વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 1

  July 5, 2021

મનુષ્યમાત્રનો ધ્યેય સુખપ્રાપ્તિનો છે. અનાદિકાળથી તેની સુખની શોધ અને તે સુખ પામવાની દોટ અવિરતપણે ચાલુ રહી છે. તેમ છતાં સુખ શું તત્વ છે ? સુખ શામાં સમાયેલું છે ? સુખનો અનુભવ કેવો હોય ? અને એવું સુખ કેવી રીતે મળે ? સુખ અંગેની આ બધી બાબતોથી અદ્યાપિ તે વંચિત જ રહ્યો છે.
સુખ એટલે દુ:ખ રહિત નિર્ભેળ આનંદ.
સુખ એટલે શાશ્વત શાંતિ.
સુખ એટલે દિવ્યાનુભવ.
શ્રીજીમહારાજે સર્વે શાસ્ત્રોના સારરૂપ સાચા સુખની દિશા બતાવતાં ગઢડા મધ્યના ૫૬મા વચનામૃતમાં કહ્યું છે કે, “સર્વે સદ્ગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે ને પરમ સાર વસ્તુ છે, ને તે પ્રભુ વિના  જે જે બીજાં પદાર્થ છે તે અતિશે તુચ્છ છે અને અતિ અસાર છે.”
તથા સાચા સુખના અનુભવીએ પણ કહ્યું છે કે,
“સુખમય તોરી મૂર્તિ અજબ હૈ, શ્રીજી સદા સુખકારી.”
સુખનું મૂળ, સુખ સ્વરૂપ, સુખનો સાગર એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની દિવ્યાતિદિવ્ય મૂર્તિ જ છે. એ જ શાશ્વત અને દિવ્ય સુખ છે. પરંતુ જીવ દેહભાવના અજ્ઞાને કરી દેહના સુખને પોતાનું સુખ માની લે છે. તેથી જ દ્રવ્ય, સંપત્તિ, સત્તા, માન-સન્માન આદિક પંચવિષયનાં માયિક સુખો મેળવવાનો પ્રયત્ન કરે છે. મનુષ્યમાત્રનો પ્રયત્ન માયિક સુખ માટેનો છે અને પાછી આશા તો શાશ્વત અને સાચા સુખની રાખે છે.
સદ્. દેવાનંદ સ્વામીએ મનુષ્યની આ પામરતાને ‘મૂરખ’ ગણી શબ્દોમાં વર્ણવી છે :
“મોતી સરખો કણ લઈ મૂરખ ઘંટીમાં દળે,
બાવળિયાનું બીજ બોયે આંબો કેમ થયે;
કસ્તુરી ને કેવડો લઈ તેલમાં તળે,
મનુષ્યદેહ દુર્લભ પામી વિષયમાં ભળે;
ખેલ એકલા ખેલતા અંતે જે જે મળે,
એકડા વિનાનાં મીંડાં તેમાં તારું નહિ વળે.”
બાવળનું બીજ રોપી આંબાની આશા ન રખાય તો પછી ભૌતિક સુખ માટેના પ્રયત્ન કરી શાશ્વત સુખની આશા કેમ રખાય ? ન જ રખાય. તેમ છતાં મનુષ્યમાત્ર એ જ આશા રાખે છે. કારણ, તેને ભૌતિક સુખ અને અભૌતિક સુખની સ્પષ્ટતા નથી. પરિણામે અભૌતિક સુખને પામવા મળેલો આ મનુષ્યદેહ પંચવિષયનાં ભૌતિક સુખો મેળવવા પાછળ વેડફી નાખે છે. વળી, આશ્ચર્ય તો એ છે કે આખું જીવન ભૌતિક સુખો મેળવવા માટે વેડફવા છતાં મૃત્યુ સુધી પણ તેને એ ભૌતિક સુખનો કાયમી અનુભવ તો થતો જ નથી. તો શા માટે ભૌતિક સુખ જે ખરેખર સુખનો આભાસ છે તેની પાછળ ઘેલા બની જવું ?
પંચભૂતથી બનેલા કોઈ પણ વસ્તુ-પદાર્થ કે વ્યક્તિમાંથી મળતા સુખ એ ભૌતિક સુખ છે. સારું સારું જમવાનું મળે, સારાં કપડાં પહેરવાં મળે, સારાં ગાડી-બંગલા મળે, અઢળક દ્રવ્ય-સંપત્તિ મળે, જગતમાં માન-મોટપ મળે, યશ-કીર્તિ વધે – આ બધાં ભૌતિક સુખો છે. જેમ દેહ નાશવંત છે તેમ આ બધાં સુખો પણ નાશવંત છે અને જગતના દેહધારી જીવો માટે છે; મોક્ષ માર્ગે ચાલનાર અર્થાત્ મૂર્તિસુખના માર્ગે ચાલનાર મુમુક્ષુ માટે નથી કહેતાં આપણા માટે નથી. તેથી ભૌતિક સુખ તરફથી પાછા વળવું.
આત્માની સુખાકારી માટેનો દિવ્ય આનંદ પમાડે અને શાશ્વત શાંતિનો અનુભવ કરાવે તેને અભૌતિક સુખ કહેવાય. જે અભૌતિક અર્થાત્ અલૌકિક સુખનો અનુભવ કર્યા પછી કદી લેશમાત્ર દુ:ખનો અનુભવ ન થાય એવા દિવ્ય સુખને અભૌતિક સુખ કહેવાય. શ્રીજીમહારાજની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ એ જ એકમાત્ર અભૌતિક સુખ છે. જે શાશ્વત અને વાસ્તવિક છે; દિવ્ય અને અલૌકિક છે. જે મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત માટે છે અર્થાત્ મારા માટે છે કારણ કે હું અનાદિમુક્ત છું.
આપણે અનાદિમુક્તના ભાવમાં રહીશું ત્યારે જ મૂર્તિસુખને પાત્ર થઈશું.