વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 11
September 13, 2021
નિયમે કરીને :
હિમાલયનું એવરેસ્ટ શિખર સર કરવા કરતાં પણ પંચવિષયમાંથી પ્રીતિ ટાળવી અતિ અઘરી વાત છે.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૫ની ૧૭૦મી વાતમાં કહ્યું છે કે, “જીવ પંચવિષય સારુ ખુવાર થઈને મરે છે. તે એક એક વિષય ગિરનાર જેવડા છે, તે ઊખડતા નથી ને બધો મુલક મંડે તો ગિરનાર પર્વત ઉખેડી નાખીએ પણ કામ તો કરોડ ઉપાયે પણ ન ઊખડે.” એક કામ પણ કોટિ ઉપાય કરવાથી ન ટળે તો પંચવિષયમાં જીવને જે આસક્તિ રહી છે તે તો કેમ ટળે ? પંચવિષયમાંથી પ્રીતિ ટાળવી એ સાધનદશામાં સાધના માર્ગમાં ચાલતા સાધક માટે પડકારરૂપ છે.
‘કોળિયે કોળિયે બશેર જમાય ને ગાઉ ગાઉ ચાલતા લાંબો પંથ કપાય.’ તેમ નિયમે કરીને પંચવિષયમાંથી પ્રીતિ ટાળવાનો પ્રયત્ન કરીએ તો ધીરે ધીરે ટળતી જાય. સદ્. ગોપાળાનંદ સ્વામીએ આ વાત સદ્રષ્ટાંત સમજાવતાં ૩૯૩મી વાતમાં કહ્યું છે, “સંસારમાં રહીને વિષય કેમ જિતાય ? તેનો ઉત્તર જે, નિયમ રાખે તો જિતાય છે. તેની વિગત જે, જેમ જૈનના મતવાળા છે તે આવી રીતે નિયમ રાખે છે જે, મારે આ વર્ષમાં દસ શેર રતાળું ખાવાં છે; તેમ સત્સંગીને પણ આ વર્ષમાં ને આ મહિનામાં મારે આવી રીતે વર્તવું છે એવી રીતે નિયમ રાખવા. એમ વર્તવાથી વિષય જિતાય છે.”
શ્રીજીમહારાજે પણ મધ્યના ૧૬મા વચનામૃતમાં કહ્યું છે, “વૈરાગ્ય હોય અથવા ન હોય પણ જો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિષે ખબડદાર રહે તો પંચવિષય જિતાય છે... નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય તથા જ્ઞાની હોય પણ તેનો ઠા રહે નહિ, માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલ જે નિયમ તે જ છે, તેમાં પણ મંદ વૈરાગ્યવાળાને તો નિયમમાં રહેવું એ જ ઊગર્યાનો ઉપાય છે.”
સાધનકાળમાં દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકના પ્રભાવમાં ગમે તેવો દૃઢ સંકલ્પ કરવા છતાં પંચવિષયમાં લેવાઈ જવાની શક્યતાઓ રહેલી છે. માટે તેનાથી બચવા નિયમ-ધર્મરૂપ બખ્તર સત્સંગમાં આવતાંની સાથે પહેરવાથી જ નિર્વિઘ્ને મૂર્તિના સુખમાં મોટા પહોંચાડે છે. જીવનપ્રાણ બાપાશ્રીએ તેથી જ ભાગ-૧ની ૮૭મી વાતમાં કહ્યું છે કે, “શ્રીજીમહારાજનો આશ્રિત થાય ને મોટા સાથે જીવ જોડે ને નિયમ-ધર્મરૂપી બખ્તર પહેરે એટલે નિયમ-ધર્મ પાળે તો પંચવિષયમાંથી હેત ટળી જાય.”
નિયમે કરીને જ પંચવિષયમાંથી ઇન્દ્રિયો-અંત:કરણ પર સંયમ કેળવી મહારાજ સન્મુખ થઈ શકાય છે.
સાંખ્ય વિચાર :
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ ભાગ-૧ની ૧૨૮મી વાતમાં કહ્યું છે, “સાંખ્યવાળાને આ લોક નરક જેવું લાગે છે, પણ ક્યાંય માલ મનાય નહિ ને આ કારખાનું તો ધૂળનું છે માટે તેમાં માલ માનવો નહીં.”
