યૌવન : ગુરુ-શિષ્યનો આદ્યાંત સંબંધ - 2
September 12, 2015
આવો ગુરુ-શિષ્યનો સંબંધ ઇતિહાસનાં પૃષ્ઠો પર આદ્યંત સંબંધ તરીકે વર્ણવાયો છે. આ સંબંધ લૌકિક નથી; પણ અલૌકિક છે. શિષ્યની પ્રગતિનો આધાર તેના ગુરુ ઉપર રહેલો છે. ગુરુની ફરજ છે કે પોતાના શિષ્યને સફળતાનાં શિખરો ઉપર પહોંચાડવો અને શિષ્યની ફરજ છે તેના ગુરુની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહેવું.
ગુરુનો શિષ્ય સાથેનો સંબંધ નિઃસ્વાર્થી છે, પરોપકારી અને પરહિતકારી છે. ગુરુને શિષ્યના જીવનને ઘડવામાં કોઈ લૌકિક અપેક્ષા હોતી નથી. એમની અપેક્ષા કેવળ એક જ હોય છે : “મારો શિષ્ય મારાથી પણ સવાયો બને, સંનિષ્ઠ તેમજ શ્રેષ્ઠ બને.” એટલે તો પ.પૂ. સ્વામીશ્રી કાયમ કહે છે કે, “અમારે તમને બધાને અમારાથી સવાયા કરવા છે.” આવા ધ્યેયવાળા ગુરુ, શિષ્યના જીવનમાં ઉચ્ચ કેળવણીને પ્રેરે છે ત્યારે ગુરુની મહત્તા દર્શાવતા ભગવાન સ્વામિનારાયણે ‘શ્રીહરિચરિત્રામૃતસાગર’ ગ્રંથમાં જણાવ્યું છે, “જેને સાચા ગુરુ ન મળે તેનો મનુષ્યજન્મ એળે જાય છે.”
યૌવન અવસ્થાને સમૃદ્ધ બનાવનાર સાચા ગુરુને કેવી રીતે ઓળખી શકાય ? તેમનાં શાં લક્ષણો હોય છે ? ત્યારે આવા પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ એક પદમાં, આપણે જીવનમાં કેવા કેવા ગુરુ કરીએ છીએ તેમજ આ બધામાંથી સાચા ગુરુ કોને કહેવાય તેની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી છે, તેને સમજીએ.
“ગુરુ ગુરુ કહત હૈ સકલ સંસારા, ઐસે જગ ભરમાયા હૈ;
ગુરુ જગત મેં બહુત કહાયે, તાકા ભેદ ન પાયા હૈ.”
આખો સંસાર ‘ગુરુ... ગુરુ...’ કરે છે પણ સાચા ગુરુ કોને કહેવાય તેનો ખ્યાલ નથી. સંસાર તો એક ખોટી ભ્રમણામાં રાચે છે. સંસારમાં ગુરુ વિવિધ પ્રકારના કહેવાયા છે. પણ તેનો ભેદ કોઈને સમજાણો નથી. જ્યાં સુઘી ભેદ ન સમજાય ત્યાં સુધી સાચા ગુરુ કોને કહેવાય તેનો ખ્યાલ આવતો નથી. આ વાતની વધુ સ્પષ્ટતા સદ્. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનની આગળની કણિકાઓમાં કરી છે.
“માતાપિતા પ્રથમ ગુરુ જાનો, દૂજા દાઈ કહાયા હૈ;
તીજા ગુરુ તાહી કું જાનો, જિનને નામ ધરાયા હૈ.”
સંસારનું મુખ્ય પ્રવેશદ્વાર માતાપિતા। છે માતાપિતા થકી આ સંસારમાં સૌ કોઈને આવવાનું થાય છે. તેમજ માતાપિતા જ બાળકને પ્રારંભિક જીવનવ્યવહારના પાઠ શીખવે છે. આથી સંસાર માતાપિતાને પ્રથમ ગુરુ તરીકે સ્વીકારે છે.
બાળક પર માતાપિતાનું વિશેષ ઋણ હોય છે. આથી આ ઋણને લઈ શાસ્ત્રોમાં માતાપિતાનો અપાર મહિમા વર્ણવવામાં આવ્યો છે : “માતાપિતા જગતમાં પ્રથમ પૂજ્ય દેવતા સમાન ગુરુ છે. માતાપિતાના ચરણમાં જ સંસારની સર્વે સમૃદ્ધ રહી છે, માતાપિતાના ચરણમાં સંસારનાં સર્વે સુખો નિવાસ કરી રહે છે. આમ, માતાપિતા જ આપણા જીવનના સૂત્રધાર, આધાર અને પથદર્શક છે.” માતાપિતાની આટલી બધી મહત્તાને લઈ પ્રત્યેક સંસારી દ્વારા માતાપિતાને ગુરુનું ઉચ્ચત્તમ પદ આપવામાં આવ્યું છે.
