યૌવન : ગુરુ-શિષ્યનો આદ્યંત સંબંધ - 1
September 5, 2015
એક માટીનો ઢગલો હતો. આ ઢગલાને જોઈ એક વ્યક્તિ તેમાંથી માટી ભરી પોતાના ઘરે લઈ ગઈ અને તે માટીથી ઘરના આંગણાના ખાડા પૂર્યા. બીજી વ્યક્તિ પણ માટી લઈ ગઈ અને તેણે તેનાથી ઘરનું લીપણ કર્યું. ત્રીજી વ્યક્તિ આવી તેણે પણ માટી લઈ જઈ, તેમાંથી તેણે માટીનાં સુંદર વાસણ બનાવ્યાં. ચોથી વ્યક્તિ પણ આ જ ઢગલામાંથી માટી લઈ ગઈ ને તેણે માટીને બરાબર ટીપીને ભૂકો કર્યો. ત્યારબાદ માટીને ચાળી પછી તેને ખૂબ જ ખૂંદી તેમાંથી એક અદભૂત મૂર્તિનું નિર્માણ કર્યું.
આ આખી ઘટનાનો અભ્યાસ એક તત્ત્વચિંતક ગોપનીય રીતે કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓએ તેનું વિવેચન કરતાં એક સોનેરી તારણ આપ્યું કે, “કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ નકામાં નથી; ખરાબ નથી. એ તમામને તૈયાર કરનાર જો શ્રેષ્ઠ હોય તો તેનું ઘડતર શ્રેષ્ઠ થાય.” ટૂંકમાં જે રીતના ઘડનાર મળે તે મુજબ ઘડતર પામનારનું નિર્માણ થાય અને જેવું નિર્માણ થાય તેવી જ રીતે વસ્તુની મૂલ્યતા અંકાય છે.
આ દૃષ્ટાંત દ્વારા એ વાત ફલિત થાય છે કે, “જીવનમાં ઘડનારનું મહત્ત્વ વિશેષાધિક છે. ઘડનાર જેવા મળે છે તે રીતનું ઘડતર કરે છે. અને જે રીતે ઘડતર થયું હોય તે જ રીતે તેનું મૂલ્ય ઊપજે છે.” ઊપરોક્ત દૃષ્ટાંતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વ્યક્તિ જેવા ઘડનાર મળે તો જીવન સાવ સામાન્ય બની રહે છે. પણ ચોથી વ્યક્તિ જેવા ઘડનાર વિશેષ પદ્ધતિથી તેમજ ચોકસાઈથી અદ્ભુત ઘડતર કરે છે ત્યારે જીવન સામાન્યમાંથી શ્રેષ્ઠ બને છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે, ઘડનાર શ્રેષ્ઠ હોવો જોઈએ તો તે પણ આપણને એમના જેવા શ્રેષ્ઠ બનાવે. આમ, વસ્તુ, વ્યક્તિ તેમજ સ્થળ કોઈ ન્યૂન નથી પણ જેને જેવા ઘડનાર મળે છે તેવું તેનું ઘડતર થાય છે. તેથી જ મોટા સંતોએ કહ્યું છે,
“ખાદી મલમલ બાસ્તા, તીનોં કા કુલ એક;
જિનકો જૈસે ગુરુ મિલે, ઉનકા ઐસા પોત.”
ઘડતર એટલે કેવળ સામાન્ય પુસ્તકિયું જ્ઞાન નહિ, પણ ઘડતર એટલે સર્વાંગસંપૂર્ણ થવાનું જ્ઞાન. પરંતુ જીવનમાં ઘડતર કરવા માટે કયો સમય શ્રેષ્ય ગણે છે ? બાળપણ ? યૌવન ? કે વૃદ્ધત્વ ?
યૌવન !
