યૌવન : આદરમાન અધ્યક્ષ - 1
October 19, 2015
મનુષ્યના દેહની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અર્થાત ‘दुर्लभं मानुषं देहं’ કારણ કે મનુષ્યદેહ ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણીથી જે ચિંતવીએ તે મળે છે તેમ મનુષ્યદેહ વડે બધું જ પ્રાપ્ત થઇ શકે છે. એના વડે આ લોકનાં સુખમાં બ્રહ્માંડોના વૈભવ તેમજ પરલોકના સુખસંબંધી મોક્ષ પણ મનુષ્યદેહથી જ પ્રાપ્ત થઇ શકે છે. ત્યારે આવા અતિ મોંઘા મનુષ્યદેહની કિંમત અમેરિક પ્રો. મોરો વેટ્ઝે છ હજાર ટ્રીલીયન આંકી છે એટલે લગભગ ૩૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ રૂપિયા થયા. આવો મનુષ્યદેહ વારંવાર મળતો પણ નથી. વળી, આવો અતિ મોંઘો મનુષ્યજન્મ આપણને લખચોરાશી પછી મળ્યો છે. ત્યારે એક પ્રશ્ન થાય: લખચોરાશી એટલે શું? તો એની વિગત સમજાવતાં સદ. નિષ્કુળાનંદ સ્વામીએ ‘યમદંડ’ ગ્રંથના ૧૬મા કડવામાં કહ્યું છે,
“ અંડજ ઉદ્ભજ સ્વેદજ જરાયુજ, ખરી એ ચારે ખાણ;
એકવીસ લાખ એક એકમાં, તેહ પિંડ ધરે પરિમાણ.”
અર્થાત દરેક યોનિમાં એકવીસ લાખ વખત જન્મ ધરવાના એટલે ચાર યોનિના થઇ કુલ ચોરાશી લાખ જન્મ ધરવાના. જેમાં પ્રથમ અંડજ એટલે ઈંડામાંથી જન્મતા જીવો; ઉદ્ભજ એટલે જમીનમાંથી ઉત્પન્ન થતા જીવો; સ્વેદજ એટલે પરસેવા દ્વારા જન્મતા જીવો અને જરાયુજ એટલે ગર્ભમાંથી ઉત્પન્ન થતા પ્રાણીઓ જેમાં અતિ મહત્ત્વની યોનિ જે મનુષ્યદેહ તેની પ્રાપ્તિ થાય છે. તેથી જ મોટા સંતોએ કહ્યું,
“ માણસનો અવતાર મોંઘો નહિ મળે ફરી...”
માનવ-અવતાર મળ્યો છે ત્યારે એક માનવ તરીકે આપણે પરિવાર, સમાજ, દેશ અને વિશ્વનો એક ભાગ છીએ. એમાંય માનવ બધા સાથે જોડાયેલો છે કહેતાં તે સહઅસ્તિત્વની ભાવનાથી એકબીજાની સાથે જીવે છે. જે કેવળ આ જ યોનિમાં શક્ય છે. કારણ કે મનુષ્ય એકબીજા સાથે પ્રેમ, સહકાર ને આનંદથી રહે છે. એકબીજાને સમજે છે, મદદરૂપ થઇ છે તેમજ ઘણી વાર પોતે દુ:ખો વેઠી સહકાર પણ આપે છે. ટૂંકમાં, માનવ એકલો તેમજ સ્વહિત માટે જીવનારો નથી. એ તો સંપૂર્ણ એકબીજા પર આધારિત છે, એકબીજાને સ્વીકારનાર છે. જયારે અન્ય યોનિમાં કહેતાં પશુ, જીવ-જંતુઓ, પક્ષી આ સહુમાં સહઅસ્તિત્વની ભાવના હોતી જ નથી. તેમનામાં નિજ જીવનને ટકાવવા માટે કેવળ નિજનો કહેતાં સ્વ-અસ્તિત્વનો જ વિચાર જોવા મળે છે. એટલે અન્ય યોનિ કરતાં મનુષ્યદેહની યોનિને વિશિષ્ટ ‘ સંવાદિતા’ના પ્રતિક રૂપે ગણવામાં આવે છે.
