યૌવન : આદરમાન અધ્યક્ષ - 2

  October 28, 2015

આદરમાન અધ્યક્ષ બનવા માટે આપણા સ્વજીવનમાં આદર ને વિવેક વાણી ને વર્તનમાં ખાસ ગ્રહણ કરવાના છે. મોટેભાગે આપણે આદર ને વિવેકમાં જો નાપાસ થતા હોઈએ તો તે આ બે બાબતોમાં જ થતા હોઈએ છીએ. ઘણી વાર આપણી વાણી ને આપણું વર્તન આપણી કિંમત કરી દેતાં હોય છે. વળી, આપણામાં કેટલું સત્ત્વ છે ? આપણે કેટલા સજ્જન વ્યક્તિ છીએ ? તથા આપણા કુટુંબ-પરિવારના કેવા સંસ્કારો હશે ? એનું દર્શન-વાણી-વર્તન કરાવી દેતાં હોય છે.

જે વાણી અનંતના હૈયાંને, લાગણીને છિન્નભિન્ન કરી નાખે છે એ જ વાણીમાં એવી અજબ તાકાત છે કે એ અનંતના હૈયાંને લાગણીઓથી ભરી દે છે, અનંતના હૈયાંને પુલકિત કરી દે છે. એ જ રીતે આપણું વર્તન. જે વર્તન અનંતને આપણાથી છેટા કરી દે છે, અનેકને આપણાથી ત્રાસ અનુભવાવે છે એ જ વર્તનમાં એવી અજબ તાકાત છે કે એ અનંતને આપણાથી નિકટ કરી શકે છે અને અનેકનાં હૈયાંમાં આપણું આગવું સ્થાન ઊભું કરી શકે છે. પરંતુ એ ત્યારે જ શક્ય બને કે જો આપણામાં વાણી ને વર્તનનો આદર ને વિવેક વિલસતો હોય; એકબીજાની મર્યાદાનું, વિવેકનું મહત્ત્વ સમજાયું હોય તો.

તલવાર, રિવૉલ્વર કે બૉમ્બથી માણસ મરે, પણ શબ્દથી એટલે કે વાણીથી માણસ ક્ષણે ક્ષણે મરે છે. આ જ વાણીના અવિવેકપૂર્ણ ઉપયોગે અનેકને માર્યા છે, રાજ છોડાવ્યાં છે. તો વળી, એણે જ સર્વે પ્રકારનાં અઘરાં-કઠિન કાર્યો પૂર્ણ કર્યા છે. તેથી જ કોઈએ કહ્યું છે,

“શબ્દ માર્યા મરી ગયા, શબ્દે છોડાવ્યાં રાજ;

જેણે શબ્દ વિચાર્યા, તેનાં સર્યાં સર્વે કાજ.”

વળી, વાણીના આદરપૂર્ણ ને વિવેકપૂર્ણ ઉપયોગની જેમ આપણું વર્તન પણ ઘરમાં રહેલા સભ્યો સાથે વિવેકી હશે તો જ આપણો સાચો પ્રભાવ બધા પર રહેશે. એ જ આપણા સંસ્કારોનું પ્રતીક બનશે. જો આપણો પરિવારના સભ્યો સાથે, પોતાના ઘરમાં આદર ને વિવેકભર્યો વર્તાવ હશે તો ઘરની બહાર નીકળ્યા પછી અન્ય સભ્યો સાથેનો યોગ્ય, સભ્યતાપૂર્ણ, શિષ્ટાચારયુક્ત ને મલાજાપૂર્ણ (મર્યાદાપૂર્ણ) વર્તાવ રહેશે. તો સામે એ વાત પણ સત્ય છે – જો એ રીતે વ્યવહાર નહિ હોય તો આપણે બહાર પણ એ જ રીતે વર્તીશું.

