વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 2
July 12, 2021
અભૌતિક સુખ અને ભૌતિક પંચવિષયનાં સુખ બે જુદાં જ છે તથા બે વચ્ચે કેટલો ભેદ છે તે દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૩૯મા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવાન છે તે તો સર્વ સુખમાત્રના રાશિ છે, ને એ ભગવાનસંબંધી જે સુખ છે તે અવિનાશી છે, ને મહા અલૌકિક છે. અને જેમ કોઈક ભારે ધનાઢય ગૃહસ્થ હોય તે પોતાના ઘરમાં અનેક પ્રકારનાં ભોજન જમતો હોય, ને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે ત્યારે તે અતિશે તુચ્છ કહેવાય, ને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય. તેમ ભગવાને બ્રહ્માંડોને વિષે અનેક જીવોને પંચવિષયસંબંધી સુખ આપ્યું છે, તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેઠે અતિ તુચ્છ છે, ને પોતાને વિષે જે સુખ છે તે તો મહામોટું છે.” આવી રીતે ભૌતિક સુખ કરતાં અભૌતિક સુખ અતિ મૂલ્યવાન છે. તેમ છતાં દેહધારીને ભૌતિક સુખથી ભરેલો સંસાર જ સારો લાગે.
શ્રીજીમહારાજે બ્રહ્માંડને વિષે બટકું રોટલા જેવા પંચવિષયનાં સુખ આપ્યાં છે; તેમાં જ સૌ આભાસી સુખ-દુ:ખના અનુભવ કરે છે. સંસારમાં ક્યારેક,
વિજયનો આનંદોત્સવ થાય તો પરાજયનો શોક મનાવાય,
જન્મદિનની ખુશીઓ મનાવાય તો મૃત્યુની મરણપોક મુકાય,
લગ્નનાં મંગળ ગીતો ગવાય તો છૂટાછેડાનાં ગાણાં સંભળાય,
અમીરાઈમાં સત્તા-સંપત્તિથી ભરતી આવે તો ક્યારેક ગરીબાઈમાં ઓટ આવે.
સંસાર આવાં સુખ-દુ:ખથી ભરેલો સાગર છે તેને તરીને અભૌતિક સુખ પામવા માટે મનુષ્ય જન્મે છે. તેમ છતાં દરેક મનુષ્ય યથાર્થ રીતે તરી શકતા નથી. તેથી જ મૂળજી બ્રહ્મચારીએ કહ્યું છે,
“સંસાર છે સુખ-દુ:ખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો.”
સંસાર અનેક સુખ-દુ:ખનો દરિયો છે. તેમાં થતા સુખના અનુભવની પાછળ પણ દુ:ખ જ રહેલું છે. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૧ની ૨૫મી વાતમાં કહ્યું છે કે, “જેટલું કંઈ માયામય સુખ છે તે સર્વે દુ:ખ વિનાનું હોય નહીં.” આ દુ:ખથી ભરેલા સંસારને તરી ભગવાનના સુખને પામવા મનુષ્યજન્મ મળ્યો છે પણ મૂળજી બ્રહ્મચારી કહે, કોઈક જ સત્સંગ કરી સંસારને તરીને આત્માના સુખ માટે પ્રયત્ન કરે છે. પછી તેને આ લોકના સુખનો કોઈ આનંદ આવતો નથી. મહારાજના સુખના આનંદમાં ડૂબેલો રહે છે.
ટીંબીના ભક્તરાજ અમરા ભગત બ્રહ્મચર્ય પાળી મંદિરની સેવા કરતા હતા. તેમનું ભક્તિભાવવાળું, સાદું, સાત્વિક જીવન જોઈ ગામના વણિક હરિભક્તો સીધાની સેવા કરતા. તેમાંથી માંડ માંડ તેમનો જીવનનિર્વાહ ચાલતો હતો. તેમની પાસે આર્થિક સધ્ધરતા ન હતી પણ આંતર સમૃદ્ધિ હતી. તેથી નિરંતર આનંદમગ્ન રહેતા. તેમના મુખારવિંદ ઉપર દુ:ખની લકીર કે ઉદ્વેગ-અશાંતિનું નામ જોવા ન મળે.
