યૌવન : કર્તવ્યનિષ્ઠ કર્ણધાર - 1
October 5, 2015
“અલ્યા, એય ! રાત્રિના બાર વાગ્યા સુધી ત્યાં કોણ ઊભું છે ?” સન 1995માં બાપાશ્રી મહોત્સવ દરમ્યાન રાત્રે કેમ્પસ વિઝિટ વખતે પ.પૂ. સ્વામીશ્રીએ એક યુવા સેવાધારીને પૂછ્યું. ત્યાં એ યુવાન બે હાથ જોડી બોલ્યો, “દયાળુ, હું સલામતી વિભાગનો સ્વયંસેવક છું.”
તરત પ.પૂ. સ્વામીશ્રીએ બીજો પ્રશ્ન પૂછ્યો, “અત્યાર સુધી કેમ ?”
“મહારાજ, આમ તો મારો સેવાનો સમય રાત્રે 8 વાગ્યે પૂરો થઈ ગયો છે પરંતુ આજે વરસાદ ને વાવાઝોડાને લીધે આપણા કેમ્પસમાં તત્કાલીન અન્ય સેવાઓ આવી પડી હશે તેથી સ્વયંસેવકો મને છોડાવવા આવી શક્યા નથી. એટલે હું મારી આ સેવામાં સવારના આઠથી લઈ અત્યાર સુધી અકબંધ ઊભો રહ્યો છું.”
“તમારી જેમ સેવા કરવાવાળા બીજા સ્વયંસેવકો પણ છે. પરંતુ એ તો સમય પૂર્ણ થતાં પોતાના ઉતારે જતા રહ્યા અને તમે એકલા કેમ રોકાયા ?”
“મહારાજ, આ સેવા મારી છે ત્યારે તેના પરત્વે મારી સંપૂર્ણ જવાબદારી છે. તેથી એ નિભાવવા હું અત્યારસુધી ઊભો રહ્યો છું. વળી, સંસ્થાએ, ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અને આપે મારા પર વિશ્વાસ મૂકી મને આ સેવા સોંપી છે. ત્યારે એમાં હું મારું કર્તવ્ય ચૂકું તો મારી સંસ્થાનું, પ.પૂ. બાપજીનું ને આપનું ભૂંડું દેખાય.”
પ.પૂ. સ્વામીશ્રી એ યુવાનનો ઉત્તર સાંભળી રાજી થઈ ગયા અને વરસાદથી ભીંજાયેલા એ કર્તવ્યનિષ્ઠ યુવાનને રાજીપો આપતાં બોલ્યા, “ધન્યવાદ... ધન્યવાદ ! તારી કર્તવ્યનિષ્ઠા જોઈ અમે ખૂબ ખૂબ રાજી છીએ. અમારે તમારા જેવા કર્તવ્યનિષ્ઠ યુવકોનું જ સર્જન કરવું છે. આવો... આવો...આજે તમને ભેટી ખૂબ જ રાજીપો આપવો છે. ” આટલૂં કહેતાં વ્હાલા પૂ. સ્વામીશ્રી ભીંજાયેલા એ યુવકને ભેટી પડયા.
અત્રે રજૂ કરેલ યુવકનો પ્રસંગ આપને ગમ્યો ? યુવક આપને ગમ્યો તેની પાછળનું કારણ શું ? તો ઉતર એક જ હશે.... એ યુવકની કતવ્યનિષ્ઠા તથા પોતાના કતવ્ય પરત્વેની સભાનતા.
