યાદશક્તિ-3

  August 28, 2018

યાદશક્તિનું મહત્ત્વ સમજ્યા પછી પ્રૅક્ટિકલ જીવનમાં યાદશક્તિ કેવી રીતે સતેજ કરવી ?

યાદશક્તિના પ્રસંગો જોતાં કે કોઈ વ્યક્તિના જીવનમાં તીવ્ર યાદશક્તિ જોતાં આપણને પણ યાદશક્તિ કેળવવાની ઇચ્છા થાય. પણ પ્રશ્ન થાય કે કેવી રીતે કેળવી શકાય ? તો તેની કેટલીક પાયારૂપ બાબતો આપણા જીવનમાં શીખીએ :

૧. રસ જગાવવો : આપણા રોજબરોજના જીવનમાં અનેક પ્રસંગો, બનાવો બનતા હોય છે. જેમાં આપણને રસ હશે તે આપમેળે યાદ રહી જાય અને જેમાં રસ ન હોય તે યાદ રહેતા નથી. જેમ સિનેમા (ફિલ્મ)ના રસિકોને એક-બે વખત ગાયનો તથા સંવાદો સાંભળવાથી યાદ રહી જાય પણ તે જ વ્યક્તિને અભ્યાસ સંબંધિત યાદ રહેતું નથી કારણ કે રસ નથી.

રસ ઉત્પન્ન કરવાની સરળ રીત છે - લાભાલાભનો વિચાર. જુલાઈ-૨૦૧૭માં સત્સંગ પરીક્ષા આવે છે. વાંચવાનો, ગોખવાનો કંટાળો આવે છે પણ એ પરીક્ષાના લાભનો વિચાર કરીએ કે, ‘મુમુક્ષુતા’ પુસ્તકના વારંવાર વાંચન-મનનથી મારામાં મુમુક્ષુતા પ્રગટાવવાનો આગ્રહ જાગશે અને મહારાજ અને મોટાપુરુષનો રાજીપો પ્રાપ્ત થશે એ વિચારથી વાંચનમાં આપમેળે રસ જાગે માટે આપણા જીવનમાં એવો રસ જગાવવો.

૨. એકાગ્રતા કેળવવી : એકાગ્રતા એટલે મનને શાંત અને સ્વસ્થ બનાવી જે કાર્ય કરી રહ્યા હોઈએ; ત્યારે માત્ર તેના જ વિચારમાં ડૂબી જવું. એ ક્રિયામાં એવી રીતે ખોવાઈ જવું કે તેની આજુબાજુના વાતાવરણનો ખ્યાલ જ ન રહે.

આપણા બધાની એક સર્વસામાન્ય સમસ્યા છે - ‘મનની ચંચળતા.’ તેને લીધે જે કંઈ કરીએ છીએ તે બાબતો યાદ રહેતી નથી. એકાગ્રતા કેળવવા મહારાજની દિવ્ય મૂર્તિનું ત્રાટક કરવાની પ્રૅક્ટિસ કરવી જેનાથી ઇન્દ્રિયોની ચંચળતા ટળી મન શાંત બને છે. બીજું, જે કંઈ ક્રિયાઓ, વાંચન કરીએ તે શાંત ચિત્તે, નિરીક્ષણ સાથે કરવું. વાંચન સાથે લેખનની ટેવ પાડવાથી એકાગ્રતામાં ઘણો વધારો થાય છે.

૩. મનન અને પુનરાવર્તન : મનન એટલે કોઈ પણ માહિતી, ક્રિયા કે પરિસ્થિતિ બન્યા પછી ક્યાંય પણ જોયા વગર ક્રમ પ્રમાણે બધા મુદ્દા યાદ કરી લેવા અથવા મનમાં વાગોળવા. અને આ જ મનનને વારંવાર કરવું તે પુનરાવર્તન કહેવાય. મનન અને પુનરાવર્તનથી કોઈ પણ માહિતી બહુ લાંબા ગાળા સુધી યાદ રહે છે અને આ પદ્ધતિ બહુ શ્રેષ્ઠ પદ્ધતિ છે.

