ઝોળી સેવાનું રહસ્ય

  June 19, 2019

દિવ્યાતિદિવ્ય ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા. સાથે તેમના અલૌકિક સ્વરૂપને ઓળખાવનાર એવા મુક્તો પણ પધાર્યા. જીવાત્માનો ભગવાન સાથે હથેવાળો કરવાનો હતો. તેથી તો સામે ચાલીને પોતાનું સર્વ પ્રકારનું ઐશ્વર્ય ઢાંકી ઢબૂરીને મનુષ્ય લીલા કરતા થકા સામાન્ય જીવને નયગોચર વર્તતા હતા. આપણે નાના બાળક સાથે વાત કરીએ કે રમાડતા હોઈએ ત્યારે આપણે તેમના માટે કેટકેટલું લેવલ નીચું કરવું પડે છે ? કાલી ઘેલી ભાષામાં વાતો કરવી પડે, તેના જેવું વર્તન કરવું પડે વગેરે. પણ આ તો થઈ સજાતિની વાત. અહીં તો એક બાજુ અનંત જન્મથી માયામાં અથડાતો કૂટાતો એવો જીવાત્મા છે તો બીજી બાજુ અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે તેથી,
                                 “નહોતી દીઠી ન્હોતી સાંભળી રે,    પ્રગટાવી રીત પુનિત પુરુષોત્તમ પ્રગટી રે...”.
 
       એવા ભગવાન સ્વામિનારાયણ છપૈયાપુરને વિષે પ્રગટ થયા. 28-28 વર્ષ સુધી દાદાખાચરના દરબારમાં ગઢપુરને વિષે દિવ્ય લીલાઓ કરી. જેમનામાં માયાના ચરિત્રને અંશમાત્રથી અને સર્વ પ્રકારે દિવ્ય છે તેવા ભગવાનના સર્વે ચરિત્રો માયિક હોય કે માયિક લાગતા હોય પણ તે દિવ્ય જ છે.
 
                                 ““પ્રાકૃત દિવ્ય ચરિત્ર મનોહર, મુમુક્ષુ ને છે સદાય સુખકર”.
 
      એવું જ એક ચરિત્ર મહારાજે કર્યું છે. મહાપ્રભુએ દિવ્ય લીલા શરૂ કરી છે. ક્યાં, ક્યારે કેવી લીલા કરશે તેને કોણ જાણી, સમજી શકે ? આજે મહારાજ ઉદાસ થઈને બેઠા છે. કંઈક ઊંડા વિચારમાં ડૂબ્યા હોય તેવું જણાય છે. કોઈને બોલાવતા નથી કે કોઈના સામું દૃષ્ટિ માંડી નથી. અમે ઘેરથી નીકળ્યા ત્યારે કેટકેટલો ઉંમગ અને ઉત્સાહ હતો ! વનવિચરણ નાની વયે કર્યું અને અનેક મુમુક્ષુઓનું કલ્યાણ કર્યું. દરમિયાન અમે કેટકેટલા ત્યાગ અને તપે યુક્ત વર્તતા હતા ? દેહને કેટલો બધો સૂકવી નાંખેલો ? આખરે ગુરુવર્ય રામાનંદ સ્વામી પાસે આવ્યા. સદ્ગુરુ રામાનંદસ્વામીએ અમને ગાદી સોંપી. અમે પણ આ જીવોને માટે કેટકેટલાં લીલાં ચરિત્રો કર્યા છે ? છતાં પણ... છતાં પણ કોણ જાણે જીવોને કાંઈ પડી જ નથી. ગાદી પર આવીને અમે અમારા લાડીલા ભક્તોના મનોરથ પૂરા કર્યા. તેઓ આ લોક અને પરલોકમાં સદાય સુખી રહે તે માટે સૌ સૌના ધર્મનિયમો બનાવ્યા. શિક્ષાપત્રી નામની સર્વજીવહિતાવહ એવી આજ્ઞાપત્રી બનાવી. તો આધ્યાત્મિક જ્ઞાન તેમજ ધર્મ, જ્ઞાન, ભક્તિ ત્યાગના સમન્વયરૂપ ઉપાસનાને મુખ્ય સ્વરૂપ ગણતો વચનામૃત ગ્રંથ લખાવ્યો. ઠેર ઠેર મંદિરો બંધાવ્યાં ને મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી અને આ બધાના સરળતમ પ્રચાર માટે વર્તનશીલ 500-500 પરમહંસોને ગામો ગામ મોકલ્યા. પાપના પર્વત એવા કેટકેટલા પામર જીવોને અમારા અક્ષરધામના માર્ગે મોકલી દીધા ! કળિયુગમાં સદ્ધર્મની એકાંતિક ધર્મની સ્થાપના કરી. સર્વોપરી એવા સ્વામિનારાયણ નામને આ બ્રહ્માંડમાં ગુંજતું કર્યું. સર્વનારાયણ માત્રનો સ્વામી એવો હું સ્વામિનારાયણ, તે મારું નામ લઈને કાળ, કર્મ, માયા આદિ ભયથી અનંત જીવો મુક્ત બન્યા, અને બનશે. પણ... પણ... આજે કોણ જાણે હજુ ધર્મનિયમની દૃઢતા તો જોવા મળતી જ નથી. જે હેતુસર અમે આ ભરતખંડને વિશે પ્રગટ થયા તે હેતુ શું અપૂર્ણ રહી જશે ? હવે અમને આ લોકમાં રહેવું ગમતું નથી.
 