વિશ્વના પ્રત્યેક મનુષ્ય તેમજ તેના શાસનતંત્રને કર્તવ્યનિષ્ઠા અતિ પ્રિય છે. વળી, આવા કર્તવ્યનિષ્ઠ પાલકોને સૌ કોઈ બિરદાવતા હોય છે; એમની પ્રશંસા કરતા હોય છે. પરંતુ પોતાના જીવનમાં કર્તવ્યનિષ્ઠ રહેવું એ આપણને કેટલા અંશે પ્રિય છે ? એ આજના યુવકો માટે વિચારવા જેવી બાબત છે. ત્યારે આપણે બે ઘડી અંતદૃષ્ટિ કરીએ... ને એક ઊંડો વિચાર કરીએ કે આપણને અન્યની કર્તવ્યનિષ્ઠા ગમે છે, પરંતુ આપણા કર્તવ્ય તરફ આપણું લક્ષ્ય કેટલું રહે છે ? શું આપણે આપણા કર્તવ્યથી દૂર ભાગીએ છીએ ? શું આપણને કર્તવ્યના બંધનથી મુકત રહેવું ગમે છે ? આવાં અનેક જીવનમંથન સમાં વિધાનો આપણને આપણી કર્તવ્યનિષ્ઠા પરત્વે જાગ્રત કરે છે. પછી આ જ જાગ્રતતા આપણને સૌના પ્રિય બનાવશે. આ જ જાગ્રતતા આપણને સંનિષ્ઠ નાગરિક બનાવશે. આ જ જાગ્રતતા આપણને સાચા અર્થમાં ઘરના મોભી બનાવશે. આ જ જાગ્રતતા આપણને અનેકના પ્રેરણાસ્ત્રોત બનાવશે. આજ જાગ્રતતા આપણને મહત્વાકાંક્ષી વતૅમાનના ને શ્રેષ્ઠ ભાવિના નિર્માતા બનાવશે. આ જ જાગ્રતતા આપણને વ્યવહારિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રના સાચા વારસદાર બનાવશે. આ જ જાગ્રતતા આપણાને માટે મહારાજ અને મોટાપુરૂષના રાજીપાનું દ્રાર ખોલી આપશે. અંતે, આ જ જાગ્રતતા યુવાનને સાચા અર્થમાં કર્તવ્યનિષ્ઠ યૌવન બનાવશે.
ત્યારે આપણને પ્રશ્ન થાય કે, યુવાન અને યૌવનમાં શો ફેર ? યુવાન એ ઉંમરનો ભાવ છે અને યૌવન એ યુવાન અવસ્થાએ ગુણોથી પ્રાપ્ત કરેલું વ્યક્તિત્વ છે. અહીં તો વાત એવા યૌવનને પામેલા યુવાનની છે. આવું યૌવન જ દેશ, સમાજ, સંસ્થા અને શ્રીજીમહારાજ તેમજ સત્પુરુષોનાં આદર્શો, સિદ્ધાંતો અને મૂલ્યો તેમજ સંસ્કૃતિની હિફાજત અર્થાત રક્ષણ કરી શકશે. આવા યૌવનને અહી કર્ણધાર કહ્યો છે.
કર્ણધાર એટલે સુકાની. યૌવન એ દેશ, સમાજ, પરિવાર અને સંસ્થાનો સુકાની છે તેમજ પ્રાણ છે. એટલેથી ન અટકતાં યૌવન વર્તમાન સમયનો સંનિષ્ઠ સુકાની છે.
દેશ, સમાજ, પરિવાર અને સંસ્થાનાં આદર્શો, મૂલ્યો, સિધ્ધાંતો, રીત-રસમ ગમે તેટલાં ઊંચાં અને શ્રેષ્ઠ હોય પણ વર્તમાન સમયના સુકાની પર એનો આધાર રહ્યો છે. એના હાથમાં જ ધુરા છે. એની સંસ્કારે યુક્ત યુવાશક્તિ એ જ દેશની, સમાજની અને સંસ્થાની સાચી શક્તિ બની શકે છે. પરંતુ આ યુવાધન જો અજાગ્રત રહેશે - દિશાવિહીન રહેશે તો દેશ, સમાજ અને સંસ્થાનાં ઊંચાં ને શ્રેષ્ઠ આદર્શો, મૂલ્યો, સિધ્ધાંતો તથા રીત-રસમ એ બધાંમાં શૂન્યાવકાશ આણી દેશે. એટલે એનો સંરક્ષક બનવાને બદલે વિધ્વંસક બનશે. ત્યારે યૌવને પોતાના કર્તવ્યને પાર પાડવા પોતાના અભિનયને સમજવો પડશે અને પોતાના કર્તવ્યનું પાલન કરવું જ પડશે. આથી યૌવનને કર્તવ્યનિષ્ઠ કર્ણધાર કહ્યો છે.