અવરભાવના માયિક પંચવિષયમાંથી પ્રીતિ ટાળવા માટે સાંખ્ય વિચાર અતિ આવશ્યક છે. માયિક પંચવિષય ખોટા છે, નાશવંત છે, તુચ્છ છે આ સાંખ્ય વિચારથી વૃત્તિઓ પાછી વળી જાય છે.
વિવિધ ફ્રૂટ નાખી ફ્રૂટસલાડ બનાવ્યું હોય, ઉત્તમ સુગંધી આવતી હોય પણ તેમાં જો લગારેક સાપની ફેણમાંથી ઝેરનું ટીપું પડતા જોઈએ તો તેમાંથી આપમેળે જ પ્રીતિ ટળી જાય છે. ફ્રૂટસલાડનો દેખાવ, સ્વાદ બધું એનું એ જ હોય છે તેમ છતાં તેને વિષેથી મોહ ટળી જાય છે. તેમ પંચવિષય પણ વિષ સમાન છે, પ્રાણઘાતક છે ને વળી નાશવંત છે, તેનું સુખ કાયમ રહેવાનું નથી એવો સાંખ્ય વિચાર કરવાથી તેમાંથી પ્રીતિ ટાળી શકાય છે.
સાંખ્ય વિચારવાળો ભક્ત પણ કેવી સમજણથી પંચવિષયમાંથી પ્રીતિ ટાળે છે તે દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૨૪મા વચનામૃતમાં કહ્યું છે કે, “સાંખ્યનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યનાં સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેનાં જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોકની માંહીલી કોરે જે જે સુખ છે તે સર્વેને પ્રમાણ કરી રાખે જે આ સુખ તે આટલું જ છે અને એ સુખની કેડે જે દુ:ખ રહ્યું છે તેનું પણ પ્રમાણ કરી રાખે પછી દુ:ખે સોતાં એવાં જે સુખ તે થકી વૈરાગ્ય પામીને પરમેશ્વરને વિષે જ દૃઢ પ્રીતિ રાખે, એવી રીતે સાંખ્યનિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય.”
સાંખ્યનિષ્ઠાવાળો માયિક સુખની તુચ્છતા, નાશવંતતાથી તેનું પ્રમાણ કરે છે. વળી, માયિક પંચવિષયને ભોગવતાં મૃત્યુ ભેટી જશે ને મોક્ષ માર્ગનું કામ બાકી રહી ન જાય એવા વિચારથી પણ પંચવિષયમાંથી પ્રીતિ ટળી જાય.
વિષયને વિષે દોષબુદ્ધિ :
શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૧૭, તરંગ-૯૭માં શ્રીજીમહારાજે કહ્યું છે, “દરેક વિષયનો વસ્તુત: વિચાર કરીએ તો તે દુ:ખરૂપ દેખાય છે. વિષયમાં દોષ દેખતા શીખે ત્યારે તેમાં પ્રીતિ રહે નહીં.”
જીવ પંચવિષય ભોગવ્યા વિના રહી શકતો નથી. તે દુ:ખરૂપ જ છે તેમ છતાં દેહાદિક ક્રિયાઓ કરવા કે સંસારમાં રહેવા પંચવિષય ભોગવ્યા વિના ચાલે તેમ નથી. તો શું વિષય ન ભોગવવા ?
અવરભાવમાં રહેવાનું છે ત્યારે અવરભાવની રીતે પંચવિષય ભોગવવા તો પડે પરંતુ તે કેવી રીતે ભોગવવા ? એક વખત નૃસિંહાનંદ સ્વામીએ સદ્. ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો કે, “પંચવિષય કેમ ભોગવવા ?” ત્યારે સ્વામીએ શીખવ્યું કે, “જેમ કોઈ વેરી મોટો મનુષ્ય હોય ને તે પોતાને ઘેર મહેમાન થાય તો તેને સાકરનાં સીધાં આપવાં પડે પણ અભાવ સોતા આપે છે, એમ વિષય ભોગવવાને વિષે દેહને પ્રવર્તાવવો.”