       ત્યારે નિકટવર્તી સંતે પૂછી નાંખ્યું, “દયાળુ ! આપ આજે આમ ઉદાસ જેવા ને ચિંતિત કેમ જણાવ છો ? શું આપના રાજીપામાં કોઈ ખામી રહી ગઈ છે ?” મહારાજ બોલ્યા, “બસ, અમારે તો હવે અહીં રહેવું જ નથી. કોઈ ધર્મનિયમની દૃઢતા જણાતી નથી. અહીં તો હેતુસર રહીએ ?”
 
       ત્યારે તે સંત બોલ્યા, “મહાપ્રભુ ! આપ તો ભગવાન સ્વયં છો.”
 
       ત્યારે મહારાજ કહે, “તમે બધાએ ભેગા થઈને મને ભગવાન કહી લડાવી માર્યો છે. મારે ભગવાન નથી થવું.”
 
       ત્યારે મહારાજ આગળ બોલે છે, “હવે તો અમે નક્કી જ કર્યું છે કે હવે અમારે સાધુ થવું છે. પછી તો મહારાજે પોતે સાધુના વસ્ત્રો મંગાવ્યા ને પહેર્યા. પૂરો સ્વાંગ સજી દીધો. સૌ મૂંઝવણમાં છે પણ મહારાજ આજે મક્કમ છે. મહારાજે કહ્યું, “હવે અમારા નિયમધર્મ આજથી બદલાયા છે. સાધુ હોય તેણે અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું પડે તે મે પાળીશું. અને સર્વ નિયમે યુક્ત વર્તીશું અમે જમવામાં પણ પતરમાં જ જમીશું. ધાતુના પાત્રમાં હવે અમારાથી જમાડાય જ નહિ. સાધુ થઈશું તો શ્રેષ્ઠ સાધુ થઈશું. જળ ધરાવવા માટે અમારે તુંબડીની જરૂર પડશે.” પછી તો મહારાજે સદ્.નિષ્કુળાનંદ સ્વામીની વાંકી તુંબડી હતી તે તાત્કાલિક મંગાવી લીધી છે. સદ્.નિષ્કુળાનંદસ્વામી વૈરાગ્યના અંગે યુક્ત હતા તેથી તેમની તુંબડી પણ તેમની મરજીને વશ વર્તતી હતી. આમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આજે સાધુ બન્યા છે. વચનામૃતમાં તેમણે જે વાક્ય કહેલું કે, “ખરો સાધુ તો હું જ છું.” તેની આજે સાકાર સ્વરૂપે સૌને પ્રતીતિ કરાવી છે.
 