છતાં આજે વર્તમાન સમયે આપણે જોઈએ તો સંપૂર્ણ એકબીજા પર આધારિત તેમજ એકબીજાનો સ્વીકાર કરનાર માનવજીવનમાં ઘરે ઘરે ઝઘડા-કંકાસની હોળીઓ સદાકાળ માટે ચાલતી જોવા મળે છે. આજે કોઈ માનવઘર આના ભરડામાંથી (પાસામાંથી) મુક્ત છે એવું કહેવું ઘણું કઠિન છે. જે ઘર સરકાર ને પ્રેમનાં ઉત્તમ ગીતો નિત્ય ગાતું હતું ત્યાં આજે એકબીજા માટે હેતમ, પ્રેમ કે લાગણીનું નામોનિશાન જોવા મળતું નથી. કુટુંબ,પરિવાર અને સમાજ સાથેના સંબંધો પણ દિવસે દિવસે કૃત્રિમ બનતા જાય છે. વ્યક્તિમાત્ર પોતાના જીવનમાં ‘નિજ’નો અને ‘પર’નો ભેદ કરી નાખે છે. ‘નિજ’નો રસ, ‘નિજ’નો ફાયદો એ એકમાત્ર સહુ કોઈનો જીવનમંત્ર બની રહ્યો છે. પરિણામે આજે માનવ દરેક બાબતમાં સ્વકેન્દ્રિત બનતા જાય છે. અને આના લીધે પતિ-પત્ની, ભાઈ-બહેન, માબાપ તેમજ અન્ય સંબંધોમાં પણ બધા એકબીજા પર સ્વ અર્થે તાડૂકી રહ્યાં છે. એવા શબ્દો બોલે છે કે જે તલવારના ઘાની જેમ એકબીજાને દુભવ્યા કરે છે. નાની નાની વાતમાં ઘરે ઘરે ઝઘડા-કંકાસ થયા જ કરે છે. એમાં વળી આવનારી પેઢી પણ આજ માર્ગે ચાલવા પોતાના વડીલોનું અનુકરણ કરી રહી છે. ઘરમાં વડીલો દીકરા-દીકરીને કઇંક રોક-ટોક કરે, કઇંક પુછે તો તેઓ પણ અન-અપેક્ષિત વર્તન દાખવે છે. મર્યાદા નેવે મુકાઈ ગઈ છે. બધા જ સંબંધો ઉષ્માપૂર્ણ હતા તે આજે સાવ ખોખલા ને બોદા થતા જાય છે. કોઈને એકબીજા સાથે લાગણી,પ્રેમ ને આત્મીયતાથી રહેવું સ્વીકાર્ય નથી. નિરંતર ઘરના બધા જ સભ્યો સહઅસ્તિત્વને સ્થાને એકલ અસ્તિત્વની ભાવના યેનકેન રીતે દૃઢ કરી રહ્યા છે ને અન્યને આવી પ્રેરણા પણ આપી રહ્યા છે. ટૂંકમાં, મનુષ્યજીવનમાં સહઅસ્તિત્વની ભાવના જે પ્રધાન ગણાતી હતી તે આજે પશુયોનિ સમાન સ્વ-અસ્તિત્વવાળી બની રહી જણાય છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ માનવસમાજમાં નિરંતર-સતત ચાલતા ઝઘડા-કંકાસ માટે એક વૈજ્ઞાનિક સર્વે કરવામાં આવ્યા છે ને તે સર્વેનાં તારણોમાં બહુધા ઝઘડા-કંકાસના કારણરૂપ આજની નવલોહિયા પેઢીના યુવાનોને જવાબદાર ગણાવે છે. આ સર્વે સ્પષ્ટ શબ્દોમાં કહે છે,” આજના યુવાનો આદર-વિવેક ભુલ્યા છે, કહેતાં તેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરતા થયા છે. જ્યાં એકબીજા માટે આદર ને વિવેક જ નથી ત્યાં લાગણીઓનો શૂન્યાવકાશ છે. ત્યારે આદર-વિવેક જ નહિ હોય તો કોણ કોને સમજશે, રોકશે ને ટોકશે.” આજે ઘરમાં વડીલો તેમજ અન્યને એક જ ચિંતા રહ્યા કરે છે આજે આપણે એમને બે શબ્દો કહીશું તો સામા નહિ થાય ને? ન બોલવાનું બોલશે તો નહિ ને? જેના લીધે તેઓ ન કહેવામાં સાર માની લે છે. આવા ભયને લીધે આજે માનવસંબંધો વામણા ને તુચ્છ થતા જાય છે. વળી, આજે વડીલો અને ઘરના મોભીને એક જ વાત સતાવે છે : આજની પેઢીને દિશા આપવાની છે, તેમને આદર ને વિવેક પાઠ ભણાવવા છે, છતા પણ આપી શકતા નથી. તો પછી અન્ય કોઈ વ્યવહાર માટે તો અપેક્ષા જ ક્યાં રાખી શકાય !