વળી, આપણું બોલવાનું એનું એ જ છે, વર્તન પણ એનું એ જ છે તો આપણે માત્ર બદલવાના છે આપણી વાણીના શબ્દોને; ને બદલવાની છે આપણી વર્તવાની રીતને. ને ત્યાં સમજવાનો ને રાખવાનો છે થોડો આદર ને વિવેક. કારણ કે આપણે કોઈની પણ સાથે વ્યવહાર કરીશું ત્યારે એને એ અપેક્ષા જરૂર રહે છે કે, એ મને પ્રેમથી બોલાવે, પ્રેમથી મારી સાથે વર્તે, સ્નેહનથી મારી સાથે વાતો કરે, વર્તન દ્વારા મારી આમન્યા ને વિવેક જાળવે. અને એટલામાં જો એમને સંતોષ થઈ જતો હોય, એ રાજી થઈ જતા હોય તો આપણે શા માટે મધુર, મીઠી ને સરળ વાણી ન બોલીએ ? આમન્યાપૂર્ણ ને શિષ્ટાચારયુક્ત કેમ ન વર્તીએ ?

આદરપૂર્ણ-વિવેકી વાણી ને વર્તનનો પ્રભાવ એવો હોય છે કે માર માર આવતા અનેક અવિવેકીઓને તે શાંત પાડી દે. તેમજ તેમને પોતાની ભૂલ સમજાવી દે છે તથા આદરમાન વ્યક્તિને વિષે અહોભાવ પ્રગટાવી દે છે. આ વાતને સમર્થન આપતો એક પ્રસંગ નિહાળીએ...

એક દિવસ ગઢપુરમાં બસો જેટલા અવિવેકી ખાખી બાવાઓની જમાત આવી પહોંચી. બધા બાવાઓ દાદાના દરબારમાં માલપૂઆ ને દૂધપાકની રસોઈ માટે તકાજો કરવા લાગ્યા. આ વેળાએ મહારાજે સમય પારખી આદરમાન-વિવેકી એવા સદ્. મુક્તાનંદ સ્વામીને બાવાઓ પાસે મોકલ્યા. તેમણે સત્સંગની રીત મુજબ બધા જ બાવાઓને દંડવત પ્રણામ કર્યા, તેમજ બે હાથ જોડી દાસભાવે વિનમ્ર બની કહ્યું કે, “અહો ! સાક્ષાત્ ભગવાનના ધામના પાર્ષદો અમારે ત્યાં ક્યાંથી ?” આવું આદરપૂર્ણ વર્તન ને વાણી સાંભળતા તો બાવાઓનો ગુસ્સો ઓસરી ગયો. સૌ શાંત થઈ ગયા ને પોતાનો આદર જોઈ અહોભાવ સાથે બોલ્યા, “હમ તો ગંજેરી, ભંગેરી હૈં, ભગવાન કે પાર્ષદ તો આપ હૈં.” પછી તો એ કોઈએ પોતાની માલપૂઆ ને દૂધપાકની આશા પણ ન રાખી ને માત્ર દાળ-રોટલા જમીને મહાપ્રભુનાં દર્શન કરી, નિજ ગામ પાછા વળ્યા. અહીં મુક્તાનંદ સ્વામીના શિષ્ટાચાર, સભ્યતાપૂર્ણ વર્તાવ તેમજ મધૂરવાણીના લીધે બસો અડબંગી બાવાઓ વશ થઈ ગયા. વળી, સૌને મહાપ્રભુ ને મુક્તાનંદ સ્વામી વિષે આદરભાવ વધ્યો. પરંતુ વ્યવહારમાં જે આદરપૂર્ણ વર્તન ને વિવેકી વાણીનું મહાત્મ્ય સમજી શક્યા નથી તેમણે તો ઘણાં કડવા પરિણામો ભોગવ્યાં છે એટલે વ્યવહારમાં તેઓએ પોતાનું જીવન ગુમાવ્યું છે ને સત્સંગમાં તેઓ કુરાજીપાને પાત્ર બની, સત્સંગમાંથી ફેંકાઈ ગયા છે. ત્યારે આવો, આ વાતને અનુમોદન આપતો જોઈએ એક વ્યવહારિક સત્ય પ્રસંગ.