વળી, માતાપિતાની રીતભાત જ સૌ કોઈ માટે જીવન જીવવાની ભૂમિકા પૂરી પાડે છે. જગતમાં સૌ કોઈ જીવનના પ્રાથમિક પાઠ માતાપિતાના રોજિંદા વ્યવહાર પરથી શીખે છે; ત્યારબાદ તે રીતે વર્તતા પણ શીખે છે. આમ, જગતમાં માતાપિતાની ભૂમિકા સૌ કોઈ માટે પ્રારંભિક તબક્કે હિતકારી હોવાથી જગતમાં તેમને ગુરુનું સર્વોચ્ચ પદ મળ્યું છે.
માતાપિતા સંસારનું મુખદ્વાર છે ત્યારે તે દ્વારને ખોલવાની એક લૌકિક સેવા માટે દાઈ વર્ગની જરુર પડે છે. દાઈ કુશળ હોય તો બાળક નિર્વિઘ્ને સંસારમાં જન્મી શકે છે. આવી માન્યતાને લીધે બાળકને જન્મ કરાવનાર દાઈને સંસાર બીજા ગુરુ કહે છે.
નામકરણ સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. સંસારમાં આ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. પૂર્વે ઇતિહાસમાં નામકરણ કુળના ગુરુ કરતા હતા. આથી, નામકરણ કરનારને પણ સંસાર સર્વોચ્ચ ગુરુનું પદ પ્રદાન કરે છે.
શાસ્ત્રોમાં કહ્યા મુજબ આ સંસારનું સમગ્ર તંત્ર ચલાવનાર ભગવાન છે. ને ભગવાનની મરજીથી સૌ કોઈ આ સંસારમાં આવે છે. ત્યારે તેના જીવનની રીતભાત પરથી ભગવાનનું ભજન કરતી પૂજ્ય વ્યક્તિ દ્વારા તેનું નામકરણ કરવામાં આવતું. નામકરણ કરનાર કોઈ સામાન્ય ન હોય; તેઓ શ્રેષ્ઠ હોય-એવી માનીનતા સંસારમાં બહુધા વ્યાપેલી જોવા મળે છે. તો બીજી માનીનતા એવી છે કે જગતમાં બાળકના આવ્યા બાદ કુટુંબની સંબંધિત વ્યવહારિક રીતે ઉત્કૃષ્ટ વ્યક્તિ થકી તેને નામ આપી એક ઓળખ પ્રદાન કરવામાં આવે છે. આ ઓળખ એને સમાજનું એક અંગ બનાવે છે. તેથી તેમના વિશે પણ ગુરુ જેવો પૂજ્યભાવ કેળવવામાં આવે છે. આમ, નામકરણ કરવાનો સંસ્કાર પણ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ આગવો ને વિશેષ છે. તેથી આ વિધિને પાર પાડનાર વ્યક્તિને ત્રીજા ગુરુ તરીકે ઓળખવામાં આવે છે.
“ચોથા ગુરુ જેહી વિદ્યા દીના, અક્ષરજ્ઞાન શિખાયા હૈ;
માલા દિયા જો ગુરુ પાંચમાં, જેહી હરિનામ બતાયા હૈ.”
સંસારમાં રહેલ પ્રત્યેક વ્યક્તિને પોતાના વ્યવહારિક જીવનનો એક ધ્યેય હોય છે. આ ધ્યેય પાર પાડવા એને જે-તે વિષયમાં નિપુણ થવું પડે. અને એનામાં નિપુણતા અભ્યાસ દ્વારા કહેતાં અક્ષરજ્ઞાન દ્વારા આવતી હોય છે. અક્ષરજ્ઞાન મેળવવા, પૂર્વે ગુરુકુળ-આશ્રમશાળા અને વર્તમાને શાળા, કોલેજ અને અન્ય તાલીમી શાળાઓમાં જવું પડે છે. આમ, વિદ્યાલયોમાં એને વિવિધ વિષયોમાં નિષ્ણાત થવાનું માર્ગદર્શન આપવામાં આવે છે. અહીં માર્ગદર્શન આપનારને પણ સંસાર વિદ્યાગુરુ તરીકે ઓળખાવે વિદ્યાગુરુ પોતાના શિષ્યને જે-તે ક્ષેત્રોમાં નિષ્ણાત બનાવે છે. વિદ્યાગુરુ પાયાના અક્ષરજ્ઞાનથી લઈ, તે વિષયના વિશાળ ક્ષેત્રમાં તેને પ્રવેશ કરાવવાનું પુસ્તકિયું જ્ઞાન આપે છે.
