યુવાન શોભે સાત્ત્વિકતાથી...

  August 12, 2015

પ્રશ્ન : જીવનમાં સાત્ત્વિકતા શા માટે જરૂરી છે ?

“તૃષ્ણાનદી નીર અગાધ દીસે, પ્રવાહ એનો પ્રબળ અતિશે; જે તત્ત્વવેત્તા પણ તે તણાય, તૃષ્ણા તણું જોર કહ્યું ન જાય...”

(શ્રીહરિલીલામૃતમ્ : કળશ 6, વિશ્રામ 25)

ધસમસતા પ્રવાહ સાથે વહેતી નદીના પાણીમાં કુશળ તરવૈયો કદાચ તરી જાય. પાણીના પ્રવાહ સામેની લડતમાં એ કદાચ હામ ન હારે. પરંતુ વ્યક્તિની આંતર દુનિયામાં અવિરત વહેતી તૃષ્ણારૂપી નદીનાં નીર અગાધ છે. એનો પ્રવાહ અતિશે પ્રબળ છે, વશ ન થઈ શકે તેવો હોય છે. જેમાં ગમે તેવો તત્ત્વવેત્તા એટલે કે જ્ઞાનને જાણનારો હોય તે પણ તણાઈ જાય છે.

નાથમોયડી વગરની યુવા અવસ્થામાંથી પસાર થઈ રહેલો આજનો યુવા વર્ગ પણ તૃષ્ણાના આ પ્રવાહ સમક્ષ હાર સ્વીકારવામાં બાકાત નથી. આજના યુવાનને તૃષ્ણા છે. લોકને પ્રભાવિત કરી મોભો, સત્તા, મોટપ મેળવવાની. આજના યુવાનને તૃષ્ણા છે મળેલા અમૂલ્યવાન મનુષ્યજન્મને વૈભવ, રંગરાગ, વિષયભોગમાં વેડફી નાંખવાની. પરિણામ રૂપે આજના યુવા વર્ગની જીવનશૈલીનો પ્રવાહ જ બદલાઈ રહ્યો છે.

ટેકનૉલોજી અને વિજ્ઞાનની શોધખોળથી સજ્જ એવી આજની 21મી સદીનો યુવાન રજોગુણી જીવનશૈલીથી જ નિર્ધારિત જીવનલક્ષ પૂર્ણ કરવાની આશા માંડી બેઠો છે. આવી ગેરસમજને લઈને રજોગુણી રહેણીકહેણી સહજ રીતે યુવાનોમાં જોવા મળે છે. રજોગુણી પહેરવેશ, આહાર, ઘરમાં ફૅશનેબલ ફર્નિચર... ટૂંકમાં દૈહિક સુખસગવડરૂપી બાહ્ય આડંબર આજે વીજળી વેગે વધ્યા છે.

યુવાનોમાં ઊંધી ટોપી, રંગીન ગોગલ્સ, કાબરચીતરાં શર્ટ, ભડકામણાં પેન્ટ્સ, રજોગુણી ખોરાક, વૈભવી વાહનો અને રહેઠાણનું જાણે ભૂત સવાર થયું ન હોય ! માથાના વાળથી માંડી પગના બૂટ સુધી અને ઘરમાં ઇન્ટીરિયર ડેકોરેશન સુધી ફૅશનની જાદુઈ લાકડી પરિવર્તનનો સ્પર્શ કરાવતી રહે છે. માત્ર યુવાનોમાં નહિ, પરંતુ જીવનની પાનખરમાં પ્રવેશેલા વડીલોને પણ યુવાનીના નૂર જાગ્યા છે. ફૅશનથી ઉદ્ભવતી કુરૂપતા એટલી અસહ્ય હોય છે કે પ્રત્યેક માનવીના વ્યક્તિત્વને જ બદલી નાંખે છે. જે ક્યારેય આધ્યાત્મિક માર્ગ તરફ એટલે કે શ્રીજીમહારાજ અને મોટાપુરુષના રાજીપા તરફ વળવા દેતું નથી.

એટલે જ અનુભવીઓએ કહ્યું છે,

“જેને હશે વૈભવ જો વિશેષ, તેને દિલે થાય વિશેષ ક્લેશ.”

(શ્રીહરિલીલામૃતમ્ : કળશ 3, વિશ્રામ 23)

આજનો યુવાન રજોગુણી જીવનશૈલીથી જ મોટાઈ, મહાનતા પ્રાપ્ત થશે એમ માની બેઠો છે. પરંતુ વ્યવહારિક અને આધ્યાત્મિક બંને માર્ગમાં મોટપ સાત્ત્વિક જીવનશૈલીથી પ્રાપ્ત થાય છે. પૂર્વે અને વર્તમાનમાં જે જે મોટપને પામ્યા છે તેના મૂળમાં સાત્ત્વિક જીવન તાદૃશ્ય થાય છે.

અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને ઉપ વડાપ્રધાન હોવા છતાં, તેઓના અંતિમ સમયે તેમનું બૅંક બૅલેન્સ ફક્ત રૂપિયા 18 હતું ! વળી, કપડાં પણ માત્ર ત્રણ જોડી જ હતાં. તેઓનાં ચશ્માનું ખોખું 20 વર્ષ જૂનું હતું અને તેમની ઘડિયાળ 30 વર્ષ જૂની હતી. ચશ્માંને એક બાજુ દાંડી અને બીજી બાજુ દોરો હતો છતાં પણ તેમનો પ્રભાવ ભારત પર આજે દાયકાઓ પછી પણ એવો ને એવો જ રહ્યો છે !

વિશ્વવિખ્યાત આલ્બર્ટ આઇન્સટાઇનની સાદગી સૌ યુવાવર્ગ માટે પ્રેરણાદાયી બની રહે તેવી છે. તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા ત્યારે યુનિવર્સિટી પ્રમુખે તેમને પગારની રકમ લખવા કોરો કાગળ આપ્યો. આઇન્સ્ટાઇન જેવા વિદ્વાન અને વિખ્યાત પ્રાધ્યાપકને પોતાની યુનિવર્સિટીમાં રાખવા તેઓ મોંમાંગી રકમ ચૂકવવા તૈયાર હતા. આઇન્સ્ટાઇને કોરા કાગળ પર રકમ લખી પ્રમુખને આપ્યો. પ્રમુખ રકમ જોઈ તાજુબ થઈ ગયા, અને બોલ્યા, “આટલો ઓછો પગાર તો અમારી યુનિવર્સિટીમાં કોઈ કારકુનનો પણ નથી.” આઇન્સ્ટાઇને કહ્યું, “આટલી રકમમાંથી ઘર સહેલાઈથી ચાલી શકે તેમ છે. મારે વધુ રકમની જરૂર નથી.”

આધ્યાત્મિક માર્ગમાં પણ શ્રીજીમહારાજ અને મોટાપુરુષોની અવરભાવની અલૌકિક જીવનશૈલી સ્વજીવન માટે પ્રેરણાદાયી છે.

ગઢડામાં કાઠી દરબારોએ એક સરસ ઘોડો શ્રીજીમહારાજને ભેટ આપ્યો. મહારાજ એ રોઝો ઘોડો વાપરતા. એક દિવસ કેટલાક દરબારો અંદરોઅંદર વાતો કરતા હતા : “મહારાજના આ રોઝા ઘોડાની આખા કાઠિયાવાડમાં એકેય જોડ મળે તેમ નથી.” મહારાજે વિચાર્યું, “આ તો સારો ઘોડો કહેવાય.” મહારાજ માટે તો સુવર્ણ અને ધૂળ સમ જ હતું, પરંતુ અન્યને ‘સારું’ મનાયું તોપણ આ વાતને મહારાજે ગંભીરપણે ધ્યાન પર લીધી. કારણ કે તેમનો સંકલ્પ અનંતને સાત્ત્વિકતાનો રાહ પ્રદાન કરી દિવ્યજીવન જીવાડવાનો હતો અને આજે પણ છે.

શ્રીજીમહારાજ સંધ્યા સમયે ઘોડા ઉપર બેસીને હરિભક્તો સાથે સ્નાન કરવા પધાર્યા. સૌને ખૂબ સુખ આપ્યું. ત્યાં એક યાચક બ્રાહ્મણ ઊભો હતો. તેને વ્યવહારિક પ્રસંગ ઉકેલવા દ્રવ્યની જરુર હતી. શ્રીજીમહારાજ અંતર્યામીપણે તેનું દુઃખ જાણી ઘોડાની લગામ પકડી બ્રાહ્મણ પાસે ગયા. ઘોડાની લગામ બ્રાહ્મણને સોંપી દીધી. આ જોઈ હરિભક્તો વિચારે ચઢ્યા, “અરર ! આવો સારામાં સારો ઘોડો આમ આપી દેવાય !” ત્યારે મહારાજે કહ્યું, “બહુ સારાં પદાર્થ બંધન કરે. સારાં પદાર્થ આપણે ન જોઈએ.” આપણને સાત્ત્વિક જીવનની પ્રેરણા આપવાની શ્રીજીમહારાજની કેવી એલૌકિક રીત !

શ્રીજીમહારાજની ગઢડા મધ્યના 33મા વચનામૃતમાં વર્ણવેલ અવરભાવની જીવનશૈલીની વાત આપણા માટે પ્રેરણાત્મક છે : “અને અમારે વગર ઇચ્છે પંચવિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે તોપણ તેને અમે ઇચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાંખીએ છીએ.”