માટે આપણા ઘરમાં ને પરિવારમાં જેટલો એકબીજા માટેનો આદર ને વિવેક વધુ હશે તેટલી જ ઘર-પરિવારમાં સંપ, આત્મીયતા, શાંતિ ને આનંદની સૌરભ મહેકતી રહેશે ! માટે આપણે એક યુવાન તરીકે પરિવારના સભ્યો વચ્ચે આદર વિશેષ જળવાયેલ રહે તે માટે સતત જાગ્રત રહેવું પડશે.આપણે પણ આદર ને વિવેકના પાઠ આપણા વડીલો પાસેથી શીખવા પડશે, એ પ્રમાણે નિરંતર વર્તવું પડશે તેમજ આવનારી પેઢીને વર્તન દ્વારા શીખવવા પણ પડશે. ત્યારે એક યુવાન તરીકે આપણે હવે જેટલા સજાગ રહેવું પડશે એની ગંભીરતા આપણા પારિવારિક જીવનમાંથી તથા અધ્યાત્મિક સભાઓમાંથી સમજવી પડશે.
આજથી વર્ષો પહેલાંનો ભવ્ય ભૂતકાળ નીરખતાં જણાઈ આવે છે કે, આજે જેવા પ્રશ્નોની ભરમાર છે તેવું તે સમયે ન હતું. એ સમયે પારિવારિક જીવન, એકબીજાની સહવાસ સાથેના સ્નેહતંતુઓથી જોડાયેલું હતું. પ્રેમ અને લાગણીસભર જીવન સૌ કોઈ જીવતા હતા.સૌ કોઈનો ઉછેર જ પ્રારંભિક તબક્કે કુટુંબ વચ્ચે, કુટુંબ સાથે અને કુટુંબની ઓથમાં પ્રાંગરતો હતો. એટલે કુટુંબપ્રિયતા કૌટુંબિક વાત્સલ્ય એ સૌ કોઈની ગળથુથીમાં સહેજે જોવા મળતું હતું. ને તેથી જ આપણા કુટુંબમાં સામૂહિક જીવનના સંસ્કારથી ટેવાયેલો સભ્ય કુટુંબથી કે પારસ્પરિક સહજીવનથી અળગો રહી શકતો નહીં.
