ નવાઈ લાગી. કોઈકે તો પૂછી પણ લીધું, “સુરદાસજી, તમે તો કોઈને દેખતા નથી તો તમે કેવી રીતે સિપાહી, દિવાનને અને રાજાજીને ઓળખી શક્યા ? ત્યારે સૂરદાસ કહે, “તેમની વાણી પરથી.”
વાણીથી વ્યક્તિના ઘરના સંસ્કારો કે ખાનદાની કેવા હશે તે જાણી શકાય છે.
સદ્.મુક્તાનંદ સ્વામી શ્રીજીમહારાજ કરતાં પણ ઉંમરમાં ઘણા મોટા હતા. વળી, મહારાજે તેમને ગુરૂ પદે સ્થાપ્યા હતા છતાં તેમની વાણીમાં કેટલી નિર્દોષતા, વિવેક, ને નિર્માનીપણું છલકાઈ ઊઠતું. જ્યારે જ્યારે મહારાજને કોઈક પ્રશ્ન પૂછે ત્યારે ત્યારે “હે મહારાજ” આમ સંબોધન કરીને દાસત્વભાવે હસ્ત જોડીને જ પૂછે. મહાન હોવા છતાં કેવી નમ્ર વાણી ?
આપણને મળેલા દિવ્ય સત્પુરુષનો પણ કેવો અભિપ્રાય છે તો જોઈએ. એક વખત આપણા વહાલા પૂ.સ્વામીશ્રી સાધક સભામાં લાભ આપી રહ્યા હતા. એક સાધક મુક્ત આગલા દિવસની સભાનું પુનરાવર્તન કરાવતા હતા. તેમાં તેઓ બોલ્યા “એક રાજા હતો.” તરત જ પૂ.સ્વામીશ્રીએ એ સાધક મુક્તને અટકાવ્યા ને તેમને મીઠી ટકોર કરી કે આ આપણી વાણીમાં અવિવેક કહેવાય. “એક રાજા હતો” એવું ન બોલાય પણ ‘એક રાજા હતા’ એવું બોલવું જોઈએ. માન ભર્યા શબ્દો ઉચ્ચારવા જોઈએ. વિવેકભરી વાણી બોલવી જોઈએ. વાણીમાં વિવેક શીખવવાનો મોટાપુરુષનો કેટલો આગ્રહ !
સ્વામી વિવેકાનંદ વિશ્વની નમ્રતા અને મીઠાશ ભરેલી એક મહાન વિભૂતિ બની ગયા. તેનું મૂળ હતું તેમની વાણી. અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં સૌને સંબોધતા કહ્યું, “વહાલા ભાઈઓ અને બહેનો” સ્વામી વિવેકાનંદના આવા માનવાચક શબ્દો આજે પણ દુનિયાભરમાં ગુંજી રહ્યા છે.
રોજબરોજના જીવનમાં આપણી વાણીમાં વિવેક હશે તો બધાં જ ક્ષેત્રોમાં આપણી સહાયને માટે જીત થશે. મહાપ્રભુએ પણ શિક્ષાપત્રી તથા વચનામૃત ગ્રંથમાં આ ગુણનું કેટલું મહત્ત્વ દર્શાવ્યું છે. તે જોઈએ જીવપ્રાણીમાત્રને વચને કરીને દુઃખવવા નહીં. એટલે કડવાં વેણ ન કહેવા.
પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા આરોપણ યા દોષારોપણ ન કરવું. ભક્તિ વગેરે કોઈ પણ સાધન તેનો અહંકાર આવવા દેવો નહીં.
પોતાનો અથવા પારકાનો દ્રોહ થાય તેવું વચન ક્યારેય ન બોલવું.
ભગવાન ને સંત કોઈની આગળ વાત કરતા હોય ત્યારે આપણએ બોલાવ્યા વિના વચ્ચે બોલવું નહીં. વચ. છે. 25મું.
આપણાથી મોટા સંતો અથવા વડીલ હરિભક્તો અથવા કુટુંબમાં વડીલો આગળ સદાય હારીને રાજી થવું પણ જીતીને નહીં. સારંગપુરનું બીજું વચનામૃત..
આપણે સૌ પણ વાણીમાં વિવેકનું મહત્ત્વ સમજી આજે જ દ્રઢ સંકલ્પ કરીશું કે
હંમેશાં મીઠી વાણી જ બોલીશું..
સૌને માનથી જ બોલાવીશું ‘તુ'કારો કરીશું નહીં’.
કોઈની ઉપર ગુસ્સો કરીશું નહીં.
કટાક્ષ ભરી વાણી બોલીશું નહીં.
નમ્ર અને શિષ્ટભરી વાણી જ બોલીશું.
દલીલ અને વાદવિવાદમાં પડીશું નહીં.
હંમેશાં સત્ય વચન જ બોલીશું.
અભાવ અવગુણ કે અમહિમાની વાત કરીશું નહીં.
નિંદા ટીકા કૂથલી કે નેગેટિવ વાતોથી સદાયને માટે દૂર જ રહીશું.