યૌવન : જીવનનો એક ઉત્સાહ
August 28, 2015
યૌવનકાળમાં દિવ્ય સુકાન મળતાં એનો ઘાટ કંઈક અનેરો ને અલૌકિક હોય છે. પણ જ્યારે જગતમાં જેને આવું પ્રત્યક્ષ સુકાન ન મળ્યું હોય તેણે ધ્યેય, શ્રદ્ધા ને આત્મવિશ્વાસરૂપી હકારાત્મક વિચારો પણ તેને ઘાટ આપે છે. આવાં ઘણાં પાત્રો જગતના અતીત ગ્રંથમાં અકબંધ સચવાયાં છે જેની અલ્પ સરીખી જીવનનોંધ આપણા યૌવનને સાર્થક કરવા પ્રેરણાનું ઝરણું બની રહે એમ છે... તો એ ઝરણાની આછેરી અનુભૂતિ એમાં હાથ ઝબોળીને કરીએ...
એક ગામડાગામનો સામાન્ય ખેડૂતનો દીકરો સાઈચિરો હોન્ડા. તે ભણવામાં ‘ઢ’ જેવો, પણ તેનું એક સ્વપ્ન : “મારે વિશ્વના મહાન મેકનિક બનવું છે.” આ સ્વપ્નને સાકાર કરવા તે 15 વર્ષની વયે એક કારખાનામાં જોડાયો. 21 વર્ષની ઉંમરે એક સ્વતંત્ર ધંધો કર્યો પણે તેમાં ભારે નિષ્ફળતા મળી. છતાં યૌવનકાળના થનગનાટમાં તે હિંમત ન હાર્યો. 30 વર્ષની ઉંમરે ફરી અભ્યાસ શરૂ કર્યો. ટેકનિકલ સ્કૂલમાં ભણી, જ્ઞાનના આધારે પિસ્ટન બનાવ્યું. પણ એવામાં દ્વિતીય વિશ્વયુદ્ધની કારમી અસર આવી. સમયની ઘણી ઝપાટોમાં લેવાતો હોવા છતાંય તેણે યૌવનની પાંખે નવતર પ્રયોગ ચાલુ રાખ્યા. ને એમાંથી સફળતા મળતાં તેણે સાઇકલમાં બેટરી લગાડી પ્રથમ મોટર સાઈકલ બનાવી. પછી એમાં પણ ધીરે ધીરે નવતર સુધારા કરતો રહ્યો. એના આ વણથંભ્યા પરિશ્રમે એને જગતને પ્રસિદ્ધ ‘હોન્ડા’ કંપનીની ભેટ આપી. યૌવનના કાંગરે પોતાના ધ્યેયને હાંસલ કરવા સાઈચિરોને ન નડતી કોઈ સમસ્યાઓ કે ન નડતાં કોઈ વિધ્નો. બસ એણે તો પોતાના ધ્યેય માટે યૌવનની સાહસરુપી કેડી ન છોડી. તે કદી હતાશ, નિરાશ કે ઉદાસ ન થતો. એને એક જ વિચાર રહેતો કે, “હું સાહસી યુવાન છું. મારે મારો ધ્યેય પૂર્ણ કરવાનો છે.” આ પ્રેરણાત્મક પાત્રો ધ્યેયરૂપી સકારાત્મક દિશાને લીધે, સુકાનને લીધે ભૌતિક જગતની ઊંચાઈ પ્રાપ્ત કરી સૌના પ્રેરક બની રહ્યા.
