યૌવન : સત્યપાલન સત્કાર્ય - 2

  September 28, 2015

એક દિવસ શિક્ષકે વર્ગમાં દાખલો ગણવા આપ્યો. બીજા દિવસે પૂછવામાં આવ્યું ત્યારે ફક્ત એક જ વિદ્યાર્થીની આંગળી ઊંચી થઈ હતી. શિક્ષકે આ બાળકને શાબાશી આપી ત્યારે બધા વિદ્યાર્થીઓએ તેને તાળીઓથી વધાવી લીધો. એટલામાં આ બાળક રડતા રડતા બોલ્યો, “સાહેબશ્રી ! આ દાખલો ગણવામાં મને મારા પિતાશ્રીએ મદદ કરી છે. માટે મને શાબાશી ન આપશો. આ શાબાશીને હું લાયક નથી.” આટલું સાંભળતાં આખો વર્ગ સ્તબ્ધ બની ગયો. ત્યારે શિક્ષક સાચું બોલવા બદલ તે વિદ્યાર્થી  પર ખૂબ ખુશ થયા. આ મહાન બાળક બીજું કોઈ નહિ પણ સત્યનિષ્ઠ ગોપાલકૃષ્ણ ગોખલે પોતે હતા.

એ જ રીતે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ મેરુ પર્વત ડગાવે ને મહાસાગરો તેનું સ્થાન છોડાવે એવી સ્થિતિમાં પણ સત્યને ન છોડ્યું. સત્યને માટે તેઓને શ્વપચને ઘેર વેચાવું પડ્યું છતાં અસત્યને આધીન ન થયા. એટલે એ મહાન બની ગયા. બિધાનચંદ્ર, સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનદાસ ગાંધી આદિ મહાન વ્યક્તિઓ સત્યના સથવારે વિશ્વવિભૂતિ બની શક્યા. ત્યારે આપણે પણ મહારાજ અને મોટાપુરુષના રાજીપારૂપી મહાનતા મેળવવી છે... તો હંમેશાં સત્ય જ બોલીએ.

એટલે જ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં સત્સંગીમાત્રને આજ્ઞા કરી છે કે, “અમારા ભક્તે સત્ય વચન જ બોલવું.” તો વળી ગુરુવર્ય પ,પૂ. બાપજી કહે છે કે, “જે બોલે કંઈક અને હોય કંઈક એ અમને બિલકુલ ન ગમે... જે સાચું બોલે એ જ ગમે.” આવા જ સત્યનિષ્ઠ બનવા માટે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી કહે છે, “આપણું એક અસત્ય આપણને બીજાં હજારો અસત્ય કાર્યો માટે પ્રેરે છે...” માટે હંમેશાં મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા હોય તો જીવનમાં ક્યારેય અસત્ય બોલવાની ટેવ ન પાડવી. સત્ય બોલવાથી આપણું આત્મબળ વધે છે. સત્યનિષ્ઠ વ્યક્તિને હંમેશાં ઘણું સહન કરવું પડે છે, પરંતુ જ્યારે સત્ય બહાર આવે છે ત્યારે તેનો પ્રભાવ – તેનો પ્રકાશ કંઈક અલગ જ હોય છે.

સત્યપાલન આત્મબળ વધારે છે અને સ્વજીવન ઉન્નત બનાવે છે. સત્સંગમાં સૌથી મોટું એનું ફળ એ છે કે, શ્રીજીમહારાજ અને મોટાપુરુષ રાજી થાય છે. વળી, રાજીપા માટે સત્યપાલન એક સરળ રસ્તો બની રહે છે.

જ્યારે શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવા દેખાતા ત્યારે પણ મહારાજ અને મોટાપુરુષ સમક્ષ સત્યનું પાલન કરનાર અઢળક પાત્રો પર મહારાજે પોતાનાં મૂર્તિસુખનો કળશ ઢોળ્યો છે. એવાં પાત્રોનાં દર્શન આપણને સત્યપાલનની દુનિયામાં પગરવ માંડવા પ્રેરિત કરશે. તો નિહાળીએ, એ સત્યપાલનના સત્કાર્યકર્તાઓને...

