યૌવન : સત્યપાલન સત્કાર્ય - 1
September 19, 2015
“મારે આંખો નથી તો શું થયું ? પણ મારી પાસે આત્મવિશ્વાસ છે જે એવરેસ્ટ કરતાંય ઊંચો અને પ્રચંડ છે. મારે મારું લક્ષ્ય જે, ‘એવરેસ્ટ શિખર ચડવો છે’ તેને હું પામીશ જ. એના માટે મારે જે કાંઈ વેઠવું પડશે તે વેઠીશ, પરંતુ એવરેસ્ટ શિખર તો સર કરીશ જ...” આવા એ અંધ યુવકના આત્મવિશ્વાસની પરાકાષ્ઠાએ પહોંચેલાં ધ્યેય વિધાનો આપણને સાહસથી ભરપૂર યૌવનનાં દર્શન કરાવે છે. એ અંધ યુવાનનો સંકલ્પ આંખવાળા યુવાનોને અને આપણને કંપાવી દે એવો છે. આંખવાળાને પણ એવરેસ્ટ શિખર સર કરવાનો સંકલ્પ કરતાં ત્યાં એની હિમકાતિલ ઠંડી ભરેલ ભયાનક ચઢાણ અને ઊંચાઈ પર જવાથી થતી અનેક બિમારીનો હુમલો તેમજ સહેજ સરતચૂક થતાં જીવ ગુમાવ્યો હોય એવા પર્વત-આરોહકોના અનુભવો ધ્રુજારી છોડાવી દે છે. ત્યારે આ અંધ યુવાને બધાં જ કષ્ટોને અવગણીને કેવળ એક જ ધ્યેય સામું દૃષ્ટિ રાખીને પોતાના ધ્યેયને પૂર્ણ કરવા માટે ચઢાણ શરૂ કર્યું. આ યાત્રાનો એક ક્ષણ પણ જો વિચાર કરીએ તો !!! તેમ છતાં આ અંધ યુવકનો આત્મવિશ્વાસ કે જેણે યુવકને બધાં વિઘ્નો ન ગણકારતાં નિરંતર લક્ષ્ય તરફ આગળ વધાર્યો. અને તેણે અંતે પોતાના ધ્યેયને હાંસલ કર્યો. આમ, યૌવન અંધ નથી પણ સાહસ અને આત્મવિશ્વાસનો ખરો પર્યાયી છે. યૌવન પોતાના ધ્યેયને પરિપૂર્ણ કરવા પોતાને નડતરરૂપ દૈહિક તેમજ પરિસ્થિતિગત વિઘ્નો સામે લડે છે ને અંતે જ્યારે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે છે ત્યારે જ નિરાંતે બેસે છે.
આજનો યુવાન પોતાના બાહુબળનું દર્શન કરાવવા શું નથી કરી શકતો ?!! પોતાના કળા-કૌશલ્યનું દર્શન કરાવવા શું નથી કરી શકતો ?!! પોતાના ધ્યેયને પૂર્ણ કરવા શું નથી કરી શકતો ?!! ઉત્તર એક જ છે... બધું જ કરી છૂટે છે. પોતાના જીવનને મોતના શરણે સોંપવા સુધીની તૈયારી સાથે, રાત-દિવસ જોયા વિના કેવળ પોતાના ધ્યેયને પૂર્ણ કરવા માટે સતત ને સખત પરિશ્રમ કર્યા જ કરે છે; એ છે આજનો યુવાન. લક્ષ્યપ્રાપ્તિ માટે અસહ્ય યાતના સહન કરે છે. દુઃખોની વણઝારમાં નિરંતર અટવાયા કરે છે. ભૂખ, ઊંઘ, થાક કે તરસ આ સર્વે છોડી