વળી, આવા ઉચ્ચ સંસ્કાર, ઉચ્ચ ખાનદાની ને ઉદાત્ત વિચારસરણી એ સમયે સૌ કોઈની રગેરગમાં રસાયેલી તેમજ હૈયે કોતરાયેલી જોવા મળતી હતી. તેથી જ સૌને પોતાના પરિવાર પરત્વે અનહદ લગાવ જોવા મળતો હતો. આથી એ સમયે ઘરની વડીલ તેમજ મોભી વ્યક્તિ ઘરમાં હાજર હોય ત્યારે સહુ નાના-મોટા એમની મર્યાદા જાળવતા. ઘરનાં મહિલા સભ્યો પણ એમના સ્થાનનો આદર જાળવતાં. તેઓ ઘરમાં હોય ત્યાં સુધી ઊંચા અવાજે બોલી શકાતું નહીં. વસ્ત્રપરિધાન બાબતે ખૂબ જ સાવધાની રખાતી. શરીરનું કોઈ પણ અંગ દેખાય એવાં વસ્ત્રો પહેરાતાં-ઓઢાતાં નહીં. વડીલ ઘરમાં પ્રવેશે એટલે ખોંખારો ખાતા. તે આદર માટે સૂચક હતું કે, વડીલ વ્યક્તિ ઘરમાં આવે છે એટલે ઘણા સર્વે સભ્યોએ આદરપૂર્વક આમન્યા જાળવવી. વડીલ વ્યકિતને પુત્રો કે પુત્રવધૂઓ પગે લાગી આશીર્વાદ મેળવતાં. આવી હતી એ સમયની અનોખી,આદરભરી, શિષ્ટાચારી અને સભ્યતાપૂર્ણ અતીતગાથા. આ અતીતગથા આદર ને વિવેકરૂપી સંસ્કારથી તરબતર જોવા મળતી હતી અને આ સંસ્કારને લીધે જ એ સમયે આજના સાંપ્રત પ્રશ્નોની હારમાળા અનુભવાતી નથી.
આપણે જયારે આદર ને વિવેક્ભર્યા વર્તનની ફળશ્રુતિ જોયા બાદ આપણાં ઘર,પરિવાર, સમાજ તથા સંસ્થામાં પણ આદરપૂર્ણ ને વિવેકભર્યું વાતાવરણ સર્જવું છે ત્યારે ‘ આદર’ ને ‘વિવેક’ આ બે શબ્દોની વિભાવનાની સપ્ષ્ટતા આપણને હોવી અત્યંત જરૂરી છે.
આદર એટલે વિનય,મર્યાદા જાળવવી, સુયોગ્ય જીવનનો વર્તાવ, વડીલ તથા મોભીનાં વચન તેમજ આદર્શનો આમન્યાયુક્ત સ્વીકાર, સૌ કોઈનો મલાજો જાળવવો.
વિવેક એટલે શિષ્ટાચાર, સભ્યતા, સારી વર્તણુક, સારી રીતભાત.
જોઈએ આદર-વિવેકનો અદભુત મહિમા...:
(1). “આદર-વિવેક માનવીના સૌથી મોટાને સાચા મિત્રો છે.” - કોલ્ટન
(2). “ઉચ્ચ આદર ને ઉચ્ચ વિવેક એ ઉચ્ચ આનંદ છે.” - યંગ
(3). “વિવેક દશમો નિધિ (ભંડાર) છે, તેનું ગ્રહણ કરશો તો સુખી થશો.” - સદ્. ગુણાતીતાનંદ સ્વામી
(4). “સારા કુળમાં જન્મ એ સારી વાત છે, પણ આદર ને સારી રીતભાત એ એથી વધારે સારી વાત છે.” - વિદેશી કહેવત
(5). જેઓ નિત્ય વડિલોને આદર આપે છે, નમસ્કાર કરે છે અને તેમની સેવા કરે છે, તેમનાં આયુષ્ય, બળ, બુધ્ધિ અને યશ પણ નિત્ય વધતાં રહે છે.