       હવે તો અમે ઝોળીનું જ અન્ન જમીશું. દરમિયાન મકરસંક્રાતિ ઉત્તરાયણનું પવિત્ર પર્વ પણ આવી ગયું હતું. આ દિવસે અન્નદાનનો મહિમા શાસ્ત્રમાં ખૂબ ખૂબ કહ્યો છે. અન્નદાન એ સૌથી અધિક દાન છે. સ્વયં અક્ષરધામના અધિપતિએ નૌતમ લીલા ધારણ કરી ગઢપુરની શેરીઓમાં ઝોળી માગવા માટે નીકળ્યા છે. આજે ઝોળીસેવા માટે સંતો નીકળે છે તે કંઈ નૌતમ પ્રણાલિકા નથી. મહારાજે સ્વયં તેને અનુમોદન આપ્યું છે અને ઝોળીસેવાનો ખરો અર્થ સમજાવ્યો છે.
 
       આપણે જે કંઈ કરીએ તે સમજી સમજીને કરીએ. ગૃહસ્થો ઝોળીમાં સેવા આપે તો તેનો પણ કંઈક હેતુ છે. સંતો ઝોળીમાં દાન સ્વીકારે છે. તો તેનો પણ વિશિષ્ટ હેતુ છે. જ્યારે આ બંને પાત્રો સમજથી કાર્ય કરે છે ત્યારે તેનો વાસ્તવિક હેતુ સિદ્ધ થાય છે ને તે પરિણામલક્ષી તથા ફળદાયી નીવડે છે.
 
       મહારાજની સાથે સાથે ઝોળીમાં સંતો પણ નીકળ્યા છે. સદ્.ગોપાળાનંદસ્વામી, સદ્.મુક્તાનંસ્વામી, સદ્.નિત્યાનંદસ્વામી, વગેરે સંતો જે તેમની મરજીને જાણતા તથા અખંડ તે પ્રમાણે વર્તતા તેવા સંતો પણ આજે આ સાથે જોડાયા છે. “સ્વામિનારાયણ હરે... સચ્ચિદાનંદ પ્રભો... ની અહાલેકથી ગઢપુર ગામ ગુંજી ઊઠ્યું છે ! કેટકેટલા જન્મો સુધી તપ કરે તોપણ આવા ભગવાનનો ભેટો થવો સંભવિત નથી ત્યારે સ્વયં શ્રીહરિ સામે ચાલીને ગઢપુર જનોની પાસે ઝોળીએ નીકળ્યા છે ! ધન્ય છે તે ભૂમિને ! ધન્ય છે તે ભૂમિ પર નિવાસ કરતા ગ્રામવાસી જનોને !!”
 
       એકગણું લઈને તેને અનંતગણું પાછું આપવું તે તો ભગવાન અને તેમના સત્પુરુષોને જ આવડે. જેટલું લે તેટલું પાછું આપે તેને કહેવાય માણસ. અને જેટલું લે તેથી અનંતગણું પાછું વાળે તેને કહેવાય ભગવાન. અને જો પોતાનું બિરૂદ જાણીને આ રીતે ન વર્તે તો એ ભગવાન શાના ?
 
       ગઢપુરવાસી જનોને તો આ પ્રસંગ એક મહોત્સવ સમાન બની રહ્યો છે ! આવી તક ભલા જીવનમાં વારંવાર આવવાની ખરી ? ભગવાન આપેલું છે અને તેમનું તેમને અર્પણ કરવાનું છે એવી ભાવના સાથે અપાય તો મનમાં સંકલ્પ વિકલ્પ ટકે નહિ. નહિ તો પછી કહેવત છે ને કે “સારા કામમાં સો વિધ્નો આવે.” છેવટે સગાં, વ્હાલા, મિત્રો અને તેથીય આગળ વધીઓ તો મન, ઈન્દ્રિયો પણ તેમ કરતાં રોકી શકે છે.
 