આપણે જે કોઈ માહિતી, પરિસ્થિતિ જોઈએ, સાંભળીએ તે જો રસપૂર્વક અને એકાગ્રતા સાથે નિહાળેલી હોય તો તરત ૯૫% ભાગ યાદ રહે. દસ-પંદર મિનિટ પછી ૮૫% ભાગ યાદ રહે પણ ર૪ કલાક પછી તો માત્ર ૧૮% જ ભાગ યાદ રહે અને ધીમે ધીમે એ માહિતી આપણા સ્મૃતિપટ પર માત્ર ૯થી ૧૦% જ યાદ રહેલી હોય. પણ પુનરાવર્તન અને મનનની રીત દ્વારા કોઈ પણ સહેલી કે અઘરી તમામ માહિતી આપણને લાંબા સમય સુધી ૯૦%થી ૯૫% યાદ રહે છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી કે પ.પૂ. સ્વામીશ્રીએ આપેલ લાભને આપણે આ રીતે મનન-પુનરાવર્તન કરી દૃઢાવ કરી શકાય.

આપણે બહુધા કોઈ પણ બાબત મુખપાઠ કરવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ કાયમ માટે યાદ રહેતું નથી તેનું કારણ શ્રીજીમહારાજે પંચાળાના ૪થા વચનામૃતમાં જણાવ્યું છે કે, “જેમ કોઈક પુરુષ શ્લોક શીખ્યો હોય તથા કીર્તન શીખ્યો હોય ને તેને પૂછીએ જે તુને આ શ્લોક તથા કીર્તન આવડ્યાં ? ત્યારે કહે જે આવડ્યાં ને કંઠથી મુખપાઠે કહી દેખાડે પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક-કીર્તનને ભૂલી જાય, ત્યારે એ તે શું જે, એ જ્યારે શીખ્યો હતો ત્યારે જ એને એટલાં આવડ્યાં નહોતાં, કેમ જે શ્રવણ-મનને કરીને એનો દૃઢ અધ્યાસ થઈને એના જીવમાં એ શ્લોક-કીર્તન ચોંટી નહોતાં ગયાં. અને કોઈક વાતનો બાળકપણામાં જ એવો અધ્યાસ થયો હોય છે તો એ યુવાન થાય, વૃદ્ધ થાય તોપણ તે વાતનું જ્યારે કામ પડે ત્યારે સાંભરી આવે છે.”

પ.પૂ. સ્વામીશ્રીને વિદ્યાર્થીકાળમાં મુખપાઠ કરેલાં કીર્તનો આજે પણ યાદ છે. એક વખત કોઈ મુક્તોએ તેનું કારણ પૂછ્યું. તેમણે મનન-પુનરાવર્તનની રીત શીખવતાં પોતાનો દૈનિક પ્રાતઃક્રમ જણાવતાં કહ્યું કે, “પ્રાતઃકાળે જાગીએ ત્યારથી પરવારતાં સુધી ને ધોતી ધારણ કરતાં કરતાં પણ સતત મુખપાઠ કરેલાં કીર્તનોનું મનન-પુનરાવર્તન કરવાથી તે ભુલાતાં નથી. કીર્તનનું મનન કરવાથી અખંડ મહારાજના સંબંધથી ભર્યા રહેવાય. મુક્તભાવ કેળવાતો જાય.” પ.પૂ. સ્વામીશ્રી થકી શીખવા મળેલ આ દિવ્ય રીતને આપણા જીવનમાં અનુસરીએ.

૪. દૃષ્ટિચિત્રણ અને મનોચિત્રણ દ્વારા યાદશક્તિ કેળવવી : કોઈ પણ માહિતીને માત્ર સાંભળીએ તે કરતાં તે માહિતીની નેત્ર-ઇન્દ્રિય સાથે સુસંગતતા થવાથી માહિતી મધ્યમ સમય સુધી યાદ રહે અને એ જ માહિતીને મનોચિત્રણ (Visulization) દ્વારા લાંબા સમયગાળા સુધી યાદ રાખી શકાય. ગુરુવર્ય પ.પૂ. બાપજી કે પ.પૂ. સ્વામીશ્રીની કથાવાર્તાની કૅસેટ માત્ર શ્રવણ કરતાં થોડી યાદ રહે પણ દર્શન કરતાં કરતાં સાંભળવાથી રસ પણ વધુ કેળવાય અને યાદ પણ વધુ રહે. જ્યારે કથાવાર્તામાં જે દૃષ્ટાંતો, બાબતો આવે તેને Visulize(માનસિક કલ્પના) કરવાથી તે પ્રસંગ જાણે આપણી નજર સમક્ષ બન્યો છે તેવી અનુભૂતિ થાય તેથી તેનો હેતુ અને ધ્યેય પણ વધુ ચોક્કસ બને અને ક્રમમાં આવેલી વાત પણ ઘણા લાંબા સમય સુધી યાદ રાખી શકાય.

