વિવેક-3
December 19, 2017
વિવેકનું આપણા જીવનમાં આટલું મહત્ત્વ સમજ્યા પછી પણ કયા એવા factors (કારણો) છે જે વિવેકરૂપી આંખને આંધળી બનાવી દે છે તે જાણીને ટાળવા કટિબધ્ધ થઈએ.
વિવેકનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ છે એવું જાણીએ છીએ, મહારાજ અને મોટાપુરુષોના દિવ્યજીવનમાંથી વિવેકની ઘણી પ્રેરણા મેળવીએ છીએ. તેથી આપણને એટલો તો ખ્યાલ આવે છે કે, ‘આવું કરવું જોઈએે’, ‘આવું ન કરવું જોઈએ’ છતાં પણ આપણા જીવનમાં જૂજ બાબતોમાં પણ વિવેકનો ગુણ દૃઢ નથી કરી શકતા તેના કેટલાંક કારણો તપાસી ટાળીએ.
૧. અહમ્ની અથડામણ :
જીવાત્મા અનાદિકાળથી અહમ્ને આધારે જ પોતાનું આખું જીવન વ્યતીત કરતો આવ્યો છે. દરેક વ્યક્તિને પોતે સર્વાંગપૂર્ણ જ છે તેવું મનાય છે. પોતાની કોઈ ખામી કે ભૂલ દેખાતી જ નથી. અન્યના દોષ ને કસરો દેખાય છે. આવી સ્થિતિમાં કોઈ બે શબ્દો રોકે-ટોકે કે સલાહ આપે ત્યારે અહમ્ ઘવાય છે. પરિણામે પરસ્પર ઈર્ષ્યા, વેરઝેર, પૂર્વાગ્રહ બંધાય છે. વાણી-વર્તનનો અવિવેક સર્જાય છે. કહેનારને પોતે સાચા મનાય અને પોતાને સાચા માનતા હોઈએ તેથી પરસ્પરનો અહમ્ અથડાય અને એમાં વિવેકનો શૂન્યાવકાશ થઈ જતો હોય છે. જાણવા-જોવા છતાં અહમ્ને કારણે હું મોટો અને મારે નમવાનું, મારે આવું કહેવાનું એવો ભાવ વિવેકભર્યું વર્તન કરવા દેતો નથી. અહમ્શૂન્યતામાંથી જ વિવેકનું પ્રગટીકરણ થાય છે.
૨. અન્યનું અનુકરણ :
માનવસહજ સ્વભાવ છે કે જે કાંઈ જુએ તેનું અનુકરણ કરવું પરંતુ બહુધા પોતાની કક્ષાથી નિમ્ન પ્રકારનું અનુકરણ કરતો હોય છે. ઘરમાં જો મોટો દીકરો પિતાની સામે બોલતો હોય, દાદા-દાદીને તિરસ્કાર કરતો હોય તો નાના ભાઈ-બહેન એનું જ અનુકરણ કરી તેવું બોલતા શીખી જાય છે. મંદિરમાં જો સભામાં કોઈ લાઇનમાં બેઠું ન હોય તો આપણે પણ બીજાની જેમ અશિસ્તમાં બેસીએ; બીજાની જેમ અસ્તવ્યસ્ત ચંપલ કાઢીએ; પરંતુ આપણને પોતાની આપસૂઝથી વિવેકી વર્તન કરવાનો વિચાર નથી આવતો. કારણ અન્યનું ન્યૂન અનુકરણ.
૩. ઉપરી કે સહસાથીની અસ્વીકૃતિ :
આપણા ઉપરી તરીકે કે સહસાથી તરીકે જે હોય તેનો આપણને સ્વીકાર જ ન હોય. અણગમો વર્તતો હોય, તેની સાથે રહેવાનું કે બોલવાનું પણ ગમતું ન હોય, તે મારા ઉપરી છે તેવો વિચાર પણ ન રહેતો હોય, તેમની ઐસીતૈસી થતી હોય કે બરોબરિયાપણું રહેતું હોય તો સ્વાભાવિક જ છે કે તેમના વિષે આદર ન જ હોય તો પછી વાણી, વર્તનમાં તેમનો વિવેક રહે જ કેમ ? એટલે જ પ.પૂ. સ્વામીશ્રી વિવેક દૃઢ કરાવવા કાયમ રુચિ દર્શાવે છે કે, “જો તમે તમારા ઉપરીની આજ્ઞામાં નહિ રહો તો તમે અમારા હૈયામાં સ્થાન નહિ પામો, અમારા અંતરમાંથી ઉતરી જશો.” જે ઘર, કંપની કે સંસ્થામાં ઉપરીનો, વડીલનો વિવેક નહિ સચવાતો હોય તેનું આજે નહિ તો ભવિષ્યમાં પતન નજીક છે. અવિવેક હશે ત્યાં દુર્ગુણો ખેંચાશે અને વિવેક હશે ત્યાં સદ્ગુણો ખેંચાશે.
