યાદશક્તિ-1

  August 12, 2018

આપણા રોજબરોજના જીવનમાં આપણી કાર્યક્ષમતાને વેગવંતી કરનાર પરિબળ એટલે યાદશક્તિ.

“બેટા સાર્થક, જો તો મારાથી ગાડીની ચાવી ડાબા હાથે ક્યાંક મુકાઈ ગઈ છે. ક્યારનોય શોધું છું પણ મળતી જ નથી. શોધવામાં મદદ કરને... તો જલદી મળી જાય.” “પિતાજી, તમે દરરોજ ચાવી જ્યાં મૂકો છો ત્યાં જોયું ?” “હા, પહેલાં જ જોયું પણ નથી મળતી. રાત્રે ઘરે આવી ક્યાંક મૂકી દીધી છે પણ યાદ નથી આવતું કે ક્યાં મૂકી છે ? હે ભગવાન, મને કશું યાદ રહેતું નથી. મારી યાદશક્તિ જ ઘટી ગઈ છે.”

“કેતનભાઈ, તમને સમાચાર મળ્યા ?” “શું ?” “આપણી સત્સંગ પરીક્ષા જુલાઈ મહિનામાં આવી રહી છે.” “હા ચીમનકાકા, મને ખ્યાલ છે. સભામાં ફૉર્મ પણ ભરાવ્યાં હતાં પણ મને ઇચ્છા થતી નથી. કારણ, ગમે તેટલું વાંચીએ, મહેનત કરીએે પણ મને કશું યાદ જ રહેતું નથી. ભગવાને યાદશક્તિ જ ઓછી આપી છે.”

“કેતનભાઈ, મારી પણ આવી જ પરિસ્થિતિ છે. રાજીપાનો નંબર લાવવાની વાત તો એક બાજુ પણ પાસ માંડ માંડ થવાય. એટલે બહુ ઉત્સાહ જાગતો નથી.” 

આવા તો ઘણાબધા પ્રસંગો આપણા રોજબરોજના જીવનમાં સમસ્યા રૂપે પડકાર ફેંકતા હોય છે. યાદશક્તિના અભાવે આપણા જીવનનો મૂલ્યવાન સમય ઘણોબધો વેડફાઈ જતો હોય છે. આપણને પ્રશ્ન થાય કે યાદશક્તિ શું ચીજ છે ? તે કેવી રીતે ખીલે ? કેવી રીતે કેળવાય ? તે જોઈએ.

યાદશક્તિ એટલે.....

“રોજિંદા જીવનમાં આપણી આજુબાજુ જે કોઈ ઘટનાઓ કે બનાવ બને અથવા જે ક્રિયા-પ્રક્રિયાઓ કરીએ તેની માહિતીનો આપણા માનસમાં સુવ્યવસ્થિત સંગ્રહ કરી, તેની જ્યારે જરૂર પડે ત્યારે સુયોગ્ય ઉપયોગ કરવાની શક્તિ એટલે જ યાદશક્તિ.” ટૂંકમાં સાંભળેલી, જોયેલી કે અનુભવેલી બાબતોને સમયે ઉપયોગ કરવાની શક્તિ એટલે જ યાદશક્તિ.

યાદશક્તિના બે પ્રકાર છે : એક, મહારાજે દયા કરી બક્ષિસ રૂપે આપેલી યાદશક્તિ. બીજી, પોતે વિશેષ પ્રયત્ન કરીને કેળવેલી યાદશક્તિ. આ યાદશક્તિ એ કોઈ વસ્તુ કે પદાર્થ નથી કે જેને આપણે જોઈ કે પકડી શકીએ પરંતુ તેનો અનુભવ ચોક્કસપણે આપણા જીવનમાં થાય છે.

શ્રીજીમહારાજે દરેક વ્યક્તિને યાદશક્તિની બક્ષિસ સરખી જ આપી છે. શ્રીજીમહારાજે દરેક મનુષ્યને મગજ સરખાં જ આપ્યાં છે. તેમ છતાં એક મનુષ્યની યાદશક્તિ તીવ્ર જણાય છે જ્યારે બીજો ભુલકણો જણાય છે. આ બંનેમાં ભેદ-તફાવત શા કારણે પડ્યો ? પરંતુ જે કાંઈ તફાવત જોવા મળે છે તે કેળવણીનો છે. અર્થાત્‌ યાદશક્તિ કેળવેલી અને બિનકેળવેલી હોય છે તેથી તે જુદી પડે છે. આપણે એવું માનીએ છીએ કે આને વધુ યાદ રહે અને મને નથી રહેતું. આવી નકારાત્મક વિચારધારા પણ યાદશક્તિ કેળવવામાં બહુ મોટી અસરકર્તા બને છે. જેટલું હકારાત્મક અભિગમ સાથે યાદ રાખવા પ્રયત્ન કરીએ એટલી યાદશક્તિ વધુ ને વધુ કેળવાય છે.