૫. સમજીને યાદ રાખવા પ્રયત્ન કરવો : જે બાબત ગોખેલી હોય તે બાબત લાંબા સમય સુધી યાદ રહેતી નથી. વળી, જ્યારે આપણે સામાન્ય પરિસ્થિતિ કરતાં વિપરીત પરિસ્થિતિમાં આવીએ ત્યારે યાદ આવતું નથી. જેમ કે હાઇપર ટેન્સન, લાગણીના અવરોધો, શારીરિક બીમારી વગેરેમાં ગોખેલી માહિતી યાદ આવતી નથી. માટે કોઈ પણ બાબતને ગોખવા કરતાં સમજીને યાદ રાખી હોય તો તે માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે.

૬. પરિચિત સંબંધ જોડવો : કોઈ પણ અજાણી માહિતીને યાદ રાખવા માટે જો તેને જાણીતી વસ્તુ સાથે જોડી અને યાદ રાખવા પ્રયત્ન કરીએ તો તે સહેલાઈથી યાદ રહી જાય છે. દા.ત. આપણે જ્યારે નાના હતા ત્યારે કક્કો શીખ્યા હતા. ‘ક’, ‘ખ’ આવા મૂળાક્ષરો માત્ર શીખવાથી યાદ રહેતા નથી. તે મૂળાક્ષરોને ચિત્રો સાથે જોડવાથી સહેલાઈથી યાદ રાખી શક્યા હતા. જેમ કે ‘ક’ કલમનો ક, ‘ખ’ ખલનો ખ વગેરે...

૭. જિજ્ઞાસા જગાવવી : આપણી યાદશક્તિ કેળવવા આપણી અંદર રહેલી કુતૂહલવૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ નાનું બાળક કોઈ પણ વસ્તુ જોતાં તરત પૂછશે, ‘આ શું ?’ ‘તેનું શું કરવાનું ?’ ‘ક્યાંથી આવ્યું ?’ આમ કુતૂહલવૃત્તિથી જોયેલું, સાંભળેલું, શીખેલું લાંબા સમય સુધી યાદ રહે છે.

૮. આહારમાં સંયમિતતા અને સાત્ત્વિકતા : આપણી યાદશક્તિનો આધાર આહાર પર બહુધા રહેલો છે. આજના બજારુ ખાણી-પીણી, ફાસ્ટફૂડ જમવાથી આપણું શારીરિક સંતુલન ખોરવાય છે તે સાથે માનસિક સંતુલન પણ ખોરવાય છે. અનિયમિત સમયે આહાર લેવાની આદત પણ યાદશક્તિને અસર કરે છે માટે નિયમિત અને સાત્ત્વિક આહાર એ યાદશક્તિ કેળવવાનું પૂરકબળ છે.

“Our mind has a hard disk with unlimited storage capacity learn to manage it.” અર્થાત્‌ “આપણા માનસ પાસે એવી હાર્ડડિસ્ક છે કે જે અમર્યાદિત માહિતીનો જથ્થો સંગ્રહી શકે છે. જરૂર છે માત્ર તેને સુવ્યવસ્થિત રીતે સંચાલન કરવાની.” આમ, યાદશક્તિ કેળવવા માટે ઉપરોક્ત બાબતોને વાંચી-વિચારી યાદશક્તિ કેળવી આપણાં આધ્યાત્મિક અને વ્યવહારિક કાર્યોને સુગમ બનાવવાના પ્રયાસ કરીએ.

યાદશક્તિ કેળવવાની કેટલીક સરળ પદ્ધતિઓ શીખીએ :

૧. એક્રોનિયમ્સ પદ્ધતિ (સંક્ષેપીકરણ પદ્ધતિ) : આ પદ્ધતિ ખૂબ જાણીતી છે. જ્યારે આપણને મુખ્ય કે જરૂરી મુદ્દાઓ યાદ રહેતા નથી તેવા સંજોગોમાં આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. આ પદ્ધતિ દ્વારા કીર્તન મુખપાઠ કરી શકાય તથા અભ્યાસનાં સમીકરણો, સૂત્રો વગેરે સહેલાઈથી યાદ રાખી શકાય છે.