“ગમે તેટલી સારવાર કરીએ તોપણ હવે એ કદી ચાલી શકશે નહીં.” અકસ્માતમાં ડાબા પગની તમામ આંગળીઓ ગુમાવનાર યુ.એસ.એ. ના ‘ગ્લેન કનિંગહામ’ ને જોઈ ડૉક્ટર બોલ્યા. ત્યારે યૌવનના જોમે તે બોલ્યા, “હું બધાને એ અનુભવ કરાવીશ કે યુવાનીમાં બધું જ કરી શકાય. જુઓ, હું પણ કેવું દોડી શકું છું !” આવા આત્મવિશ્વાસ સાથે ગ્લેને ખૂબ જ પુરુષાર્થ કર્યો. કોઈ પણ કાર્ય દોડીને કરવાની આદત કેળવી. આના લીધે તે નાનપણથી જ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળા કક્ષાએ વિજયી બનવા લાગ્યા. પછી તો ઓલિમ્પિક જેવી સ્પર્ધામાં જોડાઈ વિશ્વપ્રસિદ્ધ દોડવીર તરીકે ઓળખાવા લાગ્યા. જિંદગીમાં કદી ન ચાલી શકનાર ગ્લેન કનિંગહામ રમત સાથે અભ્યાસમાં પણ મહેનતુ રહી યુનિવર્સિટીના ડાયરેક્ટર તરીકેના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. પછી સાત વર્ષ સુધી આર્મીમાં જોડાઈ દેશની સેવા કરી. અંતે એક ગામડામાં ખેતર લઈને 8000 જેટલાં અપંગ બાળકોની સેવા માટે આશ્રમ ખોલ્યો. જીવનમાં એક સમયે કશુંય કરવા સમર્થ નહિ એવા ગ્લેન, યૌવનમાં પોતાની જાત પર કેળવેલા વિશ્વાસને આધારે એક વિભૂતિ તરીકે જગવિખ્યાત બન્યા. યૌવનના સકારાત્મક ધ્યેયરૂપી ‘દોડી શકીશ’ એવી દિશાએ એમના જીવનને ઉત્સવ સમું બનાવી દીધું. આજે તે માત્ર અપંગો માટે જ નહિ, પરંતુ પોતાના સખત-સતત પરિશ્રમના આધારે જીવતા અનેક નખશિખ સાજા યુવાનો માટે પણ એક આદર્શ બની ગયા. આમ, જ્યાં નિરાશાને જાકારો છે, આશાઓને આવકાર છે, જ્યાં અંધકાર ને નિષ્ફળતાને સ્થાન નથી, જ્યાં સાહસનું સૌંદર્ય અને શૌર્યતાનો તરવરાટ છે તે ખરા અર્થમાં એ જ યૌવન છે ! એ જ યૌવન છે ! એ જ યૌવન છે !
યૌવન એટલે બેસુમાર શક્તિઓનો સ્ત્રોત. આ સ્ત્રોતને યોગ્ય દિશા ને દશા મળવી જોઈએ. જેમ સૂર્યનાં કિરણોને બિલોરી કાચના માધ્યમથી કોઈ પદાર્થ પર સ્થિર કરતાં તેમાંથી ઊપજતી ઊર્જાનો સહેજે ખ્યાલ આવે છે તેમ યૌવનને કોઈ ચોક્કસ હકારાત્મક માધ્યમથી દિશા પ્રદાન કરવામાં આવે તો તે વેરાન રણમાં પણ સૌરભ ભરેલું, આકર્ષક રંગ ધરાવતું અને સુંદર આકારયુક્ત પુષ્પ બની ખીલી શકે છે. પણ તેને દિશા ન મળતાં તે હર્યાભર્યા સ્થાનમાં હોવા છતાંય એક વિસ્ફોટક પદાર્થ રૂપે પ્રગટે છે. આવા પાત્રો પોતાના જીવનને અધોગતિની દુનિયામાં લઈ જાય છે ત્યારે તેઓને અને તેના પરિવારને ઘણું વેઠવું પડે છે. આવો ત્યારે, દિશાહીન યુવાન પાત્રને જોઈ તે દિશાએથી પાછા વળીએ...
