યાદશક્તિ-2
August 19, 2018
યાદશક્તિનું મહત્ત્વ દર્શાવતાં મહારાજ અને મોટાપુરુષો સ્વજીવનમાં કેવી રીતે વર્તે છે ? તેનું માર્ગદર્શન મેળવીએ...
આધ્યાત્મિક જીવનમાં પણ આગળ વધવા માટે યાદશક્તિ એ અતિ મહત્ત્વનું પાસું છે. સંસાર-વ્યવહાર કરતાં અધ્યાત્મ માર્ગ ઊંચે ચડવાનો માર્ગ છે. તેના કરતાં અઘરો લાગે છે. પરંતુ તેમાં સાચા સત્પુરુષનો યોગ થાય અને તેમના થકી જ્ઞાન અને અનુભવજ્ઞાન થાય ત્યારે ઊર્ધ્વગતિ કરી શકાય છે. અર્થાત્ અધ્યાત્મ માર્ગે આગળ વધવા માટે સત્પુરુષના જોગ-સમાગમ દ્વારા જ્ઞાન મેળવવાથી જ આગળ વધી શકાય.
ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીની કથાવાર્તા સાંભળ્યા પછી આપણે જો તેને યાદ રાખી શકીએ તો સમયે આપણા જીવનમાં તે પ્રમાણેનું વર્તન કરી શકાય, સમજણની દૃઢતા રહે. યાદ રાખેલી વાતોનું વારંવાર મનન કર્યા કરવાથી મહારાજના સંબંધથી ભર્યા થવાય અને આપણી પાત્રતા બંધાતી જાય. માટે અધ્યાત્મ માર્ગમાં પણ યાદશક્તિની ખૂબ અગત્યતા છે. એ જ રીતે આપણને સોંપાયેલ સેવા પણ જવાબદારીપૂર્વક યાદ રાખીને બજાવવાની હોય છે. માટે અધ્યાત્મ માર્ગમાં પણ યાદશક્તિ કેળવવી અનિવાર્ય છે.
શ્રીજીમહારાજ અવરભાવમાં મનુષ્ય રૂપે દર્શન આપતા ત્યારે સંતોને શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા, શ્લોકો, કીર્તન મુખપાઠ કરાવતા. એક વખત એક સંતને શ્રીજીમહારાજે શાસ્ત્રના શ્લોકો મોઢે કરવાની રુચિ દર્શાવી. પરંતુ તેમને શ્લોકો યાદ જ રહેતા ન હતા. તેથી તેઓ એક શ્લોક એક વાર બોલે અને તુંબડીમાં તલનો દાણો નાખે. પછી બીજી વાર બોલી બીજો દાણો નાખે. આવી રીતે આખી તુંબડી ભરાઈ જાય ત્યાં સુધી શ્લોક બોલીને યાદશક્તિને કેળવતાં એક દિવસ બધા જ શ્લોકો મોઢે થઈ ગયા.
સદ્. નિત્યાનંદ સ્વામી મહાસમર્થ સદ્ગુરુ હતા તેમ છતાં એમણે અધ્યાત્મ માર્ગે યાદશક્તિ કેળવી હતી. તેઓ વિચરણ કરતા ત્યારે એક ગાડાંમાં પોતે બિરાજતા અને બીજા ગાડાંમાં ફરતી લાઇબ્રેરી રાખતા. હરિભક્તો કોઈ પ્રશ્ન પૂછે તો તેનો જવાબ પુરાવા સ્વરૂપે આપતા કે, પાછળના ગાડાંમાં ચોથા નંબરની લાઇનમાં, પાંચમા નંબરના થપ્પામાં, ત્રીજા નંબરના પુસ્તકમાં, ૫૫માં પેજ પર, ૨૦મી લીટીમાં તમારો જવાબ મળી જશે, જોઈ લો. અને એમ જ બનતું. સદ્. બ્રહ્માનંદ સ્વામીની પણ અવરભાવમાં તીવ્ર યાદશક્તિ અને શતાવધ્યાનીપણું હતું. જે આપણને અધ્યાત્મ માર્ગે યાદશક્તિ કેળવવાની દિશા આપે છે. જીવનપ્રાણ બાપાશ્રીને પણ અવરભાવમાં કિશોરવયે ૧૧૦૦ ચોસર (ચાર પદવાળાં) એટલે ૪૪૦૦ કીર્તનો મુખપાઠ હતાં.
વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં પણ આ યાદશક્તિના દિવ્ય ગુણનાં અદ્ભુત દર્શન થાય છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીને ૨૭૩ વચનામૃત કંઠસ્થ છે. સભામાં કોઈ પણ હરિભક્ત વચનામૃત મુખપાઠ બોલતા હોય એ વખતે એક શબ્દનો પણ ફેર પડે કે તેઓ ભૂલી જાય તો તુરત જ તેઓ કહે, “આવો શબ્દ વચનામૃતમાં નથી, આવું આવે.” તેમ કહી વચનામૃતનો શબ્દ કહે.
આ ઉપરાંત કથાશ્રવણ પણ કેવું યાદ રાખીને કરવું તેની રીત શીખવતાં પોતાનો અનુભવ જણાવે કે, “અમે આજથી ૫૦ વર્ષ પહેલાં સદ્. મુનિસ્વામી પાસેથી જે જ્ઞાનવાતો સાંભળી હતી તેમાં એક શબ્દનો ફેર પડ્યો નથી. બધું બેઠું યાદ છે અને આજે અમે કથામાં જે કંઈ વાત કરીએ તેમાં પણ એક શબ્દનો ફેર પડતો નથી.”
અધ્યાત્મ બાબતમાં તો તીવ્ર યાદશક્તિનાં દર્શન થાય પણ વ્યવહારિક બાબતમાં પણ તેનાં દર્શન થાય. ગુરુવર્ય પ.પૂ. બાપજી ૬૦-૭૦-૭૫ વર્ષ પહેલાં કોઈને મળ્યા હોય અથવા તે વ્યક્તિના વડવાઓને મળ્યા હોય તોપણ તેઓ તેમનાં નામ, ઠામ સાથે બધી જ વાત ઇદમ્પણે કરે. ત્યારે દરેકને તેમની અવરભાવની ‘લાઇટનિંગ મેમરી’નો પ્રત્યક્ષ અનુભવ થાય છે.
પ.પૂ. સ્વામીશ્રી પૂર્વાશ્રમમાં અભ્યાસ કરતા ત્યારે શાળાએ કે કૉલેજ જાય ત્યારે સાઇકલના આગળના કૅરિયરમાં વચનામૃત કે કીર્તન લખી કાગળ મૂકી દે. સ્કૂલ, કૉલેજ જતાં-આવતાં તેઓએ મુખપાઠ કરી આપણને સમયનો સદ્ઉપયોગ કરી મુખપાઠ કરવાની, યાદ કરવાની રીત શીખવી છે.
મોટાપુરુષોનાં જીવન દર્શન કરી તે પ્રમાણે વર્તતા થઈએ તેવી અભ્યર્થના.