યૌવને જ્યારે પોતાના કર્તવ્યને નિભાવવું જ છે ત્યારે કર્તવ્યપાલનનાં કેટલાંક મૂળભૂત પાસાંને સમજવાં અત્યંત જરૂરી છે. જો એ પાસાં પ્રત્યે યૌવન સભાન નહિ હોય તો એ પોતા માટે તેમજ બધા માટે એક ભયંકર અભિશાપ બની જશે. ત્યારે આપણે પણ કર્તવ્યની કેડી પર ડગ માંડવા માટે કટિબધ્ધ થઈએ અને કર્તવ્યનું પાલન કરવા માટેના કેટલાક પાયાના સિધ્ધાંતોનો અત્રે અભ્યાસ કરી, કર્તવ્યની સાચી દિશા તરફ આગળ વધી, સાચા અર્થમાં કર્તવ્યનિષ્ઠ કર્ણધાર બનીએ.
કર્તવ્ય :
સૌ પ્રથમ તો જોઈએ કે કર્તવ્ય એટલે શું ? કર્તવ્ય એટલે કોઈ પણ વસ્તુ, કાયદો, સમાજ કે કાર્ય પરત્વેની આપણી ભૂમિકા.
ટૂંકમાં કહીએ તો કર્તવ્ય એટલે કોઈ પણ બાબત અંગેની આપણી જવાબદારી કે ફરજ. કર્તવ્ય એટલે હક ભોગવવાની સાથે ‘હવે મારે શું કરવાનું ?’ એનું ભાન.
‘કર્તવ્ય’ શબ્દ એવો છે કે જેની જીવનના દરેક ક્ષેત્રે જરૂર પડે છે. સંસારિક જીવન હોય કે વ્યવહારિક જીવન હોય કે પછી સત્સંગી કે આધ્યાત્મિક જીવન હોય, પરંતુ બધે જ કર્તવ્યનું મહત્ત્વ એકસરખું છે. દુનિયાના કે આપણા જીવનના કોઈ પણ લક્ષ્યની દિશામાં કર્તવ્યનું મૂલ્ય એક તસુ પણ ઓછું આંકી શકાય એવું નથી. જેને જીવનમાં પ્રગતિ કરવી હોય તેને માટે કર્તવ્ય બજાવવું અતિ આવશ્યક છે. આમ, કર્તવ્ય એ જીવનનું એવું એક વિરામચિહ્ન છે કે જે કડી જાગૃતિ અને સતત વિચારની પ્રક્રિયાનો અંત આવવા દેતું નથી અને એ જે સમય આવ્યે જીવનમાં પરિવર્તન આણવાની ભૂમિકા બજાવી દે છે.
આપણને જ્યારે કોઈ પણ ક્ષેત્રે હક મળે છે ત્યારે તેની પાછળ કેટલીક મૂળભૂત ફરજ આપણે અદા કરવી પડે છે. તેથી જ કહ્યું છે કે, ‘હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે’. હક હોય ત્યાં અવશ્ય આપણી ફરજ રહેવાની . અને જ્યાં જ્યાં આપણે ફરજ અદા કરીએ ત્યાં આપણને આગવા હકો મળવાના જ. ત્યારે આપણે વિચાર કરીએ...
આપણે જે દેશ, સમાજ, સંસ્થા તેમજ પરિવાર સાથે જોડાયેલા છીએ તેના દ્વારા આપણને કેટલાક હકો તેમ જ સવલતો મળ્યાં છે જે આપણે ભોગવીએ છીએ. પણ શું એની પાછળ રહેલાં આપણાં કર્તવ્યોને નિભાવીએ છીએ ? જો ન નિભાવીએ તો શાં પરિણામ સર્જાય ? તો એક ક્ષણ માટે આપણી વિચારશક્તિને રોકી દે એવાં ભયાનક પરિણામો સર્જાય. ત્યારે આ વાતની ગંભીરતા જાણી આપણી ભૂમિકા સપષ્ટ રીતે સમજવા કર્તવ્યરંગી ‘ક’નાં સોપાન સર કરવાં ક્રમશ: ડગ ભરીએ.