એક ઉચ્ચ નામાંકિત કંપની. આ કંપનીના 30 વર્ષના યુવાન સી.ઈ.ઓ. પોતાની આવડત ને કુનેહને લીધે પ્રગતિના શિખરે સતત આગળ વધી રહ્યા હતા. એમની આવડત પર કંપનીના માલિક ખૂબ જ પ્રસન્ન રહેતા. પણ આ યુવાનને કંપનીના કામ અર્થે ઇન્ટરનેટ ફરજિયાત ઉપયોગમાં લેવું પડતું. જેના લીધે તેઓને મોટા ભાગનો સમય ઇન્ટરનેટની દુનિયામાં રહેવાનું થતું. કામ અર્થે ઘણો સમય નેટ પર રહેવાથી તે કંટાળી જતા અને માઈન્ડ ફ્રેશ કરવા નેટની વિવિધ મનોરંજન કરાવનારી સાઇટો જોતા. જેના લીધે તેઓને નિયમિતપણે બે-ત્રણ કલાક પોનોગ્રાફિક (બિભત્સ) વેબસાઈટો જોવાનો રંગ લાગી ગયો. પરિણામે એમના માનસ પર ‘પોનોગ્રાફિક એડિકશન ડિસઑર્ડર’ નામના રોગે વર્ચસ્વ જમાવી લીધું. ધીમે ધીમે તે યુવાન પર આ સ્થિતિ વિશેષ પ્રભાવિત થવા લાગી. તે પોતાના ચારિત્ર્ય માટે પોતાના જ સ્ટાફ આગળ નીચા પડી ગયા. વળી, પોતાની કંપનીના ધંધાકીય વ્યવહારોમાં પણ તે બેદરકારી દાખવવા લાગ્યા. એમના માનસ પર છવાયેલ ‘ડિસઓર્ડર’ ને લીધે માનસિક ભૂખ સંતોષવા તે નેટ પર વધુ સમય ગાળવા લાગ્યા. આ સ્થિતિમાં કંપનીને મોટા પાયે નુકસાન થવા લાગ્યું જે કંપનીના માલિકને ન ગમ્યું. આથી કંપનીના બોર્ડ ઓફ ચેરમેને તે યુવાનને સી.ઈ.ઓ. ના પદેથી પદચ્યુત કરવાનો આખરી નિર્ણય લીધો. પછી તે યુવાન જોતજોતામાં માત્ર છ માસની અંદર ડિસઓર્ડરને લીધે વધુ ભયાનક ને આક્રમક બની ગયો. અંતે તેણે પોતાના જીવનની સુખાકારીનાં દ્વાર બંધ કરી, પોતાના જીવનનો પોતાના હાથે જ અંત આણી દીધો.
આ પ્રસંગ આપણને યૌવનકાળ દરમ્યાન દિશાવિહીન યુવાનની વરવી (ગોબરી) ગાથા પોકારીને કહે છે. બસ, આજે વર્તમાનકાળે પણ આવા ઘણા યુવાનોની અધોગતિપૂર્ણ ગાથા સમાચારપત્રોની એક સમય માટેની મુખ્ય બાય લાઈન બની રહે છે. પછી તેને કોઈ સંભારતું પણ નથી. જીવનમાં ધ્યેય વિહોણા, દિશા વિનાના અને સુકાન સિવાયના યુવાનોની દશા કદાચ કોઈ એક સમયે ‘ટૉપ’ પર હોય પણ તે સમયાંતરે ‘બૉટમ’ ની દુનિયામાં રઝળતા થઈ જાય છે.
આજના યુવાનોમાં જોમ, જુસ્સો અને ઉત્સાહ કેમ દેખાતાં નથી ? આજનો યુવાન કેમ નિરાશ છે ? તે કેમ હતાશ છે ? કેમ તે અંધકારમાં છે ? અને અંતે સૌથી મહાપ્રશ્ન એ છે કે, આજના યુવાનો ક્યાં છે ? કેમ કોઈ દેખાતા નથી ? તે ક્યાં ગયા છે ? – આવા ઘણેરા પ્રશ્નો આપણને આજના યુવાધનની અવસ્થિતિનો ખ્યાલ આપે છે. આ બધા જ પ્રશ્નોનો એકમાત્ર ઉત્તર છે કે આજનો યુવાન વિષય, વ્યસન અને ફૅશનના રવાડે ચડ્યો છે. યુવાન આમાં જ ઓતપ્રોત થઈ રહ્યો છે માટે તે ત્રણેય બાબતમાં ક્યાંક ને ક્યાંક અટવાયેલો, ફસાયેલો છે.