યુવા માનસપટ પર એવી છાપ પડી ગયેલી હોય છે કે સાદાઈ એ ગરીબાઈનું પ્રતીક છે. પરંતુ સાત્ત્વિકતામાં જ સમૃદ્ધિ, ખરી આધ્યાત્મિક્તા અને મોટપ છે જે વૈભવમાં નથી. સાત્વિક્તા એ જ ખરું સત્સંગીપણું છે. સત્સંગીમાત્રનું આભૂષણ સાત્ત્વિકતા છે. આપણું સાત્ત્વિક જીવન એ મહારાજ અને મોટાપુરુષના મહિમાનું પ્રતીક છે.

આપણા જીવનપ્રાણ બાપાશ્રી પણ સ્વજીવનશૈલીની ઝાંખી કરાવી આપણને સાત્ત્વિક જીવન જીવવાની રુચિ જણાવે છે. “રાગ રૂપી મંદવાડ ટાળ્યા વિના મૂર્તિ આવે નહીં. માટે રાગ ટાળવા અને સારી વસ્તુનો ત્યાગ કરવો. અમને તો ગુવારનું શાક ને તેમાં છાશ નાંખેલી ને બાજરાનો રોટલો અને સાંજે મઠની ખીચડી એ જ ગમે છે. પણ ભારે વસ્તુ ગમતી જ નથી. તમારે પણ એમ કરવું.”

આપણા સૌના દિવ્યજીવનપ્રદાતા ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ ઘણી વાર ઉચ્ચારે છે : “4 રૂપિયાના જોડા (સ્લીપર) 14 વર્ષ સુધી ચલાવ્યો છે.” આપણા વ્હાલા પ. પૂ. સ્વામીશ્રી પાસે એક વખત એક હરિભક્તે સારી ડાયરી અને મોંઘી પેન સેવામાં આપવા માંડી ત્યારે પૂ. સ્વામીશ્રીએ તેને પ્રસાદીની કરી પરત આપી અને કહ્યું, “આવી સારી ડાયરી અને પેન વાપરવી અમને ન શોભે.”  કેવી સાત્ત્વિકતા !!!

આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીની કૃપાથી વર્તમાનકાળે એસ.એમ.વી.એસ. પરિવારના યુવાવર્ગ અને વડીલવર્ગમાં એવા ઘણા મુક્તો છે કે જેઓએ મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા સ્વજીવનશૈલીને સાત્ત્વિકતાનો ઓપ આપ્યો છે અને કેટલાય આપી રહ્યા છે જેઓ આજીવન શ્વેત વસ્ત્રો પહેરે છે અને ટૂંકા વાળ રાખે છે. ધન્ય છે આવાં સાત્ત્વિક જીવનના આગ્રહી રાજીપાનાં દિવ્યપાત્રોને...!

એસ.એમ.વી.એસ. ની શાન વધારનાર આવા યુવાનોમાંથી પ્રેરણા પામી એક યુવાન તરીકે આપણે પણ મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા ચેતવાની જરૂર છે. બાહ્ય આડંબરો – રજોગુણી જીવન એ શ્રીજીમહારાજ અને મોટાપુરુષના રાજીપાથી લાખો ગાઉ છેટું કરનારું છે. જ્યારે સાત્ત્વિક જીવન એ જ રાજીપાના રહસ્યનું એક અનોખું પાસું છે, શ્રીજીમહારાજના વ્હાલા થવાનું રહસ્ય છે.

પ.પૂ. સ્વામીશ્રીએ ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં આ વાતનું નિર્દેશન કરેલ છે કે, જેનું ભોજન સમૃદ્ધ તેનું ભજન સાદું અને જેનું ભોજન સાદું તેનું ભજન સમૃદ્ધ. સારું સારું જમવાનું, પહેરવાનું ગમવું ન જોઈએ. ભગવાનના ભક્તનું જીવન સાત્ત્વિક હોય છે.

આપણી રજોગુણી જીવનશૈલીમાં વધારો કરનારી બાબતો જેવી કે પંચવિષયમાં આસક્તિ, દેખાદેખી, આબરુની ચિંતા, રજોગુણી મિત્રોનો સંગ વગેરેને તિલાંજલિ આપી સાત્ત્વિક જીવન બનાવવા આટલું કરીએ :

(1) મળેલા સર્વોપરી મહારાજ અને મોટાપુરુષના મહિમાવંત થઈએ.

(2) સ્વજીવનમાં શ્રીજીમહારાજે આપેલ પંચવર્તમાનની પાળ બાંધીએ.

(3) સંતોષે યુક્ત જીવન બનાવીએ.

(4) જ્યાં ત્યાં, જેમ તેમ, જેવું તેવું, ચલવી લેતાં શીખીએ.

(5) સાત્ત્વિકતાને વરેલા મિત્રોનો સંગ જ કરીએ.

(6) નિત્ય અઠવાડિક સભામાં જઈ સંત-સમાગમ કરીએ.

(7) મહારાજ અને મોટાપુરુષના સાત્ત્વિકતા બાબતના અભિપ્રાયોને એમના જીવનમાંથી, સંગમાંથી, વાણીમાંથી જાણી તેનું મનન કરી વર્તનમાં મૂકીએ.