આજનો યુવાન એટલે ધસમસતું જોમ, ઉત્સાહ, જુસ્સો, તરવરાટ, ઉત્તેજન અને ઉમંગનો પર્યાય. આ ગુણોને લઈ એને વિધવિધ ક્ષેત્રે સફળતાના સર્વશ્રેષ્ઠ અધ્યક્ષ બનવું ઘણું પસંદ હોય છે કહેતાં એમાં વધુ રસ હોય છે. તેથી જ આજે ઘર, સમાજ, સંસ્થા, વેપાર-નોકરીના વિધવિધ ક્ષેત્રે યુવાન અધ્યક્ષ બની રહ્યો છે ત્યારે તેની પાછળનાં કારણ જોઈએ તો ખ્યાલ આવે છે કે, તેનામાં ધ્યેયપ્રાપ્તિ, સત્તા તથા પદવીની વિશેષ ઝંખના જોવા મળે છે. તેથી જ તે અપાર કષ્ટો ને દાખડા વેઠી અધ્યક્ષ બનવા યત્નશીલ રહે છે. અધ્યક્ષ બનવાથી આ લોકમાં નીચેના અને બે-ચાર લોકસમૂહ આપણી પદવીને લીધે અધ્યક્ષનો સ્વીકારે છે, તેને ક્ષણે ક્ષણે સાચવે છે. એથી વધુ કંઈ જ નહીં. ત્યાં એને પોતાની ભૂલો બતાવનાર કોઈ જ નથી. આથી અહીં મોટો ભય એ રહે છે કે તે સ્વછંદી અને સ્વતંત્ર બની જાય છે પણ એને ખ્યાલ નથી કે લોકો એને નહિ પણ એના અધ્યક્ષપદને માન આપે છે. ત્યારે આ દિશાએથી પાછા વળીને એક સાચા અધ્યક્ષ બનવા માટે થોડો વિચાર કરવો જોઈએ ! જેથી કરીને ઘર, પરિવાર ને દેશ સ્વીકારી શકે ? તો ઉત્તર છે : આદર ને વિવેકના અધ્યક્ષ બનવું જોઈએ એટલે કે આદરમાન અધ્યક્ષ બનવું જોઈએ. આદરમાન અધ્યક્ષ બનવાથી આપણને જે તે ક્ષેત્રના અધ્યક્ષ કરતાં વધારે અંતરથી સ્વીકારનાર વિશેષ મળશે. જે અધ્યક્ષપદ યૌવનને ક્ષણિક કાર્યકાળ કરતાં ચિરકાલીન કાર્યકાળ પ્રદાન કરશે કહેતાં યાવદ્ચંદ્રદિવાકરૌ બનાવી દેશે. પણ ત્યારે પ્રશ્ન થાય કે, આ આદરમાન અધ્યક્ષ બનવાના ગુણ કેવી રીતે કેળવી શકાય ? તો તે કેળવવા માટે જોઈએ મહાપ્રભુ ને મોટાપુરૂષના અવરભાવના ‘પરમ આદરણીય’ ને ‘પરમ વિવેકી’ દિવ્ય પ્રસંગોને...
આદર-વિવેક રાખવાની અનોખી રીત શ્રીહરિએ ફક્ત પોતાના આશ્રિતગણને સમજાવી જ નથી, પંરતુ પોતાના અવરભાવના જીવનમાં ક્ષણે ક્ષણે વર્તવાનાં દર્શન કરાવ્યાં છે. સ્વયં શ્રીહરિ નીલકંઠવર્ણી વેશે લોજમાં આવ્યા ત્યારે સદ્. રામાનંદ સ્વામી કરતાં નાના એવા મુક્તાનંદ સ્વામી, ભાઈરામદાસ સ્વામી, આત્માનંદજી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી આદિક મોટેરા વડીલ સંતોનો આદર કરતા, તેમની આમન્યા પણ રાખતા ને પ્રસંગોપાત દંડવત પ્રણામ કરી લેતા.
એટલું જ નહિ, સ્વામિનારાયણ સંપ્રદાયની પોતે સ્થાપના કર્યા પછી ત્રણ હજાર સંતોના ને વીસ લાખ હરિભક્તોના ભગવાન હોવા છતાં, સદ્. મુક્તાનંદ સ્વામીની મર્યાદા પોતે રાખી ને પોતાના શિષ્યવૃંદ પાસે રખાવી. મહારાજ પોતે સ્વયં રોજ સવારે સદ્. મુક્તાનંદ સ્વામીના આસને દર્શન માટે જતા અને સૌ સંતો-ભક્તોને પણ આજ્ઞા કરી હતી કે, “સદ્. મુક્તાનંદ સ્વામીના આસને દર્શન કરીને પછી અમારાં દર્શન કરવા આવવું.”
ક્યારેક અતિ મહત્ત્વના મોટા નિર્ણય લેવાના હોય ત્યારે શ્રીજીમહારાજ પોતે સ્વયં ધણી હોવા છતાં સદ્. મુક્તાનંદ સ્વામીને એચૂક પૂછતા, અભિપ્રાય માંગતા.
