વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 12

  September 20, 2021

મોટાપુરુષના અનુગ્રહ અને રાજીપાથી ટળે :
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૧ની ૨૮મી વાતમાં કહ્યું છે, “હીરો છે તે કોઈ રીતે ફૂટે નહિ પણ તે માંકડના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહિ પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે ને તેની ક્રિયા ગમે તો તેથી ટળે.” અર્થાત્ મોટાપુરુષ કહે તેમ કરે તો તેનાથી તેમનો રાજીપો થાય અને એ રાજીપાએ કરીને જ વાસના ટળે, પંચવિષયમાંથી પ્રીતિ ટળી જાય.
એક વખત ગુજરાતમાંથી એક હરિભક્તને અંતરમાં વિષયના ઘાટ થયા કરતા તેથી તે ટાળવા સદ્. ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામીએ તેમને એક મહિનો રોકાવાનું કહ્યું. તેઓ અઠવાડિયું રોકાયા. પરંતુ ત્વરિત પરિણામની અધીરાઈએ તેમને થયું, “અઠવાડિયું થયું છતાં કોઈ ઘાટ ટળતા નથી; અહીં મારો સમય બગડશે ને કામ સરશે નહીં.”
સ્વામીએ મહિનો રોકાવાની આજ્ઞા કરી હતી તેથી તેમણે વચ્ચેનો રસ્તો કાઢયો. સ્વામીને પ્રાર્થના કરી કે, “હું અહીં આવ્યો છું તો સોરઠની પંચતીર્થી કરી આવું.” સ્વામીએ ના પાડી છતાં માન્યા નહીં. તેથી સ્વામીએ ‘ભલે તમારી મરજી’ એમ કહી વાતનો દોર ટૂંકાવ્યો.
હરિભક્ત જૂનાગઢથી વંથળી ગયા. ત્યાં તેમને સ્વામીના કૃપાપાત્ર કલ્યાણભાઈનો યોગ થયો. હરિભક્તે બધી વાત કલ્યાણભાઈને કરી તેથી તેમણે કહ્યું, “ભગત, તમે સ્વામી જેવા દિવ્ય સત્પુરુષનો સમાગમ છોડી ગમે તેટલી પંચતીર્થી કરશો તોય વિષયના રાગ ટળશે નહિ અને અંતરમાં શાંતિ થાશે નહિ માટે વિશ્વાસ રાખી સ્વામી પાસે જૂનાગઢ જ રહો. એ જ કૃપા કરશે.” તેથી તેઓ પાછા જૂનાગઢ આવ્યા.
હરિભક્તને પાછા આવેલા જોઈ સ્વામી મર્મમાં હસ્યા અને સભામાં બધાને સંબોધતાં વાત કરી, “લાખ મણ લોઢાની લોઢી ધગી હોય, તેના ઉપર બે-ચાર ઘડા પાણીના ઢોળીએ તેણે કરીને ઠરે નહીં. એને ઠારવી હોય તો નદીના ઊંડા ધરામાં નાખીએ તોય પંદર દા’ડા સુધી તો હવેલી જેવડી પાણીની છોળ્યો ઊછળે ત્યારે માંડ ઠરે. એવી રીતે પંચવિષયના યોગે કરીને જીવ ધગી ગયા છે. તે એમ માને કે બે-ચાર દા’ડા રહીએ ને વિષયના રાગ ટળીને ટાઢું થાય. તે એમ ન થાય.”
સ્વામીએ અંતર્યામીપણે વાત કરી તેથી ભગતને અંતરમાં અહોભાવ જાગ્યો અને સમાગમ કરવા રોકાયા. થોડા દિવસ પછી એક વખત સવારે કથા પછી આ હરિભક્ત શણગાર આરતીનાં દર્શન કરવા જતા હતા. તેઓ પગથિયાં ચડતા સ્વામીની સાથે થઈ ગયા. એ વખતે સ્વામીએ તેમની સામું જોયું. કાંડું ઝાલી કહ્યું, “ખબડદાર જો કોઈ વિષયના સંકલ્પ કર્યા છે તો !” એ જ વખતે તે હરિભક્તનું મન નિર્મળ અને ઘાટ-સંકલ્પ રહિત શાંત થઈ ગયું; અંતરમાં સુખ સુખના શેરડા છૂટવા માંડયા. અપૂર્વ દિવ્ય શાંતિનો અનુભવ થયો, પંચવિષયના રાગમાત્ર ટળી ગયા.
શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૫૮મા વચનામૃતમાં તેથી જ કહ્યું છે, “અતિશે જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે.” અર્થાત્ પંચવિષયમાંથી પ્રીતિ ટાળવા મોટાપુરુષનો રાજીપો ફરજિયાત છે. કારણ, પંચવિષયમાંથી પ્રીતિ ટાળવી તે માત્ર પુરુષપ્રયત્નથી થાય નહિ, પરંતુ પુરુષપ્રયત્ન જોઈ મોટાપુરુષ રાજી થાય. એ રાજીપાએ કરીને જ વિષયમાંથી પ્રીતિ તોડી બ્રહ્મરૂપ થવાય અર્થાત્ મૂર્તિરૂપ થવાય.
મૂર્તિના ચિંતવનથી :
લોયાના ૬ઠ્ઠા વચનામૃતમાં ૧૭મા પ્રશ્નમાં શ્રીજીમહારાજે પ્રશ્ન-ઉત્તર કર્યો છે કે, “કેવા પંચવિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે ? જગતસંબંધી પંચવિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. જીવાત્મા અનાદિકાળથી જગતસંબંધી પંચવિષયને જ ભોગવતો આવ્યો છે તેથી માત્ર તેની બુદ્ધિમાં જ નહિ, સમગ્ર જીવનમાં અંધકાર વ્યાપી ગયો છે.”
રાત્રિના અંધકારને ટાળવા ગમે તેટલા હેલોજન કરીએ તો તેનાથી તે અંધકાર ટળતો નથી. એ તો દિવસ ઊગે એટલે આપમેળે અંધકાર ટળી જાય. તેમ જીવાત્માના મોક્ષ માર્ગમાં પંચવિષયના ભોગથી અંધકાર વ્યાપ્યો છે તે સાધને કરીને ટળતો નથી. એ તો સહજાનંદરૂપી સૂર્ય ઉદય થાય કહેતાં દેહભાવ ટળી મૂર્તિભાવ દ્રઢ થાય તો જ માયાનો અંધકાર ટળે છે.
સદ્. ગોપાળાનંદ સ્વામીએ પણ ૯૫મી વાતમાં કહ્યું છે, “વિષયમાં રાગ છે તે તો ત્યારે ટળે, જ્યારે ઇન્દ્રિયો-અંત:કરણ એ સર્વેનો નિષેધ કરીને આત્મસત્તા રૂપે થઈને જીવમાં ભગવાનની મૂર્તિ ધારે, તો ધીરે ધીરે એ રાગ ટળી જાય પણ તે વિના ન ટળે. તે ઉપર વિજ્ઞાનદાસજીની વાત કરી જે, તે બહાર મૂર્તિનું ધ્યાન કરતા ત્યારે વિષયમાં રાગ હતો અને જ્યારે જીવમાં ધ્યાન કરવા માંડયું, ત્યારે રાગમાત્ર ટળી ગયા.” તથા ૯૧મી વાતમાં કહ્યું છે, “જીવમાં પંચવિષયરૂપી રાગ રહ્યા છે તે કેમ ટળે ? તો જ્યારે આત્મસત્તારૂપ થઈને વારંવાર પ્રતિલોમ દ્રષ્ટિ કરે તથા ભગવાનની મૂર્તિને વારંવાર ધારે.”
વિષયમાંથી પ્રીતિ ટાળવાનો આ જ શ્રેષ્ઠ અને છેલ્લો ઉપાય છે. પંચવિષય દેહને સંલગ્ન છે. દેહભાવ ટળે અને મૂર્તિભાવ પ્રસ્થાપિત થાય એટલે પંચવિષય આપ મેળે ટળી જાય.
તેથી જ શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૨૭મા વચનામૃતમાં પંચવિષયમાંથી પ્રીતિ ટાળી મહારાજમાં જોડાવાની આજ્ઞા કરી છે. “મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વે પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિષે સર્વે પ્રકારે જોડાવું.” અહીં શ્રીજીમહારાજે સામે ચાલીને ૫ંચવિષયનો ત્યાગ કરી મૂર્તિમાં સર્વે પ્રકારે એટલે કે રસબસભાવે જોડાવાની આજ્ઞા કરી છે.
જે વિષયનો લાલચુ હોય તે મૂર્તિમાં રસબસભાવે ન જોડાઈ શકે. મૂર્તિમાં જોડાવા મૂર્તિના સુખના લાલચુ કહેતાં બ્રહ્માનંદી થવું પડે.