છરીને વારંવાર ધાર કાઢતા રહેવાથી તેની કાર્યક્ષમતા વધે છે તેમ યાદશક્તિને વારંવાર કેળવીએ તો તેની કાર્યક્ષમતા વધે છે. શાંત અને સ્વસ્થ મને જેટલું કાંઈ યાદ રાખવા પ્રયત્ન કરીએ તેટલું તે આપણા જીવનમાં લાંબા સમય સુધી યાદ રહે છે. જ્યારે ઉદ્વેગ, અશાંતિ અને અવ્યવહારુ વર્તન બાદ ગમે તેટલું કરવા છતાં કાંઈ યાદ રહેતું નથી. તે વ્યક્તિ જીવનમાં ભુલકણાપણાનો શિકાર બની જાય છે.

આપણે આપણા જીવનમાં બિનજરૂરી યાદ તો ઘણુંબધું રાખીએ છીએ. જેમ કે, છાપામાં આવતી બાબતો, ટી.વી.માં, ઇન્ટરનેટ કે મોબાઇલમાં જોયેલ દૃશ્યો, વાતો કે બિનજરૂરી ચર્ચાઓ કે જેનાથી કોઈ ફાયદો થતો હોતો નથી. પરંતુ જો આપણે યાદશક્તિને કેળવીએ તો આપણું મગજ જરૂરી બાબતો જ યાદ રાખે છે. કેળવાયેલી યાદશક્તિ આપણા વ્યવહારિક જીવનમાં હરકદમ સફળતા તરફ લઈ જાય છે. આપણાં વ્યવહારિક કામકાજ સરળ બને છે અને સમય બગડતો અટકે છે.

આપણા વ્યવહારિક જીવનમાં યાદશક્તિનું મહત્ત્વ દરેક ક્ષેત્રે રહેલું છે. કેટલીક વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે યાદશક્તિ કેળવવાની જરૂર માત્ર વિદ્યાર્થીને જ હોય; આપણે તો ચાલે. વિદ્યાર્થીકાળમાં સફળતા મેળવવા માટે, મેળવેલ વિદ્યાને લાંબા સમય સુધી યાદ રાખવા, પરીક્ષામાં સારા માર્ક્‌સ મેળવવા માટે ખૂબ અનિવાર્ય છે. આજના ઉચ્ચ અભ્યાસમાં બાળકની સાથે તેને ભણાવવામાં વાલીએ પણ ધ્યાન આપી શીખવાડવું ફરજિયાત બન્યું છે ત્યારે વાલીએ પણ યાદશક્તિ કેળવવી ખૂબ જરૂરી છે.

નોકરી કરનાર દરેક વ્યક્તિએ ઘણીબધી જવાબદારીઓ સમયે બજાવવાની હોય છે તેમજ કેટલીક માહિતીઓ યાદ રાખવાથી ઓછા સમયમાં વધારે સારું કામ થતું હોય તો તેમણે પણ યાદશક્તિ કેળવવી જ પડે. દુકાનદાર વ્યક્તિને પણ ઘણીબધી વસ્તુનાં ભાવ-તાલ, ઉઘરાણી બધું યાદ રાખવું પડે છે. ડૉક્ટર, વકીલ જેવા વ્યવસાય કરનારાને પણ તેમના વ્યવસાય સંબંધિત ઘણીબધી બાબતો યાદ રાખવાથી સફળતા મળે છે. જેમ કે, વકીલ જ્યારે વકીલાત કરતા હોય ત્યારે કાયદાના પુસ્તકનાં નામ, પેજ નંબર સાથે વાત કરે તો ન્યાયાધીશ તેનાથી પ્રભાવિત થઈ જાય છે.

બજારમાં ખરીદી કરવા ગયા હોઈએ ત્યારે પણ તમામ વસ્તુને યાદ રાખવી પડે છે. લગ્નપ્રસંગોમાં થયેલા વ્યવહારોને યાદ રાખવા પડે છે. આ રીતે આપણા જીવનમાં ઘણીબધી બાબતો યાદ રાખવી અનિવાર્ય બને છે.

યાદશક્તિનું મહત્ત્વ સમજી તેની બિનજરૂરી વેડફાઈ ન કરીએ તેવી અભ્યર્થના.