એક દિવસ શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજમાન હતા. સૌ સંતો-ભક્તોને અમૃતવાણીનો લાભ આપી રહ્યા હતા. એ વખતે ઉકાખાચર સભામાં આવ્યા ને એમણે મહાપ્રભુને પ્રાર્થના કરી કે, “દયાળુ ! ઘણા સમયથી આપની વાતો સાંભળું છું, એમાં એક વાત મુખ્ય આવે છે કે, ‘આપને નિર્વાસનિક ભક્ત સાથે જ બને છે. અને એ જ આપને વ્હાલા છે...’ તો હે દયાળુ, દયા કરો... મને વાસના પીડે છે... હું વાસનિક છું... દયાળુ, દયા કરો... મને નિર્વાસનિક કરો...” ગામધણી તેમજ દરબારોમાં શ્રેષ્ઠ એવા ઉકાખાચર ભરસભામાં હજારો ભક્તોની સમક્ષ આવા પોતાનામાં રહેલા દોષો ન છુપાવતાં સત્યના રણકારે મહાપ્રભુ આગળ નિશ્ર્ચલ-નિર્મલ થયા. પ્રભુ અવા સત્યનિષ્ઢ ભકત પર રાજી થઈ ગયા. તેમને પીડતા કામાદિક શત્રુઓ માટે, “દિવ્યભાવે સહિત સેવાનું વ્યસન પાડી દો.” એવો સરળ ને સામાન્ય રસ્તો આપી દીધો. ત્યારે આ પાછળનું કારણ એક જ છે : મહારાજને સત્ય પ્રિય છે. એમને સત્યનિષ્ઠ ભક્ત પણ વ્હાલા છે. માટે સત્યના પથ પર ચાલનાર સત્કાર્યકર્તા માટે મહાપ્રભુ સાવ સરળ ઉપાય આપે છે. બીજું, મહારાજ અંતર્યામી છે. મહારાજ પોતાના ભક્તનું ક્ષણેક્ષણનું જાણનાર છે, છતાંય ભક્ત જ્યારે સત્યના માર્ગે આગળ વધી એમની આગળ સત્ય સ્વીકારે છે ત્યારે મહાપ્રભુ એમના પર અઢળક ઢળી જાય છે. અને અંતે આપણે પણ જાણીએ છીએ કે, ઊકાખાચર મહારાજે પાઠવેલ માર્ગે ગજુભા જેવાં પાત્રોનાં વિઘ્નોને અવગણીને સત્યનિષ્ઠ રહી મંડ્યા રહ્યા તો મહારાજે એમને નિર્વાસનિક કરી દીધા. આમ, સત્યપાલનથી મહારાજ અને મોટાના અંતરના રાજીપાના અધિકારી બની શકાય છે.

સત્યનિષ્ઠાનો આવો જ બીજો એક પ્રસંગ છે. જૂનાગઢના પ્રસિધ્ધ એક મોટા કલેક્ટરસાહેબનો. તે સમયે એમનો માન-મરતબો વડાપ્રધાન જેટલો ગણાતો. એવા આ કલેક્ટરસાહેબના વિશાળ બંગલાના ચોકમાં ગોવા ભગત સવારના સમયે ઝાડુ વાળતા હતા. ત્યાં જ કલક્ટરનાં ધર્મપત્ની બહાર આવી બોલ્યાં, “ગોવા ભગત, ઘેર જાવ ત્યારે આ કઢી લેતા જજો.” સત્યનિષ્ઠ ગોવા ભગતે તુરત જવાબ વાળ્યો, “બા, રાજી રહેજો, પણ તમારી કઢી મને નહિ ખપે, બાપલા...” અને જેમ અચાનક વીજળી પડે તેમ જવાબ સાંભળી સાહેબનાં પત્ની ને બહાર ચોકમાં હિંડોળે ઝૂલતા કલેક્ટરસાહેબ સમસમી ગયાં. પછી કલક્ટરસાહેબ ગોવા ભગતને પાસે બોલાવી કહેવા લાગ્યા, “અલ્યા ગોવા ! અમે રહ્યાં નાગર બ્રાહ્મણ ને તું રહ્યો સામાન્ય જ્ઞાતિનો તે પાછો એમ કેમ બોલ્યો કે, તમારી કઢી મને નહિ ખપે...”

સત્યના રણકારે ગોવા ભગત બે હાથ જોડી બોલ્યા, “સાહેબ ! માફ કરજો... તમને સાચું કહું તો હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. મેં તેમની પાસેથી વર્તમાન ધારી કંઠી ધારણ કરી છે. અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે કે લસણ-ડુંગળી ન વપરાય. માફ કરજો, આપની કઢીમાં લસણનો વઘાર હશે એટલે મને ન ખપે સાહેબ... રાજી રહેજો...” સાહેબ અને તેમનાં પત્ની જગતની રીતે મોટા હોવા છતાંય સત્ય કહેવામાં ગોવા ભગતે નીડરતા રાખી. ગોવા ભગતે સત્ય વાત કહેવામાં સાહેબના કલેક્ટરપણાનો પણ ભય ન રાખ્યો. બસ,  પોતાના સત્યને વળગી રહ્યા. પણ શરમ કે સંકોચ રાખ્યા વગર સત્ય વાત કહેવામાં સત્યપાલક ગોવા ભગતની ગરિમા તે સમયે ઘટવાને બદલે વધી. ગોવા ભગતની નીડરતા જોઈ સાહેબ ને તેમનાં પત્ની આભાં જ બની ગયાં. સત્યનિષ્ઠાનો રણકાર આ લોકની મોટપને પણ જેમ છે તેમ જણાવી દે ત્યારે એમને પણ એનો મહિમા સહજતાથી સમજાય છે.