આ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરવો તે ઉદાહરણ દ્વારા શીખીએ. ‘આપણે અનાદિમુક્તના સ્નેહો’ કીર્તન યાદ રાખવું હોય તો સૌપ્રથમ એ કીર્તનને બે-ત્રણ વખત ધ્યાનથી વાંચી જવું, બે વખત ગાઈ જવું. ત્યારબાદ કીર્તનની કડીઓના પ્રથમ અક્ષર કે શબ્દને અલગ તારવી તેનું જોડકું બનાવી દેવું અને તેને વારંવાર બોલી જવું. હરતાં-ફરતાં પણ તેને બોલ્યા કરવું. આ કીર્તનનું એક્રોનિયમ ‘અતિશે, મળ્યા, અનાદિ, પમાડનારા, અનાદિમુક્ત, ખાતાં-પીતાં, એ દુર્લભ, આણી...’ આપણે નાના હતા ત્યારે મેઘધનુષ્યના રંગો આ જ રીતે યાદ રાખ્યા હતા.

જા - જાંબલી, ની - નીલો, વા - વાદળી, લી - લીલો, પી - પીળો, ના - નારંગી, રા - રાખોડી ‘જાનીવાલીપીનારા’ આ જોડકાને એક્રોનિયમ કહેવાય. આ જોડકું બનાવ્યા પછી માત્ર તેનું પુનરાવર્તન જ કરવાનું હોય છે. જેનાથી સરળતાથી ઘણીબધી વ્યવહારિક અને સત્સંગ સંબંધિત માહિતી યાદ રાખી શકીએ છીએ.

૨. પૉકેટ ડાયરી પદ્ધતિ : પૉકેટ ડાયરી એટલે ખિસ્સામાં રહી શકે તેવી નાની ડાયરી. આ પદ્ધતિથી આપણે સત્સંગ તેમજ વ્યવહાર સંબંધિત ઘણીબધી માહિતી હોય તે મહેનત વગર, ઓછા સમયમાં તેમજ ઝડપથી યાદ રાખી શકીએ.

જેમ કે સવારથી ઊઠ્યા ત્યારથી રાત્રિ સુધીમાં ૨૦ કાર્યો કરવાના છે તો ડાયરીમાં દરેક કાર્ય માટે આપણે સમજી શકીએ તેવા એક-બે શબ્દો અને બાજુમાં તે કાર્ય કરવાનો છેલ્લો સમય (dead time) લખવો. સમયે આપણે ભૂલી ગયા કે મારે શું કરવું ? તો આપણી પૉકેટ ડાયરી બોલશે. આ સાથે આપણા સત્સંગનાં કાર્યો જેવાં કે કથાવાર્તાના મુદ્દા, પૂ. સંતોએ સોંપેલ સેવાઓ, સત્સંગ સંબંધિત મિટિંગો (બેઠકો), વ્યવહારિક કાર્યો જેવા કે દિવસ દરમ્યાન કરવાના ફોન, ઉઘરાણીઓ, વિદ્યાર્થીઓ માટે વિષયની માહિતી વગેરે માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી નીવડે.

મળેલા દિવ્ય કારણ સત્સંગના યોગમાં ઊર્ધ્વગતિ કરવા મહારાજ અને મોટાએ આ વર્ષે મુમુક્ષુતા વર્ષ આપ્યું છે ત્યારે આપણા જીવનમાં મુમુક્ષુતા દૃઢ કરવા એમના અભિપ્રાય અને સંકલ્પ પ્રમાણેનું જીવન કરવા, તેને જાણવા અને યાદ રાખવા ફરજિયાત છે. આ હેતુસર દર વર્ષે સત્સંગ પરીક્ષાનું આયોજન થાય છે ત્યારે આપણે સૌ તેમાં ઉત્સાહથી જોડાઈએ. આ યાદશક્તિના લેખ દ્વારા એમના અભિપ્રાયને યાદ કરી દૃઢ કરીએ.