આજના યુવાનો સ્માર્ટ મોબાઈલ ફોન, ઇન્ટરનેટ અને ટી.વી. જેવા પ્રચાર-પ્રસારના માધ્યમોના સંગે ચડી, પોતાની વિચારશક્તિ, કલ્પનાશક્તિ, બુદ્ધિ, સર્જનાત્મક્તા અને આઈ.ક્યૂ. ક્ષમતાને તહસનહસ કરી રહ્યા છે. ‘ઇન્ટરનેટ એડિક્શન ડિસઑર્ડર’, ‘સિરિયલ ડિપ્રેશન’, સ્ક્રિઝોફેનિયા, તણાવ, ઈર્ષ્યા, નૈરાશ્ય, ઉદ્વેગ, ચિંતા, અશાંતિ જેવા વિવિધ માનસિક રોગોમાં સબડી રહ્યા છે. આવા વિષયી પ્રચાર-પ્રસારનાં માધ્યમોથી વિશ્વના 53% લોકો સામાજિક, આર્થિક, માનસિક તેમજ શારીરિક રીતે પીડાઈ રહ્યા છે. પ્રતિ સેકન્ડે 28,258 લોકો વિષયી માધ્યમોને લીધે પોતાના જીવનને બરબાદ કરી રહ્યા છે. તેમજ આ માધ્યમોના ઉપયોગથી સમાજમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં દિન-પ્રતિદિન સરેરાશ 20% વધારો થઈ રહ્યો છે. ભારતના દિલ્હી, મુંબઈ અનો કોલકત્તા જેવાં શહેરો તેનાં સૂચક દૃષ્ટાંત છે.
તમાકુ, બીડી, સિગારેટ, ગુટકા, દારૂ અને અન્ય નશીલા પદાર્થનાં વ્યસનો આજના યૌવનને પાંગળું ને વામણું બનાવી રહ્યાં છે. ભારત જેવા દેશમાં દરરોજ 5500 ભારતીય યુવાનો ધુમ્રપાન કરવાની પહેલ કરે છે. ભારતમાં વ્યસનના માર્ગે લગભગ 57% યુવાધન સંપડાયેલું છે. આ વ્યસન આજના યુવા વર્ગને બદલે રોગોનો જોગ આપી ક્ષણે ક્ષણે હણી રહ્યું છે. વ્યસનને લઈ ગણી ન શકાય એવા વિવિધ રોગોની ભરમાર આજે આપણને તબીબી વિજ્ઞાન દ્વારા જાણવા મળી રહી છે. શારીરિક નુકસાનની સાથે સાથે આર્થિક ને સામાજિક નુકસાનની વાત તો જુદી જ છે. આ બધું વ્યસનના રાહે ચડવાથી થાય છે.