ઘડતર કરવા માટે શ્રેષ્ઠ સમય એટલે જ યૌવન. ઘડતર માટે યૌવન અવસ્થા કેમ જરૂરી છે ? શું બાળપણ કે વૃદ્ધત્વમાં યોગ્ય ઘડતર ન થઈ શકે ? ત્યારે આ પ્રશ્નોના ઉત્તર કરતા ભારતીય સંસ્કૃતિના તત્ત્વચિંતકો કહે છે, “યુવાવસ્થા એ મહાત્ત્વાકાંક્ષાથી ભરેલી હોય છે.” મહત્વાકાંક્ષા એટલે ઉન્નત અને શ્રેષ્ઠ વિચારો. આ જ અવસ્થામાં પોતાના ઉચ્ચ ધ્યેયને સિદ્ધ કરવાની અદમ્ય ઝંખના હોય છે. જ્યારે બાળપણ ઘડતર માટે હજુ સશક્ત અવસ્થા ન ગણાય. અને વૃદ્ધાવસ્થા પણ ઘડતર માટે શક્તિવિહીન અવસ્થા ગણાય. આ બંને અવસ્થામાંથી બાળપણમાં ઉત્સાહ, અદમ્ય ઝંખના અને મહાત્વાકાંક્ષાનો આવિર્ભાવ ન થયો હોય જ્યારે વૃદ્ધાવસ્થામાં તેનાં ઘોડાપૂર સમી ગયાં હોય છે. આમ, ભૂખ, થાક અને ઊંઘની પરવા કર્યા વગર સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે નિરંતર ઝઝૂમ્યા કરવાની અવસ્થા એટલે યુવાવસ્થા. જેથી ઘડતર માટે યૌવન સર્વશ્રેષ્ઠ અવસ્થા છે.
જીવનમાં સૌથી વધુ શ્રેષ્ઠ તેમજ ઊર્જાવંત તબક્કો એટલે યૌવન.
યૌવન એટલે તરવરાટ.
યૌવન એટલે ધ્યેયપ્રાપ્તિની ઝંખના.
યૌવન એટલે કંઈક કરી બતાવવાનું જોમ.
યૌવન એટલે સફળતાનાં શિખર સર કરવાની શક્તિ.
આમ, યૌવનમા બધું જ કંઈક વિશેષ હોય છે. યૌવનની એ આભ આંબવાની તરવરતી ઝંખનાનો પરિચય કરાવતાં કેટકેટલાં દૃષ્ટાંતો ઇતિહાસના ભવ્ય બાગમાં મહેકી રહ્યાં છે, તેનું આચમન કરીએ.
16મા વર્ષે આઇન્સ્ટાઈને વિશ્વને ‘સાપેક્ષવાદ’ નો સિદ્ધાંત આપ્યો હતો તો 21 વર્ષના માર્ટિન લ્યૂથર કિંગે ક્રાંતિ આણી સમાજમાં એક મોટી હિલચાલ શરૂ કરી હતી. શાળામાંથી કાઢી મૂકેલ 20 વર્ષના બિલ ગેટ્સે પ્રથમ સોફ્ટવેર ‘Ms-Dos’ની દુનિયાને ભેટ આપી હતી. આવાં અનેકવિધ દૃષ્ટાંતો આપણને યૌવનની નવીનતમ અન્વેષણશક્તિનો પરિચય આપવા પૂરતાં છે. તો વળી, ગઢડાના દાદાખાચર, બંધિયાના ડોસાભાઈ તથા બોટાદના શિવલાલ શેઠ જેવા શ્રીજીમહારાજના અનન્ય અનુયાયીઓ યુવાવસ્થામાં આધ્યાત્મિક્તાની દુનિયામાં અદ્વિતીય ઊંચાઈને પામ્યા હતા. પરંતુ આ અવસ્થાની સૌથી મહા વિકટ સમસ્યા એ છે કે, જેમની પાસે અનંત શક્તિઓની મહાપુંજ સમી યુવાવસ્થા છે એવા નવયુવાનોને આ વાત સમજાતી નથી. એટલે તેઓ આ અવસ્થામાં ઘડતરને બદલે બીજા કેટલાય ફેલફિતૂરમાં પોતાની સુવર્ણ સમાન યુવાવસ્થાનો સમય વેડફી નાખે છે, યૌવનની અમૂલ્ય તક ગુમાવી બેસે છે.