એક કૉલેજમાં 22 વર્ષની ઉંમરે એક યુવાન ગ્રેજ્યુએટ થઈને નોકરીએ લાગ્યો. તેના લગ્ન પ્રસંગે સત્સંગની રીત સાચવી હતી. પરંતુ ચોથા દિવસે તો ફરી સંતોને તેના બેસણામાં હાજરી આપવાની થઈ. કારણ તપાસ્યું તો ખબર પડી કે તેનાં ભાભીએ માત્ર અસભ્ય રીતે વર્તન કરતાં એટલું જ કહ્યું, “તું તારા દોઢ હજારના પગારમાં તારાં બૈરાને શું સાચવી શકવાનો ?” એમના અસભ્યતાને વરેલા વ્યવહારપૂર્ણ શબ્દો સાંભળતાં યુવાનને દુઃખ લાગી આવ્યું ને તેણે આત્મદાહ કર્યો. એ યુવાન માટે ભાભીનાં અયોગ્ય વાણી-વર્તન વિષ સમાન સાબિત થયાં. માટે જ કહ્યું છે કે, ‘વર્તન-વાણીનો અવિવેક ભલે મરીના દાણા જેટલો જ હોય, પરંતુ આંતર ને બાહ્ય જગત માટે મહા વિનાશકારી સાબિત થાય છે.’ આમ, આપણાં અયોગ્ય-અનાદરપૂર્ણ વાણી-વર્તન આપણને નુકસાન સિવાય બીજું કશું આપી શકતાં નથી. ત્યારે આદરમાન અધ્યક્ષ બનવા માટે આપણે કોના કોના પ્રત્યે આદરભાવ કેળવવો પડે તે સમજીએ.

વયે કરીને મોટા હોય તેમનો :

(1)અવરભાવમાં આપણા કરતાં ઉંમરે કરીને જે મોટા છે એમની આમન્યા રાખવી જોઈએ.

(2). એમના અવરભાવને અનુરૂપ એમની સેવા કરવી.

(3). તેઓ કદાચ સમજણ-કાર્યક્ષમતા ને વિચારશક્તિ ઓછી ધરાવતા હોય તોપણ તેમની મર્યાદા રાખવી.

(4). અવરભાવમાં ક્યાંક સ્વભાવ-પ્રકૃત્તિ પણ વ્યવહાર ને સત્સંગને અનુરૂપ ન હોય તોપણ તે અંગે તેમની મર્યાદા જાળવવી.

સત્તાએ કરીને મોટા હોય તેમનો :

સત્સંગમાં કે વ્યવહારમાં જેમને મહારાજ અને મોટાએ સત્તાએ કરીને મોટા કર્યા છે, એમની મોટપનો સ્વીકાર કરવો જોઈએ. કદાચ ભલે તેઓ અવરભાવમાં આપણા કરતાં ઉંમરમાં નાના હોય કે આપણા સમકક્ષ હોય છતાંય એમની મર્યાદા ક્યારેય ચુકાવી ન જોઈએ. સત્તાએ કરીને મોટાની મર્યાદા રાખવાની રીત શીખવતાં શ્રીહરિએ કહ્યું છે, “અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરૂ, રાજા, અતિ વૃધ્ધ, ત્યાગી, વિદ્વાન ને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવા – ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું... ગુરૂનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું.” કહેતાં એમની મર્યાદા ન સચવાય અને અપમાન થાય તો એમાંથી ક્યારેક મોટા વિવાદ કે કંકાસનું સર્જન થતું હોય છે. તો વળી, ક્યારેક જીવનમાં અણધારી વિકટ પરિસ્થિતિનું સર્જન પણ થતું હોય છે. માટે સત્તાએ કરીને મોટા હોય તેમનો આદર ને વિવેક અવશ્ય જાળવવા.

અધ્યાત્મજીવનમાં સૌને કેવી રીતે મર્યાદા જાળવવી?