પોતાના ધ્યેયને મુખ્ય રાખી પોતાની જાતને પણ સૂકવી નાંખે છે અને ઘણી વાર તો પોતાના જીવનનો અંત પણ લાવી દે છે. લક્ષ્ય ને ધ્યેયપ્રાપ્તિ માટે આટલું બધું સાહસ હોવા છતાંય આજના યુવાનોના જીવનનું દર્શન કરતાં પ્રશ્ન થઈ આવે છે, આજના યુવાનમાં જોમ, જુસ્સો, ઉત્સાહ, તરવરાટ, ઉત્કંઠા, ઉત્તેજન અને ઉમંગ વિશેષ જોવા મળે છે. પણ તેમનામાં નૈતિકતાના ભાગ રૂપે સત્યનું આચરણ કેટલું ? સત્યપાલન માટેની તૈયારી કેટલી ? તો ઉત્તર મળશે... મહદંશે નહિવત્. કારણ છે લાલચ, સ્વાર્થ અને સ્વસુખને તાબે થઈ તેમજ અન્યના ભયમાં આવીને અસત્યનું આચરણ. જેના લીધે આજના યુવાનોમાં સત્યનું પાલન ઓછું થતું જાય છે. પણ યૌવનને એ ખ્યાલ નથી કે સત્યના મૂલ્ય સાથે જીવવામાં શૂરવીરતા કેટલી છે ? એ તો એ મૂલ્યને સ્વજીવનમાં ઝીલે ત્યારે તેનો ખ્યાલ આવે છે. સત્યપાલનના ગુણને કેળવવાથી યૌવનનું નૂર ખરા અર્થમાં ખીલી ઊઠે છે, ને યૌવન સાર્થક થઈ જાય છે. અને ત્યારે જ સત્યપાલન એ યૌવનનો મહામૂલો શણગાર બની જાય છે.
પણ આજના યુગમાં યુવા પેઢી ઘણાં અદ્યતન કાર્યો કરી રહી છે. તો સાથે કોઈએ કદી નથી કર્યાં તેવાં અઘરાં અને અશક્ય કાર્યો પણ નામના માટે, વર્લ્ડ રેકર્ડ માટે તેમજ પૈસા માટે કરી રહી છે. પરંતુ વાસ્તવિક્તાના પડકારને ઝીલી એક સર્વે કરીએ કે સત્યપાલન માટે અથવા એ કાર્યના મૂળ સ્થાનમાં સત્યને રાખી આજની યુવાપેઢીએ કેટલા કાર્યો કર્યાં ? જેનો ઉત્તર સૌ કોઈ જાણીએ છીએ. 21મી સદીના ઝડપી પરિવર્તનના વાયરે દિન-પ્રતિદિન સ્વાર્થવૃત્તિ વધતી જાય છે અને સ્વાર્થવૃત્તિ જ વ્યક્તિમાત્રમાં સત્યનો ગુણ વિકસવા દેતી નથી. થોડા સ્વાર્થનું પ્રલોભન સત્યને નેવે મૂકી દેવા મજબૂર કરે છે. પણ આજની યુવા પેઢીને એ ખ્યાલ નથી કે સત્યનું પાલન કરી કાર્ય કરીએ એ જ આપણા કાર્યની સાચી સફળતા છે અને એ જ આપણી સાચી નામના છે. અને તેથી જ અનુભવીએ કહ્યું છે, “સત્ય સુવર્ણ સમું છે. વિશ્વના કોઈ પણ દેશમાં સુવર્ણ તે સુવર્ણ જ રહે છે. તે પરિવર્તિત થતું નથી. તે હંમેશાં મૂલ્યવાન જ રહે છે. સોનાની જેમ સત્ય અંતે પ્રતિષ્ઠિત થઈને જ રહે છે. આમ, સત્યપાલન સત્કાર્ય છે.”