અમરા ભગતની નિત્ય આનંદમગ્ન સ્થિતિ જોઈ ગામના વનરાજ શેઠે પૂછયું, “ભગત, મારી પાસે તો ગાડી, બંગલા, અઢળક ધન-સંપત્તિ, સત્તા, નામના બધું જ છે. કોઈ વાતની કમી નથી, બધી વાતે સુખ છે છતાં ઓછપ લાગે છે. જ્યારે તમારો તો જીવનનિર્વાહ પણ માંડ માંડ ચાલે છે; છતાં નિરંતર આનંદમાં રહો છો. મારી પાસે બધું સુખ હોવા છતાં તમારા જેવો આનંદ કેમ આવતો નથી ?”
અમરા ભગતે કહ્યું, “શેઠ, તમારી પાસે જે ભૌતિક સુખ છે તે ક્ષણિક અને નાશવંત છે. હું તે ભૌતિક સુખોને સુખ માનતો નથી અને તેના દુ:ખને દુ:ખ માનતો નથી તો પછી ભૌતિક સુખનો આનંદ વળી કેવો ? મારે તો સહજાનંદનો આનંદ છે જે નિત્ય છે અને અલૌકિક છે; તેમાં વળી દુ:ખ કેવું ? માટે હું સદા આનંદમાં રહું છું. સંસારના સુખનો મને કોઈ મોહ નથી.”
જીવાત્માએ જ્યારે જ્યારે મનુષ્યજન્મ ધર્યો ત્યારે સારા પંચવિષયને જ ભોગવવા પ્રયત્ન કર્યા છે. તેમાં જ આનંદ માની તેની પાછળ વલખા માર્યા છે. તેથી ભૌતિક પંચવિષય વિના તે રહી શકતો નથી. એમાંય સ્ત્રીને પુરુષમાં હેત અને પુરુષને સ્ત્રીમાં હેતરૂપી કામવાસના એ સૌથી મોટો વિષય છે. જીવે ભૌતિક સુખો તો મનુષ્યજન્મમાં જ ભોગવ્યાં છે. પરંતુ કામવાસનારૂપી વિષય તો જે જે યોનિમાં જ્યાં જ્યાં જીવ ગયો છે તથા જે જે દેહમાં ગયો ત્યાં ત્યાં બધે જ મન મૂકીને ભોગવ્યા છે.
શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૧૪મા વચનામૃતમાં તેનું વર્ણન કરતાં કહ્યું છે, “સ્ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે, તે પણ મનુષ્યદેહથી અધિક પ્રાપ્ત થયું છે, કેમ જે એ જીવ બકરો થયો હશે ત્યારે હજાર બકરીઓને પોતે એકલો ભોગવતો હશે અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બૂઢિયો વાંદરો ઇત્યાદિક પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિષે પોતપોતાની જાતની અતિશે રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકેએક એને મળી હશે... કેટલીક વાર દેવતા થઈને દેવલોકનાં પણ સુખ ભોગવ્યાં છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યાં છે.”
આ જ વચનામૃતમાં વિષયી જીવને વિષય ભોગવવાની કેવી ત્વરા હોય છે તે પોતાની નજરે જોયેલા કાયસ્થના દ્રષ્ટાંત દ્વારા સમજાવતાં શ્રીજીમહારાજે કહ્યું છે, “મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક મંદિર હતું તેમાં જઈને અમે સૂતા ત્યાં એક કાયસ્થ નિત્ય પૂજન કરવાને આવતો, તે પૂજા કરીને ગાલ વજાડીને એમ વર માગતો જે, હે મહારાજ ! મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશો મા, શા માટે જે મનુષ્યદેહમાં તો ત્રાંબું ખાઈ ખાઈને મરી ગયા પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી, માટે મને તો જન્મોજન્મ લંબકર્ણનો જ અવતાર દેજો, જે લાજ-મર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ ! એમ નિત્ય વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થાતી નથી.”
પરમેશ્વર કહેતાં શ્રીજીમહારાજના સુખમાં પ્રીતિ કરવી હોય તો વિષયસુખથી પાછા ફરવું જ પડશે.