પછી ગોવા ભગતની સત્યનિષ્ઠાએ કલેક્ટરસાહેબનું પરિવર્તન કર્યું ને તેઓ ગોવા ભગત સાથે સદ્. ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈ સત્સંગી થયા. ગોવા ભગતના પ્રસંગને જાણી મોટાપુરૂષ અત્યંત રાજી થયા. આમ, સત્યપાલનથી અનેકનાં જીવનપરિવર્તન થઈ શકે એવી સત્યમાં તાકાત છે.

વળી, ‘સ્વામિનારાયણ ભગવાન એકમાત્ર સર્વોપરી છે’ આ સત્યને સાબિત કરવા ઝાડ પરથી પડવા માટે તૈયાર થનાર વ્હાલા ગુરૂવર્ય પ. પૂ. બાપજીને પણ કેમ વિસરાય !

જીવનપ્રાણ અબજીબાપા અને સદ્ગુરૂ મુનિબાપા પાસેથી ‘સ્વામિનારાયણ ભગવાન એક સનાતન ભગવાન છેનું સત્યજ્ઞાન મેળવીને ગુરૂવર્ય પ.પૂ. બાપજીએ સર્વોપરી શુધ્ધ ઉપાસના અને અનાદિની સ્થિતિના સિધ્ધાંતનો ઉદ્ઘોષ કર્યો ત્યારે વિરોધના વંટોળો ફૂંકાયા. ત્યારે મહારાજના સર્વોપરી સ્વરૂપના મહિમાનાં ઐતિહાસિક પૃષ્ઠો સૌ સમક્ષ છડેચોક ખોલીને, સત્યનિષ્ઠા સંગે અપાર કષ્ટોની કાંટાળી કેડી પર ગુરૂવર્ય પ.પૂ. બાપજી ચાલ્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણના સત્યમૂલક સિધ્ધાંત પ્રત્યે સત્કાર્યકર્તા રહેવા બદલ તેમણે ઘણું ઘણું વેઠયું છે. તેમનાં અસહ્ય ઉપેક્ષા-અપમાન થયાં, તેમના સિધ્ધાંત-પ્રવર્તનના કાર્યમાં અનેક વિઘ્નો ઊભાં કરવામાં આવ્યાં, ‘વિમુખ... વિમુખ’ કહીને નવાજ્યા. આવું ઘણુંબધું તેમને સત્યનિષ્ઠા બદલ પારિતોષિક રૂપે મળ્યું. પરંતુ આમાનું કશુંય એ દિવ્યપુરૂષને સ્પર્શી શક્યું નહિ કારણ કે એમણે એ સત્યનો દ્રઢાવ કર્યો હતો કે, સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસનાના સિધ્ધાંત વડે જ અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ થવાનું છે. એમની એ સત્યનિષ્ઠાના ફલ સ્વરૂપે જ આજે માત્ર 25 વર્ષના અલ્પ સમયમાં ‘શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા’ (એસ.એમ.વી.એસ.)નો વિશ્વવ્યાપી ઉદ્યાન ખીલ્યો છે, જ્યાં અસંખ્ય મુમુક્ષુઓ ખરો દિવ્યાનંદ માણે છે.

સત્યપાલન એ જીવનની અનંત સમસ્યાઓનો સુખદ અંત આણી આપણને સાચા સુખાનંદ તરફ અગ્રસર કરે છે. ત્યારે સત્યનું પાલન આપણા માટે કેટલું જરૂરી બને છે એ ઉપરોક્ત પ્રેરક પાત્રોનાં દર્શનથી સમજાય એમ છે. ત્યારે હવે આપણે પણ સત્યનું પાલન કરવું છે. સત્યના માર્ગે આપણે પણ કંઈક આગવું જ પદાર્પણ કરવું છે ત્યારે આપણે આટલું તો અચૂક કરીએ...