અધ્યાત્મજીવનમાં ગુણે કરીને રાજીપાથી મોટા હોત તેમની  તથા ત્યાગાશ્રમમાં સંત, પાર્ષદ તેમજ સાધક અને ગૃહસ્થાશ્રમમાં હરિભક્તની યોગ્ય મર્યાદા જાળવવી એ સત્સંગીની રીત છે. સત્સંગમાં આવ્યા પછી હરિભક્ત સમાજ અને સંત સમાજ બંનેમાં અરસપરસની મર્યાદાથી જ સત્સંગનું સાતત્ય રહે છે. ત્યાગાશ્રમ એ ગૃહસ્થાશ્રમ કરતાં અધિક છે ત્યારે ગૃહસ્થ વર્ગે પણ ત્યાગી સમાજની યોગ્ય અદર-મર્યાદા જાળવવી જ પડે. આ વાત સ્વયં શ્રીજીમહારાજે લુણાવાડાના કાશીરામભાઈના દ્રષ્ટાંત દ્વારા પ્રતિપાદિત કરી છે. જો આ મર્યાદા ન સચવાય તો સત્સંગમાં આંટી પડે અને આત્મીયતામાં ભંગાણ થતાં વિવાદ સર્જાય છે. એવી રીતે સંતોએ પણ ગૃહસ્થાશ્રમ કરતાં શ્રેષ્ઠ જ છે, છતાંય સંત સમાજે હરિભક્તોની મર્યાદા સાચવવી જ જોઈએ.

            જે હરિભક્તો રાજીપા ને અધ્યાત્મગુણથી ચડિયાતા હોય તો તેમની મર્યાદા અચૂક જાળવવી. જો એમની મર્યાદા ન સચવાય તો મહારાજનો કુરાજીપો થાય છે. માટે સત્સંગમાં અરસપરસ ત્યાગી, ગૃહી અને હરિભક્તોની મર્યાદા રાખીએ તો જ મહારાજ રાજી થાય.

અંતે વિશેષ જરૂર આપણા પરિવારજનોને કેવી રીતે આદર આપવો ને જોઈએ:

(1). પરિવારના સભ્યો વચ્ચે સુહ્ર્દ્ભાવનો સેતુ રચવા માટે નાનામોટાની મર્યાદા જાળવવી અનિવાર્ય છે.

(2). પરિવારના સભ્યો વચ્ચે અરસપરસ પ્રેમ, લાગણી, ભ્રષ્ટભાવ રહે તે રીતે વિવેકપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ.

(3). પરિવારના સર્વે સભ્યો સાથેના અરસપરસના વ્યવહારમાં, આપણી રહેણીકરણીમાં, જોવામાં,બેસવામાં, ઊઠવામાં,તેમજ સૂવામાં દરેક ક્રિયામાં મર્યાદા સાચવવી જોઈએ.

(4). ઘરના વડીલ તેમજ મોભી સાથેના વ્યવહારમાં પણ ખુબ જ આમન્યા રાખવી.

(5). એમાંય બાળકોને પણ ‘ તુંકારે’ ન બોલાવવાં, એમની સામે અવિવેકી વર્તન ન કરવું,ઘરના સભ્યો સામે એમની મર્યાદા જાળવવી. સમયે સમયે તેમને પ્રોત્સાહન આપવાનો શિષ્ટાચાર ક્યારેય ન ચૂકવો. એમના પરત્વે હંમેશા દયાદ્રષ્ટિ તેમજ કરુણાભાવ રાખવાં – એમને મારવા કે હડધૂત કરવા એ અવિવેક છે. આટલું અત્યારે આપણે સાચવીશું તો તે પણ આદર ને વિવેકના પાઠ આપણા વર્તનથી શીખશે.

(6). વડીલો પરત્વે હંમેશા પૂજ્યભાવ દાખવવો; એમની વાતોને શાંતિથી સાંભાળવી; એમની રોકટોક ને ખમવી; એમના અનુભવના અર્ક સમી સલાહ-સૂચનની વાતને અવગણવી નહિ; તેમજ એમની સાથે અમાનવીય વ્યવહાર ન કરવો જોઈએ. વળી, ઘરનાં મહિલા પરત્વે પરસ્પર આદર કેળવવો જોઈએ. એમની સાથે સૌહાર્દપૂર્ણ ને સરળ થઈને આદરપૂર્ણ વાણી-વ્યવહાર કરવો જોઈએ. એમની કોઈ કસરો,દોષો,અવગુણો અન્યની આગળ ન ગાવા જોઈએ. જેથી કરી બધા જ એમના વિષે પોઝિટિવ રહે. ટૂંકમાં, એમનું માન ઘરમાં વિશેષ જળવાવું જોઈએ.