કર્તવ્ય-નિશ્ચય તથા કર્તવ્યક્ષેત્ર:
કર્તવ્યનિષ્ઠ બનવા માટેનું સૌપ્રથમ સોપાન એટલે કર્તવ્ય-નિશ્ચય. આ સોપાન કર્તવ્યનિષ્ઠા માટેનો પાયો છે. આ પાયો જેટલો ઊંડો તેમજ મજબૂત એટલો કર્તવ્યપાલક તરીકેનો આપણો અભિનય વિશેષ મજબૂત અને જો એમાં કોઈ પોલ રહે તો આપણો અભિનય એટલે નબળો. ત્યારે આ સોપાનને વધુ સપષ્ટતાથી સમજીએ.
કર્તવ્ય-નિશ્ચય એટલે શું ? તો કોઈ પણ કાર્યમાં, બાબતમાં કે અભિનયમાં મારું કર્તવ્ય શું ? એનું ભાન હોય તેનું નામ કર્તવ્ય-નિશ્ચય. જ્યાં સુધી પોતાનું કર્તવ્ય શું છે તેનો નિશ્ચય જ નહિ હોય તો કર્તવ્યનું પાલન કરવાની ઇચ્છા કે આગ્રહ જોવા છતાં આપણે નિષ્ફળ નીવડીશું. માટે આપણું કર્તવ્ય શું છે ? તે નક્કી હોવું અતિ આવશ્યક છે. વળી, ઘણી વાર કર્તવ્ય પણ નક્કી હોય છે જે ક્યાંક કોઈનાં મુખે કે ક્યાંક પુસ્તકો રૂપે પણ પ્રાપ્ત હોય છે. અહીં એની વાત નથી. પોતાના વિચારોમાં પોતાના કર્તવ્યનો નિશ્ચય હોવાની વાત છે. આપણે આપણાં કર્તવ્યો પ્રત્યે કર્તવ્ય-નિશ્ચયી ત્યારે જ બની શકીશું કે જ્યાં આપણે આપણાં કર્તવ્યો અંગે ઊંડા ઊતરીશું તથા સ્થિતિ-પરિસ્થિતિઓમાં, સફળતા-નિષ્ફળતામાં આપણાં કર્તવ્યનો અથવા તો આપણાં કર્તવ્યને ક્યાં ચૂકી ગયા તેનો તપાસ કરતા રહીશું તો. કર્તવ્ય-નિશ્ચયી કોને કહેવાય તેને સદ્રષ્ટાંત સમજવા પ્રયત્ન કરીએ.
હોલેન્ડના એક ૨૨ વર્ષના નવયુવાનનો આ પ્રસંગ છે. આ યુવક એક દિવસ કોઈ કારણોસર કામ માટે બીજા ગામે ગયો હતો ને ત્યાંથી પોતાના ગામે પાછો ફર્યો ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ત્યારે તે માંડ માંડ ગામના પાદર સુધી પહોંચ્યો. ત્યાં તેણે ગામના ડેમમાં એક છિદ્ર જોયું. તેમાંથી પૂરજોશથી પાણીનો નાનો પ્રવાહ નીકળી રહ્યો હતો. આ જોતાં એ યુવાનને લાગ્યું કે, ડેમમાંથી જો આ રીતે પાણી નીકળ્યા કરશે તો છિદ્ર મોટું થઈ જશે ને ધીમે ધીમે આખો ડેમ તૂટી જશે. ને જો ડેમ તૂટ્યો તો આસપાસનાં ઘણાંય ગામો એની લપેટમાં આવી જશે. હવે મારે શું કરવું ? આ વાત એના મનના વિચારમાં ઉપાય શોધવા રૂપે શરૂ થઈ ગઈ. આ માટે હું અહીં જે સાચવનાર હોય તેને કહું તો ? આટલા વિચાર પછી તુરત વિચાર સ્ફૂર્યો કે, મારા કહેવા છતાં પણ જો એ વ્યક્તિ અત્યારે જાગ્રત નહિ બને અને જો કોઈ ન આવ્યું તો !!! આ વિચાર તે થોડી વાર થંભી ગયો ને ફરી વિચાર કર્યો, પ્રથમ આ મારું કર્તવ્ય છે, મારે મારા કર્તવ્ય મારે જાતે જ કંઈક કરવું પડશે. એટલો વિચાર કરી તરત છિદ્રને બે હાથ વડે બંધ કરી, તે ઊભો રહ્યો. તે આની આ જ સ્થિતિમાં રાત્રિના બારથી સવારના છ વાગ્યા સુધી એમ ને એમ જ ઉભો રહ્યો.