સત્ય વાત કે હકીકત કહેવામાં મહારાજના બળે કોઈનો ભય ન રાખીએ. ભલે પછી એ સત્યની વાત આ લોકની કોઈ પણ મોટી વ્યક્તિ સામે કહેવી પડે. છતાંય નિર્ભય રહીને, શેહ-શરમ ત્યજી સત્યને વળગ્યા રહીએ. ત્યારે એક પ્રસંગ યાદ આવે છે ઘનશ્યામ મહાપ્રભુનો. અયોધ્યામાં મહંત મોહનદાસે કથામાં સત્યને દબાવી અસત્યને સમર્થન આપતાં વાત કરી. ત્યારે સાત વર્ષના ઘનશ્યામ મહારાજે ગામના પ્રતિષ્ઠિત અને મોટા ગણાતા મહંતના અસત્યને ન સાખ્યું. ને તેમની શેહ-શરમ ન રાખતાં નીર્ભીકપણે પડકારી દલીલો દ્વારા સત્ય શું છે તેનું તેમને ભાન કરાવ્યું હતું. આમ, આપણા મહાપ્રભુએ પણ સત્ય માટે આપણને નિર્ભય બનવાનો એક પ્રેરણાપાઠ આપ્યો છે કે, સત્ય માટે નિર્ભય થઈ આ લોકની નાના-મોટાની પ્રતિષ્ઠા ન જોતાં સત્યને વળગ્યા રહો.

તો વળી, આ અંગે પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું છે, “આપણે નાના છીએ એમ ન સમજવું. ભલે આપણે નાના હોઈએ પણ સાચા છીએ. તમે જો સાચા હશો તો ગમે તેવો આ લોકનો મોટો માણસ તમારી સમક્ષ હશે તોય તમારી સત્યનિષ્ઠ વાતની એના પર ધારી અસર થશે જ. એનું પરિવર્તન થશે જ. માટે નિર્ભય થઈને સત્ય બોલવું.”

મોરની દ્રષ્ટિ હંમેશા મેઘની ઘટા સામું મંડાયેલી હોય છે, ચકોરની દ્રષ્ટિ નિરંતર ચંદ્ર તરફ મંડાયેલી હોય છે અને સૂર્યમુખીની દ્રષ્ટિ નિરંતર સૂર્ય તરફ મંડાયેલી હોય છે. એમ મહારાજ ને મોટાપુરુષને પ્રિય એવો સત્યપાલનનો ગુણ કેળવવા આપણી દૃષ્ટિ નિરંતર તેમના રાજીપા તરફ મંડાયેલી હોવી જોઈએ. ‘મારે આ ફેરે મહારાજ અને મોટાને રાજી કરી જ લેવા છે અને રાજીપામાં નડતરરૂપ અસત્ય બોલવાના અવગુણને તિલાંજલી આપવી છે. હવે મારે મારા જીવનમાં અસત્ય વચન બોલવું જ નથી.’ રાજીપા સામે આવી દૃષ્ટિ રાખવાથી મોટાપુરુષ અત્યંત રાજી થાય છે. આમ, નિરંતર મહારાજ અને મોટાને સત્ય વ્હાલું છે માટે મારે સત્ય જ બોલવું છે. હું સત્ય નહિ બોલું તો તે મારા પર રાજી નહિ થાય. માટે મારે બસ, એમને રાજી કરી લેવા છે... રાજી કરી જ લેવા છે એવા વિચારોમાં રાચવાથી સત્યપાલન માર્ગના યાત્રિક થવાશે.

બાળક જ્યારે નાનો હોય ત્યારે લખોટી અને ભમરડે રમે છે પણ જ્યારે એ જ બાળક મોટો થાય ત્યારે એનાં લખોટી અને ભમરડા વગર ઉપદેશે છૂટી જાય છે. એને એ વાતનો એટલો જ ખ્યાલ રહે છે કે, “હવે હું બાળક નથી, મોટો થઈ ગયો છું.” એમ આપણે અત્યાર સુધી ક્યાંક જાણે-અજાણે ખોટું બોલ્યા હોઈશું પણ આપણને એટલો ખ્યાલ રહે કે, “હું કોણ છું ?” “હું એસ.એમ.વી.એસ.નો યુવક છું.” એનાથી આગળ “હું કારણ સત્સંગી છું” અને પરભાવમાં “શ્રીજીમહારાજ પછી મારો નંબર બીજો છે, હું અનાદિમુક્ત છું.” તો જીવનમાં સદાય સત્ય વચન જ બોલાય. કદીયે ખોટું બોલાશે જ નહીં.

...માટે ઊઠો ને જાગો યુવાનો ચાલો સત્યના દુંદુભિનાદ કરવા; આપણા રોમરોમ પ્રત્યે શ્રીહરિનો ગમતો ‘સત્યપાલન’નો ગુણરૂપી શ્વાસ ભરી લઈએ ને સર્વોપરી ઉપાસના અને અનાદિની સ્થિતિના પ્રવર્તનનાં રૂડાં ગાન વિશ્વના કણેકણમાં અને હવાની પ્રત્યેક લહેરમાં લહેરાવી દઈએ... ભરી દઈએ...