સત્યપાલનના સત્કાર્યથી આજે ભારત દેશ પ્રગતિને પામ્યો છે. અંગ્રેજોના હાથમાં જકડાયેલી ભારતીય સત્તા સત્યના બળે મુક્ત થઈ શકી હતી. સત્યના આગ્રહથી ચાલતા વિધવિધ સત્યાગ્રહોએ ઇંગ્લેન્ડની સત્તાને હચમચાવી દીધી હતી. એ સત્યપાલકો સદાય સત્યના અનુયાયી રહ્યા હતા. એમાં મોહનદાસ ગાંધીની સત્યનિષ્ઠા માટે ઇંગ્લેન્ડના લોખંડી વડાપ્રધાન ચર્ચિલ તે સમયના આઈ.સી.એસ. (હાલના આઈ.એ.એસ.) અધિકારીને કહેતા, “તમે ભારત જાઓ છો પણ સત્યનિષ્ઠ ગાંધી સાથે ક્યારેય વાર્તાલાપ ન કરતા. કારણ કે દેશને આઝાદ કરવા માટે માથું મૂકનાર ગાંધીનો સત્યસભર આત્મવિશ્વાસ એવો પ્રબળ છે કે તમારી સાથેના ફક્ત દસ મિનિટના સંવાદ પછી તમને કોરો કાગળ પણ આપશે તો તેમાં તેમાં સહી કરી આપશો. પછી તેઓ આપના સહીવાળા કાગળમાં આઝાદી અંગે લખશે.”
આમ, સત્યના પૂજકે આખા દેશને આઝાદીથી અજવાળ્યો હતો ! વિશ્વ આજેય તેમની સત્યપાલનની ગાથા ગાય છે. અને એટલે જ ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોકચક્રમાં ‘સત્યમેવ જયતે’ શબ્દ કંડારવામાં આવ્યા છે. આ જ સત્યપાલનનો ખરો મહિમા છે.
‘સત્યમેવ જયતે’ અર્થાત્ ‘સદા સત્યનો જ જય થાય છે.’ સત્ય હંમેશાં પ્રારંભમાં મુશ્કેલીઓ, સમસ્યાઓ અને વિઘ્નોથી ભરેલા માર્ગે ચલાવે છે. પરંતુ આ આકરા માર્ગનાં પરિણામો ખૂબ જ સુખદ હોય છે; મીઠાં હોય છે. ભલે સત્યની યાત્રા અપાર યાતનાઓથી ભરેલી અનુભવાય, પરંતુ આ યાત્રાને અંતે જય તો સત્યનો થાય છે. અને એથી જ જગતમાં કહેવાયું છે ને, ‘No Pain No Gain’ અર્થાત્ ‘પીડા વગર કંઈ પ્રાપ્ત થતું નથી.
જેની પરાકાષ્ઠાનું દૃષ્ટાંત એટલે આપણા સદ્. ઈશ્વરબાપા...
સદ્. ઈશ્વરબાપાએ અવરભાવમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સમજાવેલ શ્રીજીસંમત સિધ્ધાંતોની સત્યનિષ્ઠા તેઓની સાથે રહી સ્વજીવનમાં અનુભવી હતી. એમણે જાણ્યું હતું કે, “બાપાશ્રી જે સિધ્ધાંતો સમજાવી રહ્યા છે તે શ્રીહરિના અંતરના સત્યનિષ્ઠ સિધ્ધાંતો છે. અને આ સિધ્ધાંતો વડે જ સ્વામિનારાયણ ભગવાનનું યથાર્થ સ્વરૂપ ઓળખાશે અને સમગ્ર સંપ્રદાય ને અનંત બ્રહ્માંડો મોક્ષભાગી