સવારનો સમય થતાં ખેડૂતો ખેતીકામે જતા હતા ત્યાં તેમણે ડેમ આગળ એક યુવાનને જોયો. આ ખેડૂતોમાંથી એક ભાભા બોલ્યા, અલ્યા, અહીં ઊભો ઊભો શું કરે છે ?”
“બાપા, એ તો હું ડેમમાં એક છિદ્ર પડ્યું છે તે દાબીને ઊભો રહ્યો છું.”
“અલ્યા, આમ થોડું તારું છિદ્ર બંધ થશે ? ને આમ ને આમ તું અહી ઊભોય ક્યાં સુધી રહીશ.”
ત્યારે યુવકે મક્કમતાથી ઉત્તર આપ્યો, “બાપા, મારું કર્તવ્ય બજાવવા હું ઊભો છું ને ઊભો રહીશ.”
“તે તું ક્યારનો ઊભો છે ?”
“બાપા, રાત્રિના બાર વાગ્યાનો ઊભો છું અને આ છિદ્ર ને દાબી રહ્યો છું કે જેથી તે વધી ન જાય.”
“પણ તું શા માટે ઊભો રહ્યો છે ? એ જેની જવાબદારીમાં આવતું હશે તે કરશે. તું તારે નિરાંતે તારા ઘરે જા.”
“બાપા, જવાબદારી કોની છે એવું વિચારવું જરૂરી નથી. આ છિદ્ર જો મોટું થય તો ડેમ તૂટશે અને આજુબાજુનાં ને આ ગામના હજારો વ્યક્તિઓનાં જીવન જોખમાશે. માટે આ ગામના રહેવાસી તરીકે, સમાજના એક સભ્ય તરીકે આ સેવા એ મારું કર્તવ્ય છે. કર્તવ્ય એ સોંપવાની કે શીખવવાની બાબત નથી. કર્તવ્ય એ આપવિચારથી સ્વીકારવાની વસ્તુ છે. માટે હું મારું કર્તવ્ય બજાવવા અડગ છું.”
યુવકનો રણકારભર્યો ઉત્તર સાંભળી બાપા પ્રસન્ન થઈ ગયા અને શાબાશી આપતા કહ્યું, “દીકરા, તું ખરો કર્તવ્ય-નિશ્ચયી છે. સમય આવે અન્યના જવાબદારીભર્યા કાર્યમાં પણ તેં તારું કર્તવ્ય શું છે તે સમજી લીધું. ને એ નિભાવવા આખી રાત તન-મનનો ભીડો વેઠ્યો. ધન્યવાદ છે તને અને તારાં માતાપિતાને.” એટલું કહી છિદ્ર પુરાવવામાં સૌ મદદરૂપ થયા.
આમ, કર્તવ્ય- નિશ્ચય એ કર્ત્વ્યપાલક માટે ‘મારું કર્તવ્ય શું ?’ એ અંગે નિરંતર જાગૃતિ રખાવતું અદ્ભુત સોપાન છે.
