વિવેક-2
December 12, 2017
વિવેકરૂપી આભૂષણનું સ્વજીવનમાં કેટલું મહત્ત્વ છે તેનું આચમન કરીએ મહારાજ અને મોટાપુરુષના અમૃતવચનો તથા સ્વવર્તન દ્વારા
અવરભાવમાં આત્મીયતાથી અને શાંતિથી જીવન જીવાય તે માટે શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના ૩૫મા તથા ૬૯મા શ્લોકમાં પોતાના આશ્રિતમાત્રને વિવેકની શિખામણ આપી છે કે,
अपमानो न कर्तव्यो गुरुणां च वरियसाम् ।
लोके प्रतिष्ठातानां च विदुषां शस्त्रधारिणाम् ।।૩૫।।
“અને ગુરુનું તથા અતિશય શ્રેષ્ઠ મનુષ્યનું તથા લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તેનું તથા જે વિદ્વાન મનુષ્ય હોય તેનું તથા શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું.”
गुरुपालवर्षिष्ठत्यागिविद्वपस्विनाम् ।
अभ्युत्थानादिना कार्यः सन्मानो विनयान्वितैः ।।૬૯।।
અર્થાત્ “અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલવું ઇત્યાદિક ક્રિયાએ કરીને તેમનું સન્માન કરવું.”
તથા વચનામૃતમાં પણ શ્રીજીમહારાજ વિવેકી વર્તન રાખવાનો આગ્રહ દર્શાવતા જણાવે છે,
“વચને કરીને કોઈ જીવ-પ્રાણીમાત્રને દુઃખવવાં નહિ અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન-ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થાતો હોય ને તેમાં પોતે જીતીએ એમ જણાય તોપણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું અને આપણાં કરતાં મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન-ઉત્તરે કરીને ભૂંઠા પડે એમ કરવું નહિ; મોટા સંત આગે ને પરમેશ્વર આગે તો જરૂર હારી જાવું અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહિ પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય ને તેમાં આશંકા થાય એવું હોય તોપણ તે સમાને વિષે ના પાડવી નહિ; એ તો હા જ પાડવી.”
- સારંગપુરનું ૨જું વચનામૃત
પોતાના આશ્રિતમાત્રના જીવનમાં વિવેકનો આવો આદેશ આપનાર શ્રીજીમહારાજના જીવનમાં પણ પળે પળે વિવેકનાં દર્શન થાય. સદ્. મુક્તાનંદ સ્વામી શ્રીજીમહારાજના જ સંત-શિષ્ય હતા. છતાં પોતે નિત્ય તેમનાં દર્શન કરવા જતા અને સમગ્ર સમાજને તેમનાં દર્શન કરી પછી પોતાના દર્શન કરવા આવવાની આજ્ઞા કરી હતી.
એક વખત શ્રીજીમહારાજ સંતો-હરિભક્તો સાથે કલોલથી અડાલજ જઈ રહ્યા હતા. સવારીમાં આગળ મહારાજ, પાછળ સદ્ગુરુવર્ય સંતો ચાલતા હતા. રસ્તામાં નેળીયું (સાંકડો રસ્તો) આવ્યું. નાના સંતો સદ્ગુરુ સંતોથી ઉતાવળે ચાલી તેમની આગળ આવી ગયા. મહારાજ ચાલુ સવારીએ આ (વિવેક ભંગ કરતું) દૃશ્ય જોઈ અતિ ઉદાસ થઈ ગયા. મહારાજ સભા કરી ઉતારે પધાર્યા ત્યારે સવારીમાં જે સદ્ગુરુ સંતોની મર્યાદા લોપી આગળ આવી ગયા હતા તે સંતોને બોલાવ્યા. તેમને તેમની ભૂલ સમજાવી વિવેકસભર વર્તન રાખવાનો ઉપદેશ કર્યો. વિવેક-મર્યાદાનો લોપ થાય તે શ્રીજીમહારાજને બિલકુલ પસંદ નહોતું. તેથી સંતોને આ ભૂલ બદલ પ્રાયશ્ચિત્ત રૂપે એક ઉપવાસ કરવાનું કહ્યું.
સંતોનું વર્તમાન લોપાય તો મહારાજ પ્રાયશ્ચિત્તનો ઉપવાસ કરાવતા પણ અહીં શ્રીજીમહારાજે વિવેક-મર્યાદાને પંચવર્તમાન જેટલું મહત્ત્વ ગણાવી આપણને સૌને વિવેકનું મહત્ત્વ સમજાવ્યું છે જેને આપણા જીવનમાં દૃઢ કરીએ. શ્રીજીમહારાજે સંપ્રદાયની સ્થાપનાથી વિવેક-મર્યાદાના બીજ રોપ્યા હતા. જેનાં અમીરપેઢીના સંતોના જીવનમાં દર્શન થાય છે. વર્તમાનકાળે એ જ અમીરપેઢીના વારસદાર ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી એટલે વિવેક-મર્યાદાનું સાક્ષાત્ મૂર્તિમંત સ્વરૂપ છે. જેમના દિવ્યજીવનમાંથી વિવેકની પ્રેરણા મળે છે.