થશે.” તેથી તેના પ્રવર્તન માટે એમણે અપમાન, તિરસ્કાર, ઘૃણા-નફરત તો વળી, માર – આ બધા વિષ સમાન કટોરા સમર્થ થકા કેવળ સત્ય માટે ગ્રહણ કર્યા હતા. આ સત્યનિષ્ઠ સિધ્ધાંતો સંપ્રદાય તેમજ અનંત મુમુક્ષુ માટે સુલભ બની રહે તે માટે તેઓએ અઢાર અઢાર વર્ષ સુધી અહોનિશ મંડ્યા રહી, શારિરિક-માનસિક વિપદાઓ વચ્ચે કષ્ટોની કાંટાળી કેડી પર ચાલી તેમજ મહા જહેમત વ્હોરી રહસ્યાર્થ ટીકા સહ વચનામૃતની કરુણાભરી ભેટ આપી. આજે આપણે સર્વોપરી ઉપાસના તથા અનાદિની સ્થિતિના સત્યનિષ્ઠ સિધ્ધાંતોને મહાગ્રંથ રૂપે પામી, મૂર્તિસુખમાં મ્હાલીએ છીએ; તે સદ્ગુરુબાપાએ સિધ્ધાંતોની સત્યતા માટે વેઠેલા અસહ્ય દાખડાનું પરિણામ છે. સદ્ગુરૂબાપાએ સત્ય માટે પીડા વેઠી તો આજે એનાથી અનંતનાં આત્યંતિક કલ્યાણ માટેનાં દ્વાર ખૂલી ગયાં.
આમ, સત્યનો મહિમા જેઓ સમજે છે તેને સત્યનું પાલન કરવું કઠણ પડતું નથી. તેથી એક સત્યપાલકે પોતાના અનુભવો પછી તારણ રૂપે કહ્યું છે, “In fact, truth never hurts the teller.” અર્થાત્ ‘સત્ય ક્યારેય સત્યપાલકને દુઃખ નથી પહોંચાડતું.’
વળી, આ સત્યનું પાલન જો આજનો યુવાન કરે તો આ યુવાવસ્થામાં તેના કેવળ લાભેલાભ જ છે. સત્યપાલનથી યુવાવસ્થામાં આંતરિક શક્તિ ઊર્ધ્વ બને છે; જીવન નિર્મળ અને નિર્ભય બને છે; આત્મવિશ્વાસ ઉન્નત બને છે; સદ્ગુણોનો આવિર્ભાવ થાય છે અને અંતે યૌવન ખરા અર્થમાં સોળવલ્લા સુવર્ણ સમું બની રહે છે.
પરંતુ આજના આધુનિક યુગમાં સત્યપાલન માટે કંઈક જુદું જ ચિત્ર જોવા મળે છે. ચારે તરફ અનૈતિક્તાનો વા-વંટોળ ફૂંકાઈ રહ્યો છે. સર્વત્ર્ જાણે ‘અસત્યમેવ જયતે’ના ઘાટ ઘડાયેલા જોવા મળે છે. વ્યક્તિ આજે ડગલે ને પગલે જાણે અસત્યની ઉપાસક બની ફરી રહી છે. રોજબરોજના જનજીવનમાં તો અસત્ય બોલાય છે, પરંતુ ન્યાયક્ષેત્રે શાસ્ત્ર પર હાથ મૂકીને સત્યના સોગંદ લીધા પછી પણ વ્યક્તિ અસત્ય બોલતાં અચકાતી નથી. તેથી કોઈકે કહ્યું છે,
“સત્ય ફાંસી પર ચઢે અને જૂઠનો ધ્વજ ફરફરે.”
આમ, સત્ય-અસત્યનો ચુકાદો આવે છે ત્યાં પણ સત્યનું મોં ‘હિરણ્મય પાત્રેણ’ (લાલચના પાત્ર)થી છુંદાઈ જાય છે.
