વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 7

  August 16, 2021

સેવા એ મહારાજ અને મોટાપુરુષને રાજી કર્યાનો ઉપાય છે તે દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૨૮મા વચનામૃતમાં કહ્યું છે, “જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે.” સેવા કરવાથી મહારાજ અને મોટાપુરુષનો રાજીપો થાય છે અને રાજીપાએ કરીને જીવ નિર્વાસનિક થાય છે.
અનાદિકાળની વાસનાથી ખરડાયેલો આત્મા સેવાએ કરીને જ શુદ્ધ થાય છે તે દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૨૫મા વચનામૃતમાં કહ્યું છે જે, “જેવું ઉકાખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડયું છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણમાત્ર પણ રહેવાય નહિ તો એના અંત:કરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે.”
સેવા એ સાધના માર્ગના પ્રારંભમાં ફરજિયાત અંગ છે. પરંતુ સેવા એ જ સર્વસ્વ નથી, એ જ મુખ્ય આધાર નથી. તેમ છતાં કેટલાકને સત્સંગમાં ધ્યેયની અસ્પષ્ટતાના કારણે સેવાનું જ મુખ્યપણું થઈ જાય છે. સેવાના આધારે જ જીવન પસાર થાય છે.
શ્રીજીમહારાજે ઉકાખાચર જેવું સેવાનું વ્યસન પાડવાનું કહ્યું પરંતુ તે માટે કેવું અંગ પાડવું ? તો ઉકાખાચર સેવાના સમયે સેવા મહિમાસભર થઈ કરતા પણ સમાગમ ને ભજન-ભક્તિના અંગને મુખ્ય રાખીને સેવા કરતા. અડધી રાત્રે પણ કોઈ સંત કથાવાર્તા કરતા હોય તો જાગીને કથા સાંભળતા, તેનું મનન કરતા.
સત્સંગમાં બહુધા એવું જોવા મળે કે, જે માત્ર સેવાના આધારે રહેતા હોય તેમના જીવનમાં સમાગમ કે ભજન-ભક્તિનું અંગ નહિવત્ હોય તો ક્યાંક જોવા જ ન મળે. સેવાની સાતત્યતાનો આધાર સમાગમ ઉપર છે. જેટલો સમાગમ કરીએ એટલો સેવાનો મહિમા થાય અને સેવા લાંબો સમય સુધી ટકે છે. બહુધા સત્સંગમાં આવ્યા પછી વિષયમાંથી છૂટી ભગવાનમાં બંધાવાને બદલે સેવામાં જ બંધાઈ જાય છે.
સેવાનું જ મુખ્યપણું થાય અને જો તેમાં મુખ્ય ધ્યેય તરફ લક્ષ્ય ન રહે તો સેવાથી ઇન્દ્રિયો-અંત:કરણની ધારા સજાય છે અને બહારવૃત્તિના ફેર ચડી જાય છે. માન, ક્રોધ, ઈર્ષ્યા આદિક દોષોની વૃદ્ધિ થાય છે. તથા સમૂહમાં સેવા કરવામાં જો અભાવ-અવગુણની પ્રવૃત્તિ થાય તો સેવાએ કરીને જે બૅલેન્સ કર્યું હોય તે પણ સાફ થઈ જાય અને ઉપરથી ખોટમાં જવાય.
કેટલાકને દેહે કરીને સેવા કરવાની હોય તો દોડાદોડ કરે. પરસેવો વળી જાય તેવી કઠિન સેવા પણ ઉત્સાહથી કરે. પરંતુ જો માળા, ધ્યાન-ભજનાદિક સાધનો કરવાનાં કહે કે કથામાં બેસાડે તો જાણે મારવા લીધા હોય તેવા થઈ જાય અને શિક્ષા કર્યા જેવું વસમું લાગે. દેહ સશક્ત હોય ત્યાં સુધી તો સત્સંગમાં સેવા કરવાથી દિવસો પસાર થાય પણ જ્યારે દેહે કરીને સેવા ન થઈ શકે ત્યારે દિનકઢણીની જેમ દિવસો પસાર કરવા પડે.
જૂનાગઢ દેશમાં કથાવાર્તાના અખાડા ચાલતા. દેશ દેશથી બધા સમાગમનો લાભ લેવા આવતા. જૂનાગઢના એક સાધુ રાધારમણદાસ સેવાના અતિશે આગ્રહી. સેવા જ એમનું જીવન. વાડીની, ભંડારની કે મંદિરની કોઈ પણ સેવા હોય તો તેઓ દોડી દોડીને કરતા. સેવા વિના ઘડીએ ન ચાલે. કથાના સમયે પણ દોડાદોડ કરી સેવા કર્યા કરતા.