       મહારાજે આજે બધા સંતોને ભેગા રાખ્યા છે. કેવા ધર્મ નિયમે યુક્ત સંતોથી આ દિવ્ય વૃંદ શોભી રહ્યું છે !! એવા જ એક સંત સદ્ગુરુ નિત્યાનંદસ્વામી હતા બુંદેલખંડમાં આવેલા દંતિય ગામમાં તેમનું પ્રાગટ્ય થયું. દીનમણિશર્મા તેમનું નામ. દેશ દેશાવરમાં તો તેમનો વેપાર ચાલે. કરોડપતિ પાર્ટી અને સમૃદ્ધિની અઢળક છોળો એ જમાનામાં તેમની પાસે ! સોનાની થાળીમાં તો તેઓ જમતા અને બહાર નીકળવા માટે સોનાની પાલખી તથા નોકર, ચાકર, સર્વ તહેનાતમાં સદૈવ તૈયાર રહે. રાજા   મહારાજ  ધિરાજ જેવો જેમનો ઠાઠ હતો. તેમનો પડ્યો બોલ ઝીલવા સૌ તૈયાર રહે અને ત્યારે કોઈને સંકલ્પ પણ ન હોય કે આજ દીનમણિશર્મા આવતી કાલે ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત થશે. અને ભગવાન સ્વામિનારાયણ સાથે ગઢપુરની શેરીમાં ઝોળીસેવા માટે નીકળશે.
 
       લોહચુંબકનો ગુણ છે કે લોખંડને આકર્ષવું.
 
       પણ તેની પાત્રતા પ્રમાણે તેને આકર્ષે. ખૂબ નજીક આવે ત્યારે તેને આકર્ષે. પણ અહીં તો ચમકનો એક પર્વત હોય તેમ તેમણે આવી સમર્થ પાર્ટીઓને પોતાની અલૌકિક સામર્થીથી ખેંચ્યા હતા. મહારાજ જેટલી સ્મૃદ્ધિ તો કોઈ પાસે હોવી શક્ય નથી. અહીં તો સ્વયં સમૃદ્ધિ હતી !!
 
       એવા દિનમણિશર્માને મહાપ્રભુએ ખેંચ્યા. શ્રીજીનાં દર્શન માટે વેગવાન બન્યા. તીવ્ર વૈરાગ્યનું પુર ઉછાળા મારવા લાગ્યું. સાધુ બન્યા અને સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું. અને આ શું ? હજી તો આજે જ સાધુ થયા ને મહારાજે તેમને હાથમાં ઝોળી આપી અને ઝોળી સેવા માટે મોકલ્યા છે !! બજારમાં નીકળ્યા ત્યારે સૌને નવાઈ લાગી. અને સ્વામીએ તો ભગવાનનો જાણે વર્ષો જુનો આગવો સંબંધ હોય તેમ... સ્વામિનારાયણ હરે... સચ્ચિદાનંદ પ્રભો... ની અહાલેક ગજાવી. આનંદ અને ઉત્સાહથી તેઓ પોતે પોતાના નામ તેવા ગુણોને આજે સાર્થક કર્યું છે. “મારાથી આવી સેવા થાય ખરી ? શરમ અને સંકોચને આજે તેમણે મનથી તિલાંજલિ આપી દીધી છે. લોકલાજ, માન, મોટપ, આબરૂ, પ્રતિષ્ઠા વગેરેનો ત્યાગ કર્યો છે અને ભગવાનની સેવામાં પોતે જોડાયા છે. અત્યાર સુધી કેટલાય યાચકોને પોતાના ઘેર પોતે ભિક્ષા આપી હશે. આજે તેઓ સ્વયં ઝોળી માંગવા નીકળ્યા છે”
 
       પણ ભગવાન સ્વયં જાતે કરી બનાવ્યું છે અને પછી ઉપદેશ આપ્યો છે. તેથી તો તેમના વર્તનની અમિટ છાપ આજે પણ લોકમાનસના ઉરમાં જીવંત છે. ગઢપુરમાં મંદિર બંધાવતી વખતે પણ સોનેરી માળિયા પર, મસ્તક પર પથ્થર મૂકીને સૌને સેવાનો સાચો મર્મ સમજાવ્યો હતો. આજે પણ ઝોળીસેવાનું રહસ્ય છતું કરવા માટે તેઓ અને તેમના સંતો નીકળ્યા છે.
 