શું ખરેખર આ અસત્યની ઉપાસના એ જ આજના યૌવનનું કર્તવ્ય છે ? શું આ જ એનું સાહસ છે ? અને આને પોતાનું સાહસ અને આવડત માને છે એ શું ખરેખર યૌવનને પામી શકે ? શું ખરેખર એની પાસે સત્તા, અધિકાર, બાહુબળ, દ્રવ્યાદિકનાં બળ-શક્તિ આ બધાંની બાદબાકીના અંતે પોતાનું આંતરિક બળ છે ? ના. ક્યાંથી હોય ? અસત્યનું આચરણ આંતરિક બળને નાબૂદ કરે છે અને અંદરથી ખોખલા કરી દે છે જેથી યૌવનમાં જે રણકાર હોવો જોઈએ તે જોવા મળતો નથી. જરૂર છે યૌવનમાં સત્યના આચરણ દ્વારા કંઈક આગવા જ રણકારની જેથી યૌવન આત્મવિશ્વાસથી ભરપૂર થઈ શકે અને જ્યારે કંઈક ખોટું થતું દેખાય-જણાય ત્યારે તેને તે આત્મવિશ્વાસથી પડકારી શકે. એ સમયે લાલચ કે સ્વાર્થને શરણાગત થયા વિના અને ભયથી ડર્યા વિના નિર્ભીકપણે સત્યનો જયજયકાર કરવાની શક્તિ-હિંમત યૌવન બતાવી શકે.
પણ કરુણતા નજર સમક્ષ છે કે આજે યુવાનોમાં આવો રણકાર સંભળાતો નથી, તેનું મુખ્ય કારણ યૌવનમાં અસત્યનો સહારો વિશેષ છે. અસત્યના સહારાને લીધે આજનું યૌવન અંધકારની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે. વળી, યૌવનમાં અસદ્ગુણોનો આવિર્ભાવ થઈ રહ્યો છે તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. વળી, યુવાનોમાં ઘણી ખોટી આદતો પણ પડે છે જેથી ધીમે ધીમે યૌવન વૃધ્ધત્વના કાંગરે આવી ઊભું રહે છે. ત્યારે પ્રશ્ન થાય કે, આજનું યુવાધન અસત્યનું આચરણ કેમ કરે છે ? તેની પાછળ કઈ બાબતો કે કારણો કામ કરે છે ? તો, આ અંગે મનોવૈજ્ઞાનિકોનાં અભ્યાસલક્ષી વિવિધ તારણો જોતાં ઘણા મુદ્દા સ્પષ્ટ થઈ આવે છે, જે યૌવનને અસત્યને આશરે લઈ જાય છે. ત્યારે આ મુદ્દાઓને સ્વજીવનમાં ચકાસીએ :
(1) આજના આધુનિક યુગમાં ભૌતિકવાદ જ્યારે વધુ ફાલીફૂલી રહ્યો છે ત્યારે ખોટા દેખાવા માટે તેમજ પોતાનું વર્ચસ્વ વધારવા માટે અસત્યનો સહારો લેવાય છે.
(2) પોતાના આંતરિક તેમજ બાહ્યજીવનના દોષો છુપાવવા માટે અસત્ય બોલાય છે.
(3) કેટલીક પરિસ્થિતિમાં ભયની લાગણીને લીધે પણ અસત્ય બોલાય છે.
(4) કુસંગ તેમજ સ્વભાવગત આદતને લીધે પણ અસત્યના શરણે જવાય છે.
(5) મનગમતું કરાવવા તેમજ પોતાનું ધાર્યું ન થતું હોય ત્યારે પણ અસત્ય બોલાય છે.
(6) સ્વસુખ તેમજ સ્વાર્થને લીધે મોટા ભાગે અસત્ય બોલાય છે.
(7) જવાબદારી પરત્વેની અસભાનતાને લીધે પણ ઘણી વાર અસત્ય બોલાય છે.
(8) પૂર્વાગ્રહને લીધે જ વ્યક્તિ કે સ્થિતિ પસંદ ન હોય ત્યારે પણ અસત્યનું શરણું સ્વીકારાય છે. અંતે સર્વે દોષોનું મૂળ માત્ર દેહાભિમાનને લીધે જ બહુદા અસત્ય બોલાય છે