અચાનક શ્રીજીઇચ્છાથી તેમને આંખે ઝાંખપ આવી ગઈ તેથી દેખાતું બંધ થઈ ગયું. સેવાના આધારે જ તેઓ રહેતા હોવાથી મનમાં મૂંઝવણ થવા માંડી કે ‘હવે શું કરવું ? કેવી રીતે સમય પસાર કરવો ?’ એક વડીલ સંતે તેમને હાથમાં માળા આપી અને કહ્યું, “લો, આ માળા ફેરવજો અને સભામંડપના થાંભલાને ટેકે બેસી કથા સાંભળજો.” પરંતુ આ સંતને સેવા-પ્રવૃત્તિના ફેર ચડી ગયા હતા. તેથી ભજન-ભક્તિ કે કથાવાર્તામાં ગમે જ નહીં. છેવટે મરવાના વિચાર આવવા માંડયા.
સેવા એ ભક્તજીવનનું અવિભાજ્ય અંગ છે; પરંતુ જીવન તો નથી જ. દેહભાવે સેવા કરવાથી પ્રવૃત્તિના ફેર ચડે અને બહારવૃત્તિ થઈ જાય. પરંતુ એ જ સેવા ભજન-ભક્તિ અર્થાત્ મહારાજની સ્મૃતિ સાથે થાય તો તેનું વધુ ફળ મળે અને એ કરતાં પણ મૂર્તિમાં રહીને કહેતાં બ્રહ્માનંદી થઈ સેવા કરવાથી તે સેવા ખજીને પડે છે. માટે સેવા કરતાં મુખ્ય લક્ષ્ય મૂર્તિમાં રહીને સેવા કરવા તરફ રાખવું એ જ આપણી કારણ સત્સંગી તરીકેની રીત છે.
ભજન-ભક્તિથી મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે. પૂજા, દર્શન, દંડવત, પ્રાર્થના, ધ્યાન, માળા, માનસીપૂજા, સમાગમ આદિક સાધનો કરવામાં જ આનંદ માને અને એમાં જ સત્સંગની પૂર્ણતા માને તેને ભજનાનંદી કહેવાય.
શ્રીજીમહારાજે પોતાના મિષે ગઢડા મધ્યના ૪૯મા વચનામૃતમાં ભજન-ભક્તિના અંગની અતૃપ્તિ રાખવાની રુચિ દર્શાવતાં કહ્યું છે કે, “અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થાતી જ નથી, ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું.”   
તથા જેને ભજન-ભક્તિનું અંગ હોય તેના પર રાજીપો દર્શાવતાં શ્રીજીમહારાજ ગઢડા છેલ્લાના ૩૦મા વચનામૃતમાં કહે છે, “ભગવદ્ ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે, જે મરી તો સર્વેને જાવું છે પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે એમ નિરંતર અનુસંધાન રહે છે.”
ભજન-ભક્તિનું અંગ મહારાજમાં જોડાવા સહાયરૂપ છે. પરંતુ સત્સંગમાં કેટલાકને વિધિ-વિધાનો પ્રમાણે જ કરવું એ જ એક લક્ષ્ય બંધાઈ ગયું હોય છે. તે માટે વિધિ પ્રમાણે આહ્ નિક કરવા તથા વિધાનો કહેતાં શાસ્ત્રોમાં લખાયેલી વાતો જાણવી આ જ એકમાત્ર લક્ષ્ય બંધાઈ ગયું હોય છે. તેથી તેઓ એટલું કરવામાં જ પૂર્ણતા માની આનંદમાં રાચે છે.
સાધન એ મહારાજમાં જોડાવાનું માધ્યમ છે, સાધ્ય સ્વરૂપ નથી. સાધ્ય સ્વરૂપ તો મહારાજની મૂર્તિ છે. તેમ છતાં સાધનને ગૌણ પણ કરવાનાં નથી. મહારાજના રુચિ-અભિપ્રાય મુજબ સાધન કરવાનાં છે પરંતુ તેનું લક્ષ્ય બદલવાનું નથી. માત્ર ક્રિયાત્મકભાવથી કે નિયમો પૂરા કરવા માટે નહિ પણ મૂર્તિમાં જોડાવા લટકમાં રહીને સાધનો કરવાનાં છે. જેનાથી અવરભાવના વિષયોમાંથી વૃત્તિ પાછી વળતી જાય અને આપણા અંતિમ લક્ષ્ય તરફ આગળ વધાય.
સેવા અને ભજનભક્તિનાં અંગ કેળવી મહારાજ ને મોટાને રાજી કરીએ.