       અંતરમાં ભગવાન સ્વામિનારાયણ મળ્યાનો સદ્.નિત્યાનંદ સ્વામીને ભારે ઉમંગ છે. કેટકેટલી ઊર્મિઓ અંતરમાં વહેતી થઈ ગઈ હશે ! કોની આજ્ઞાથી મારે આજે આ દિવ્ય સેવાનો લાભ મળ્યો છે ! ભગવાનની આજ્ઞાનો તરવરાટ હૈયાને હચમચાવી રહ્યો હશે..
       કોઈકે ધીરજ ગુમાવી અને મહારાજને પૂછી નાંખ્યું. “મહારાજ ! આવા ધનવાન પરિવારમાંથી આવનારા સદ્.નિત્યાનંદ સ્વામી પાસે તમે આવી રીતે ઝોળી મગાવો છો ? દયાળુ ! શું એ ભીખારી છે ? શું તમારી પાસે ખાવા દાણા પણ નથી ?” અને બીજું શું શું નહિ કહ્યું હોય તેની કલ્પના કરી શકાય છે. ત્યારે મહાપ્રભુએ ઉત્તર વાળ્યો, “જે કરોડપતિને વશ કરીને સાધુ કરી શકે તેની પાસે શું ન હોય ? તથા તેને શાની ખોટ હોય ? આ તો આવા અનંત જીવોની ખોટનાં ખાતાં વાળવાં માટે અમે ને અમારા સંતોનું આ વિચરણ છે. જગતના લોકો ગમે તે માને. તે નજર સામે રાખીએ તો અમારું “દયાનિધિ”નું બિરૂદ ખોટું પડી જાય. અમારે તો થોડીક સેવા લેવી છે અને તેના બદલામાં કદિ કોઈએ આપી ન હોય તેવી અક્ષરધામની દિવ્ય સેવામાં રાખવો છે. અને અલૌકિક લાભ આપવો છે. તેવો અમારો અતિ ભારે સંકલ્પ છે. માટે આવી વાતો જીવ સમજી ન શકે તે સ્વાભાવિક છે. પણ જો સમજે તો ઝોળીસેવા જરૂર છલકાવી દે છે. એક સામાન્ય નાગ પણ તેનો સ્વભાવ છોડતો નથી. દુર્જન માણસો તેમનો સ્વભાવ મૂકતા નથી તો અમે અમારો સ્વભાવ જે સૌનું કલ્યાણ કરવાનો છે તે કઈ રીતે મૂકી શકીએ ?
 
       અમે કંઈ ઘઉં, ચોખા, દાળ, ઘી, ગોળ, તેલ, ખાંડ માટે આવ્યા નથી. આતો આ લોકની દૃષ્ટિએ લોકો પુણ્ય કરવાના હેતુસર આ બધું આપે છે ને અમે અમારી અલૌકિક રીત પ્રમાણે વર્તીએ છીએ.
 
       આવી રીતે મહાપ્રભુ તો એક અઠવાડિયા સુધી સંતો સાથે ગઢપુરની શેરીઓમાં ઝોળીસેવા લેવા માટે અને મૂર્તિદાન આપવા માટે પધાર્યા હતા. સાથે તેમના લાડીલા સંતો પણ હતા. તો મોટેરા હરિભક્તો જેવા કે દાદાખાચર, અલૈયા ખાચર, વસ્તા ખાચર, ઝીણાભાઈ, પર્વતભાઈ વગેરે પણ હતા. સૌને ઝોળીસેવા રહસ્ય વાતવાતમાં સમજાવી દેતા હતા કારણ કે તેઓ તેમના થઈને રહ્યા હતા.
 
       વર્તમાનકાળે પણ ગુરુવર્ય પ.પૂ.બાપજી, પૂ.સ્વામીશ્રી અને પૂ.સંતો પણ ઘેર ઘેર જઈ ઝોળી સેવાના નિમિત્તે મૂર્તિસુખ આપી અનંત મુમુક્ષુઓને સુખિયા કરે છે અને તેથી આપણે પણ ઝોળીસેવાનો લાભ લઈએ ને સર્વેને લેવડાવીએ.