જેને એકમાત્ર મહારાજની મૂર્તિના સુખની જ પ્યાસ હોય, એને જ પામવાનો, અનુભવવાનો જ એકમાત્ર તલસાટ હોય તેને બ્રહ્માનંદી કહેવાય.
“કામ આ કામ, આ એક જ છે જો કામ;
રોમ રોમના સુખમાં થીજવું, બનીને નિષ્કામ.”
આ જેના જીવનની સર્વે ક્રિયામાં એકમાત્ર લક્ષ્ય બની ગયું હોય તેને બ્રહ્માનંદી કહેવાય. આવાં બ્રહ્માનંદી પાત્રો તૈયાર કરવા જ શ્રીજીમહારાજનું અવરભાવમાં પ્રાગટય હતું. કારણ એ સ્વયં પોતે જ કરી શકે, બીજા અવતારો ન કરી શકે. જે આત્યંતિક કલ્યાણ ગ્રંથમાં શ્રીમુખના શબ્દોમાં ટાંકેલું છે કે, “દૂસરા અવતાર હૈ સો કાર્ય કારણ હુઆ હૈ, ઔર મેરા યહ અવતાર હૈ સો તો જીવ કું બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ મનુષ્ય જૈસા બન્યા હૂં.”
જીવનપ્રાણ બાપાશ્રી પણ કહેતા, ‘અનંતકોટિ બ્રહ્માંડો મૂર્તિમાં આવીને વિરામ કરશે ત્યારે અમારો આરો આવશે.’ તથા અમીરપેઢીના સદ્ગુરુશ્રીઓ પણ આ સંકલ્પથી જ આ બ્રહ્માંડમાં પધાર્યા હતા. તેમ છતાં જીવની અપાત્રતાના કારણે તેમનો સંકલ્પ અપૂર્ણ રહ્યો. ખાસ આ સંકલ્પને પૂર્ણ કરવા જ આ વખતે શ્રીજીમહારાજ અને જીવનપ્રાણ બાપાશ્રીના સંકલ્પથી ગુરુદેવ પ.પૂ. બાપજીનું તથા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું આ બ્રહ્માંડમાં પ્રાગટય થયું છે. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ કહેતા હોય છે કે, “સમગ્ર વિશ્વમાં પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ જ નહિ, અનાદિમુક્તની સ્થિતિનું પ્રવર્તન થશે. અનંતકોટિ બ્રહ્માંડોમાં અનાદિમુક્તની સ્થિતિ પ્રવર્તાવવાનો શ્રીજીમહારાજનો સંકલ્પ સોળે કળાએ ખીલી રહ્યો છે. મૂર્તિમાં રમનારાં બ્રહ્માનંદી પાત્રોની વણઝાર તૈયાર કરવા મહારાજે અમને અને તમને આ સંકલ્પમાં ખેંચી લીધા છે.” માટે વર્તમાનકાળે શ્રીજીમહારાજનો પણ સૌને બ્રહ્માનંદી કરી મૂર્તિમાં રાખવાનો પ્રબળ સંકલ્પ છે. તેથી અનુભવી મોટા સંતોએ કહ્યું છે કે,
“મૂર્તિમાં રાખવાનું બિરદ, શ્રીજીનું ખાસ જણાય;
દાસાનુદાસ વિનવે કર જોડી, થીજવા મૂર્તિમાંય.”
પહેરવા વસ્ત્ર ન હોય, ખાવા અન્ન ન હોય, રહેવા આશરો ન હોય એવી દારિદ્રતા પોતાની મેળે ગમે તેટલા પ્રયત્નથી પણ ટળે નહીં. પરંતુ કોઈ કરોડપતિ શેઠિયો સંકલ્પ કરે કે આને મારા જેવો કરવો છે તો થઈ જાય. તેમ માયાવેષ્ટિત જીવાત્મા અનેક વિષયોથી ખરડાઈને ભગવાનના માર્ગમાં કંગાલ અને નિર્બળ થઈ ગયો છે. પરંતુ મહારાજ અને મોટાપુરુષનો સંકલ્પ છે કે, અમારે અમારા જોગમાં આવનારને વિષયાનંદી મટાડી બ્રહ્માનંદી કરવા જ છે. એમનો ખાસ સંકલ્પ છે માટે જ બે હાથ જોડી મૂર્તિમાં રમનારા બ્રહ્માનંદી થવા અરજ કરે છે. એમનો તો પ્રબળ સંકલ્પ છે તો એને આપણો બનાવીએ.