વિદ્યાગુરુ શાળાના વાર્ષિક અભ્યાસક્રમના આધારે ધોરણે ધોરણે બદલાતા રહેતા હોય છે. માટે સંસારમાં વિદ્યાગુરુનો તોટો નથી. આવા ગુરુ અપાર હોય છે. તેઓ માત્ર વિદ્યાભ્યાસને મહત્વ આપે છે. એટલે એમના દ્વારા આપેલ જ્ઞાન કેવળ વાચ્યાર્થ હોય છે. છતાંય આ પદવીને શાસ્ત્રોએ વિશેષ વખાણી છે. આથી સદ્. બ્રહ્માનંદ સ્વામી ચોથા ગુરુ તરીકે વિદ્યાગુરુને ગણાવે છે.
આ સંસાર ભવસાગર સમાન છે. એને તરવા માટે હરિનું નામ જ મુખ્ય સાધન છે. હરિને ભજી એમની મૂર્તિનું અત્યુત્તમ સુખ પામી દુઃખ સમા સંસારમાંથી છૂટવું જોઈએ. એવી રીતે હરિભજનની લગની લગાડનારને સ્વામીશ્રી પાંચમા ગુરુ તરીકે ગણાવે છે. આ ગુરુ પણ કેવળ હિરનામ જણાવવા પૂરતા હોય છે. આ ગુરુને ભજન કરતા આવડે છે. માટે આવા ગુરુને સંસાર ભજનિક ગુરુ કહે છે. એમના માટે ભગવાનને ભજવા માટે માળા (સાધન) એ જ એમની ભક્તિ હોય છે. આથી પર તેઓ બીજું કાંઈ જાણતા હોતા નથી. એમને કેવળ ભજન ગમે છે. વળી, એમની ભક્તિમાં સાધનનો કેવળ ભાર હોય છે.
આ પ્રકારના ગુરુઓને ભગવાનની શુદ્ધ ઉપાસના, ભગવાનનું દિવ્ય સ્વરુપ તથા ભક્ત તરીકે પોતાના સ્વરુપનો ખ્યાલ હોતો નથી. તેઓ આ બધી ભગવાન સંબંધી વાતોથી અજાણ હોય છે. છતાંય સંસારમાં હરિ નામના ભજનને લીધે તેમની ખૂબ જ બોલબાલા હોય છે. વળી, આ પ્રકારના ગુરુઓ સંસારમાં અસંખ્ય જોવા મળે છે. પણ આ ગુરુ આપણને ભવસાગર પાર ન કરાવી શકે. ત્યારે વિચાર આવે : કેવા ગુરુ આપણને ભગવાનની સર્વોપરી ઉપાસના કરાવે ? કેવા ગુરુ આપણને ભગવાનનું અને પોતાનું સ્વરુપ ઓળખાવી શકે ? આ બધા જ પ્રશ્નનો ઉત્તર સ્વામીશ્રીએ હવે પછીની પંક્તિમાં આપ્યો છે.
“છઠ્ઠા ગુરુ સો સંત કહાવે, જિન સબ ભરમ મિટાયા હૈ.”
“સંસાર અસાર છે, ક્ષણભંગુર છે, નાશવંત છે, ક્ષણિક છે.”
આવા અધ્યાત્મના ઉચ્ચતમ પાઠ ભણાવી જે બધા જ પ્રકારના ભ્રમ ટળાવે તેને સાચા ગુરુ કહેવાય. આ કાર્ય કેવળ શ્રીહરિની મૂર્તિમાં રમમાણ (ઓતપ્રોત) રહેનાર સંત અર્થાત્ સત્પુરુષ જ કરી શકે. ટૂંકમાં ભગવાનની મૂર્તિમાં સંતાયેલા હોય તેને સંત કહેવાય. આવા સંત ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સ્વરુપની તેમજ પોતાના સ્વરુપની સાચી ઓળખ કરાવી જીવાત્માને પ્રભુની કોરે અગ્રસર કરે છે. સંસારરુપી ભવજળથી પાર ઊતરવા આવા ગુરુની જરુરુ પડે છે. સંસારમાં જે-તે ક્ષણે જે-તે ક્ષેત્રમાં નિપુણતા અપાવનાર ગુરુઓ ઘણા હોય છે. પણ જીવાત્માને અધ્યાત્મમાર્ગમાં નિપુણતા અપાવે તે જ સાચા આધ્યાત્મિક ગુરુ કહેવાય. સાચા ગુરુનો મહિમા વર્ણવતાં સદ્. બ્રહ્માનંદ સ્વામીએ એક પદમાં વર્ણવ્યું છે,
“ગુરુ દેવ મેરો ઘાટ દૂસરો બનાયો હૈ.”