(7). વર્તમાનકાળે આદર ને વિવેકનું પ્રારંભથી પ્રાજ્ઞ સુધીનું પ્રશિક્ષણ મેળવવાની આદર્શ યુનિવર્સિટિ છે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી. તેઓ અવરભાવમાં આ ક્ષેત્રે વાચસ્પતિ (પીએચ.ડી.) છે તેમજ ‘સબગુણ પૂરણ’ છે. છતાં આપણી પ્રેરણા માટે આદરમાન અધ્યક્ષ છે. તેમની અવરભાવની દીનચર્યામાં ડગલે ને પગલે આદર ને વિવેકનાં દર્શન સહેજે સૌને સ્પર્શી જાય છે.

(8). વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી દિવસના પ્રારંભે આદર ને વિવેકની અદકેરી રીત નિત્ય શીખવે છે. મંગળા આરતીનાં દર્શન બાદ તેઓશ્રી સંતો-હરિભક્તોને નીચે બેસી જય સ્વામિનારાયણ પાઠવે. તેમજ પૂ. સંતો વિચરણમાંથી પધાર્યા હોય ત્યારે તથા તેઓશ્રી અન્ય સેન્ટરમાં વિચરણમાં પધાર્યા હોય ત્યારે પણ આ જ રીત. નાનામાં નાના સંતને, નીચે બેસી ચરણ સ્પર્શી જય સ્વામિનારાયણ કરે ને અહોભાવથી ભીના ભીના આદર-વિવેકનાં વચનોથી સંતોને રાજી કરી લે.

(9). પ.પૂ. સ્વામીશ્રી પોતાની પાસે આવનાર નાના-મોટા સૌને પ્રેમથી મીઠો આવકાર ને આસન આપી તેમનો યથોચિત આદર-સત્કાર કરી, તેમને શાંતિથી સાંભળે.

(10). કોઈએ અભ્યાસ કે વ્યવસાય ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કર્યું હોય તો તેમને અભિનંદન આપી પ્રોત્સાહિત કરે. જો તે વ્યક્તિ પ્રત્યક્ષ ન હોય તો તેમને ફોન, ફેક્સ કે પત્ર દ્વારા પણ અભિનંદનના બે બોલ અચૂક પાઠવે.

(11). સમૈયા, ઉત્સવ કે મહોત્સવમાં તેમજ અન્ય સંસ્થાકીય સેવામાં કોઈ પણ પ્રકારે નાનો-મોટો સહકાર આપ્યો હોય તો પ.પૂ. સ્વામીશ્રી અવશ્ય એમનો વ્યક્તિગત તેમજ જાહેરમાં આભાર માનવાનું ચૂકતા નથી.

(12). આવી ઘણીખરી આદર-વિવેકની રીત એમના અવરભાવના જીવનમાં દેખાડે છે. અત્રે શબ્દમર્યાદાના બંધને અટકવું પડે... બાકી પ.પૂ. સ્વામીશ્રીના આદર-વિવેકની વાતો અણખૂટ છે. પ.પૂ. સ્વામીશ્રી આદર-વિવેકના વારિધિ (મહાસાગર) છે. તેમના અવરભાવના જીવનમાંથી આદર-વિવેકનું માત્ર એક અલ્પ બુંદ પણ સ્વજીવનમાં ગ્રહણ કરીશું તોય આપણે સહેજે સહેજે આદરમાન અધ્યક્ષ બની જઈશું.

 

અંતે આદરમાન અધ્યક્ષ બનાવવા માટે ઉપરોક્ત દર્શાવેલ આદરમાન ક્ષેત્રમાં સદાય આદર ને વિવેકમાં જ રહી વર્તવું... તો આપણે ખરા અર્થમાં આદરમાન અધ્યક્ષ થઇ શકીશું.