ત્યારે આ જ અવસ્થામાં સર્વાંગી ઘડતર કરનારા સાચા ઘડવૈયા કહેતાં સાચા ગુરુ મળી જાય તો, યૌવનને સતત જાગૃત રાખીને તેઓ આપણી અવસ્થાને સાર્થક કરી આપે. પણ ઘડતર કરનાર આવા સાચા ગુરુ ન મળતાં યૌવન કેવી અવળી દિશામાં વહન કરે છે તેની સાખ આપતાં ઘણાં દૃષ્ટાંતો યૌવન માટે દિશાદીપક સમા બની રહે છે.
ભૌતિક જગતમાં આકાશને આંબનારી સફળતાના વાહક એવા ટાઇગર વુડ્સ ‘ગોલ્ફ’ની રમતમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર યુવાન ખેલાડી હતા. તેઓ રમત-ગમતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 21 વર્ષની યુવાવસ્થાએ અબજો રુપિયાની વાર્ષિક આવક કમાતા થઈ ગયા. વળી, તેઓ સીમાચિહન વિશ્વવિક્રમ સર્જીને સૌના લોકપ્રિય બની ગયેલા. પણ આ યુવાનના જીવનમાં એક સાચા ગુરુ કહેતાં ઘડવૈયાના અભાવે તે પતનની મહાખાઈમાં ફેંકાઈ ગયા. આજે તે ઇતિહાસનાં ઝળહળતાં પૃષ્ઠોને બદલે અંધકારનાં પૃષ્ઠો પર પણ ન રહ્યા. આવું થવા પાછળનું કારણ એ છે કે, એમના જીવનને દિશા આપનાર કોઈ ભોમિયો કે દિશાદીપક સમા સાચા ગુરુ ન મળ્યા.
આમ, યૌવન એટલે અણુશક્તિ સમી સર્જનાત્મક અવસ્થા. પણ આ અવસ્થાને દિશા આપનાર કોઈ ન મળે તો તેવા સમયે તે વિનાશાત્મક અવસ્થા બને છે. ત્યારે યૌવનના ઘડતરના અભિગમને પરિપૂર્ણ કરવા બસ માત્ર જરુર છે એક સાચા ગુરુની.
સાચા ગુરુ એ યૌવનને તારનાર, યૌવનના સાચા મર્મી હોય છે. તે યૌવનની શક્તિઓને આકાર દઈ સર્વ રીતે સર્વોચ્ચ પદ પ્રદાન કરે છે. સાચા ગુરુ જ યૌવનમાં નૈતિકતા, સદાચાર અને અધ્યાત્મનો વારસો આપી શકે; જે કથીરને પણ કુંદન સમાન કરી શકે. ત્યારે અસાધારણ વડવાનળ શક્તિના દ્યોતક સમા એક સાચા ગુરુ દિશાવિહીન યુવાનને કેવી દિશા બક્ષી શકે તેવી ગાથામાંથી આપણા સ્વજીવનને સૌરભમય કરવા પ્રેરણા પામીએ...
લિલાખાના ગામધણી મુંજા સુરુ. તેઓની મોજ મસ્તી સભર યુવાની. તેમનાં રાજ ને પ્રતાપ પોતાની જાગીરનાં ચારેય ગામોમાં તપતાં હતાં. તેઓ અતિ ડાખરા, કરડા અને શક્તિવંતા બળિયા પુરુષ હતા.