૨૦૧૫ના મે મહિનાની એક અગિયારસે ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ પધાર્યા હતા. પ.પૂ. સ્વામીશ્રી તથા અન્ય હરિભક્તો સાથે બેઠા હતા. ૪:૦૦ વાગે ઠાકોરજી જાગ્યા ત્યારે સેવક સંતે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી કે, “દયાળુ, ખૂબ ગરમી છે તથા આપની અવરભાવની તબિયત પણ નાદુરસ્ત છે તો થોડું વરિયાળીનું પાણી ધરાવો.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પહેલી વારમાં તો ના જ પાડી દીધી અને કહ્યું, “આજે એકાદશી છે માટે બીજી વાર ન લેવાય.” પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનય વચને ખૂબ પ્રાર્થના કરી છતાં પ.પૂ. બાપજી ના પાડતા હતા. છેવટે સૌ સંતો-હરિભક્તોને રાજી રાખવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ હા પાડી પણ કહ્યું, “એક શરત જો તમે બધા લો તો.” પ.પૂ. સ્વામીશ્રી તથા સૌ સંતો-હરિભક્તોએ કહ્યું, “બાપા, અમને તો અવરભાવમાં સારું છે. અમારે જરૂર નથી; આપને અત્યારે ખૂબ જરૂર છે માટે આપ ગ્રહણ કરો.” પરંતુ વિવેક અને માતૃવાત્સલ્યતાની મૂર્તિ સમા ગુરુવર્ય પ.પૂ. બાપજી એકલા તો ગ્રહણ કરે જ કેમ ? ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રી તથા સાથે રહેલા સૌ સંતો-ભક્તોને આપ્યું પછી જ પોતે ગ્રહણ કર્યું. પોતે સ્વયં ગુરુ હોવા છતાં એક નાનામાં નાનાનો પણ વિવેક કરવાનું ન ચૂક્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીના જીવનની પણ હરએક ક્રિયામાં વિવેકના સ્પંદનો ઊઠતા હોય છે. જેમાંથી અનેકાનેક મુમુક્ષુઓ પ્રેરણા પામી જીવન ધન્ય બનાવે છે.
એક વખત પ.પૂ. સ્વામીશ્રી વિચરણ અર્થે એક શહેરમાં પધાર્યા હતા. પ.પૂ. સ્વામીશ્રીની પધરામણી ચાલતી હતી ત્યારે રસ્તામાં આપણા સંપ્રદાયનું મંદિર આવ્યું. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ક્યારેય કોઈ પ્રત્યે અભાવ-અવગુણ ઘાલ્યા નથી. નિષ્પક્ષતા અને રાગ-દ્વેષથી પર રહેતા શીખવ્યું છે એટલે પ.પૂ. સ્વામીશ્રી, પૂ. સંતો તથા હરિભક્તો એ મંદિરે ઠાકોરજીનાં દર્શન કરવા પધાર્યા. ત્યાંના ગુણિયલ સંતોને ખબર પડી કે, પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામી ઠાકોરજીનાં દર્શન કરવા આપણા મંદિરે પધાર્યા છે. તેઓ પણ વિવેકી ને નમ્ર હતા. તેમણે પ.પૂ. સ્વામીશ્રીને આદર આપ્યો. તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીના ખબર-અંતર પૂછ્યા. પછી તેઓએ પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું, “અમારા ગુરુ અહીંયાં જ બિરાજે છે. ચાલો, એમનાં દર્શન આપને કરાવીએ.” એમ કહી તે પૂ. સંતો પ.પૂ. સ્વામીશ્રીને એમની સાથે એમના ગુરુના આસને લઈ ગયા. પ.પૂ. સ્વામીશ્રીએ દંડવત કરી, ચરણસ્પર્શ કરી બે હસ્ત જોડી ખૂબ પ્રેમભર્યા જય સ્વામિનારાયણ કહ્યા. તે સંતોએ પ.પૂ. સ્વામીશ્રીની ઓળખ આપી. મોટા મોટાને કેમ ન ઓળખે ? તેઓ રાજી થયા. ત્યારબાદ પ.પૂ. સ્વામીશ્રી ઊભા ઊભા જ હાથ જોડી તેમના ખબર-અંતર પૂછવા લાગ્યા. ત્યારે તે મંદિરના વડીલ સંતોએ પ.પૂ. સ્વામીશ્રીને ખુરશી આપી બેસવા કહ્યું તથા તેઓ પણ સૌ ખુરશીમાં બેઠા. પરંતુ પ.પૂ. સ્વામીશ્રી ન બેઠા. સંતોએ બેસવા માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે પ.પૂ. સ્વામીશ્રી ખુરશી ખસેડી, નીચે ભોંય પર બેસી ગયા. ત્યારે સંતો કહે, “સ્વામી નીચે નહિ, ખુરશી પર બેસો.” વિવેકની મૂર્તિ સમા પ.પૂ. સ્વામીશ્રીએ પણ સંતોને બે હાથ જોડી વિનય વચને કહ્યું કે, “મોટા વડીલ સંતની સામે મારાથી ખુરશીમાં ન બેસાય. મોટેરા સંત-ગુરુ સમક્ષ તો નીચે જ શોભીએ. માટે રાજી રહેજો. આપ સૌ બિરાજો.” પ.પૂ. સ્વામીશ્રી સ્વયં મોટાપુરુષ હોવા છતાં તેઓ વિવેકની મૂર્તિ છે. એમનું કેટલું બધું વિવેકી જીવન છે ! કેટલી બધી વિનમ્રતા છે ! એમના અવરભાવની પળે પળની ક્રિયામાંથી વિવેક તથા વિનમ્રતાનાં દર્શન થયા વિના રહેતા નથી. એટલું જ નહિ, પ.પૂ. સ્વામીશ્રી પોતાની સાથે રહેલા સંતો-ભક્તોમાં પણ વિવેકી વર્તનના પ્રાણ પૂર્યા વગર ન રહી શકે.
મોટાપુરુષના જીવનને નિહાળી આપણે પણ વિવેકરૂપી ગુણ ને સ્વજીવનમાં ચરિતાર્થ કરવા કટિબધ્ધ બનીએ.