મોબાઇલ, બાઈક, સારાં કપડાં અને હેર સ્ટાઈલ તેમજ દેખાદેખી યુક્ત નવી ટ્રેડિશનરૂપી ફૅશન પણ આજના યુવાધનને દિશા વગરના તેમજ વિનાશના યજ્ઞમાં પોતાની આહુતિ રૂપે હોમવા માટે વિશેષ જવાબદાર છે. આજનો યુવા વર્ગ આકર્ષક, રૂપાળો, ચબરાક તથા આધુનિક દેખાવવા તેમજ અન્ય પર પોતાના બાહ્ય પ્રભાવને વધારવા ફૅશન અપનાવે છે. જેથી આજે ફૅશન સાથે યૌવનને ઘનિષ્ઠ સંબંધ બંધાઈ ગયો છે. તેથી ફૅશનનો વાયરો યૌવનમાં વિશેષપણે ઝિલાય છે. પણ ફૅશનપરસ્તી માહોલને લીધે આજના યુવાનો પોતાની કારકિર્દીને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ભારતનાં મોટાં મોટાં શહેરોમાં બદલાતી ફૅશન આજના સમાજ પર એટલી હદે પ્રભાવક સાબિત થઈ રહી છે કે જેના લીધે અસામાજિક પ્રવૃત્તિઓ વિશેષ વકરી રહી છે. ફૅશન અપનાવવા આજનો યુવાન કોઈ પણ નિમ્ન હદની ગુનાહિત પ્રવૃત્તિ કરતાં અચકાતો નથી. ફૅશનને લીધે સામાજિક તેમજ પારિવારિક ક્ષેત્રમાં પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. એક મનોવિજ્ઞાનિય સર્વે મુજબ જાણવા મળ્યું છે કે, “ભારત જેવા દેશમાં 60% લોકો ફૅશનને અપનાવવા અસામાજિક પ્રવૃત્તિઓનો સહારો-આશરો લે છે. ચોરી, ખૂન, આત્મહત્યા, બળાત્કાર, મારામારી અને વ્યસન જેવી ગુનાહિત પ્રવૃત્તિ ફૅશનની વાહિયાત ઊપજ છે. આમ, વિષય, વ્યસન અને ફૅશન આજના ક્લુષિત પરિવેશમાંથી નીપજેલી ટેન ક્લાસ પેદાશ છે. અને આ જ પેદાશ યુવાધનના મહાવિનાશનું અધમાધમ કારણ છે.”
યૌવન એક સુખની સવાર છે. યૌવન નવીનતમ અન્વેષણનો જનક છે. યૌવન એક રાષ્ટ્રનો ઘડવૈયો છે. યૌવન સ્વપ્નોને વાસ્તવિક ધરા પર લાવનાર દ્રષ્ટા છે. યૌવન અશક્યને શક્ય કરવાની ખુમારી છે. યૌવન જીવનનો પ્રખર મધ્યાહ્ન છે. યૌવન સમયની પાંખ પર અસવાર થનાર સારથિ છે. યૌવન નભને ધરા પર અને ધરાને નભ પર લઈ જનાર જુસ્સો છે. યૌવન અનુજ્ઞાને ઝીલનારા આદર્શનો અનુયાયી છે. યૌવન પોતાના સુકાનીનું મહાત્મ્ય સમજનાર સેવક છે. યૌવન પોતાના સુકાનને રાજી કરવા માટે યત્નશીલ રહેનાર ભાવિ જગશ્રેષ્ઠી છે. યૌવનનું આટલું બધું વિશેષાવિશેષ મહત્ત્વ હોવા છતાંય આજની પેઢી શા માટે આંખબંધા બની ફરી રહી છે ? શા માટે પોતાના યૌવનના શ્રેષ્ઠ કાળને નિર્ગમી રહી છે ? શા માટે દિશાવિહીન બની પોતાના ભાવિને વેડફી રહી છે ? આ બધા જ પ્રશ્નોનો સાવ સામાન્ય ઉત્તર એક જ છે અને તે છે- યૌવન પોતે.
આજનો યુવાન આંખ હોવા છતાંય અંધ, પોતાની પાસે જોમ ને જુસ્સો ભરપૂર હોવા છતાંય હતાશ તેમજ સકારાત્મક દિશા હોવા છતાંય દિશાવિહીન છે – આ બધાનું કારણ પોતે જ છે. આ વાતની પુષ્ટિ અંગે અનુભવી મનોવૈજ્ઞાનિકે એક તારણ આપતાં કહ્યું છે, “આજના યુવાનમાં મુખ્યત્વે ત્રણ બાબતોની અધિક ઊણપ જોવા મળે છે : (1) આદર્શ પથદર્શકની ઊણપ, (2) જીવનને આકાર આપવા માટેની ધ્યેય પરત્વે નબળી ઇચ્છાશક્તિ તેમજ (3) ‘પોતાના હિતમાં શું છે ?’ તે અંગેના સાર-અસારની ખામીયુક્ત વિવેક દૃષ્ટિ.” આ જ કારણોસર આજનું સોળવલ્લા સોના સમું યુવાધન જ્યાં-ત્યાં અને જેમ-તેમ હણાઈ રહ્યું છે.