તેઓના પિતા મોકાજી સુરુનું અવસાન થયું હતું. તેમજ તેમના નાનાભાઈ વજા સુરુ ગીર પંથકમાં આવેલી પોતાની જાગીરના ગામ સખપુરમાં રહેતા. આથી તેઓને સર્વ સત્તા મળી ગઈ હતી. આખો દિન ભાઈબંધ હારે અફીણના કહુંબા-કાવાના ડાયરામાં રહેતા. તો વળી, યૌવનના ઊછળતા રક્તરંગે જંગલનાં પશુ-પક્ષીઓના તેમજ માણહના પણ શિકાર ખેલવાના ભારે શોખીન બન્યા હતા. પોતાની જાગીરનાં ગામોમાં ભરવાડોની ઝોકમાં ઓચિંતી ધાડ પાડતા. પછી સારાં-સારાં ઘેટાં-બકરાં બળજબરીથી લઈ જતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના કટ્ટર વિરોધી. ગામમાં સંતો પધારે તો પોતાના નોકર-ચાકરો દ્વારા ખૂબ માર મરાવતા અને ગામ બહાર કાઢી મૂકતા. આવા કુસંગથી ભરેલા અને હિંસક વૃત્તિ-પ્રવૃત્તિમાં ખદબદતા મુંજા સુરુ યુવાવસ્થાનો અવળો ખપ કરતા.
એક સમયે શ્રીજીમહારાજના અતિ રાજીપાના પાત્ર એવા સદ્. ગુણાતીતાનંદ સ્વામીની દૃષ્ટિમાં તેઓ આવી ગયા. સ્વામીશ્રીના યોગથી તેઓને કરેલાં કાર્યો બદલ ખૂબ પસ્તાવો થયો ને પછીથી તેઓ સ્વામીના સંગમાં રહેવા માંડ્યા. સ્વામીશ્રીના યોગે તેઓનું જીવન દિન-પ્રતિદિન ભગવદી બનતું ગયું. સં. 1907થી સં. 1923 સુધી એમ સળંગ સોળ વર્ષ તેઓએ સ્વામીશ્રીનો સમાગમ કર્યો. સ્વામીશ્રીની આજ્ઞાઓનું-રુચિઓનું પાલન તેઓએ નિરંતર કર્યું.
એક સમયે કાચા ચીભડાની જેમ માણહોને કાપી નાખનાર આ મુંજા સુરુ સ્વામીશ્રીના સંગે કીડી જેવા ક્ષુદ્ર જીવ પણ પગે કચરાઈ જતાં અતિ દુખિયા થઈ જતા. આમ, સાચા ગુરુના સંગે તેઓનું અમાનુષી જીવન અધ્યાત્મ જગતની અંતિમ અને શ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરી સર્વોત્તમ બન્યું.
યૌવનકાળમાં દિવ્ય સુકાન મળતાં એનો ઘાટ કંઈક અનેરો અને અદકેરો હોય છે. સાચા ગુરુ સાથેનો શિષ્યનો નાતો કંઈક આગવી ભૂમિકા પ્રદાન કરતો હોય છે. આવો ગુરુ અને શિષ્યનો સંબંધ ઇતિહાસનાં પૃષ્ઠો પર કંઈક વિશિષ્ટ સ્થાન પામ્યો છે. આમ, ગુરુનો શિષ્ય સાથેનો સંબંધ અવર્ણનીય હોય છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવા દિવ્ય સત્પુરુષે આજના ભૌતિક આક્રમણની વચ્ચે હજારો યુવાનોના જીવનમાં આધ્યાત્મિક વસંત ખીલવી છે. એમની છત્રછાયામાં દેશ-વિદેશમાં હજારો યુવાનો સેવા અને સત્સંગ માટે યાહોમ કરવા સદૈવ થનગનતા હોય છે. એની પાછળ એક અગ્રેસરનું રહસ્ય એ છે, એ દિવ્યપુરુષે હજારો યુવાનોને એક જનનીની જેમ, એક પિતાની જેમ, એક સખાની જેમ ચાહ્યા છે. એમણે યુવાનોને સ્નેહના તાંતણાથી આધ્યાત્મિક ગળથૂથીનું આકંઠ પાન કરાવ્યું છે.
