વિચારેયુક્ત જીવન - 2
July 12, 2015
પ્રત્યેક વ્યક્તિ વિચારોમાં તો રમણ કરે છે પણ એક સત્સંગી તરીકે. એક ઉચ્ચ આધ્યાત્મિક ધ્યેય જે મૂર્તિસુખ આપે છે તેને પામનાર મુમુક્ષુએ પાંચ વિચારોથી સજ્જ રહેવું જરૂરી છે.
૧. મહાત્મ્યનો વિચાર : મહાત્મ્યનો વિચાર એ સત્સંગનો પ્રાણ છે. મહાત્મ્ય વિનાની ભક્તિ એ ચાસણીમાં બોળ્યા વગરની જલેબી અને સાટા સમાન છે. નિરંતર મહાત્મ્યના વિચાર માટે એક પ્રશ્નનો ઉત્તર મેળવવો. ‘મુઝે કૌન મિલા હૈ ?’- અનંતકોટિ બ્રહ્માંડમાં શ્રીજીમહારાજ જેવો બીજો કોઈ નથી. એ જેવા તો એક જ સનાતન ભગવાન છે. (અનુસંધાન છેલ્લાનું ૩૯મું વચ.) બીજા અનંત આધુનિક ઈશ્વરો છે જે સનાતન ભગવાન સ્વામિનારાયણની સત્તાથી સત્તાયમાન છે. એવા આધુનિક ઈશ્વરોને સ્વામીનારાયણ ભગવાનનાં દર્શન પણ નથી અને એવા સર્વોપરી શ્રીજીમહારાજ મને મળ્યા છે. મને મળ્યા છે એટલું જ નહિ, મને એમના જેવો પુરુષોત્તમરૂપ કર્યો છે. આવો મહાત્મ્યનો વિચાર જીવાત્માને બળિયો કરી દે.
૨. રાજીપાનો વિચાર : મહારાજ અને મોટાપુરુષના રાજીપા વગર મૂર્તીસુખને ઇચ્છવું તે વલખાં મારવા જેવું છે. એટલે જ સદ્. નિષ્કુળાનંદ સ્વામી આપણને દ્રષ્ટિ આપે છે.
“મરજી જોઈ મહારાજના મનની, એમ રહીએ આઠું જામ... કરીએ રાજી ઘનશ્યામ.”
નિરંતર દરેક ક્રિયામાં આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ. “હું શા માટે આવ્યો છુ ?” “શું કરી રહ્યો છું ?” “હું જે કરું છું, વિચારું છું તેમાં મહારાજ રાજી થાય છે ?” બસ એ રાજી થાય એ જ કરવાનું. અને એ રાજી ન થાય તે નહિ જ કરવાનું. આ જીવનસૂત્ર કરી દઈએ.
૩. સાંખ્યનો વિચાર : સાંખ્ય એટલે આંખ. આંખ વિનાની વ્યક્તિ ક્યાં ન ભટકાય ? બધે જ ભટકાય. એમ સાંખ્ય વિચાર વિનાનો ક્યાં ન લોભાય ? એક મૂર્તિ સિવાય બધે જ લોભાય. સાંખ્ય એટલે મૂર્તિ સિવાય બધું નકામું છે, ખોટું છે એવી સમજણ કરવી. એક મૂર્તિનું સુખ જ અવિનાશી છે. પ્રકૃત્તિના કાર્યનું સુખ નાશવંત છે. સાંખ્ય વિચારથી પ્રકૃતિના કાર્યમાં અનાસક્તિ થાય છે અને એક મૂર્તિના સુખમાં આસક્તિ થાય છે.
4. અસ્મિતાનો વિચાર : અસ્મિતા એટલે માત્ર ગૌરવ નહિ પણ ગૌરવભાન . અસ્મિતાના વિચાર માટે નિરંતર પ્રશ્ન પૂછીએ : “હું કોણ છું ? હું કોનો છું ? હું કયા સ્થાનમાં છું ? હું કોની છત્રછાયામાં છું ?” લાખ-કરોડ જન્મ ધરો અને સત્સંગ કરો, પણ કારણ સત્સંગનો એક મિનિટનો જોગ એથી અધિક છે. આ કારણ સત્સંગમાં સત્પુરુષના દિવ્યયોગથી અનાદિમુક્ત થવાય છે. આ છે મળેલા કારણ સત્સંગની અસ્મિતા. તદ્ઉપરાંત આપણને મળેલો સિધ્ધાંત કે, “સ્વામિનારાયણ એક જ સનાતન ભગવાન છે, સર્વોપરી ભગવાન છે અને અનાદિમુક્તની સ્થિતિ એ છેલ્લી સ્થિતિ છે.” તેની અસ્મિતા રુંવાડે રુંવાડે હોવી જોઈએ. સંપ્રદાયમાં સત્પુરુષનો દુકાળ છે ત્યારે આપણને મહારાજની દયાથી દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્યપુરુષોની ભેટ મળી છે. અને આપણને મૂર્તિસુખ તરફ પ્રયાણ કરાવવાના ધ્યેયમાં છત્રરૂપ એવી SMVS સંસ્થા મળી છે. આ અસ્મિતાનો વિચાર કરવો, જે આપણાં રોજબરોજનાં વાણી, વર્તન, વ્યવહારને શોભારરૂપ બનાવશે.
5. સ્વસ્વરૂપનો વિચાર : કારણ સત્સંગની અકલ્પનીય રીતિ એટલે મુમુક્ષુને સત્સંગમાં આવતાંની સાથે જ વર્તમાન ધરાવી તેના અનંત જન્મના ખોટનાં ખાતાં વાળી અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો. આપણા ચૈતન્યને પણ મહારાજે કૃપા કરીને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હવે આપણે દેહધારી નથી. દેહ એ આપણું સાચું સ્વરૂપ નથી. આપણે દેહથી પૃથક્ અનાદિમુક્ત છીએ. અનાદિમુક્તનો દેખાવ મહારાજનો છે. મૂર્તિ એ આપણું સાચું સ્વરૂપ છે. બસ, આ પ્રશ્નનો ઉત્તર નિરંતર વિચારીએ – હું કોણ છું ? આ વિચારથી દેહાદિકભાવોથી વિરક્ત થઈ સ્થિતિ તરફ પ્રયાણ થાય છે.
આ પાંચ વિચારેયુક્ત જીવન એટલે વિચારેયુક્ત જીવન. અને એ જ વાસ્તવિક આધ્યાત્મિક જીવન છે. વિચારેયુક્ત જીવન બનાવવા પોતાની જાતને ઉપરોક્ત પાંચ પ્રશ્નો નિરંતર પૂછીએ અને એના ઉત્તરો મેળવીએ.