યુવાન એટલે ઝગમગતો, ટમટમતો અને તગતગતો તેજસ્વી તારલો. આ તારલો પરિવારને, સમાજને, દેશને, વિશ્વને અને સત્સંગને સર્વે રીતે ઊજાળે એમ છે. પણ જ્યારે તે દિશા વિનાનો પાંગળો બને છે ત્યારે પરિવાર, સમાજ, દેશ, વિશ્વ ને સત્સંગનું પતન કરે છે. એને એમ જ લાગે છે કે આ કેવળ મારી અધોગતિ છે, મારો એકલાનો પરાજય છે, મારા એકલાની જ નિષ્ફળતા છે. ના, તે તેની ગેરસમજ છે. એને લઈ પરિવાર, સમાજ, દેશ, વિશ્વ ને સત્સંગ છે. એની અધોગતિ, એનો પરાજય અને એની નિષ્ફળતા એની એકલાની ન રહેતાં પરિવાર, સમાજ, દેશ, વિશ્વ ને સત્સંગની બને છે જે નરી વાસ્તવિક્તા છે. આ વાતનું પ્રમાણ આપણને ઇતિહાસમાં ઢબુરાયેલાં ઘણાં પાત્રો આપી રહ્યા છે.
આવા મહામૂલા ને તેજીલા તોખાર સમા યુવાધનને પતન અને અધોગતિના રસ્તેથી કોણ પાછું વાળી શકે ? એને કોણ સાચી દિશા આપી શકે ? શું તેના માતાપિતા ? ના. આજના યુવાધનને એ બચાવી શકે તેમ નથી. યુવાધનને બચાવવા યુવાને સ્વયં પહેલ કરવી પડશે. એણે પોતાની દશા અને અવદશાનું મૂલ્યાંકન કરવું પડશે. એણે જ પોતાની પ્રગતિ ને અગતિનો વિવેકપૂર્ણ વિચાર કરવો પડશે. એણે જ સ્વયં જાગવું પડશે. એણે જ પોતાની જાતને ઓળખવી પડશે. એણે જ પોતાનું જીવન ધ્યેયસભર રચવું પડશે. એણે જ પોતે પોતાના ગુરુ થવું પડશે. એણે જ પોતે પોતાના પર અંકુશ રાખવો પડશે. તો જ તે પોતાને, દેશને, વિશ્વને અને સત્સંગને બચાવી શકશે.
જો યુવાન પોતે પોતાનો ગુરુ ન થઈ શકતો હોય તો અધ્યાત્મના પ્રેરણામૂર્તિ એવા સત્પુરુષો ને સાચા સંતો યુવા જીવનને પરિવર્તનની કેડી ચીંધવા ગુરુ સમાન છે. માટે એવા સત્પુરુષના શરણે જઈ જીવનપરિવર્તનની સાચી પહેલ માંડવી જોઈએ. હર્ષ સાથે એ વાત જણાવવાની ઇચ્છા થાય છે કે આજે આવા હજારો યુવાનોને જીવનની માત્ર સાચી દિશા આપીને જ નહિ પરંતુ દિવ્યજીવનના સાચા રાહી બનાવી સમગ્ર વિશ્વ, દેશ અને સમાજ તથા સત્સંગમાં મોખરે એવા યુવાનોની શૃંખલા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીએ રચી છે. માટે એવા સત્પુરુષોને સોંપાઈને પણ જીવનની નવી દિશા મેળવવી એ જ જીવનની સાચી સાર્થકતા છે.