એક દિવસ ભરસભામાં શ્રીજીમહારાજની ઉપસ્થિતિમાં લાલા પાળાએ સદ્. મુક્તાનંદ સ્વામીની મર્યાદા ન જાળવતાં, અકળાઈ ઊઠ્યા ત્યારે મહારાજ નારાજ થતાં સિંહાસન પરથી ઊભા થઈ કહ્યું, “એ મારા ગુરૂ સમાન છે. મારા માટે પૂજનીય છે... તેઓ અમને કહે તો અમે બળબળતા તાપમાં ઊભા રહીએ... તેઓ અમારા વડીલ છે... ને તમે એમને સ્વીકારતા નથી... એમની આમન્યા પણ રાખતા નથી... આટલો આદરભાવ પણ આપનામાં નથી... માટે સૌ કોઈ સાંભળો, આ અમે જરાયે નહિ ચલાવી લઈએ.” આ પ્રંસગ પરથી વડીલ પરત્વે આદર ને વિવેકની દૃષ્ટિ કેળવવા પરત્વે શ્રીહરિનો આગ્રહ ને આલોચ કેવા સ્પષ્ટ જણાઈ આવે છે ! આમ, મોટાના આદરનો ખ્યાલ, વિવેકનો ખ્યાલ એ જ આપણા સંસ્કારનો ખ્યાલ છે. અને આદરમાન અધ્યક્ષ તરીકે આપણે ક્યાં છીએ તેની પારાશીશી છે.
જેમ મહાપ્રભુએ આદરપૂર્ણ ને વિવેકી જીવનના પાઠ સ્વજીવનમાં ક્ષણે ક્ષણે બતાવ્યા છે તેમ મહારાજના મોટાપુરૂષ પણ આ જ ચીલે ચાલી આચરણની દુનિયામાં આદરમાન અધ્યક્ષ બનવાની સંજીવનની સમી પ્રેરણા પૂરી પાડે છે.
સદ્. મુક્તાનંદ સ્વામી સત્સંગની ‘મા’ હતા. સૌ નાના-મોટા સંતોના-સત્સંગીઓના તેઓ વડીલ હતા. તેમની પણ ખૂબ જ મર્યાદા જાળવવામાં આવતી. એક દિન મુક્તાનંદ સ્વામીએ કંઈક સેવા અર્થે સંતોને રૂચી બતાવી, “સંતો ! તાત્કાલિક ગઢપુર જવું પડે તેમ છે તો બોલો, કોણ જશે ?” ત્યાં તો બધા સંતો વિમાસણમાં પડ્યા. કારણ કે તે સમયે અપાર અગવડ વેઠીને-દાખડો કરીને જવું પડતું. એટલે બધા વિચારી રહ્યા હતા. પણ ત્યાં પરમ આદરણીય વડીલની રૂચિને સ્વીકારતાં અગવડોને અવગણતાં સદ્. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “સ્વામી, આપની રૂચિ હોય તો આ સેવક ગઢપુર જવા તૈયાર છે, આપ ચિંતા ન કરશો.” સદ્. મુક્તાનંદ સ્વામી તેમના પર રાજી થઈ ગયા. આમ, મહારાજની સ્વયં આજ્ઞા ન હતી. પણ મહારાજે જેમને મંડળના વડીલ તરીકે નીમ્યા હતા એવા સદ્. મુક્તાનંદ સ્વામીની આજ્ઞા તો હતી જ ને ! આ જ કહેવાય વડીલનાં વચન તેમજ આદર્શનો આમન્યાયુક્ત સ્વીકાર. જેના ફલ સ્વરૂપે અવરભાવમાં સદ્. ગુણાતીતાનંદ સ્વામી ચારસો સંતોના વડીલ થઈ પૂજાયા. કારણ વડીલ પરત્વે તેઓએ સમયે દાખવેલ આદર-વિવેકમાંથી પ્રાપ્ત થયેલ રાજીપો.
ભગવાન સ્વામિનારાયણનો આદર-વિવેક આપવા અંગેનો આદેશ :
“પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન-ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થાતો હોય ને તેમાં પોતે જીતીએ એ&