તથા ગઢડા પ્રથમના ૧૮ના સંદર્ભમાં ગોપાળાનંદ સ્વામીની ૨૧૬મી વાતમાં બીજા સંતે પૂછયું કે, “કેમ સમજીને વિષય ભોગવવા ?” ત્યારે પણ સ્વામીએ કહ્યું, “ધર્મામૃત, શિક્ષાપત્રી અને નિષ્કામશુદ્ધિ એ પ્રમાણે જે વર્તવું તેને સમજીને વિષય ભોગવ્યા કહેવાય.”
સદ્. ગોપાળાનંદ સ્વામી જીવને શુદ્ધ પાત્ર કરી મહારાજનું સુખ આપવા જ પધાર્યા હતા તેથી વિષયખંડનની વાત કરી જીવને ચોખ્ખા કરતા. માણસાના નરસિંહભાઈ જેવા રજોગુણી રાજવીને પણ મોબત રાખ્યા વિના પંચવિષયમાંથી પ્રીતિ ટળાવવા ટકોર્યા હતા. આ ઉપરાંત જેમ ‘મા’ બાળકને શત્રુની સામે લડવાનું શીખવે તેમ સ્વામીએ વારંવાર પંચવિષયમાંથી પ્રીતિ ટાળવા તેને વિષે કેવી દોષદ્રષ્ટિ કરવી તે શીખવતાં ૩૭૯મી વાતમાં વર્ણવેલ છે, “વિષયને વિષે દોષબુદ્ધિ કેમ કરે ? તો આ જે દેહ તથા દેહના સંબંધી છે તે ભગવાનસંબંધી જે સુખ તેમાંથી મુને પાડીને પોતાને વિષે બાંધે એવા છે ને મુને એણે અનંત જન્મ લગી ભમાવ્યો છે ને જમનો માર ખવરાવ્યો છે ને આજ એને વિષે મારે પ્રીતિ રહેશે તો તે મને અક્ષરધામમાં નહિ જાવા દે. એમ જાણવાથી તે દેહ તથા દેહના સંબંધીને વિષે કેવી વેરબુદ્ધિ થાય ? તો જેમ કોઈક પોતાના ભાઈને મારી નાખે તથા બાપને મારી નાખે તથા મા, બેન અને દીકરીને લઈ જાય તથા પોતાના ગામ-ગરાસ હોય તે લઈ લે ને પોતાને હાથે પગે કરીને કાઢી મૂકે ત્યારે એની ઉપર જેવી વેરબુદ્ધિ થાય છે તેવી વેરબુદ્ધિ નિરંતર રહે ત્યારે તેમાંથી રાગ ટળે તથા તેમજ સ્ત્રીને પણ એમ જાણે જે, સ્ત્રી છે તેમાં હાડ, માંસ, વિષ્ટા, પરુ, પાસ, શેડા, પિયા, મૂત્ર, નાડિયું, મજ્જા, મેદ, સ્નાયુ છે તથા રગ રગમાં રક્ત ભર્યું છે એવી રીતે વસ્તુ વિચારે કરીને સ્ત્રી વિષે દોષ દેખીને પછી એમ વિચારે જે, એવી પાપરૂપ જે સ્ત્રી તેને વિષે જો મારે અવ્યક્ત લગારે પણ રાગ રહ્યો તો મહારાજ મુને અક્ષરધામમાં નહિ રાખે; એમ જાણીને પૂર્વે કહી તેમ સ્ત્રીને વિષે વેરબુદ્ધિ કરવી.” તથા ૩૮૦મી વાતમાં કહ્યું છે, “વિષયમાં દોષદ્રષ્ટિ અને ભગવાનનું મહાત્મ્યજ્ઞાન એ બેને જ્યારે સિદ્ધ કરે, ત્યારે મનમાં સંકલ્પ થાય છે તે બંધ થાય છે.”
મોટાપુરુષ અનુભવી છે. તેઓ પોતાના અનુભવમાંથી જે રીત શીખવે તે પ્રમાણે કરવાથી વિષયમાંથી પ્રીતિ ટળી જાય. તેથી જ આ પ્રકરણમાં બહુધા મહારાજ અને મોટાના વચનની સાખ્ય લીધી છે.
આમ, આપણે મહારાજ ને મોટાના વચનની સાખે ચાલીએ એ જ અભ્યર્થના.