૪. સંગ - આસપાસનું વાતાવરણ :
માતાપિતા ઘરે બાળકને ગમે તેટલા સંસ્કાર-વિવેક શીખવતા હોવા છતાં તેમનામાં દુર્ગુણો પેસે છે; માતાપિતા, વડીલો કે શિક્ષકોનો વિવેક ચૂકી જાય છે, એલફેલ બોલે છે કારણ તેનો સંગ, તેના મિત્રો. તેઓનું જેવું વર્તન હોય તેવું બાળક આપમેળે શીખે છે. બીજું, જ્યાં રહેતા હોય તે પરિવાર, સોસાયટી, વિસ્તારનું વાતાવરણ બહુ અસર કરે છે. જેણે જન્મથી જ ઉગ્ર બોલાચાલી, ઝઘડા, મારામારી, અપશબ્દોનો વરસતો વરસાદ જ જોયો હોય તેનામાં વિવેકની કલ્પના પણ અસંભવ લાગે. વિવેકી બનવા માટે ઘર-પરિવાર, શાળા તથા આસપાસનું વાતાવરણ બહુ અસર કરતું હોય છે.
ઉપરોક્ત કારણોસર આપણે વિવેકી બની નથી શકતા પરંતુ જો દૃઢ સંકલ્પી બનીએ અને નીચેના પગલાં આપણા જીવનમાં દૃઢ કરવા પ્રયત્ન કરીએ તો જરૂર વિવેકસભર જીવન કરી શકાય.
Civility Steps (વિવેક શીખવાનાં પગલાં) :
૧. Be humble - નમ્ર બનો :
નમ્રતા એ વિવેકનું પ્રથમ પગથિયું છે. નમ્રતા એટલે સહજ સ્વભાવે સૌની સાથે ભળી જવું, નમી જવું, અટંટતાનો ત્યાગ કરવો. ચાહે આપણી પાસે ગમે તેટલી ધન-સંપત્તિ હોય, બુદ્ધિ-ચાતુર્યતા હોય, રૂપ હોય પરંતુ વિનયી બની સૌની સાથે રહેવાથી જ આપણું જીવન શોભે છે. કારણ “વિદ્યા વિનયતે શોભતે ।”
૨. Give Respect - આદર આપો :
આપણા જીવનમાં વ્યક્તિ વ્યક્તિ અને સમય-સંજોગો અનુસાર દરેક સાથેનો વાણી-વર્તનનો વ્યવહાર બદલાઈ જતો હોય છે. તેમાં તોછડાઈ, કર્કશતા આવી જતી હોય છે. જે અવિવેક છે. પરંતુ ચાહે કોઈ પણ નાની કક્ષાની વ્યક્તિ હોય તોપણ તેને આદર આપવો. એક એવી ટેવ જ પાડી દેવી કે સૌની સાથે આદરથી જ વર્તવું. ચાહે પછી તે ઘરના નોકર હોય કે મોટા મિલમાલિક હોય; દરેકને આદર આપવાથી આપોઆપ આપણો આદર પણ વધે છે.
૩. Speak kind words - સભ્યતાવાળા જ શબ્દો બોલો :
“‘Thank you’ and ‘sorry’ both are magical words for Politness.” અર્થાત્ “થૅન્ક્યૂં (આભાર) અને સૉરી (માફ કરશો) આ બે નમ્રતા માટે જાદુઈ શબ્દો છે.” આ બે શબ્દો આંતરિક વિવેક છતો કરે છે. ગમે તેવી વ્યક્તિને પીગાળી નાખે છે. સામેવાળી વ્યક્તિ ગમે તેટલી ગુસ્સે થઈ હોય કે નફરત કરતી હોય પરંતુ તેને સભ્યતાભર્યા શબ્દોમાં બોલાવવામાં આવે તો પરિસ્થિતિ બદલાઈ જાય છે. એમાંય કારણ સત્સંગમાં તો પ.પૂ. સ્વામીશ્રીએ ‘મહારાજ’, ‘દયાળુ’, ‘રાજી રહેજો’ જેવા આધ્યાત્મિક શબ્દોરૂપી જાદુ આપ્યો છે. જેમાં અવરભાવમાત્ર ટળી જાય અને સૌને વિષે પરભાવ દૃઢ થાય છે.
૪. Act with Manners - સભ્યતા સાથે કાર્ય કરો.
આપણા જીવનમાં ઘરમાં, સમાજમાં, મંદિરમાં અનેક સાથે કાર્ય કરવાનું થતું હોય છે. તેમાં જો દરેક વ્યક્તિ સાથે સભ્યતાથી કાર્ય કરીએ તથા આપણું બોલવાનું, બેસવાનું, જમવાનું બધું સભ્યતાસભર રાખવાથી આપણા જીવનમાં વિવેક દૃઢ થતો જાય છે.
ઉપરોક્ત ચાર પાયા મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા આપણા જીવનમાં અમલમાં મૂકીએ એ જ અભ્યર્થના.