સાચા ગુરુ જ શિષ્યના ઘાટને બદલી એને એક સર્વશ્રેષ્ઠ ઘાટ પ્રદાન કરી, અધ્યાત્મમાર્ગ તેમજ વ્યવહારિક માર્ગમાં અનોખું સ્થાન પ્રદાન કરે છે. સાચા ગુરુનો સંબંધ એ શિષ્યના જીવનમાં જ્યારથી મળ્યા હોય ત્યારથી લઈ અંત સુધીનો અનુપ સંબંધ છે અને એ જ ગુરુ અને શિષ્યનો આદ્યંત સંબંધ કહેવાય.
સાચા ગુરુનં સ્થાન શિષ્ય માટે ઘણી વાર આદર્શ માતા, પિતા, મિત્ર, નેતા અને નૈમિષારણ્ય સમાન હોય છે. મોટા સંતો કહેતા, સાચા ગુરુ માતાની જેમ શિષ્યને સ્નેહ આપતા. આંતરિક તેમજ બાહ્ય રીતે ઘણી વાર હિંમત હારી જનાર, નાસીપાસ થઈ જનાર, શિષ્યને આદર્શ માતાની હૂંફ આપી અને લાડ કરી તેને આંતરશત્રુઓની સામે ઝઝૂમતા કરે છે. ટૂંકમાં, ગુરુ શિષ્યને પુત્રની જેમ બેઠો કરે છે અને ધીરજ તથા શ્રદ્ધાના ગુણ શીખવે છે.
સાચા ગુરુ પિતાની જેમ શિષ્યનું સતત ધ્યાન રાખીને તેને આડાઅવળા માર્ગથી, કુસંગથી સાચવે છે ને શિષ્ય કદાચ આ માર્ગ પર ચડી ગયો હોય તો તેને રોકી-ટોકીને પાછો વાળી, નવી દિશા આપવા સહચર બને છે.
સાચા ગુરુ મિત્રની જેમ શિષ્યનાં સુખ-દુઃખમાં નિરંતર એની પડખે જ ઊભા રહે છે અને કંઈક ભૂલ કરતા હોઈએ તો દુઃખ લગાડીને પણ સવળા રાખે છે; ને જે-તે પરિસ્થિતિમાં શિષ્યને ટકી રહેવાનું બળ પૂરું પાડે છે.
સાચા ગુરુ નેતાની જેમ પોતાના શિષ્યવર્ગને સાચી-સારી દિશા ને પ્રવૃત્તિમાં જોડેલા રાખે છે. તેમજ નિરંતર એક ‘આદર્શ’ તરીકે શિષ્યને પ્રોત્સાહિત કર્યા કરે છે.
સાચા ગુરુ નૈમિષારણ્ય તીર્થોની જેમ શિષ્યને આંતરજગતના દોષોથી સદાય બચાવે છે. શિષ્ય જ્યારે ભગવાનના ભજનમાં જોડાય ત્યારે નડતરરુપ બનતી ઇન્દ્રિય-અંતઃકરણ અને મનની ધારાઓને તીર્થની જેમ ગુરુ કુંઠિત કરે છે. આમ, ગુરુ-શિષ્યના આવા આદ્યંત સંબંધની મહત્તા વર્ણવતો પંજાબી ભાષાનો એક દુહો અત્રે પ્રસ્તુત બની રહે છે.
અર્થાત્ ‘સો ચંદ્ર અને હજાર સૂર્ય ઊગે તેટલો પ્રકાશ થાય તોપણ સાચા ગુરુ વિના શિષ્ય માટે તે ઘોર અંધકાર સમાન છે.’
યુવાવસ્થામાં આવા આધ્યાત્મિક ગુરુની પ્રાપ્તિથી અધોગતિનાં દ્વાર પાછા વળી શકાય છે અને ઊર્ધ્વગતિના રાહી બની શકાય છે. આવા ગુરુ જ યુવાધનને આમૂલ પરિવર્તનની કેડી ચીંધે છે; શિષ્યને સતત ઘડતરની દિશા તરફ લઈ જાય છે. ત્યારે અતિ આનંદ સાથે એ વાત જણાવવાની ઇચ્છા થાય છે કે, આજે આવા હજારો યુવાનોને જીવનની સાચી દિશા આપીને સંનિષ્ઠ યુવાનોની શૃંખલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ રચી છે.