એ દિવ્યપુરૂષના વચને યુવાનોએ રંગરાગ ફગાવી દીધા છે, આ લોકની વાંછના ત્યજી દીધી છે. ભૌતિક સુખની મેડીઓને છોડી દીધી છે. એમની કૃપાભરી, નેહભરી એક દૃષ્ટિથી યુવાનો અધ્યાત્મમાર્ગના સોપાનો ચઢવા જીવન સમર્પિત કરે છે. એક એક યુવાનને આગવી રીતે મળીને એ દિવ્યપુરૂષે તેઓને ચારિત્ર્યશીલ, ધર્મનિષ્ઠ અને અધ્યાત્મસભર બનાવ્યા છે. તેની એક ઐતિહાસિક ગાથા છે. અહીં એવા એકાદ પ્રસંગની સ્મૃતિ કરવી વધુ પ્રસતુત ગણાશે.
અમદાવાદમાં એક યુવક સત્સંગમાં હોવા છતાંય વ્યસન અને વિજાતિ પાત્રોના કુસંગમાં લેવાઈ ગયેલ. દિન-પ્રતિદિન તેની આ રીત વધતી ગઈ. એવામાં એક દિન આ યુવકના વિસ્તારમાં પ.પૂ. બાપજી પધરામણી કરવા પધાર્યા. ત્યારે પેલો યુવક ત્યાં હાજર હતો. પ.પૂ. બાપજી તેને જોઈ, અંતર્યામીપણે બોલ્યા,
“ભાઈ ! અમે જાણીએ છીએ કે તને કુસંગનો રંગ લાગ્યો છે. તું વ્યસનના અને વિજાતિ પાત્રોના રવાડે ચડ્યો છે ને !” પેલો યુવક નિષ્કપટભાવે બે હાથ જોડી બોલ્યો, “હા, દયાળુ,” “તો પછી હવે તું શું કરીશ ?” “બાપા ! આજથી આ બધું છોડ્યું.” યુવક આટલું બોલ્યો ત્યાં પ.પૂ. બાપજીએ તેને પાસે બોલાવી આશીર્વાદ આપી કહ્યું, “તું અમારો છે, માટે અમારે તને સાચવવો તો પડે જ. પણ હવે આ તારા જીવનની પહેલી ને છેલ્લી ભૂલ. મહારાજ અને અમને રાજી રાખવા હોય તો આ ભૂલ ફરીથી ક્યારેય ન થવી જોઈએ.” “હા, બાપા. આપ જેમ કહેશો તેમ જ કરીશ. મારે આપને રાજી કરવા છે.” યુવાન ભીની આંખે ને ગળગળા કંઠે આ વાક્ય બોલી રહ્યો. એક સુહૃદની જેમ પ.પૂ. બાપજીએ એ યુવાનને રાજીપામાં રહેવાનો નવીનતમ પાઠ શીખવી દીધો.
ગુરૂવર્ય પ.પૂ. બાપજીએ આવા તો અનેક યુવાનોને ચારિત્ર્ય અને સદાચારના મહામાર્ગે વાળ્યા છે. યુવાનો જે અમૂલ્ય શક્તિનો વ્યઘ કરી રહ્યા હતા, એ શક્તિને તેઓએ રચનાત્મક દિશા આપી દીધી છે. આવા અનેક યુવાનોને ગુરૂવર્ય પ.પૂ. બાપજીની દિવ્ય નિશ્રામાં કંઈક નિરાળી અનુભૂતિ ગદ્ગદિત કરી જાય છે; એમને મહાઆનંદથી ભરી દે છે. ત્યારે આવા દિવ્ય સત્પુરૂષની પ્રાપ્તિ હજુ જેને નથી થઈ તેઓ આ દિવ્યપુરૂષને ઓળખે. એમને પોતાનું યૌવન સોંપીને, તેમનામાં દૃઢ પ્રીતિ કરીને, મન, કર્મ, વચને તેમનો સંગ કરીને, એક શાશ્વત સુખ સમા મૂર્તિસુખના અત્યુત્તમ પદના અધિકારી બની શકે એ જ અભ્યર્થના.