કર્તવ્યપાલક તરીકે ઘણી વાર આપણને આપણા કર્તવ્ય અંગેની સ્પષ્ટતા ન હોય ત્યારે ઘણા પ્રશ્નો સર્જાતા હોય છે. અને આ પ્રશ્નો આપણઆપણા કર્તવ્યથી ચુકાવી દે છે. માટે એક કર્તવ્યપાલક તરીકે આપણને આપણા કર્તવ્ય પરત્વે નિરંતર જેટલા વધુ સ્પષ્ટ હોઈશું એટલી આપણી કર્તવ્યનિષ્ઠા તરીકેની ભૂમિકા વધુ સ્પષ્ટ બનશે. જેમ એક વાલી તરીકે આપણે આપણાં કર્તવ્ય ન હોઈએ તો શાં પરિણામો આવે ? તો, બાળકમાં માબાપ સામે વેર લેવાની ભાવના ઊપજશે ; માબાપથી છટકવાનો પ્રયત્ન થશે તેમજ કુસંસ્કારો પ્રવેશ કરશે. પણ જો આપણે પોતાના કર્તવ્ય અંગે વધુ ને વધુ સ્પષ્ટ હોઈશું તો બાળકનો સર્વાંગી વિકાસ થશે, જે સૌ કોઈને ઉપયોગી નીવડશે.
કર્તવ્ય-નિશ્ચયની જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે પોતાના કર્તવ્ય માટેનું કર્તવ્યક્ષેત્ર પણ એનું જ એક અવિભાજ્ય અંગ છે. પોતાના કર્તવ્યની સ્પષ્ટતા હોવી તે એક બાબત છે અને એ જ કર્તવ્યનું પાલન કરવાની મર્યાદા, સીમા અથવા વિસ્તાર માટે સ્પષ્ટ હોવું તે બીજી બાબત છે. ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ક્યાંક વ્યક્તિ પોતાના કર્તવ્ય માટે સ્પષ્ટ હોય છે પરંતુ તે કર્ત્વયનું પાલન કઈ સ્થિતિ સુધી, કેવા સંજોગોમાં કરવું પડે તે કર્તવ્યના ક્ષેત્ર માટે સ્પષ્ટ હોતી નથી જેથી તે કર્તવ્ય-નિશ્ચયી તો બની શકે છે પરંતુ અસાધારણ કર્તવ્યનિષ્ઠ બની શકતો નથી.
આગળ આપણે જે યુવકનો પ્રસંગ જોયો તેમાં એ યુવકે ડેમની જવાબદારી સાંભળનારને છિદ્રની વાત કહી હોત તોપણ તે કર્તવ્ય-નિશ્ચયી તો કહેવાત જ. પરંતુ તેણે પોતાના કર્તવ્યના ક્ષેત્રને એટલા પૂરતું સીમિત ન રાખતાં સ્વના બલિદાન સુધી પોતાના કર્તવ્યક્ષેત્રને વિસ્તાર્યું. પોતાના દેહની, મુશ્કેલીઓની ચિંતા કર્યા વિના પોતાનાં કર્તવ્યમાં અડગ ઊભો રહી ગયો એ જ એની અસાધારણ કર્તવ્યનિષ્ઠા છે.
પોતાના કર્તવ્ય માટેની સ્પષ્ટતા કદાચ બધા માટે એકસરખી હોઈ શકે. પરંતુ કર્તવ્યક્ષેત્ર બાબત બધા એકસરખી ઊંચાઈએ વિચારધારાએ પહોંચી શકતા નથી. જે પોતામાં જેટલી વધુ કર્તવ્યનિષ્ઠતા કેળવવા માંગે છે તે તેટલો જ પોતાના કર્તવ્યક્ષેત્રને વધુ વિસ્તારી શકે છે અને આવો કર્તવ્યનિષ્ઠ યુવાન જ યથાર્થ સુકાન સાંભળી શકે.
અત્રે એક પ્રસંગ આપણા કર્ત્વ્યક્ષેત્ર અંગે પુષ્ટિ આપશે એવું જણાઈ છે. પ.પૂ. સ્વામીશ્રીએ ૧૯૮૦માં ગુરુવર્ય પ.પૂ. બાપજીના હસ્તે સંતદીક્ષા ગ્રહણ કરી ત્યારબાદ તેઓ અખંડ ધ્યાનમગ્ન રહેતા. દિવસનું ૭-૮ કલાક ધ્યાન કરી મૂર્તિમાં ગુલતાન રહેતા. એવામાં એક દિવસ ગુરુવર્ય પ.પુ.બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને એકાંતે બેસાડી કહ્યું, “આમ તમે ધ્ય